નારીસંપદા : ટૂંકી વાર્તા/તાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તાવ

પૂજા તત્સત

'જય શ્રીકૃષ્ણ, કેમ છો?' એરપોર્ટ પહોંચતા જ લેવા આવેલા સૌને બે હાથ જોડીને આદિત્ય સસ્મિત બોલ્યો. 'તમે વૈદેહીભાભી ને? સાક્ષાત દુર્ગા....' વૈદેહી સામે જોઈને એ બોલ્યો. વૈદેહી થોડું શરમાઈને હસી, 'આવો આવો આદિત્યભાઈ, વેલકમ ટુ ઈન્ડિયા—' એને આજે સવારથી પાછું થોડું તાવ જેવું.... પછી પગે લાગવાનો વિધિ ચાલ્યો. બેગો ગાડીમાં ગોઠવાઈ. ઘરે પહોંચતાં થાકેલાં ઊંઘરેટાં સૌ ગોઠવાયાં. એક મોટા સંયુક્ત કુટુંબમાં એનઆરઆઈ જમાઈરાજ, દીકરી અને બાળક સહિત પધાર્યા હતાં. છ ફૂટ હાઈટ, ગોરો વાન અને એની સાથે શોભતો સાલસ સ્વભાવ. ક્યાંય કશી કમી નહીં. કશી આછકલાઈ નહીં. માત્ર સભરતા, સરળતા. યુએસમાં જ ગર્ભશ્રીમંત એનઆરઆઈ કુટુંબમાં જન્મીને ઊછરેલ આદિત્ય હજી બે વર્ષ પહેલાં જ વૈદેહીની પિતરાઈ નણંદ સોહા સાથે પરણ્યો હતો. વર્ષ પહેલાં એમને ત્યાં એક સુંદર બાળકી જન્મી હતી. આખું ઘર આનંદમાં મગ્ન હતું. એમાંય નમણી કળી જેવી પૂર્વાને જોવા તો સૌ આતુર હતા. બીજા દિવસે સવારે શોર્ટ્સ અને વ્હાઈટ ટીશર્ટમાં સજ્જ આદિત્ય ધડધડ દાદરા ચડીને ડાઈનિંગ રૂમમાં અને પછી સીધો રસોડામાં ધસી ગયો. પૌંઆ, ટોસ્ટ સેન્ડવિચ, ચા, કોફી તૈયાર કરતી વૈદેહીને મદદ કરાવવા લાગ્યો. 'લાવો ભાભી, અમારા ઘરમાં આ બધું હું જ કરું છું. પૂર્વાનાં જન્મ પછી તો એ જ ક્રમ બની ગયો છે.' નિખાલસતાથી હસતા આદિત્યના હાસ્યમાં દાડમની કળીઓ ચમકી રહી. એ બોલતી વખતે શબ્દેશબ્દ છૂટા પાડીને વચ્ચે એકપણ શબ્દ અંગ્રેજીનો ન આવે તેનો ખ્યાલ રાખતો. “તમારું ગુજરાતી ખૂબ સુંદર છે-' વૈદહીએ એના હાથમાંથી નાસ્તાની ટ્રે લેવા હાથ લંબાવ્યા. '-લાવો મને આપી દો. અમેરિકા જઈને આ બધું કરજો. અહીં અમને તમારી સરભરાનો લાભ લેવા દો.' વૈદેહી હસતાં હસતાં બોલી. ‘-ના બિલકુલ નહીં. હું અહીં છું ત્યાં સુધી કામ કર્યા વિના નહીં રહી શકું. આદત પડી ગઈ છે. ને ગુજરાતી બોલવું અમારા ઘરમાં ફરજિયાત હતું એટલે આવડે છે.' ત્યાં સુધીમાં ઘરના બધા સભ્યો તોતિંગ ડાઈનિંગ ટેબલની ખુરશીઓ પર ગોઠવાઈ ચૂક્યા હતા. વૈદેહીનો પતિ શશી ખુરશી પર ગોઠવાતાં વૈદેહી તરફ જોઈને બોલ્યો, 'આ કયું બટર છે? આપણે રોજ લો-કેલરી બટર ખાઇએ છીએ. ખબર તો છે તને! આદિત્ય પણ કેલરી કોન્શિયસ છે. અત્યારે જ મોકલ શ્રવણને લો કેલરી બટર લેવા-' વૈદેહીનું મોં તરત લેવાઈ ગયું. 'હા પણ ગઈ કાલે નીચેની શોપમાં લો-કેલરી ન મળ્યું એટલે-' એ સંકોચથી ડરથી થોથવાતી બોલી. ‘-અરે અમૂલ ઓરિજિનલ બટરની વાત જ ન થાય. મારે કંઈ લો-કેલરી બટર ખાવું નથી. ભારત આવ્યા પછી કેલરીની ઐસીતૈસી. બેસો ભાભી, જરૂર નથી.' આદિત્ય બ્રેડ પર બટર- નાઈફ વડે ઢગલાબંધ બટર કુશળતાપૂર્વક લગાવતાં બોલ્યો. ઝંખવાયેલી વૈદેહી જોઈ રહી. આદિત્ય બટર લગાવીને ત્વરાથી સૌની ડિશમાં બ્રેડ મૂકી રહ્યો. વૈદેહીએ હાથમાં ચાનો કપ પકડીને ધીમેથી પીવાનું શરૂ કર્યું. અચાનક એની નજર સામેનું દૃશ્ય બદલાઈ ગયું. મિડલ ક્લાસ ફલેટનો નાનકડો સાદો ડ્રોઈંગ રૂમ. ટેબલ પર પપ્પાએ બનાવેલી ચા ને આગલી સાંજની ભાખરી. 'ચલો બધા ચા પીવા મજાની કડક ને મીઠી-' પપ્પાનો સંગીતમય લહેકો. અચાનક પૂર્વાના રડવાના અવાજે વૈદેહીની વિચારમાળા અટકાવી. 'સોહા, તું બ્રેકફાસ્ટ કરી લે. મારું પતી ગયું છે. હું પૂર્વાનું ડાયપર બદલું છું -' કહેતો આદિત્ય પૂર્વાને સોહા પાસેથી લઈને બહાર ગયો. ઘરનાં સૌ સભ્યોને આદિત્યની સરળતા સ્પર્શી રહી. દીકરીને આવો સર્વગુણ સંપન્ન વર મળવા બદલ માતાપિતા ધન્યતા અનુભવી રહ્યાં. વૈદેહી પણ નવાઈથી જોઈ રહી હતી. પુરુષપ્રધાન એ સંયુક્ત કુટુંબમાં છેલ્લાં અઢાર વર્ષમાં આદિત્ય જેવા પુરુષપાત્રનો સૌપ્રથમ વાર પ્રવેશ થયો હતો. રોજ સવારે બ્રેકફાસ્ટ સમયે વાતાવરણમાં છવાયેલી તંગદિલી આજે જાણે કે ગેરહાજર હતી. હવામાં જાણે કે હળવાશની નવી સુગંધ ઉમેરાઈ હતી. શશી અને એના પિતા વચ્ચે છેલ્લા લગભગ છ માસથી અબોલા હતા. પિતાપુત્ર ડાઈનિંગ ટેબલ પર એકબીજાની બાજુમાં બેસવાનું પણ પસંદ ન કરતા. સામસામે પણ પરાણે બેસતા. આજે જાણે એ ક્રમ પણ તૂટયો હતો. બંને બાજુ બાજુમાં બેઠા હતા. વૈદેહીનું હમણાં જ એ તરફ ધ્યાન ગયું હતું. આવું કેમ કરતાં બન્યું હશે ? આદિત્યનું આગમન...? વર્ષોથી કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા પિતા પુત્રની ધંધાવૃત્તિથી નાખુશ હતા. પુત્રને પોતાના જ વ્યવસાયમાં જોતરવાનું એમનું સ્વપ્ન નિષ્ફળ ગયું હતું. એ જ કારણ હતું જેનાથી છેલ્લાં પંદર વર્ષથી પોતાના ધંધાને સ્વતંત્ર રીતે ટોચે પહોંચાડવામાં સફળ થયેલ શશી પ્રત્યે હજુ પણ પિતાની નારાજગી અકબંધ રહી હતી. પિતા સાથેના અણબનાવથી વ્યથિત શશીનો બધો ગુસ્સો વાત વાતમાં વૈદેહી પર ઊતરતો. ક્યારેક શબ્દો દ્વારા. ક્યારેક અકળામણ થાય તેવા મૌન દ્વારા. એક બીજું પણ કારણ હતું. વૈદેહી અઢાર વર્ષના લગ્નજીવનમાં શશીને પુત્રસંતાન આપવામાં નિષ્ફળ ગઈ હતી. દેવની દીધેલ કાચની પૂતળી જેવી તેર વર્ષની નિયતિને પિતાનો પ્રેમ તો મળતો. પણ નિયતિના જન્મ પછી વૈદેહી બીજી વાર માતા બનવામાં નિષ્ફળ રહી હતી. વિજ્ઞાન કે ભગવાન બંને આ બાબતે કશું કરી શક્યાં ન હતાં. કેટકેટલી રાતો એણે ધૂંધવાયેલા પતિની પડખું ફરેલી પીઠ જોતાં ઓશીકાં ભીંજવીને પસાર કરી હતી. પતિપત્ની વચ્ચે ક્યારેક દિવસો સુધી ચાલતા અબોલા એક સ્વાભાવિક બાબત બની ગઈ હતી. વૈદેહી દીકરીનાં ભણતરમાં અને વસ્તારી ઘરની જવાબદારીઓમાં પરોવાયેલી રહેતી અને શશી ધંધામાં ગળાડૂબ. પરિણામે અઢાર વર્ષનું લગ્નજીવન શીતકટિબંધના પ્રદેશમાં પ્રવેશી ચૂક્યું હતું. જેની એક મનોશારીરિક અસરરૂપે વૈદેહી દર ત્રીજા દિવસે શરીરમાં વિચિત્ર ઝીણો તાવ અનુભવતી. એનો તાવ જાદુઈ રીતે ચડતો અને ઊતરતો. રાત્રે ભોજન બાદ સૌ કુટુંબીજનો વિશાળ ડ્રોઇંગરૂમમાં દીકરી - જમાઈની આસપાસ ટોળે વળ્યાં.. 'આદિત્ય બહુ સરસ ગાય છે. ઇન્ડિયન કોમ્યુનિટીનાં બધાં ફંકશનમાં એને ગાવાનું નક્કી જ હોય- સોહા અચાનક બોલી. 'હા હા ગાઓ આદિત્યભાઈ' સૌ એક અવાજે બોલી ઊઠયા. 'ના ગાવું જ પડશે-' 'તમે નહીં કહો તોય હું ગાઈશ. સોહાએ ના કહ્યું હોત તો હું જાતે જ કહેવાનો હતો કે મને ગવડાવો. મને તો ગાવાનું વ્યસન છે -' આદિત્યના અવાજમાં ટીખળ અને સરળતા છલકી રહી. ને અત્યંત ભાવવાહી અવાજે એણે 'ભક્ત સૂરદાસ' ફિલ્મનું જૂનું ગીત ‘નૈનહીન કો રાહ દિખા પ્રભુ' રજૂ કર્યું ત્યારે સૌ અવાચક હતા. વિદેશમાં વસતા અને ઊછરેલા ત્રીસ વર્ષના યુવકમાં આટલું ભાવવાહીપણું, એની ગીતની પસંદગી, શબ્દોની આવી રજૂઆત... સરળતા, પ્રતિભા, દેખાવ બધું એક વ્યક્તિમાં એકસાથે કઈ રીતે શક્ય બને? વૈદેહી ભાવમાં ભીંજાઈ રહી. ઘરનાં સૌ કોઈ પણ. 'ભાભી પણ સરસ ગાય છે. ભાભી ગાઓ-' સોહા. 'અરે મને તો કોઈએ કહ્યું જ નહીં! વૈદેહીભાભી ગાઓ-' આદિત્ય ઉત્સાહથી બોલી ઊઠયો. 'મને તો યાદ પણ નથી. છેલ્લે ક્યારે ગાયું હતું-' વૈદેહી. 'સૂર ગળામાંથી એટલો જ નીકળે છે જેટલો ભગવાન સાથેના જોડાણથી. ભૂલી જાઓ કે ઘણા વખતથી ગાયું નથી. બસ એક ક્ષણ તાર જોડાય એટલી રાહ જુઓ અને ગાવાનું શરૂ કરો.' - આદિત્ય. થોડી ક્ષણો વૈદેહી જોઈ રહી. આ તો ગુરુજીના જ શબ્દો. થોડા સમય પહેલાં એણે શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. પણ જવાબદારીઓના બોજા હેઠળ રિયાઝ ઘણી વાર ચૂકી જવાતો. પછી કંટાળીને મૂકી દીધેલું. પછી તો ગાવાની ઈચ્છા પણ મરી પરવારી. પણ કોણ જાણે આજે એને પણ એકદમ ગાવાનું મન થયું. પેલો તાવ જાણે કે અંદર અંદર દમ તોડી રહ્યો હતો. એણે દેસ રાગમાં ગુરુજીએ શીખવેલ 'મન તોસો કીતી કહી સમુજાઈ- અત્યંત સુરીલા અવાજમાં ગાયું.' સાંભળનારા સૌ મગ્ન હતા. આદિત્ય ગુલતાન થઈને 'અતિસુંદર’ બોલી ઊઠયો. 'તમારે ગાવાનું ચાલુ રાખવું જ જોઈએ. ભગવાને આપેલી ટેલેન્ટને અવગણવી એ તો પાપ છે. તમારાં અવાજ પરથી કોઈ ન કહે કે ઘણા વખતથી ગાયું નથી-' વૈદેહી મુગ્ધભાવે સાંભળી રહી. ગુરુજી બાદ પહેલી વાર કોઈએ એની પ્રશંસા કરી હતી. મોડી રાત્રે કુટુંબસભા વીખરાઈ. આદિત્યનું ગાયન અને એના શબ્દો મનમાં દોહરાવતી, મમળાવતી એ પથારીમાં આડી પડી ત્યારે શશી સૂઈ ગયેલો. એ ક્યાંય સુધી જાગતી પડી રહી. આજે ન જાણે ક્યાંથી એક આનંદનું, લાગણીઓનું ઘોડાપૂર ઊમટી પડયું હતું. એક મિડલ ક્લાસ કુટુંબમાં એનો જન્મ અને ઉછેર. બાવીસ વર્ષે ધનાઢ્ય સંયુક્ત પરિવારના શશી સાથે લગ્ન. પ્રથમ પાંચ વર્ષનું નિઃસંતાન લગ્નજીવન અને છેલ્લાં તેર વર્ષથી દીકરીને જન્મ આપ્યાના અપરાધભાવથી કચડાતું જીવન. આ બધામાં સંગીત તો ક્યાંય વીસરાઈ ગયેલું. લગ્ન પહેલાં પિતાગૃહે એક સંગીતશિક્ષક ઘરે સંગીત શીખવવા આવતા. પણ હજી તો એની શરૂઆત થઈ ત્યાં જ લગ્ન... મોડી રાત સુધી કાન માંડીને રેડિયો પર વિવિધ ભારતીનાં ગીતો સાંભળતી ત્યારે પપ્પા પોરસાતા. મિરઝા ગાલિબની ગઝલોમાં ગળાડૂબ વૈદેહી ગઝલના અર્થો સમજવા મનોમંથન કરતી ત્યારે પપ્પાએ ઉર્દૂ ડિકશનરી લાવી આપી. પણ અહીં આ ઘરમાં આવ્યા પછી લાગ્યું કે જાણે કોઈ જુદા ગૃહ પર આવી ચડી છે. બહોળું કુટુંબ. મહેમાનોની સતત અવરજવર. નોકરચાકર ખરા પણ સંગીત માણવાની ફુરસદ કે શાંતિ ક્યારેય ન મળતી. ને હવે તો મન પણ મરી ગયું હતું. એનો દબાયેલો સંગીતપ્રેમ હવે શરીરમાં ઝીણો તાવ બનીને પ્રસરી રહ્યો હતો. પણ આજે ન જાણે કેમ આખા શરીરમાં સુખ લોહી બનીને નસોમાં દોડી રહ્યું હતું. રાતના બે વાગ્યા હતા પણ રોજ રાતની કંટાળા અને થાકથી ભરેલ એ સુસ્તતા ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. આવું કેમ કરતા... આજે ઘણા દિવસે ગાયું એટલે... કે પછી આદિત્યભાઈના શબ્દો... અચાનક સંકોચથી એણે પોતાના મોં પર હાથ ઢાંકી દીધા. બીજા દિવસે સવારે એ ટેબલ પર ચાના કપ વગેરે તૈયાર કરતાં આનંદથી ગણગણી રહી હતી. શશી ડાઈનિંગ રૂમમાં આવ્યો ત્યારે થોડી ક્ષણો એ પણ ઊભો રહી ગયો. 'કેમ આજે શું છે સવાર સવારમાં સંગીત-' સહેજ હસતાં એ બોલ્યો. વૈદેહી ચમકી. 'કંઈ નહીં, અમસ્તું એક જૂનું ગીત યાદ આવી ગયું-' રાત પડ્યે વળી પાછી કુટુંબ-મહેફિલ જામી. ચાલો ભાભી, આજે પાછું ગાવાનું છે ને?' 'ઝભ્ભાલેંઘામાં આદિત્ય નખશિખ સંગીતકાર જેવો દીપી રહ્યો હતો. 'એને તો ભાવતું'તું ને વૈદે કી'ધું. એને ક્યાં તું ચણાના ઝાડ પર ચડાવે છે? તું જઈશ પછી અમારે બધાને તકલીફ થઈ જશે' - શશી. 'ના, ખરેખર ભાભી અદ્ભૂત ગાય છે. એમણે ચાલુ રાખવું જ જોઈએ’ - આદિત્ય. વૈદેહી બંને સામે વારાફરતી જોઈ રહી. થોડી વારે આદિત્ય ડ્રોઇંગહોલની વિશાળ બારી પાસે જઈને ઊભો રહ્યો. ઊંધા ઊભેલા આદિત્યના છટાદાર વ્યક્તિત્વને વૈદેહી થોડી ક્ષણો અનિચ્છા છતાં જોઈ રહી. કુંવારી હતી ત્યારે ઘણી વાર લગ્ન-ભાવિ પતિ અને સ્વભાવ-દેખાવ વિશે વિચારતી. આંખો બંધ કરતી ત્યારે દરિયાકિનારે ઊભેલ ગીતની પંક્તિઓ ગણગણતા એક ઝભ્ભાધારી પુરુષની પીઠ એને ઘણી વાર દેખાતી. એ એનો સ્વપ્નપુરુષ... ચલો ભાભી, મહેફિલ શરૂ થઈ ગઈ-' 'સોહાના અવાજે એને ઢંઢોળી. સહુ ગોઠવાયાં. 'ભાભી તમને આ ગીત આવડે છે?' આદિત્યએ પોતાની ડાયરીમાંથી કમ્પ્યુટર પર પ્રિન્ટ કરેલ ખૂબ જૂનું સુમધુર ગીત વૈદેહીને આપ્યું. 'અરે આ તો મારું ફેવરિટ ગીત છે. પહેલાં હું બહુ ગાતી પણ ઘણા વખતથી મેં ગાયું નથી.’ - 'પાછું ઘણા વખતથી? અરે ગાઓ એટલે ગવાશે-' આદિત્ય બોલ્યો. વૈદેહીએ ખૂબ ભાવ સાથે ગીતને પૂરો ન્યાય આપ્યો. થોડા ગીતો, જોક્સ, પૂર્વાનું રુદન, ઘરની સ્ત્રીઓની ગુસપુસ, બગાસાં, ચા-કોફીના કપ સાથે ફરી એક રાત્રિ-મહેફિલ પૂરી થઈ. વૈદેહી આદિત્યને એનું અંગ્રેજીમાં ગીત પ્રિન્ટ કરેલ કાગળ આપવા ઊભી થઈ. કંઈક વિચારીને એણે કાગળ વાળીને મુઠ્ઠીમાં પકડી રાખ્યો. રાત્રે સૂવા ગઈ ત્યારે કબાટમાં પડેલી જૂની સંગીતની ડાયરીની વચ્ચે સાચવીને મૂકી દીધો. પાછી બાથરૂમના અરીસામાં થોડી વાર પોતાની સામે જોઈને હસી રહી. બીજા દિવસે સવારે નિયતિ સ્કૂલે જવા તૈયાર થતી હતી. એને દૂધનો ગ્લાસ આપતી વખતે થોડી વાર એ વૈદેહી સામે જોઈ રહી.

'મમ્મી, હમણાંથી તું બહુ ખુશ અને બ્યુટિફુલ લાગે છે. તારાં લગ્નનાં ફોટામાં લાગતી હતી એવી-' 'મમ્મી, આદિત્યફૂઆ કેટલા સરસ છે નહીં? કેવું સરસ ગાય છે નહીં? પૂર્વાનું નવડાવવાનું-ખવડાવવાનું બધું કામ એ જ કરે છે. ને કાલે તો પપ્પાને કહેતા હતા કે મારી દીકરીએ મારા જીવનને સંપૂર્ણ બનાવ્યું છે. હવે બીજા બાળકની ઈચ્છા જ નથી રહી-' સોહા-આદિત્યના આગમનને એક અઠવાડિયું થઈ ગયું હતું. વૈદેહીનો ઝીણો તાવ જાણે કે ગાયબ જ થઈ ગયો હતો. એની કુંઠિત ચેતના ફરી જાગ્રત થઈ ગઈ હતી. એના વ્યક્તિત્વમાં, એની ચાલમાં એક નવો વિશ્વાસ છલકતો હતો, જેની તેર વર્ષની નિયતિએ પણ નોંધ લીધી હતી. માળિયામાં એક ખોખામાં મૂકી રાખેલ સંગીતની સીડી, કેસેટો પર વર્ષોથી લાગેલી ધૂળ હવે સાફ થઈ ગઈ હતી. વૈદેહીના મનમાં અને રૂમમાં સંગીતના સૂર ફરી રેલાયા હતા. રોજ સવારે એ બપોરની રાહ જોતી કે જયારે એ પોતાના રૂમમાં ભુલાયેલા સંગીત અને ખોવાયેલી યાદોને ફરી સજીવન કરી શકે. બપોર પૂરી થાય એટલે રાત પડવાની રાહ જોતી કે જયારે કુટુંબસભા મળે અને આદિત્ય એને ગાવાનું કહે. આદિત્યએ જાણે કે જાદુઈ લાકડી વડે એને સિન્ડ્રેલાની ફેરી ગોડમધરની માફક એક સુસ્ત ગભરાયેલી સ્ત્રીમાંથી એક સુંદર પ્રતિભાશાળી ગાયિકામાં પરિવર્તિત કરી દીધી હતી. હમણાંથી રોજ રાત્રે સૂતાં પહેલાં એ એક વાર અચૂક પેલી જૂની ડાયરીમાંથી આદિત્યના કમ્પ્યુટર પ્રિન્ટેડ ગીતના કાગળને જોઈ લેતી. વાંચી લેતી. પછી પાછો મૂકી દેતી. એને અજબ શાંતિ મળતી. આમ ને આમ આનંદના નશામાં બીજું એક અઠવાડિયું પસાર થઈ ગયું. અને આખરે એ દિવસ આવી પહોંચ્યો જે સવારથી જ ગમગીનીનું મોજું લઈને આવ્યો હતો. સોહા- આદિત્યના ભારત પ્રવાસનો એ છેલ્લો દિવસ હતો. રાત્રે દસ વાગ્યે એરપોર્ટ ને પછી અલવિદા. ઘરમાં સૌ ઉદાસ હતાં. ને વૈદેહીને આગલી રાતથી તાવ જેવું... આજે તો સવારથી જ આંખો બળતી હતી. મૂઓ આ તાવ પાછો.. સુદર્શનની બે ગોળી લઈ લીધી. ક્યાંક વધી ન જાય. બેગો ભરાઈ. પંદર દિવસ પહેલાં ખાલી કરેલ સામાન બીજા ઉમેરાયેલા સામાન સાથે પાછો ગોઠવાયો. જમતી વખતે વાતો થઈ. 'આદિત્ય પાછું આવવાનું ક્યારે થશે?' - શશી. 'હવે તો ત્રણેક વર્ષ કદાચ નીકળી પણ જાય. આ વખતે પૂર્વાની તબિયત થોડી બગડી હતી એટલે. હમણાં તરત આવવાનું રિસ્ક નથી લેવું.' - આદિત્ય. સલાહો અપાઈ. ફરી પાછો પાયલાગણ વિધિ. વિદેશ પાછી ફરી રહેલી કન્યાની માતાની આંખો છલકાઈ. પિતાને ગળે ડૂમો ભરાયો. નાનકડી પૂર્વાને છેલ્લી વાર સૌએ વહાલથી નવડાવી. વિદાયનાં આસુંના વરસાદમાં વૈદેહીનાં આંસુ પણ ભળીને વહી ગયાં. વૈદેહીના અસ્વાભાવિક રીતે વહેતાં અવિરત આંસું સામે પણ કોઈને પ્રશ્ન ન થયો. એરપોર્ટથી પાછા આવ્યા બાદ મોડી રાત્રે છેલ્લા ચોવીસ કલાકથી આંસુ વહાવીને થાકેલી એની આંખોએ ઊંઘવાની ના પાડી, પણ આજના ઉજાગરામાં છેલ્લા પંદર દિવસની રાતોનો આનંદનો નશો ગેરહાજર હતો. બીજો દિવસ પણ ઊગ્યો. સવાર પણ પડી. રાબેતા મુજબ સૌ ઊઠયાં. ચા-પાણી, ભોજન, વ્યવસાય, નોકરી, યંત્રવત્ કામકાજમાં લાગેલી વૈદેહીની રડીને લાલધૂમ આંખોમાં કોઈને કશું અજુગતું ન લાગ્યું.

પણ એક વાત માત્ર નિયતિ જાણતી હતી કે એને સ્કૂલે મોકલવા રોજ સવારે વહેલી ઊઠતી વૈદેહી આજે હંમેશાં કરતાં વધારે વહેલી ઊઠી હતી. ભગવાનના મંદિરમાં દીવો કરીને પોતાના કબાટમાંથી કોઈ ડાયરીમાં પડેલ કોઈ કાગળ લઈને એણે આંખમાં આંસુ સાથે દીવા વડે એ આખો કાગળ બાળ્યો હતો. અને એની રાખ પોતાના બંને હાથ ને મોં પર લગાવીને હાથ-મોં ધોઈ નાખ્યાં હતાં.

વાર્તા અને વાર્તાકાર :

પૂજા તત્સત્

બે વાર્તાસંગ્રહ :

1. ગતિ (2015)
2. એન્ટરપ્રિન્યોર (2019) 19 વાર્તા