નારીસંપદા : ટૂંકી વાર્તા/નિશ્ચય

નિશ્ચય

પ્રીતિ પુજારા

નિરાલીને આજે ઊંઘ નહોતી આવતી. રાત્રિના અંધકારમાં માથાબોળ સ્નાન કરેલી એની તૃષ્ણાઓ દિશાહીન સંચરતી હતી. બેડરૂમમાં નાઇટલેમ્પનો ઝીણો અજવાસ આ તૃષ્ણાઓને થોડો માર્ગ દેખાડી રહ્યો હતો. તે પથારીમાં પડખાં ફેરવતી હતી. માથા પર ફરતા પંખાની ગતિ એના વિચારોને વધારે ચકરાવે ચડાવતી હતી. ઊભી થઈને તેણે પંખો ધીમો કર્યો. કોઈ પણ રીતે નિરાલીને આજે ચેન નહોતું પડતું. સવારે આઠ વાગ્યે તો નિરાલી ઑફિસ જવા માટે ઘરેથી નીકળી જતી હતી. આજે બહુ મોડે સુધી ઊંઘ નહોતી આવી. ઊંઘ આવી કે એલાર્મ વાગ્યું. સવાર જાણે કે બહુ જલ્દી થઈ ગઈ. નિરાલી વિચારતી હતી કે વિનાયકને આજનો દિવસ તો બરાબર યાદ જ હશે. એ બધું જ ભૂલી જાય પણ આજનો દિવસ આટલાં વર્ષોમાં ક્યારેય ભૂલ્યો નથી. એની સામેની બધી જ ફરિયાદો આજે મને વામણી લાગશે. પણ તેના આશ્ચર્ય સાથે તેણે જોયું તો બાજુનો બિસ્તર ખાલી હતો. વિનાયક તો પોતાના નિત્યક્રમ પ્રમાણે જિમમાં જતો રહ્યો હતો. તે પોતાનું બધું જ કામ આટોપીને ઝડપથી ઑફિસ જવા તૈયાર થઈ. નિરાલીએ કપડાંનું કબાટ ખોલી કેસરી રંગની બાંધણી કાઢી. તેમની દરેક વેડિંગ એનિવર્સરી પર તે વિનાયકે અપાવેલી એને ખૂબ જ ગમતી ઓરેન્જ બાંધણી જ પહેરતી. નાહીને બ્લાઉઝ અને પેટીકોટ પહેરી અરીસા સામે ઊભી રહીને નિરાલીએ છાતીથી લઈ કમ્મર સુધી પોતાના પ્રત્યેક અંગ પર હાથ ફેરવ્યો. ધીરે ધીરે સાડી લપેટી સાથે સાથે અધૂરપ અને તૃષ્ણાઓ પણ લપેટાઈ ગઈ. સાડીના ખુલ્લા પલ્લુમાં તેની ઘણી ખરી ઇચ્છાઓ લહેરાતી રહી. સાડીમાં સજ્જ નિરાલી સુંદર લાગતી હતી. સાડી પહેરવા માટે આજે ખાસ કારણ પણ હતું. અરીસા સામે ઊભેલી નિરાલીને અરીસાએ સુંદરતાનું પ્રમાણપત્ર આપી દીધું. નિરાલી દેખાવમાં ખૂબ સુંદર હતી. ઊંચી, પાતળી, શ્યામવર્ણની પણ ઘાટીલી હતી. ચાલ પણ લચકદાર અને સ્મિત તો એવું માદક કે સામેવાળા વગર બાણે જ વીંધાઈ જાય અને નમણી તો એવી કે ચીથરુંય પહેરે ને તોય એને શોભે. પણ વિનાયક થોડી જુદી માટીનો હતો. સ્ત્રીસહજ લાગણીઓને તે સમજી શકતો જ નહોતો. એ ધૂની અને વર્કોહોલિક હતો. સાડી પહેરીને તૈયાર થયેલી નિરાલીએ વિનાયકને પૂછ્યું, “જુઓ તો, હું કેવી લાગું છું?” કાયમની જેમ એક જ ટૂંકુ ને ટચ વાક્ય – “તને તો બધું જ સારું લાગે છે.” “આ જરી પિન કરી દો ને, મારો હાથ પાછળ સુધી નહીં પહોંચે.” એમ કહી એ વિનાયકની લગોલગ ઊભી રહી ગઈ. વિનાયકે અકળાઈને કહ્યું, “આ શું નખરા માંડ્યા છે? શાંતાબાઈને કહે, મને ન ફાવે પિન નાખવાનું. તને વાગી જશે.” “આમેય ઓછું વાગે છે રોજ?” નિરાલી બબડી. “શું કહ્યું?” “એમ કહું છું કે તમે ટ્રાય તો કરો.” “મેં કહ્યું ને કે ન ફાવે મને, આ નખરા છોડી દે.” વિનાયકનો અવાજ થોડો ઊંચો થઈ ગયો. નિરાલી ફરી બોલી, “નખરા નથી, તમે શાંત થઈ જાઓ. અને, આ કઈ સાડી છે? જુઓ તો, તમને યાદ આવે છે? આ બાંધણી 20 વર્ષ પહેલાંની છે પણ એનાં પોત અને રંગ હજુ એવાં ને એવાં જ છે અને હું ખાસ પ્રસંગે જ પહેરું છું. તમે જ મને અપાવી હતી એટલે.” “ઑફિસમાં આજે કંઈ ખાસ પ્રસંગ છે?” વિનાયકે પૂછ્યું. નિરાલીને આંચકો લાગ્યો. “આજનો દિવસ યાદ છે ને તમને?” “હા, મંગળવાર.” વિનાયકે ખૂબ જ ઠંડા કલેજે કહ્યું. “તને તો આમેય સાડી પહેરવી ગમે છે ને? પહેરી લે. એના માટે કોઈ ખાસ દિવસની શું રાહ જોવાની?” અચાનક જ વિનાયકનો ફોન રણક્યો. “આજે સાંજે કંપનીના કામે બપોરે મુંબઈ જવું પડશે.” વિનાયક એને નહીં પણ પોતાના કામને જ પરણ્યો હતો એ વાતનો વધુ એક પુરાવો નિરાલીને મળી ગયો હતો. જ્યારથી પરણી ત્યારથી આજ સુધી વિનાયક નામના શુષ્ક વૃક્ષ પર નિરાલીએ ક્યારેય પ્રણયની વેલ પાંગરેલી જોઈ જ નહોતી. ભરચોમાસાંમાંય એક તરબતર નદી સતત સુકાતી રહેતી અને આ ભીની નદી સુકાઈને રેતાળ રણ જેવી થઈ ગઈ હતી. એવા તો અનેક પ્રસંગો હતા, જ્યારે નિરાલી પળે પળે વિનાયકના વ્યવહારથી દુઃખી થતી. પોતાના જ પતિ વડે કાયમ ઉપેક્ષિત થતી. પોતાના પતિને એના માટે સમય જ નહોતો. સાવ સૂકા લાકડાના ટુકડા પર મઘમઘતી વેલ ટેકો લઈને વિસ્તરી હતી. પણ હવે એ ટેકો વેલને અસહ્ય લાગતો હતો. કારણકે સૂકું લાકડું એનાં કોમળ અંગોને રોજ છોલી નાખતું હતું. વેરાન જંગલમાં ઊગેલી કોમળ વેલ લાકડાના સૂકા ઠૂંઠા પાસે સતત સ્પર્શ અને હૂંફની અપેક્ષા રાખતી. નિરાલીની ભીતર ઇચ્છાઓ અને કામનાઓની એક પ્રબળ આગ સતત બળતી હતી, જે માત્ર અને માત્ર વિનાયક જ ઠારી શકે એવું એ માનતી હતી. રોજ રોજ વિનાયક સાથે ઇચ્છાઓ મારીને જીવતી હતી. વિનાયક એને સ્પર્શ કરે, ચુંબન કરે, એને આલિંગન કરે, એને સમય આપે, ક્યારેક એની સાથે બાલકનીમાં બેસીને કોફી પીવે, વિકેન્ડમાં ઑફિસ સિવાયના પણ પ્લાન કરે. આવાં નાનાં-નાનાં જ એનાં સપનાં હતાં. નિરાલી ખૂબ જ વિહ્વળ થઈ ગઈ હતી. આટલાં વર્ષોમાં વિનાયકને એનિવર્સરી સિવાય કશું જ યાદ નહોતું રહેતું અને આ વર્ષે તે એ પણ ભૂલી ગયો? એકલતાની આગમાં આ પ્રસંગે ઘી હોમવાનું કામ કર્યું હતું. તેની છાતીમાં ડૂમો ભરાઈ ગયો. જીવન યંત્રવત્ બનતું જતું હતું. વિનાયક દિવસના ચોવીસ કલાકમાંથી હવે માત્ર ઊંઘવા અને જમવા માટે જ ઘરે આવતો. છેલ્લાં વીસેક વર્ષથી નિરાલી નોકરી કરતી હતી. વિનાયકે તો સ્પષ્ટપણે નિરાલીને નોકરી કરવાની ના જ પાડી હતી. પણ નિરાલીને ઘરે બેસી રહેવું નહોતું અને નોકરીના કારણે જ કદાચ એ જીવી શકી હતી. અને એનું લગ્નજીવન પણ ટક્યું હતું. નિરાલી જેવી ઑફિસમાં આવી કે સૌ સ્ટાફમિત્રો પ્રશંસાનાં પુષ્પો વેરવા લાગ્યા. “મેડમ ! તમે સાડીમાં ખૂબ સુંદર લાગો છો.” બાજુના ટેબલ પર બેસતી અવની બોલી, “મેડમ, આજે કઈ ખાસ પ્રસંગ છે?” “ના-ના. ઘણા દિવસથી સાડી પહેરવાની ઇચ્છા હતી. આમેય મિસ્ટર શાહનું ફેરવેલ છે ને આજે? આવી જૂની સાડીઓને પહેરવાનું પણ બહાનું જોઈએ ને?” નિરાલી સ્વસ્થ થઈને બોલી. અવનીએ ઉમેર્યું, “મેડમ આ સાડી તો હવે દુર્લભ જ છે. બાંધણી અને એમાંય પાછી આંબાડાળ ઓવરઓલ પ્રિન્ટવાળી સાડી તો આજના સમયમાં જવલ્લે જ બને છે.” નિરાલી લોકોને કેમ સમજાવે કે જે આંબા પર એ ટહુકા કરતી’તી એ ડાળ હવે તૂટું-તૂટું થઈ રહી છે અને આ કોયલ? કોયલ તો ટહુકા જ કરતી બંધ થઈ ગઈ છે. સિંદુર પાઈ દીધું હોય એવી મૂંગી જ થઈ ગઈ છે. ચાલીસી વટાવી ચૂકેલી નિરાલી આજે પણ એટલી જ સુંદર અને આકર્ષક દેખાતી હતી. નિરાલી ખૂબ સારી ડાન્સર હતી. તેને ગરબા કરવા, કોઈ ફન્કશનમાં ડાન્સ કરવો કે પછી સરસ ભોજન બનાવવું એ બધું જ ગમતું. પણ પોતાની કળા કે આવડતના પ્રદર્શન માટે એના પોતાના ઘરમાં કોઈ અવકાશ નહોતો. નિરાલી છેલ્લા કેટલાય દિવસોથી અસમંજસમાં હતી. એક દરિયામાં ગાંડું પૂર આવતું હતું અને એમાં તણાઈ જવું એને ગમવા લાગ્યું હતું. પોતાની જ સાથેનું દ્વન્દ્વ યુદ્ધ એને અસહ્ય પીડા આપી રહ્યું હતું. એ જાણતી હતી કે યુદ્ધ વિનાશકારી જ હોય છે, ભલે એ પછી રણભૂમિમાં ખેલાતું હોય કે માનસપટ પર. આ યુદ્ધમાં નિરાલી રોજ ઘવાતી, લોહીલુહાણ થતી. અને બીજા દિવસે ભડવીર યોદ્ધાની જેમ ઊભી થઈ લડવા તૈયાર થઈ જતી. હવે એક મુકામ પર પહોંચવું જરૂરી હતું. એણે આ રોજ રોજના યુદ્ધમાંથી હવે બુદ્ધ થઈ જવું હતું. નિરાલીની નજર ઑફિસમાં આજે મૃણાલને શોધતી હતી. આજે રજા પર હશે કે? તેના વિચારોના ઘોડાઓ દોડવા લાગ્યા. મિસ્ટર શાહનું ફેરવેલ ફંક્શન પણ પતી ગયું હતું અને સૌ લંચ માટે ભેગાં થયાં છે. ત્યાં તો દૂરથી મૃણાલ આવતો દેખાયો. નિરાલીની આંખોમાં બેઠેલું અજંપાનું પંખી શાંત થઈને બેસી ગયું. મૃણાલ નિરાલીને જોઈને બોલ્યો, “આ સાડીમાં તમે ખૂબ સુંદર લાગો છો અને આ રંગ? શું કહેવું? આ રંગ તો જાણે તમારા માટે જ બન્યો છે.” આ વાક્ય સાંભળવા માટે નિરાલી સવારથી તલપાપડ હતી. “થેન્ક્યૂ.” “પણ તમને આજે આવતાં મોડું કેમ થયું?” નિરાલીએ બધાંની વચ્ચે સ્હેજ હળવાશથી પૂછ્યું. “આજે ઑફિસમાં ખાસ કામ નહોતું એટલે હાફ ડે પર હતો.” મૃણાલને જોતાં જ નિરાલીની આંખોમાં ચમક આવી જતી. એટલું જ નહીં, એના હૃદયના ધબકારા વધી જતા અને શરીરનાં અંગપ્રત્યંગમાં મધુર ઝણઝણાટી પેદા થઈ જતી. એ ભૂલી નહોતી હજુ પણ એ 31 ડિસેમ્બરની પાર્ટી. ઑફિસમાં સૌ પ્રથમ વાર ન્યૂયરની પાર્ટીમાં મૃણાલ સાથે તેણે ગયા વર્ષે ડાન્સ કર્યો હતો. એના ભીના શ્વાસ અને શરીરની સુવાસ હજુય તેના શ્વાસમાં અકબંધ હતા. ત્યારથી મૃણાલ તરફનું આકર્ષણ વધી ગયું હતું. આ સંબંધમાં મૃણાલ પણ એટલો જ પોઝિટિવ હતો. ઑફિસમાં લંચ-પાર્ટી પૂરી થઈ. મૃણાલે નિરાલીને કહ્યું, “ચાલો તમને ઘરે છોડી દઉં.” નિરાલી કારનો દરવાજો ખોલી આગળ જ બેસી ગઈ. મૃણાલે નિરાલીની હથેળીને સ્પર્શ કર્યો અને તેનો હાથ પકડી એક હાથે ગાડી ડ્રાઇવ કરતાં કરતાં બોલ્યો, “ચાલ, તારી ફેવરિટ કોફી શોપમાં જઈએ.” નિરાલી આજે ખૂબ અપસેટ હતી. “નિરાલી, તને જીવનનાં બધાં જ સુખ ભોગવવાનો પૂરતો અધિકાર છે. તું તારા ભાગ્યમાં લખાયેલી છે તેનાં કરતાંય વધારે ખુશી ડિઝર્વ કરે છે.” મૃણાલે એના હાથને પોતાના હાથમાં લઈને કહ્યું. જ્યારે જ્યારે મૃણાલ તેને સ્પર્શ કરતો ત્યારે ત્યારે નિરાલીના શરીરમાં જાણે વીજળીનો કરંટ આવતો. એનાં રૂંવાડાં ઊભાં થઈ જતાં. અને તેની બોલવાની છટા, પોતાના તરફનો હકારાત્મક અભિગમ, નિરાલીની પસંદ-નાપસંદનો ખ્યાલ – આ બધું જ નિરાલીને આકર્ષતું હતું. મૃણાલે નિરાલીના હૃદયમાં પાક્કું ઘર બનાવી લીધું હતું. મૃણાલની આંખમાં નિરાલીએ પ્રેમનો ઊછળતો દરિયો જોયો હતો. જે દરિયામાં એક નદી રોજ તણાઈ જતી હતી. છૂટા પડતી વખતે મૃણાલ કાયમ નિરાલીને એક દીર્ઘ ચુંબન આપતો અને યુગોથી તરસ્યા રણમાં એક નદી વિસ્તરવા લાગતી. બન્ને કોફી શોપમાંથી છૂટાં પડ્યાં. મૃણાલે નિરાલીને ઘરની ગલી આગળ ઉતારી. મૃણાલના પરફ્યુમને તેના રોમ રોમમાં ભરી નિરાલી ઘર તરફ ડગ માંડવા લાગી. અનાયાસે જ મૃણાલ જ્યારે જ્યારે એની સાથે રહેતો ત્યારે ત્યારે વિનાયકની સાથે તેની તુલના થઈ જ જતી. વિનાયક પતિ તરીકે અને વ્યક્તિ તરીકે એટલો ખરાબ ન હતો. પરંતુ નિરાલીના અતૃપ્ત હૃદયમાં આગ દિવસે દિવસે વધતી જતી હતી એ વાત ક્યારેય વિનાયક સમજ્યો ન હતો. નિરાલીની અતૃપ્ત ઇચ્છાઓ વિનાયક સામે રોજ બળવો કરતી. પણ નિરાલીની ઇચ્છાઓના આકાશને નિહાળવા માટે કે એમાં વિહરવા માટે વિનાયકની આંખોએ હંમેશાં કાળાં ચશ્માં પહેરેલાં હતાં. જ્યારે નિરાલી મૃણાલ પાસે રહેતી ત્યારે સતત પોતાના પતિને છેતરવાનો અપરાધભાવ પણ એની સાથે રહેતો. તેણે પોતાના મનને ઘણી વાર સમજાવ્યું હતું કે વિનાયકનો સહવાસ જ મારા ભાગ્યમાં લખાયેલો છે. કાલે નક્કી હું મારા મનને અને મૃણાલને બન્નેને સમજાવી લઈશ. મૃણાલને હું છોડી દઈશ. પરંતુ નદી પર બાંધેલા તાજા જ પુલને જેમ ધસમસતું ગાંડું પૂર ક્ષણ વારમાં તોડી નાખે એમ એ જેવી મૃણાલ પાસે જતી કે મૃણાલને મળતી, તેના દરેક નિશ્ચયો પર પાણી ફરી જતું. મૃણાલ હતો જ એટલો ઊર્જાવાન અને આકર્ષક કે નિરાલી તેની પાસે જતાં જ પોતે કરેલા બધા જ નિર્ણયો ભૂલી જતી. પતિ વિનાયક એને જે નહોતો આપી શકતો એ બધા જ મનસૂબા અને ઇચ્છાઓના પર્વતોને લાંઘવા માટે મૃણાલે તેને પાંખો આપી હતી. બળબળતી સાંજની આંખમાં મૃણાલે કેટલાંય મેઘધનુષો ચીતર્યાં હતાં. આમ તો વર્ષોથી વિનાયકને નિરાલીએ જેવો છે એવો સ્વીકારી લીધો હતો. નિષ્ઠાવાન હોવું, કામ પ્રત્યે અનુરાગ હોવો કે સતત પોતાની જાતને વ્યસ્ત રાખવી એ કંઈ પાપ તો નહોતું. સરળ હોવું કે એ કંઈ ગુનો નહોતો. ફિઝિકલ નીડ્સ જ સનાતન સુખ છે એ માનવાને પણ કોઈ ચોક્કસ કારણ ન હતું એમ નિરાલી સમજતી જ હતી. પણ નિરાલીની સળગતી ઇચ્છાઓના દાવાનળને મૃણાલે ઘણી વાર ઓલવ્યો હતો. જ્યારે પણ નિરાલી વિનાયકને પરાણે મનાવીને પિક્ચર જોવા લઈ જતી ત્યારે પણ વિનાયક અકળાઈ જતો અને થિયેટરમાં પણ એકાદ ઝોકું લઈ લેતો. શોપિંગ કરવાની હોય તો પણ પ્રાયઃ નિરાલી એકલી જ જતી. આમ, એકધારી નીરસ જિંદગીથી નિરાલી ઉબાઈ ગઈ હતી. સમાધાનનો પર્વત એટલો ભારે થઈ ગયો હતો કે હવે ઊંચકવો જ અસહ્ય થઈ ગયો હતો. મૃણાલના શબ્દો વારંવાર કાનમાં ગૂંજતા, “આઈ એમ ઓલવેઝ ધેર વિથ યુ અને હા, મને કોઈ ઉતાવળ પણ નથી, ટેઇક યોર ટાઇમ.” વિનાયકને છોડવો અને મૃણાલની સાથે જીવન વીતાવવું એ કેવળ સપનું કે ભ્રમ લાગતો હતો. પણ એને એટલી ખબર હતી કે બેધારી નદી કોઈ વાર વિનાશક પૂર લાવી શકે એમ હતી. મૃણાલને છેતરવો નહોતો અને વિનાયકને છોડવો પણ ગમતો ન હતો. પણ શું આપણો સમાજ સ્ત્રીના આ નિર્ણયને સ્વીકારી શકશે? પત્નીથી અસંતુષ્ટ પતિ પોતાની પત્નીને નિઃશંકપણે છોડી શકે તો પતિથી અસંતુષ્ટ પત્ની કેમ પોતાના પતિને ન છોડી શકે? સમાજમાં પરણેલા પુરુષો અનેક સ્ત્રીઓ સાથે ફરી શકે તો ચાલે પણ શું પરણેલી સ્ત્રીઓ મનગમતા પુરુષને પ્રેમ ન કરી શકે? શું સ્ત્રીઓને પુરુષની જેમ ઇચ્છાઓ નથી હોતી? શા માટે એમણે પોતાની ઇચ્છાઓનું દમન કરવાનું? શા માટે તેઓ પણ પોતાની અતૃપ્ત ઇચ્છાઓને પૂર્ણ કરવા પ્રયત્ન ન કરે? સભ્ય સમાજને ઘડવાનો ઠેકો શા માટે સ્ત્રીઓને જ આપી દેવામાં આવ્યો છે? સંસ્કારની બેડીઓ સ્ત્રીઓ ક્યાં સુધી પહેરતી રહેશે? આ બધા જ પ્રશ્નોએ નિરાલીને ખૂબ અકળાવી દીધી હતી. પહેલાં તો નિરાલીની સ્થિતિ હોકાયંત્રની સોય જેવી હતી. સોય ફરીને પાછી તેના મૂળ સ્થાને આવી જાય તેમ ફરીફરીને વિનાયક અને તેના ઘરની દીવાલોમાં જ પોતાનું સ્થાન છે એવું લાગ્યા કરતું. પણ મૃણાલને મળ્યા બાદ તેના આવા વિચારોમાં પરિવર્તન આવ્યું હતું. નિરાલીને એટલી ખબર હતી કે દામ્પત્ય અથવા પ્રેમ એ માત્ર બે આત્માઓનું મિલન છે એવું નથી. એ બે શરીરોનું પણ મિલન છે. પહેલાં તેને વિનાયકને છેતરવાનો અપરાધભાવ ઊધઈની જેમ કોરી ખાતો હતો પણ હવે તે ભાવથી પણ તે પર થઈ ગઈ હતી. નિરાલીનું પોતાના મન સાથે જે દ્વંદ્વયુદ્ધ ચાલતું હતું તેમાંથી બહાર નીકળવાનો નિર્ણય એણે લઈ લીધો હતો. મૃણાલ તેને ઘર સુધી છોડીને ગયો. નિરાલી ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશી કે એકલતાએ એને ફરી બાથમાં લીધી. વિનાયક તો આજે આવવાના નહોતા. બાથરૂમમાં ટપકતા નળમાંથી બાલટીમાં પડતાં ટીપાંનો લયબદ્ધ તાલ જાણે કે એકલતાનો ઘડિયો ગોખતો હતો. બાલ્કનીમાં રિલેક્સ થવા બેઠેલી નિરાલીને ધરતીને ચુંબન કરવા છેક આકાશથી નીચે સુધી લંબાઈ ગયેલો આથમતો સૂરજ પોતાના કરતાંય વધારે બડભાગી જણાયો. ધરતીની બધી જ લાલાશ લઈને ઘાટો થયેલો સૂરજ એની આકાંક્ષાઓને રંગીન બનાવતો હતો. વ્યગ્રતાની રજાઈ ઓઢીને સૂતેલી નિરાલી સવાર પડતાં અચાનક જ એના મોબાઇલમાં મેસેજ નોટિફિકેશનના બીપ અવાજથી ઝબકી ગઈ. નિરાલીને થયું કે મોડી મોડી પણ એનિવર્સરી યાદ આવી. હા, મેસેજ વિનાયકનો જ હતો. “નિરાલી મને આવતાં હજુ બે દિવસ લાગશે. ટેક કેર – વિનાયક.” નિરાલીને આંચકાઓ સહન કરવાની હવે ટેવ પડી ગઈ હતી. મૃણાલ પ્રત્યેની લાગણીઓ તણખામાંથી હવે પ્રચંડ આગ બનીને ભભૂકવા લાગી. નિરાલીને જાણે કે એક સ્પાર્ક થયો. ચોમાસાંમાં પલળેલી માટીમાં સળવળતાં અળસિયાં જેવી બધી જ ઇચ્છાઓએ માટી તોડી બહાર આવવા માટે વેગ વધાર્યો હતો. નિરાલીએ પણ મૃણાલને એક મેસેજ કર્યો. લગભગ દસ જ મિનિટમાં મૃણાલ હાજર હતો. નિરાલીએ પોતાના ઘરના દરવાજા સામે જોયું. એ દરવાજો જે એને રોજ આવકારતો હતો. રોજ એની એકલતાની નોંધ લેતો હતો. રોજ એના મૌનના સન્નાટાનો સાક્ષી હતો. એ દરવાજો જે રોજ એના ભીતરી પ્રવાસને અને ઊબડખાબડ અસ્તિત્વને કેટલાંય વર્ષોથી એકીટશે જોયા કરતો હતો. દરવાજાના બારણે લાગેલી વેલ ખાસ્સી ઉપર ચઢી ગઈ હતી. એણે દરવાજાને એક વાર સ્પર્શ કરી કાયમ માટે બંધ કર્યો. નિરાલી ફટાફટ એકી શ્વાસે ત્રણ દાદરા ઊતરી ગઈ. મૃણાલના હાથમાં પોતાનો હાથ પરોવી નીકળી ગઈ. હૃદયના રેતાળ રણમાં લીલાછમ પ્રણયને લઈને !