નારીસંપદા : ટૂંકી વાર્તા/ત્રેપનમું પત્તું
દક્ષા સંઘવી
નાનકડી બંગલી જેવા બેઠા ઘાટના આ પરના ફળિયાથી લઈને અંદરના ઓરડા સુધી ઘર ચોખ્ખુંચણાક છે. ક્યાંય રજ-તજ નહિ. ક્યાંય એકાદી ભીંત પર ડાઘ-ડુઘના નિશાન સુદ્ધાં નહિ. બધું જ વ્યવસ્થિત- કોઈ અનુભવી ચિત્રકારે ચિતરીને એક કોરે મૂકી દીધેલા ચિત્ર જેવું સુરેખ- સાફસુથરું. ફળિયા પછી આવતી લાંબી પરસાળમાં હીંચકો છે. ડોસો-ડોસી બંને હીંચકા પર બેઠાં છે. ડોસો થોડી થોડી વારે પગની ઠેસથી હીંચકો ઝુલાવી સ્થિર થઈ ગયેલ ઘરને ગતિ આપતો રહે છે. ડોસો-ડોસી હીંચકા પર બેસીને પત્તાની રમત રમી રહ્યાં છે. વરસોથી કરચલીયાળા હાથોમાં ચિપાઈ ચિપાઈને પત્તાં પરની ભાત ઘસાઈને સાવ ઝાંખી થઈ ગઈ છે. બાજુમાં પડેલ એનું બોક્ષ જોઈને ખબર પડે કે મેડ ઇન ચાઈનાના પ્લેકાર્ડ છે. મેડ ઇન ચાઈનાનો તો ખાલી થપ્પો જ, બાકી પત્તાની કેટ હશે તો ભારતીય બનાવટની જ. બોક્ષ પર મોટા સોનેરી અક્ષરથી ૫૫૫ લખેલું છે. કદાચ બ્રાન્ડનેમ જેવું કંઈ હશે. પત્તાનાં બોક્ષ પરનો માર્કો જોઈને ડોસાને ૫૫૫ બ્રાન્ડની સિગારેટ યાદ આવી ગઈ, અને યાદ આવી ગઈ એકાવન વરસ પહેલાની એક સાંજ. ત્યારે આ ડોસી પૂરાં વીસ વર્ષની. અલ્લડ અને તોફાની છોકરી. અને પોતે એકવીસનો. બંને તળાવની પાળે બેઠાં હતાં. સગાઈ થયા પછીની કદાચ પહેલી જ મુલાકાત હતી. એકવીસ વર્ષની ઉંમરે એક એવી છાની ઈચ્છા ખરી કે બંને આમ એકબીજાની અડોઅડ તળાવની પાળે બેઠાં હોય. આંખોમાં આંખ હોય. હાથોમાં હાથ હોય, પોતે સિગારેટ પીતો હોય, સિગારેટ તો એક બહાનું જ, ધૂમ્રસેરોની આરપારથી પેલીની આંખના અફીણના નશામાં ડૂબી જવાનું અને એવા જ કોઈ કેફ ઘૂંટેલા અવાજે પેલી કહે - ‘ઉહું, મને નથી ગમતી સિગારેટ’ ને પછી ધીરે રહીને હોઠ વચ્ચે દબાવેલી સિગારેટ પોતાની નાજુક આંગળીઓ વડે ખેંચીને ફેંકી દે. પોતે પણ અદાથી એક જ ઝાટકે સિગારેટનું આખું પેકેટ ફેંકી દે અને સોગંદ ખાય – ‘આજથી સિગારેટને હાથ પણ નહિ લગાવું.’ પેલી વિશ્વાસથી છલકતી આંખે એને જોઈ રહે અને.... હા. તો એકવીસ વર્ષ પહેલાંની સાંજ હતી. તળાવની પાળે બંને બેઠાં હતાં. આંખોમાં આંખ, હાથોમાં હાથ, મોકો પણ હતો. દસ્તુર પણ. પેલી છાની ઈચ્છા ! એણે અદાથી પ૫૫નું પેકેટ ખોલી, એક સિગારેટ હોઠો વચ્ચે દબાવી. શર્ટના પૉકેટમાંથી લાઇટર કાઢી સિગારેટ સળગાવી. એક ઊંડો કશ લઈને પેલી સામે જોયું. અને પેલી લુચ્ચી તો જાણે કંઈ જોયું જ ન હોય તેમ નજર નીચી રાખીને પોતાની લટો સંવારતી રહી. એણે તો પહેલી જ વાર સિગારેટ પીધી હતી એટલે ખાસવાનું શરૂ થઈ ગયું. સાથે જ પેલીનું હસવાનું શરૂ થઈ ગયું. પોતે ખાંસતા ખાંસતા બેવડ વળી ગયો ને પેલી હસતાં હસતાં । અને પછી એક તીરછો ઘા કરી ગઈ – ‘પીતા ના આવડે તો શું કરવા પીતા હશો?!’ પેલી છાની ઈચ્છાનો રોમાંચ તો ક્યારનોય પાણી થઈને આંખ-નાકમાંથી વહી રહ્યો હતો ! ૫૫૫ બ્રાન્ડ જોઈને એકાવન વરસ પહેલાંનો પ્રસંગ જાણે હજી ગઈ કાલે જ બન્યો હોય એવી ચમક ડોસાની આંખોમાં આવી ગઈ. પત્તાં ચીપતાં-ચીપતાં એણે ડોસી સામેય જોઈ લીધું. ત્યાંય કંઈક પડઘાતું હોય તે જોવા, પણ ડોસી તો હમણાં હમણાંની કોણ જાણે ક્યાં ખોવાઈ જાય છે ! પત્તાં વહેંચાઈ ગયાં હતાં. છાનીમાની સાત-આઠની રમતમાં હુકમ કરવાનો વારો ડોસીનો હતો. હાથમાંનાં પત્તાં તો સારાં જ હતાં, પણ છાનાં પત્તામાંથી શું નીકળે? આ જિંદગીનું પણ એવું જ હતું. એક પછી એક પત્તાં ઉમંગભેર ખેલાતાં રહ્યાં – બધાંય પત્તાં સારાં નીકળ્યાં. સુખ જ સુખ છલકાતું રહ્યું, પણ એક હુકમનો એક્કો જ નહિ ! જીત્યા છતાંયે કાંઈક હારી ગયાનો વસવસો તો રહ્યો જ. એમ તો મન મનાવી લીધું હતું. પણ ક્યારેક બીજાની ગેમમાં નજર નાખે, એ એક એક્કા પાછળ બધું આવી જતા જુએ – એમના દુડી-તીડીએ સર થઈ જતાં જુએ તો પોતાની રમતનો રસ જ ઊડી જાય. હાથમાંનાં પત્તાંના ભરોસે ડોસીએ હુકમ પાડયો, અને રમત શરૂ થઈ. છાનાં પત્તાં યે સારાં નીકળ્યાં. ડોસી એક પછી એક હાથ સર કરતી ગઈ – અને ગેમ જીતીય ગઈ. ડોસો હારી ગયો. આમ હારી જવું ડોસાને ગમે છે. ડોસીની આંખમાં ઘડીભર માટે આવી જતી જીતની ચમક જોવા માટે ડોસો આખી જિંદગી હારવા તૈયાર છે. ફરી પત્તાં ચીપવાનો વારો ડોસાનો જ છે. ડોસો બે હાથથી પત્તાં ચીપે છે. પત્તાંની સાથે વીતેલાં વર્ષો ઉપરતળે થયાં કરે છે. પત્તાંની ઢગલીમાંથી અચાનક કોઈ એક પત્તું ખૂલે તેમ કોઈ એકાદ વર્ષ-દિવસ-પ્રસંગ-ક્ષણ ખૂલી જાય છે. પત્તાં વહેંચાઈ ગયાં છે. રમત શરૂ કરવા જાય ત્યાં જ ડોસી ઉત્તેજીત થઈને બોલી ઊઠે છે – ‘હું બે હાથ માગું છું તમારા પર.’ ડોસો જાણે કે આવું કાંઈક સાંભળવાની રાહ જોતો હોય તેમ ટેસમાં આવી જઈને કહે છે, ‘અરે ! હાથ તો મેં તારો માગી લીધો હતો તારા બાપા પાસેથી. યાદ છે? શરદપૂનમના તને ગરબા ગાતાં જોઈ ત્યારથી જ તારી પાછળ ઘેલો થઈ ગયો હતો’ ‘તે હજીયે એવા ને એવા જ છો, ઘેલા.’ ‘તારી પાછળ ઘેલો. રાહ જોવાનું તો મારા સ્વભાવમાં જ નહિ, એટલે બીજે જ દિવસે મંદિરની બહાર ઊભો રહી ગયો-દેવીનાં દર્શન માટે !’ ‘શરમાતા નથી, આ ઉંમરે આવી બધી વાતો કરો છો?’ ‘શરમાયો હોત તો તું મને ક્યાંથી મળત, મેં તો બેશરમ થઈને મંદિરના પગથિયા પર તારો હાથ પકડી લીધો, અને સીધે સીધું તને પૂછી જ લીધું...’ ડોસીની આંખમાં ચમક આવી ગઈ. આજે એકાવન વર્ષ પછી પણ ડોસી એને એકાવન વર્ષ પહેલાં પુછાયેલ સવાલ ડોસાના મોઢે ફરી સાંભળવા આતુર હતી. ડોસો આ જ ઝંખતો હતો, વીતેલા લીલાછમ દિવસોને ડોસીની ઊંડે ઊતરી ગયેલ સાવ સુક્કીભઠ્ઠ આંખોમાં ફરી પાથરી દેવાના. ડોસો હાથમાંના પત્તાને રમાડતા બોલ્યો – ‘સીધું તને ન પૂછું તો કોને પૂછું? એટલે પૂછી જ લીધું... બસ પૂછી લીધું.’ ડોસીની આતુરતા તીવ્ર બની હતી, ‘શું ક્યારનાય ૫... ૫... ૫... પૂછી લીધું કરો છો. પત્તું ઊતરો ને, એક પત્તું ઊતરવામાંય કેટલી વાર લગાડો છો !’ ડોસાએ જોયું કે હવે ડોસીની ધીરજ ખૂટી છે, એટલે હાથમાંનું પત્તું ઊતર્યું અને કહી દીધું, ‘હું તને ચાહું છું, તું મારી બની શકે? Love you me ?’ ‘નફ્ફટ ક્યાંકના ! આટલું જોરથી ખુલ્લે ખુલ્લું આમ બોલાતું હશે? કોઈ સાંભળે તો આપણા વિશે શું ધારે?' ‘અરે ! કોણ સાંભળવાનું? આપણે બે જ તો છીએ, લે હજી મોટેથી કહું? I Love you... I Love you... I Love you...’ ‘શું આમ લવ લવ કરો છો, લાજતા નથી? આ તો ઠીક છે, કોઈ નથી, છોકરાં છૈયાં હોય તો...’ અને ડોસી ખોવાઈ ગઈ. એની આંખો દૂ...રના કોઈ અજાણ્યા પ્રદેશમાં ખોડાઈ ગઈ. ડોસો ચોંકી ગયો, આ તો મોટી ગરબડ થઈ ગઈ, વાત વાતમાં ખોટું પત્તું ઉતરાઈ ગયું. પણ હવે શું થાય? નીચે પડ્યું તે પાણી, એને પાછું તો કેમ લેવાય? પણ ડોસીને તો ત્યાંથી પાછી લાવવી જ રહી. ડોસાએ હતાં એટલાં ખુલ્લાં કરીને કહ્યું, ‘લે, હું તો હારી ગયો.' અને પછી વહાલભર્યો મીઠો છણકોય કર્યો, ‘ક્યારેક તો મને જીતવા દે.’ પણ હવે ડોસીનું ધ્યાન રમતમાં નહોતું. ડોસીનું ધ્યાન રમતમાં પાછું વાળવા ડોસાએ ફરી પાનાં ચીપવાં શરૂ કર્યા, પત્તાં વહેંચી જોયાં, પણ એની એ જ રોન નીકળતી હતી. આવી બેઠી ગેમ રમવાની શી મઝા? ડોસાએ પત્તાં ફરી ચીપ્યાં, પત્તાંની બે એકસરખી ઢગલી કરી સામસામે મૂકી કતરી મારી. બંને ઢગલીનાં પત્તાં ફરફરતાં – એકબીજા પર ઢળતાં જતાં હતાં. પ્લાસ્ટીકનાં પ્લેઈંગ કાર્ડના ફરફરાટનો એક મીઠો ધ્વનિ રેલાતો હતો અને સાથે સાથે એકબીજામાં ભળતા જતા રંગોની એક સુંદર ઝાંય પણ રચાતી હતી. પણ હવે ડોસીનું ધ્યાન બીજે જ ક્યાંક છે – જાણે બધું જ બેસૂરું અને બેરંગ થઈ ગયું છે. ડોસાને આ વાતનો જ ડર લાગે છે. ડોસી અહીં-એની સાવ સામે જ બેઠી હોય અને આમ સાવ અચાનક દૂ...ર દૂ...રના કોઈ સાવ અજાણ્યા પ્રદેશમાં પહોંચી જાય – જાણે કોઈ મસમોટા શૂન્યની તરફ ખેંચાતી જાય. એ શૂન્ય આકાશમાંના બ્લેકહોલ જેવો તો નહિ હોયને? એક વાર એના કુંડાળામાં પગ પડે કે માણસ એમાં ખૂંપતું જાય, અરે ! એમાં ગરક જ થઈ જાય, જાણે એ માણસ હતું જ નહિ. તો આ ડોસો તો અહીં એકલો જ રહી જાયને ! એમ તો એક દિવસ બેમાંથી એકે પહેલાં જવાનું જ છે અને બીજાએ એકલા રહેવાનું જ છે. પણ આ વાત સાવ જુદી. આ તો ડોસી અહીંયા જ હોય, ડોસા સાથે જ બેઠી હોય – ખાય, પીએ, પત્તાં રમે – પણ એ અહીંયા હોય જ નહિ. એની નજર તો એના બાવન બારના કોઈ પત્તાને ખોળતી હોય. એ વખતે એના હાથમાં રહેલ હુકમનું પત્તુંય દુડી-તીડી જેવું થઈ જાય – ને પછી એવી બાજી રમવામાંય શું રસ રહે? રમવા ખાતર રમવાનું ! હારવું-જીતવું બધુંય સરખું હોય તો એને રમત કેમ કહેવાય? જો ડોસી આમ વારે ઘડીએ પેલા શૂન્ય તરફ ખેંચાતી જાય... એ તો ઠીક, પેલા કુંડાળામાં પગ પડી જાય... ના, ના, કાંઈ પણ કરીને ડોસીને એ શૂન્ય તરફ જતા અટકાવવી તો પડે જ. ડોસો પોતાની પાસે હોય એટલાં પત્તાં નાખીને જેમ-તેમ કરીને ડોસીને અહીં આ રમતમાં રોકી રાખે છે. પણ કાંઈ કહેવાય નહિ. પેલું શૂન્ય તો જાણે વધુ ને વધુ મોટું થતું જાય છે અને ડોસીને પોતાની તરફ ખેંચતું રહે છે. અને ડોસો ડોસીને રમતમાં ખેંચવા મથે. આ ખેંચાતાણીમાં ક્યારે શું થાય, કાંઈ કહેવાય નહિ. વળી આ એકની એક રમત અને એકનાં એક પત્તાં ડોસીને ક્યાં સુધી જકડી રાખે ! એમ તો ડોસી હજી કડેધડે છે. કલકત્તીની સાડીની ચીપેલી પાટલીઓ હજી આર કરીને કડક રાખે છે. ડોસો કંઈ કામે બહાર જાય તો એના આવવાના સમયે દરવાજે ઊભા રહીને રાહ જોવાનો ક્રમ એકાવન વર્ષમાં હજી એકેય વખત નથી તૂટ્યો. ઝૂલતા ચોટલાની જગ્યાએ નાની અંબોડી આવી ગઈ છે, પણ ગોરા લલાટ પરનો પૈ જેવડો કુમકુમનો ચાંદલો તો હજી અકબંધ જ, ને ચાંદલો કરતાં નાક પર ખરેલું કંકુ પણ... બધું એમ ને એમ જ છે, પણ દરવાજે ઊભી રહી રાહ જોતી ડોસીની આંખમાં ક્યારેક એવો સૂનકાર હોય કે ડોસો હબકી જાય. શરૂ શરૂમાં તો એકાદ ધીમો સાદ કરે કે ડોસી હાજર થઈ જાય. પણ હવે ધીરે ધીરે ડોસીને પાછી આવતાં વાર લાગે છે. ક્યારેક તો રીતસર ઢંઢોળીને પાછી લાવવી પડે. પણ એટલા દૂરના પ્રવાસેથી આવેલી ડોસી થાકીને લોથ થઈ ગઈ હોય. બાવને બાવન પત્તાં ઊતરીને જોઈ લીધું છે. તોયે ડોસો પત્તાં ચીપ્યે રાખે છે, કો'ક એકાદું પત્તું જડી આવે ! લે, અરે ! આ કોરાણે પડેલ પત્તું તો ભુલાઈ જ ગયું, ત્રેપનમું તો ત્રેપનમું, છે તો પત્તું જ ને ! ડોસાની આંખમાં હવે ચમક આવી ગઈ છે, કોઈક નવી જ આશા સાથે એ પત્તાને જોયા કરે છે, ને પછી ધીરે રહીને એ ત્રેપનમું પત્તું પટમાં ઉતારે છે – ને આખી બાજી પલટાતી જાય છે. હવે નવાં જ દ્રશ્ય રચાય છે. દ્રશ્ય નંબર-૧. ડોસો બજારમાં દહીં લેવા ગયો છે, ડોસી રોજની જેમ જ દરવાજે રાહ જોતી ઊભી છે – રોજની જેમ જ ખોવાતી જાય છે, પેલા કુંડાળાની સાવ નજીક પહોંચી ગઈ છે. ત્યાં જ બોકાસા સંભળાય છે. ડોસી ઝબકીને જાગી જાય, ને જુએ તો આગળ ડોસો દહીંની તપેલી માથે મૂકી ઠૂમકા લેતો ગાય છે – ‘માથે મટુકડી મહીની ગોળી હું...' ને પાછળ તોફાની બારકસ છોરાઓનું આખું ટોળું હુરિયો બોલાવતું – ડોસો ગાંડો... ડોસો ગાંડો... ડોસી તો સાવ અવાચક, કાંઈ સમજે તે પહેલાં જ ડોસા સહિત આખે આખો વરઘોડો હૂ ડૂ ડૂ ડૂ કરતો ઘરમાં. કેટલાંય વર્ષો પછી આ ઘરનું ફળિયું આખું ધૂળ ધૂળ ! ડોસો હજી રાગડા તાણે છે ને છોરાઓ હૂપાહૂપ ! ડોસીને તો આ તમાશો જોઈ એક તરફ હસવું ને બીજી તરફ... ડોસી ડોસાના માથેથી દહીંની તપેલી ઉતારે છે. બરણીઓના ટાઈમરાઈટ વાસેલાં ઢાંકણાં ખૂલે છે, ચોકલેટ, પીપરમેન્ટ, દરાખ બારે નીકળે છે, અત્યારે ઘેર જવાના આદેશ અને ફરી આવવાના ઈજન તરીકે છોરાઓને ભાગ મળે છે. ટોળું હૂ ડૂ ડૂ ડૂ ડૂ કરતું બહાર નીકળે છે. દ્રશ્ય નંબર-ર, ડોસી ડોસાને જમવા સાદ કરે છે, ડોસો બંને હાથ ઉપર રાખી ડોલતો ડોલતો જમવા આવે છે. ડોસી પોતાની અને ડોસાની થાળી પીરસે છે. ડોસો થાળીમાંથી રોટલી લઈ ચમચીમાં પરોવે છે, ચમચીમાં ગોળની એક કાંકરી મૂકે છે ને પછી જમણા હાથથી ડોસીની આરતી ઉતારતો હોય તેમ ચમચીને ફેરવતો બરાડે છે – ‘ચલો બુલાવા આયા હૈ માતાને બુલાયા હૈ' આ જોઈ ડોસીનું હસવું તો કેમેય રોકાતું નથી. હસતાં હસતાં ડોસી હળવેકથી ડોસાના હાથમાંની ચમચી થાળીમાં મુકાવે છે ને પછી રોટલીની કોર ભાંગી, એમાં શાકનું ફોડવું મૂકી ડોસાને વહાલપૂર્વક કોળિયો ભરાવતાં કહે છે – ‘હવે જમી લ્યો તો ડાહ્યા થઈને !’ ડોસો આજ્ઞાંકિત બાળકની જેમ શાંતિથી જમી લે છે. ડોસી હવે સાવધ છે, ડોસાનું કોઈ નવું તોફાન જાગે કે ઓલી વાનરસેના ટપોટપ કૂદી પડે તે પહેલા પરવારી લેવાની પેરવીમાં છે. હવે ડોસાના હાથમાં ત્રેપનમું પત્તું – જોકર છે, હુકમના એક્કાથીયે ભારે પત્તું, આખી બાજી સુલટાવી શકાય. કાશ ! આ રમત આમ જ ચાલતી રહે !
❖
વાર્તા અને વાર્તાકાર :
- દક્ષા સંઘવી (૦૪-૦૪-૧૯૬૨)
એક વાર્તાસંગ્રહ :
- 1. બોન્દુનાં સપનાં (2023) 16 વાર્તા
‘ત્રેપનમું પત્તું’ વાર્તા વિશે :
અહીં લીધેલી ‘ત્રેપનમું પત્તું’ વાર્તા એકલવાયાં વૃદ્ધ દંપતિની છે. આરંભે આવતું ઘરનું વર્ણન ઘણું બધું કહી દે છે. ફળિયાથી લઈને અંદરના ઓરડા સુધી ઘર ચોખ્ખું ચણાક છે, ક્યાંય રજ નહીં, એકાદી ભીંત પર ડાઘ-ડૂઘનાં નિશાન સુદ્ધાં નહીં. બધું જ વ્યવસ્થિત. આ દૃશ્ય આ ઘરને બાળકોનો સ્પર્શ નહીં થયો હોય એ કહી દે છે. બંને પ્રેમમાં પડ્યાં ત્યારથી અત્યારની જિંદગી સુધી સુખ જ સુખ છલકાતું રહ્યું. પાનાં રમીરમીને પત્તાની કેટ ઘસાઈ ગઈ છે પણ એક હુકમનો એક્કો જ નહિ ! જીત્યા છતાંય હારી ગયાનો વસવસો તો રહ્યો જ. પણ આ હાર નસીબે આપી હતી. છલકાતું સુખ આપ્યું પણ બાળક નહીં. આખી વાતને પત્તાની ભાષામાં ગોપવીને સરસ રીતે કહી છે. બંનેએ એમ તો મન મનાવી લીધું હતું પણ ક્યારેક બીજાની ગેમમાં નજર નાખે. એમના દુડી-તીડીને સર થઈ જતાં જુએ ને પોતાની રમતનો રસ જ ઊડી જાય... (25) ડોસી જીતે ને પોતે હારી જાય એ ડોસાને ગમે છે. ડોસીની આંખમાં ઘડીભર માટે આવી જતી જીતની ચમક જોવા માટે ડોસો આખી જિંદગી હારવા તૈયાર હતો. ભૂતકાળની લીલીછમ યાદોને વાગોળતા, ડોસા ડોસીને કહે છે : ‘કેવું કહી દીધેલું તને, I Love You…’ ડોસા બે વાર જોરથી બોલે છે એટલે ડોસી ટોકે છે : ‘શું આમ લવ લવ કરો છો, લાજતા નથી? આ તો ઠીક છે કોઈ નથી. છોકરાં-છૈયા હોય તો...’ બસ, આ જ તો દુખતી રગ છે ને પોતાનાથી જ દબાઈ ગઈ. ડોસો ચોંકી ગયો. આ તો મોટી ગડબડ થઈ ગઈ. વાતવાતમાં ખોટું પત્તું ઉતરાઈ ગયું. પણ હવે? નીચે પડ્યું તે પાણી, એને પાછું તો કેમ લેવાય? પણ ડોસીને ત્યાંથી પાછી લાવવી જ રહી. (26) ડોસાને આ જ વાતનો ડર લાગતો. ડોસી એની સામે જ બેઠી હોય અને સાવ અચાનક દૂર... દૂર કોઈ અજાણ્યા પ્રદેશમાં પહોંચી જાય. ખબર હતી કે બેમાંથી એક વિદાય લે ત્યારે બીજાએ એકલા જ રહેવાનું હતું પણ એ વાત જૂદી. આ તો ડોસી અહીં જ હોય, ડોસા સાથે જ બેઠી હોય... પણ એ અહીં હોય જ નહિ (27) ડોસો પોતાની પાસે હોય એટલાં પત્તાં નાખીને જેમ-તેમ કરીને ડોસીને અહીં રમતમાં રોકી રાખે છે પણ પેલું શૂન્ય તો જાણે વધુ ને વધુ મોટું થતું જાય છે અને ડોસીને પોતાની તરફ ખેંચતું રહે છે. (27) ડોસાએ બાવને બાવન પત્તાં ઉતરીને જોઈ લીધું છે પણ...ને ડોસો ત્રેપનમું પત્તું શોધી કાઢે છે. ક્યારેક પડોશના બાળકોનું ટોળું ઘરમાં આવે, ક્યારેક ડોસો પોતે બાળક બનીને ડોસીને હસાવે... ને આ ત્રેપનમાં પાનાંથી ફરી રમત ચાલતી થતી. વાર્તાકાર છેલ્લું વાક્ય મૂકે છે : કાશ ! આ રમત આમ જ ચાલતી રહે ! (28) સંતાન વગરની જિંદગી તો નીકળી ગઈ પણ હવે પાછલી ઉંમરે એકલતા સાલે છે. આપણે ત્યાં સંતાન હોય છતાં કોઈ ને કોઈ કારણે એકલાં રહેતાં વૃદ્ધોની અનેક વાર્તાઓ છે. એની વચ્ચે આ વાર્તા નોખી પડે છે.
અન્ય નોંધપાત્ર વાર્તાઓ :
- બોન્દુનાં સપનાં, સંભાવનાઓ : એક કેસ ફાઇલની, સ્માર્ટ માતાની સ્માર્ટ દીકરી, પટારો, લફંગો