નારીસંપદા : ટૂંકી વાર્તા/તીતીઘોડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તીતીઘોડો

રાજેશ્વરી પટેલ

ઈ જનમથી જ તોફાની. જોર જોરથી રડતાં રડતાં, હાથપગ પછાડતાં, ધુમ ધડામ ધુમ ધડામ જ મોટી થયેલી. એની દાદીમા એને ભો ઘોડો, તીતીઘોડો ને લગામ વગરનો ઘોડો જ કહેતાં. જોકે, ઈ દાદીને વાંકલી ડોશી કહી ચીડાવે અને પછી ખી ખી... ખી ખી... કરતી ભાગે. ઘરમાં એને જે જોઈતું હોય તે સીધે-સીધું માગતા એને ક્યારેય આવડતું જ નહોતું. ઝઘડો કરી, લડી-વઢીને લે તો એને મજા આવતી. નાના-મોટા ભાઈ-બહેન એના હાથનો માર ખાતા. કોઈ બિચારું ચૂપચાપ, છાનુમાનું ઊભું હોય તો પાછળથી દોડતાં આવી એને ધક્કો મારી પાડી દેવાની એને બહુ મજા આવતી. કોઈના હાથમાં ખાવાની વસ્તુ હોય તો ચીલ ઝડપે છીનવી લેવી અને ફટ્ટ દઈને મોંઢામાં મૂકી દેવામાં એને જોરદાર મોજ પડતી. એની મા તો એના આ કજિયાથી ત્રાસીને માથું પકડી લેતી ને ઉપરથી પેલી ડોશી એને મેણું મારતી કે, ‘શું ખાઈને જણી છે?’ બધાં છોકરાવને બાપાની બીક લાગે પણ આના બાપા ઈનાથી ડરતા. ડારો કે ધોલ-ધપાટની એને જાણે કોઈ અસર જ નહોતી થતી. ગુસ્સો તો એના ટીચુકડા નાક ઉપર ચડેલો જ બેઠો હોય. એના બાપની અઢાર ઊણપો એની જીભના ટેરવે હાજરાહજૂર રહેતી. ‘માર માર જ કરો સો.’ ‘કોઈ દી’ સારો ભાગ લાવતા જ નથી.’ ‘બાંગા તાંગા હાલો સો તે મારી બેનપણીઓ મને જ ચીડવે છે. હાલતા શીખોને પેલા.’ ‘કોઈ દી આંટો મારવાય નથી લઈ જતા. ઓલી હકલીને એના બાપા કેવા લઈ જાય છે.’ ‘રોજ મને જ વઢો સો, આ જીથરાને કોઈ દી કાંઈ નથી કેતા.’ એની જીભમાંથી તીખો-ખાટો-ખારો અખંડ પ્રવાહ વહેતો ને પછી મોટેથી ભેંકડો તાણે. ખૂણામાં બેઠેલી ડોશી આ દેકારાથી કંટાળીને એના બાપને જ ખખડાવે કે, ‘ઈનું નામ શીદને લેસ. તારું કોઈ દી હાંભળે છે ખરી? નકામો કજિયો કરી મૂકે છે. હે ભગવાન ! મારું તો માથું ફરી ગ્યું છે. શું ખાયને જણી છે એની માએ?’ ડોશીની વાત પતે નો પતે ત્યાં રસોડામાં વાસણનો ખખડાટ વધી જાય. છેવટે એના બાપા જ મુંગા થઈ જતા. ડોશીનો ઈ ઊભો ઘોડો વિજયી મુદ્રામાં હણહણાટ કરતો શેરીમાં બાખડવા ઊપડી જતો. આડોશપાડોશ, શેરી હોય કે નિશાળ એની ફરિયાદ ન આવે તો જ નવાઈ! ‘ફલાણાને પાણો માર્યો.’ ‘ઢીકડાને ધક્કો માર્યો.’ ‘પૂછડાને પછાડ્યો.’ ‘ભાગનો ડબ્બો ચોરી લીધો.’ ‘આના વાળ ખેંચ્યા ને તેને ગાળો દીધી.’ નિશાળમાં એની પ્રિય રમત હતી કબડ્ડી. કો’કના ટાંગા ખેંચવામાં એને જે મજા આવે, જે મજા આવે કે ન પૂછો વાત ! ક્લાસમાં એને કંટાળો ચડે એટલે શિક્ષકની સામે મોટા મોટા બગાસા ખાય. શિક્ષકો એને ચડાવો પાસ કરી આગળ ધકેલી દેતા. બધા સમજે કે બલા ટળી, એક માત્ર કબડ્ડીના સરની એ ફેવરીટ સ્ટુડન્ટ. એનામાં રહેલી ચીલઝડપ, આંચકા મારતો ખાટો સ્વભાવ, જરૂર હોય કે ન હોય સામી ટીમ સાથે ઝઘડો કરી જ નાખે અને પોતાની ટીમને વિજયી બનાવવાની એની કળાનો લાભ એમણે લીધેલો. આ બધી જ ખાસિયતો વચ્ચે ભગવાનના ઘરની દીધેલી એક જ ખોટ એને હતી કે એની ઊંચાઈ થોડી ઓછી હતી. મિત્રો બનાવવામાં તો જાણે એને કોઈ મજા આવતી જ નહોતી ને ઘર, શેરી ને નિશાળમાં એના દુશ્મનો એને બટકી કહી ચીડવતા. ઘણીવાર લાગી આવતું તો બોર્નવિટા અને હોર્લિક્સ દૂધમાં નાખીને ગ્લાસના ગ્લાસ ગટગટાવ્યા પણ એની બેનપણીઓ સાથે ઊંચાઈમાં એ આંબતી નહોતી. રસ્સા સાથે ટીંગાવવાના ને ઉછળકૂદ કરવાના કાર્યક્રમો પણ કર્યા. જોકે, એમાં ખાસ મેળ પડ્યો નહીં. હાઇસ્કૂલમાં એન.સી.સી. જુનિયર વિંગમાં રહી લેફ્ટ-રાઈટ પણ કરી જોયું. યોગ, રમત-ગમત કે હોર્લિક્સ એની હાઇટ વધારશે એ વાતમાં એને કોઈ દમ લાગ્યો નહીં. જોકે, એ હિંમત હારે એ વાતમાં માલ નહીં. દસમું બારમું ધોરણ પૂરું થતાં થતાં તો એને ઊંચાઈને આંબવાનું રહસ્ય લાધી ગયેલું. બન્યું’તું એવું કે એકવાર મુંબઈ એમના સગાને ત્યાં લગનમાં જવાનું થયેલું. એમાં કેટલીક બહેનો-ફોઈઓ ને કાકીઓનાં હીલવાળાં ચપ્પલ એની આંખમાં વસી ગયાં. તે દી’ એના ડોળા પહોળા થઈને હસેલા. એક કૂદકોય લગાવી દીધો કે હવે આપણે પોતે રાજ્જા ! પછી તો સાદા સ્લિપરિયાં પોતાની બહેનોને સપ્રેમ ભેટ આપી દીધાં અને ઉપકારભાવે એક સુવાક્ય પણ સંભળાવી દીધું કે, ‘જા તમતારે પેરજે, મોજ કર. આ બાપ્પુ તરફથી ભેટ હમજ.’ પોતાના સાદા તળિયાવાળાં પગરખાંનો વિદાય સમારંભ ગોઠવાઈ ગયા પછી એની ટાંટિયા પછાડ શરૂ થઈ, ઊંચી હિલવાળા સેન્ડલ ખરીદવા માટે. બજારમાં દુકાન સામે ખડી થઈ જાય. એની મા એને સમજાવે કે ‘કમરનો દુઃખાવો થઈ જશે, પગની એડીનો દુખાવો થઈ જશે. મોટા શે’રમાં રોડ રસ્તા સારા હોય, આપડે હાલતા ખાડા આવે. નાહકનો પગ મચકોડાય જશે. વળી રોજ રોજ ઈ લોકોય કાંઈ હિલવાળા ચપ્પલ પહેરીને થોડા રખડે છે? લગન પરસંગે પહેરે. એકાદ જોડ લે બાકી સાદા પહેરે.’ પણ માને ઈ બીજા. છેવટો મા કંટાળીને કમને લઈ આપતી. ઊંચી હિલવાળા સેન્ડલ સાથે ઘરમાં ફેશન પરેડ શરૂ થતી. સેન્ડલ પહેરી ઘરમાં ઠકાક ઠકાક ચાલે. અરીસા સામે કેટલીયવાર ઊભી રહે. પોતાની ઊંચાઈ માપે અને બરાબર પોણા પાંચ ફુટ ઉપર એક લીટા જેટલે પહોંચી જાય એટલે ખુશ ખુશ ને હોંકારા ને પડકારા. એટલી બધી રાજી થઈ જાય કે એની બેનને, માને અને ક્યારેક જો હાથમાં આવી ગઈ તો વાંકલી ડોશીનેય પકડીને ફેર ફુદરડી ફરે. ડોસીની ધમણ એટલી વધી જાય કે હમણાં હા ફૂંક ઊડી જશે ! એની મા રાડો પાડે કે, ‘ડોશીને મૂક. તારી મા મરી જશે. જરાય બુદ્ધિ જ નથી. એના બાપને ઘરમાં ટાંટિયો ટકતો નથી. આ બધું જોવે તો ખબર પડે. મારે ક્યાં સુધી લમણા લેવા?’ હાંફીને જરાક શાંત પડેલી ડોશી બોલતી, ‘મુઈ મન મરવા દે. મારેય હવે જાજું જીવીને ક્યાં જવું છે? પણ તેં આ કટકનો ઘોડો કોણ જાણે શું ખાયને જણ્યો છે? હેઠો બેહવાનું નામ જ નથી લેતો ! મેં ચાર છોડિયું મોટી કરી પણ એકેય કોઈ દી’ ઊંચા અવાજે બોલેય નૈં. આ ઈનો બાપ કેટલો સીધો છે ને આ કપાતર કોણ જાણે... જોજેને ઈની સાસુ મળવાની છે શેરને માથે સવાશેર. હાણસીએ વળ દઈને ચીટકા નો ભરે તો કેજે.’ કૉલેજમાં આવ્યા પછી તો ઈ કટકનો ઘોડો ઠાક ઠકાક... ઠાક ઠકાક... ઊંચી હિલવાળા સેન્ડલ પહેરીને જાય અને બેનપણીઓની આંખમાં આંખ પરોવીને વાતું કરે. ઝઘડો થાય તો પેલા પાણો શોધવો પડતો હવે તો ચપ્પલ કાઢ્યું નથી ને ઘા કર્યો નથી ! નિશાન પણ પાક્કું લાગે. ટાર્ગેટથી જરાય આઘુંપાછું નો જાય. કૉલેજમાં કોઈપણ વ્યક્તિને ખખડાવી નાખવામાં એ અવ્વલ નંબરે આવે. હજુ તો કૉલેજના પહેલાં જ વર્ષમાં હતી ને કબડ્ડીના મેદાનમાં છોકરાઓ સાથે ધડબડાટી આદરેલી. કઈ વાતમાં ઝઘડો થયો એ ખબર નહીં પણ વાત જીથરા ખેંચવા સુધી આવી ગયેલી અને એની કીર્તિગાથા ઘર સુધી પ્રસરી ગઈ. સાંજે વાળું ટાણે મોંઢા આડા સાડલાનો ડૂચો રાખીને ચડેલી એની મા એના બાપાને કહે કે, ‘આનું હાહરું ગોતવું બોવ અઘરું છે. કોણ લઈ જશે આને? ઘડીય જપ નથી. રસોડામાં તો ટાંટિયો ટકતો જ નથી. કહેનારી તો કહેશે કે એની માએ કાંઈ શીખડાવ્યું જ નથ્ય. કોઈ વાતમાં માનતી જ નથી ને હિલવાળા ચપ્પલ પહેરીને રખડે છે તે શેરીમાં નો કરતા હોય ઈય વાતું કરે છે. ભગવાનનેય ક્યા ખોટ ગુડાણી છે? જરીક વધુ ઊંચાઈ આપી હોત તો એનું શું બગડી જતું'તું? એના લગનની એટલી ચિંતા થાય છે કે કોઈ આ છોડીને હા નૈ પાડે.’ ‘ઈ... બધું થઈ રહેશે. સૌ પોતપોતાના ભાગ્ય લઈને જન્મ્યા હોય. તું હવે કકળાટ કર્યા વગર ખાવા દે તો સારું.' એના બાપા ટૂંકમાં જ વાતને પતાવે. એની માની ચિંતા એણે પણ અઢાર વખત સાંભળેલી. છેવટે એણે એની માના ઉદ્ધાર અર્થે રસોડામાં યુદ્ધની તૈયારી આદરી. પ્લેટફોર્મ પાસે પાટલો મૂકીને ઉપર ઊભી રહી જાય ને રસોઈ આદરે. ક્યારેક પ્લેટફોર્મ ઉપર ચડીને બેસી જાય અને રોટલી વણે. ધમધમાવીને મસાલા નાખી દાળ-શાક બનાવે અને પરાણે પીરસી પીરસીને ખવડાવે. જો એની મા દાળ-શાકમાં કોઈ ખોટ કાઢે તો સીધી બાર જઈ ફેંકી આવે અને કહે કે, 'હાથે રાંધી નાખવાનું બોવ ડબ ડબ કરો છો તે. કોઈની હિંમત નહીં કે એનું રાધણું અપખોડે. આમાં જ વાંકલી ડોશીની એસીડીટી વધી ગઈ. આવું લાંબુ ચાલશે તો એનું રામ નામ સત્ય સમજો. એક દિવસ એમના ઘરે એક મહેમાન આવ્યા એના બાપાનો બાળપણનો ભાઈબંધ બાળમંદિરથી માંડીને કૉલેજ સુધીની પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાના એ ટ્રસ્ટી. ઈશ્વરનું કરવું ને એ દિવસે આ કટકનો ઘોડો કૉલેજના પ્રવાસમાં ગયેલો. ભાઈબંધો વચ્ચે વાતવાતમાં વાત એટલી હાલી કે ગોળધાણા સુધી પહોંચી ગઈ. પેલાના એન્જીનિયર દીકરા સાથે આના લગનનું નક્કી થઈ ગયું. ઈ ઘરે આવી ત્યારે એની માએ વાત કરી ત્યારે એણે ફટ્ટ દઈને ના પાડી દીધી. પણ બાજી એના બાપાએ સંભાળી કીધું કે ‘ઘરમાં બોવ સારું છે. બે હાથે પૈસા વાપરે તોય ખૂટે એમ નથી. તું તારે ઊંચી હિલવાળા ચપ્પલનો આખો કબાટ બનાવડાવ તોય કોઈ કાંઈ નો કહે. ને વળી છોકરો ભણેલો ને રૂપાળો તો ખરો પણ ઊંચોય સારો છે.' છોકરાની ઊંચાઈની વાતમાં એને રસ પડયો. ફોટો આવ્યો એમાં દેખાતો પણ સારો હતો, તો વળી એણે હા પાડી દીધી. ઓગણીસમા વર્ષે જ લગન લઈ લીધા. ઊંચી હિલવાળા ચપ્પલ ન પહેર્યા હોત તો ઊંટ બકરીના વિવાહ થતા હોય એવું લાગત. સાસરે શરૂમાં દેખાવડી છે ને હસમુખી છે, એવા વખાણ થયા પણ પછી તો અસ્સલ રંગ જામવા લાગ્યો. વર તો પ્રમાણમાં શાંત હતો ને આખો દિ કામ પર જ રહેતો એટલે ત્યાં તો ખાસ વાંધો ન આવ્યો પણ સાસુ ઊંચી નીચી થવા લાગી. સમજદાર સસરાએ એનું પોતાની જ સંસ્થામાં આગળ ભણવાનું ગોઠવી દીધું. ઊંચી હિલની સાથે ટ્રસ્ટીની પુત્રવધુ હોવાનો રૂઆબ કૉલેજમાં દેખાડવાનો ચાલુ કર્યો. ‘કોઈને ભણાવતા જ નથી આવડતું.’- એવી રોજમદાર અધ્યાપકોની ફરિયાદો ચાલુ થઈ. એ પરીક્ષામાં સારી રીતે પાસ થાય એવી વ્યવસ્થા સસરાએ ગોઠવી દીધી. એના દીકરાને સ્કૂલો કૉલેજો ચલાવવામાં કોઈ રસ નહોતો એટલે આને જ પોતાની સાચી વારસદાર સમજી તૈયાર કરવા લાગ્યા ને છેક પીએચ.ડી સુધી ગાડું ગબડાવી નાખ્યું અને ધડામ દઈને કૉલેજની ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બનાવી દીધી. એની ઊંચાઈ તો વગર મહેનતે આકાશને આંબવા લાગી. મગજમાં ડિસિપ્લીનનું ભૂત કોણ જાણે ક્યાંથી એને ભરાઈ ગયું કે કોઈને જરાય આઘા પાછા થવા ન દે. જોકે એમાંય એને થોડી મુશ્કેલી એ આવી કે પ્રિન્સિપાલની શાનદાર ખૂરશીમાં બેસે તો ખરી, પણ ટેબલ જરા ઊંચું પડે તો બે ગાદીઓ ગોઠવી દીધી. બીજી તરફ સુથારને બોલાવી સભાખંડમાં સ્ટેજ પરનું પોડિયમ નીચેથી કપાવીને પોતાની ઊંચાઈને અનુકૂળ બનાવી દીધું, જેથી પાછળ ઊભી રહે તો મોઢું બરાબર દર્શકોને દેખાય. પોતાને ક્યારેક ક્યારેક લેક્ચર લેવાનો શોખ જાગતો, પણ ગ્રીન બૉર્ડની ઉપર સુધી લખવામાં જરા તકલીફ આવતી તો બૉર્ડ થોડા નીચે કરાવી દીધાં. સભાખંડમાં અફલાતુન એન્ટ્રી કરવાનો એને શોખ. એના પ્રવેશ સાથે ઠકાક ઠકાક.... હિલનો તાલબદ્ધ અવાજ આવે. જાણે રાણી વિક્ટોરિયા ચાલતા હોય એમ એની પાછળ બે-ચાર રોજમદાર અધ્યાપકોએ બોડીગાર્ડની જેમ ચાલવાનું. વિદ્યાર્થી, અધ્યાપકો ને પટ્ટાવાળાને ખખડાવવામાં પાછી એને જોરદાર મજા આવવા લાગી. એક અધ્યાપકને કૉલેજ છૂટે એટલે ઝડપથી ભાગવું પડે, કારણ કે એની ટ્રેઇનનો ટાઇમ થઈ જતો. એ ક્યારેક ઝપટમાં આવે તો ખખડાવીને બેસાડી રાખે એને ટ્રેઇન ચૂકવાડી દેવામાં આને બોવ જામો પડતો. એનો જીવ ભલે કોઈ દિવસ ક્લાસમાં ટક્યો નહોતો પણ વિદ્યાર્થીઓને બેલ પડે એટલે ક્લાસ ભેગા કરી દે. કોઈને આંટા મારવા જ ન દે. પોતાની ઓફિસમાં સીસીટીવી કેમેરાની સ્ક્રીન પર જોયા કરે. મચ્છર મારવાનું રોકેટ હાથમાં લઈને બેઠા હોય ને મચ્છરને ઝપટવાની જ રાહમાં હોય, એમ જો કોઈ ઝપટે ચડે તો એને ખખડાવવાની લહેજત ઉઠાવે. છેવટે બધાએ એનું નામકરણ કર્યું—હિટલર. એને ખબર પડી તો ખિજાવાના બદલે એને તો ઓર મજા આવી. શનિવારે સભાખંડમાં ખુશ થઈને કહ્યું કે, ‘તમે બરાબર નામ પાડ્યું. હું હિટલર જ છું. ડિસિપ્લીનમાં જ રહેજો નહિતર ખેર નથી.' એના ચપ્પલનો રૂતબો દિવસે દિવસે વધવા લાગ્યો. બધી કંપનીના સારામાં સારી હિલવાળા સેન્ડલ પહેરીને રોજ રોજ એનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. બધા એના ચપ્પલ જોઈને પ્રભાવિત થઈ જતા. એક શો રૂમ ઊભો કરી શકાય કે સેલ કાઢી શકાય એટલા ચપ્પલ એણે ભેગા કર્યાં. રોજ નત નવા પહેરીને આવે. ફાટફાટ આત્મવિશ્વાસ સાથે એના ઘોડા તબડાક તબડાક... જોકે થોડો વખત તો સારું લાગ્યું પણ આ ભણવા ભણાવવામાં એને ખાસ મજા પડતી નહોતી. એને થતું કે ફિલ્મોમાં તો કૉલેજે આવતા અધ્યાપક બહેનો અને વિદ્યાર્થિનીઓની એન્ટ્રી કેવી જોરદાર થાય છે. કેમેરાની નજર કારમાંથી ઉતરતી હિરોઈનના ચપ્પલની હિલથી જ શરૂ થાય. પણ અહીં એવું કશું જ નહોતું. લગભગ મોટાભાગના બધા એકના એક રોજ ઢસરડી લાવતા. ક્યારેક કોઈ ખાસ કાર્યક્રમ હોય તો વળી જરાક નવાપણું આવે, પણ એમાંય ખાસ કાંઈ લેવા જેવું હોય નહીં. વળી એને થાતું કે આ શહેરમાં બધા જ આવી સુંદર હિલવાળા ચપ્પલ પહેરીને ફરતા હોય તો શહેર કેવું રૂપાળું લાગે. એના એળવિતરા જીવને એકવાર સપનુંય આવ્યું કે પોતે ઊંચી હિલવાળા એક મોટા શો રૂમની માલિક છે. એ જે ખુરશીમાં બેઠી છે એનો આકાર પણ પેન્સિલ હિલની મોજડી જેવો જ છે. Manole Blahnik બ્રાન્ડના સ્ટાઈલીશ સેન્ડલ, જે સ્ત્રીઓના કોન્ફિડન્સને વધારે છે. Alexander McQueenના રેડ સાટિન હિલ્સ, જે રેડ કાર્પેટ ઇવેન્ટ માટે ખ્યાત છે એનું એટ્રેક્ટીવ કલેક્શન. Jimmy Chooના સેન્ડલની ડિઝાઈન જે બીજે ક્યાંય જોવા મળતી નથી અને એ ચપ્પલ તો સ્ત્રીઓના હૃદય સુધી પહોંચવાની ચાવી છે. Min Min જેવી લક્ઝરી બ્રાન્ડના પેન્સિલ હિલના સેન્ડલ ઉપરાંત બાટા, મોચી, ઈંચ S, કેટવૉક ને Hus Puppies ને Givenchyના અનન્ય ને અફલાતૂન ચપ્પલ પહેરેલા એના પોસ્ટરો દિવાલ પર લાગેલાં છે અને એ પોતે જ ઊંચી હિલવાળા સેન્ડલની બ્રાન્ડ એમ્બેસેડર હોય એમ ચાલી રહી છે. “દિ માથે ચડી આવ્યો. જાગવાની ખબર નથી પડતી. તેં જ તારી બૈરીને ચડાવી મારી છે. તારા બાપાને એને મોટો ખેર ખાં બનાવવાનો શોખ જાગ્યો છે પણ ઈને ઘર સંસાર જેવું કાંઈ છે કે નૈ.' જોર જોરથી સાસુનો માથાભારે અવાજ એના કાન પર પડયો ને એનું સુંદર સપનું તુટી ગયું. અચાનક જ જાણે ભભકારદાર શો રૂમમાંથી જૂના જમાનાના વાણિયાની ભંગારની દુકાનમાં આવી પડી હોય એવું લાગ્યું. જોકે સપનું કોઈ સાધારણ માણસનું થોડું હતું કે આવે ને જાય. આ તો હિટલરનું સપનું. આવ્યું એટલે આવ્યું. જવાની એની હિંમત કેમ થાય? દિવસ રાત એક જ વિચાર આવે કે શો રૂમ કરવો છે. ઘરમાં કોઈ એને સહકાર આપે એ વાતમાં માલ નૈ. છતાં એણે દુકારદારો, એજન્ટો ને કંપનીઓ સાથે વાત કરવાનું ચાલુ કર્યું. એનો વર બાંધકામના ધંધે બરાબર લાગેલો નહોતો ત્યારે લોખંડની દુકાન ચલાવતો. એ દુકાન અત્યારે ખાલી પડી છે. એને થયું કે, ‘શરૂઆત તો આવી જ હોય ને? પણ આ રસ્તેથી જ શો રૂમ સુધી જવાશે.' પતિ સાથે તડફડ કરીને પૈસાનો થોડો મેળ ઉતારી દીધો. સારામાં સારી બ્રાન્ડના, ઊંચામાં ઊંચી હિલવાળા, મોંઘામાં મોંઘા ચપ્પલનો શો રૂમ થયો ચાલુ. બપોર સુધી કૉલેજમાં પ્રિન્સિપાલ ને બપોર પછી આ નાનકડા શો રૂમની એ માલિક. (જોકે ભવિષ્યમાં આ શો રૂમ મોટો થવાનો જ છે હો. સપનું જ એવું આવ્યું છે ને? જી મોટા ઘરની વહુ દીકરીઓ ચકચકાટ કાર લઈને સેન્ડલ ખરીદવા આવે. એમ તો એણેય કાર ચલાવવાના અખતરા કરેલા પણ ખાસ ઉધામા કર્યા નહોતા: કારણ કે પગ અંબાવામાં થોડી તકલીફ રહેતી. એકવાર સાંજના સમયે બીજી કોલેજની પ્રિન્સિપાલ કાર લઈ એને ત્યાં સેન્ડલ ખરીદવા આવી. પેલીનો રૂઆબ જોઈને આણેય શીખવાનું મનમાં નક્કી કરી નાખ્યું. એકવાર સેન્ડલની હિલ તરફ જોઈ લીધું કે વાંધો નહીં આવે. એક્સેલેટર ને ક્લચ સુધી હિલ પહોંચી જ જશે. પતિ પાસે કારની વાત મૂકી. પતિને જરાય મન નહોતું પણ આની જીદ સામે કોણ ટકે? ક્યારેક ક્યારેક શીખવવાનું ચાલુ કર્યું. થોડા સમયમાં જ લાગવા માંડયું કે હવે આ બંદો મારતે ઘોડે રોડ પર કાર દોડાવી શકશે. પછી તો એક દિ પતિની પરવાનગી વગર જ કાર ઉપાડી જેવી મેઇન રોડ પર કાર ચડી કે સ્વભાવ પ્રમાણે ઠક્ક દઈને એક્સેલેટરને સેન્ડલની હિલ ઠપકારી. એ પછી શું થયું? કેમ થયું? કેવી રીતે થયું? કેમ કરતા કાર લીમડા સાથે કેમ ભટકાણી? ધુમ ધડામ ધુમ ધડામ વચ્ચે એને કશું ભાન રહ્યું નહીં. ભાન આવ્યું ત્યારે એનો એક પગ પાનીથી ઢીંચણ સુધી બંધાયેલો હતો. ત્રણ મહિનાનું પગનું પ્લાસ્ટર આવ્યું તોય એને ખાસ કાંઈ દુઃખી થવા જેવો પ્રસંગ લાગેલો નહીં. વાંકલી ડોશી અને એની મા ખબર કાઢવા આવેલા આને આમ જોઈને એની મા મોંઢા આડો સાડલાનો ડૂચો રાખીને ડૂસકે ચડી. ઈ વખતે આશ્વાસન આપવા વાંકલી ડોશી બોલી કે, 'રોવો સો સું કામ ? આ તો મારે તીતીઘોડો સે. જોજે ને કાલ ઊભો થઈને દોડવા લાગશે.' પણ જ્યારે પાટો છોડ્યો ત્યારે ડૉકેટરે ઈને સલાહ આપી કે 'સોફ્ટ ચપ્પલ જ પહેરવા, હિલવાળા પહેરવા નહીં. પગની એડીમાં ઈજા વધારે પહોંચી હોવાથી હિલ એના માટે જોખમકારક છે. જોકે ડૉકેટરની સલાહ માનવાનો એનો કોઈ ઈરાદો નહોતો. થોડો વખત જતા પાછા હિલવાળા ચપ્પલ પહેરવાનો એનો પ્રેમ શરૂ થયો. પગ જો ટેવાઈ જતો હોય તો થોડું દુ:ખ સહન કરવાનું ચાલુ કર્યું. પણ કોણે જાણે કેમ, પગ હવે એને હિલમાં સાથ આપવાની ના પાડતો હોય એવું લાગ્યું. દિવસે તો કામ કાજમાં કે આઘા પાછા થવામાં તકલીફ થોડી વિસરાતી પણ આખી રાત પગનું કળતર સહન કરવાનું બોવ કઠણ લાગતું. ઉપરથી આ વખતે તો સાસુએ પરખાવવાનું ચાલુ કર્યું કે 'એવા શું અભરખા છે? ટાંગો તૂટ્યો તોય હેઠી નથી બેહતી. ઘર છે કે મોચીની દુકાન ઈ જ ખબર નથી પડતી. બાપ-ગોતર કોઈ દી જાણે ચપ્પલ ભાળ્યા જ ન હોય એમ આદુ ને મરચાં ખાયને વાંહે પડી છે. કારનો તો કુચ્ચો બોલાવી દીધો. ખરચા તો અમારે જ ભોગવવાનાને? લગનને આટલા વરસ થયા આમ ઘોડા જેમ કૂદ કૂદ કરે છે, તે છોકરાય નથી...' ને પછી સાસુ રડતા રડતા શું બોલતી રહી કાંઈ સંભળાયું નહીં. કોઈ દિ ન બોલતો એનો વર પણ ખિજાયો. કે 'આ ખાસડા ખાડામાં નાખી આવ. પગ દુઃખે, પગ દુઃખે કરીને આખી રાત પડખા ફરે છે. સુખે સુવાય નથી દેતી. આ બધી મોકાણ જ ચપ્પલની છે.’ એક દિવસ કૉલેજમાં દુઃખાવાના કારણે આંખમાં સ્હેજ પાણી આવી ગયું, તો પેલા લોકોને છૂપું હસી લેતા ઈ ભાળી ગઈ. તે દિવસ સાંજે ઘરમાં કોઈ જ નહોતું. એ પોતાના આલીશાન શૂ રેકની સામે ઊભી રહી. એક એક ચપ્પલની હિલ પર હાથ પસવારતી રહી. ધીરે ધીરે આખા રૂમમાં સુંદર ચપ્પલની પથારી પથરાઈ ગઈ. એ સૌથી ઊંચી હિલવાળા ચપ્પલની પાસે બેઠી. ટપક ટપક આંખમાંથી આંસુ દડવા લાગ્યા. ધીરે ધીરે રાત્રિનો અંધકાર એના રૂમમાં પ્રવેશવા લાગ્યો અને હિલવાળા ચપ્પલ ધીરે ધીરે બહાર ચાલવા લાગ્યા. એ બધા એક પછી એક ડિસિપ્લીનમાં જાણે કેટવૉકનો અંતિમ રાઉન્ડ હોય એમ ઠકા..ક ઠક્ક, ઠ....કા..ક ઠ કાક તબડાક... તબ..ડાક.. ત.બ..ડા.ક.. કરતા બહાર જવા લાગ્યા. એની ઊંચાઈ ધીરે ધીરે ઘટવા લાગી. એણે હાથ લંબાવ્યો ને એમને રોકાઈ જવા અવાજ દેવાનો પ્રયત્ન કર્યો પણ કોણ જાણે કેમ આજે એના ગળામાંથી કોઈ હુકમ છૂટતો જ નહોતો. અંધારામાં હવે એની ઊંચાઈ કેટલી રહી એનો ખ્યાલ આવી શકતો નહોતો.