નારીસંપદા : ટૂંકી વાર્તા/પિત્ઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પિત્ઝા

ગીતા માણેક

‘મરેગા ના?’ ‘તેરે મરદ કો મારના હોયેગા તો ભી મરેગા.’ રફીકે આંખ મીંચકારતાં કહ્યું. ‘ચલ બે સાલે…… હરામી…’ છાયાએ બ્લાઉઝમાં બાટલી ભરાવતાં—ભરાવતાં વીસ રૂપિયાની નોટ રફીક તરફ ફેંકી અને ઝડપથી ચાલવા માંડી. ‘તુલા માહિત આહે, પાછળની ચાલીસ નંબરની ખોલી છેને એમાં તો કહે છે કે એક ઉંદરે બે મહિનાના છોકરાનું મોં કરડી ખાધું… આ બધા મત લેવા આવે છે ત્યારે તો મોટી-મોટી વાતો કરે છે કે સ્લમ રિડેવલપમેન્ટ કરેંગે ને તમને ફ્લેટ આપીશું, પણ સાલાઓ પછી તો દેખાતા જ નથી. ફ્લૅટ તો શું આ સંડાસ રિપેર કરાવી આપે અને બે-ચાર નવા બંધાવી આપે તોય ઘણું.’ કમલાએ ઝડપથી ચાલતાં-ચાલતાં કહ્યું. ‘સવાર-સવારમાં કેટલી લાંબી લાઈન હતી. મેમસા'બ આજે પણ બોલશે. છાયા, તું રોજ મોડું કરે છે.’ 'અરે, પણ તારી મેમસા’બ તો સારી છે. ખાવા-પીવા તો આપે છે. મારી મેમસા'બ તો રાશનના ચોખા લાવે છે. કામવાળા માટે. પોતે તો ચિકન બર્ગર, તંદૂરી ચિકન, મટન બિરિયાની એવું જ ખાધા કરે અને પછી બબડ્યા કરે કે મારું વજન કેમ વધે રાખે છે એ જ સમજાતું નથી.' ‘ના, એમ તો મારી મેડમ સારી છે. પહેલાં તો વધ્યું હોય એ ઘરે લઈ જવા પણ આપતી હતી, પણ જ્યારથી રોમુ આવ્યો છે…’ છાયા બોલતાં-બોલતાં અટકી ગઈ. જોકે લક્ષ્મી સોસાયટીનો ગેટ આવી ગયો હતો એટલે કમલાનું ધ્યાન તેની વાતમાં નહોતું. ‘ચલ, સંધ્યાકાળી ભેટતે…’ કહીને કમલા એ વિંગમાં પ્રવેશી ગઈ. છાયા પણ ઝડપથી ચાલતી-ચાલતી બી વિંગ તરફ ગઈ. 'કાય ઝાલા?’ લિફ્ટ પાસે બધાને ઊભા રહેલા જોઈને છાયાએ વૉચમૅનને પૂછ્યું. ‘લાઇટ ગયા હૈ ઔર જનરેટર ચાલુ નહીં હો રહા હૈ. યાદવ ગયા હૈ ચાલુ કરને…’ વૉચમૅને જવાબ આપ્યો. છાયા ખુશ થઈ ગઈ. હાશ, થોડીક વાર બેસવા મળશે. તેણે વૉચમૅનના ટેબલ પરનો ઇન્ટરકોમ ઉપાડી ફોન કરીને કહી દીધું કે હું નીચે જ છું, પણ લિફ્ટ ચાલુ નથી. ચાલુ થશે એટલે ઉપર આવીશ. છાયાના ચહેરા પર સ્મિત આવી ગયું. તેને થયું સારું થયું તેને સોળમાં માળવાળા મેડમની નોકરી મળી છે, કમલાની જેમ બીજા માળે હોત તો દાદરા ચડીને જવું પડત. બી વિંગ પાસેની નાનકડી અમથી ઘાસની લોન પર મૂકેલી બેન્ચ પર તે પલાંઠી વાળીને બેઠી. મોબાઈલની સ્ક્રીન પર ગોટ્યાનો હસતો ફોટો જોઈને તે પ્રસન્ન થઈ ગઈ. તરત જ તેને રફીક પાસેથી લીધેલી અને બ્લાઉઝમાં ભરાવેલી બાટલી યાદ આવી. તેણે આજુબાજુ નજર કરી. કોઈ તેને જોતું નહોતું તો પણ તેણે બાટલી સાડીના છેડામાં સંતાડીને જોઈ લીધી. તેના હાથમાં પસીનો વળી ગયો. ગોટ્યો, તેની માનતા ફળી હતી અને બાપ્પાએ પહેલે ખોળે જ આવો સરસ દીકરો આપ્યો હતો. ગોટ્યાને પહેલી વાર જોયો ત્યારે બાજુવાળા કાકુએ કહ્યું હતું એ યાદ આવી ગયું. ‘અ...ગ... બાઈ આ તો જાણે કોઈ બિલ્ડિંગવાલાનો છોકરો હોય એવો લાગે છે… કસા ગુબગુબીત આહે…’ હા તો! ગોટ્યો હતો પણ એવો જ. પ્રથમ. કેટલી વાર લાગી હતી તેનું નામ શોધતાં, પણ ત્યાં સુધીમાં તો ગોટ્યો નામ જ મોઢે ચડી ગયું હતું. ખબર નહીં કેમ? તેને પ્રથમ નામથી બોલાવી જ નહોતું શકાતું. ‘હવે તો ગોટ્યો—ગોટ્યો કહેવાનું બંધ કર. શાળામાં જાય છે તે.’ વિનાયકે કેટલી વાર હસતાં-હસતાં ટોકી હતી તેને. ‘માઝા ગોટ્યા આહે. ગોટ્યા જ રાહણાર…’ તેણે ગોટ્યાને વળગીને પછી તેના ગાલ પર ચુંબન કરતાં ગોટ્યાના બાબા (બાપા)ને કહી દીધું હતું. તેણે બી વિંગ તરફ નજર નાખી જોઈ લીધું. લિફ્ટ હજુ ચાલુ નહોતી થઈ. થોડીવાર પહેલાં લિફ્ટ બંધ હોવાને કારણે હાશકારો અનુભવ્યો હતો તે હવે બેચેનીમાં બદલાઈ રહ્યો હતો. તેણે મોબાઇલ પર નજર નાખી. દસ વાગવા આવ્યા હતા. હવે જો લિફ્ટ ચાલુ નહીં થાય તો કામ પતાવતાં વાર લાગશે અને મોડું થશે. ગોટ્યો ચાર વાગ્યે સ્કૂલેથી આવી જતો હતો. નોકરી પર જોડાઈ ત્યારે તેણે શરત કરી હતી કે તેનો ટાઈમ સાડાનવથી ત્રણનો જ હશે. ‘માઝા મુલગા લહાન આહે. ઘરે કોઈ સાચવવાળું નથી. મારે ચાર વાગ્યે ઘરે પહોંચવું પડશે.' તેણે પહેલેથી જ સ્પષ્ટતા કરી હતી. મોટા ભાગે તેનું કામ અઢી-ત્રણ વાગ્યા સુધીમાં પતી જ જતું. ચાર વાગ્યા પહેલાં તે ઘરે પહોંચી જતી. રસ્તા પર જ ઊભી રહેતી. રિક્ષામાંથી ઊતરીને ગોટ્યો દોડીને આવતો અને વળગી પડતો. મેડમના ઘરમાં કંઈક ને કંઈક વધ્યુંઘટ્યું જમવાનું હોય જ. ક્યારેક પાંઉભાજી, ક્યારેક નૂડલ્સ, ક્યારેક મંચુરિયન. દર અઠવાડિયે એકાદવાર તો પિત્ઝા આવતાં જ અને બે-ચાર ટુકડા તો વધતા જ. મેડમે કહી રાખ્યું હતું કે રાતનું વધ્યું હોય એ તારે લઈ જવાનું. ‘આઈ, આજે શું લાવી છો?’ ‘આજે તો ખીચડી-કઢી છે…’ છાયા બનાવટી ગંભીરતા સાથે કહેતી. ‘દેખાડ…’ ગોટ્યો તેની પાછળ-પાછળ દોડતો ઘરમાં પ્રવેશતો. છાયાની થેલી ફંફોસતો. જો પિત્ઝા હોય તો નાચવા માંડતો, ‘પિત્ઝા... પિત્ઝા...’ બસ, આ જ કારણ હતું કે તે લક્ષ્મી સોસાયટીના મેડમનું કામ નહોતી છોડતી. ઘરથી બહુ લાંબું પડતું. પોણો કલાક ચાલવું પડતું. વરસાદમાં તો પહોંચતાં- પહોંચતાં આખી ભીંજાઈ જતી. તેની ઝૂંપડપટ્ટીની નજીક નવી સોસાયટી થઈ હતી, પણ તે લક્ષ્મી સોસાયટી સુધી લાંબા થવાનું પસંદ કરતી. લક્ષ્મી સોસાયટીની આ મેડમ તેના ગોટ્યા માટે ખાવાનું આપતી હતી એમ બીજી મેડમ થોડી જ આપવાની છે? ‘ઓ બાઈ, લિફ્ટ ચાલુ હો ગયા...’ વૉચમૅને ટેબલ પર બેઠાં-બેઠાં જ બૂમ પાડી. પલાંઠી વાળીને બેઠેલી છાયા ઝડપથી ઊભી થઈ. રફીક પાસેથી લીધેલી બાટલીને હળવેકથી પર્સની અંદરના ચેઇનવાળા ખાનામાં સરકાવી. એક ક્ષણ તેનું મન ડગમગી ગયું, પણ સાડી ખંખેરતી તે ઊભી થઈ ત્યારે તેણે જાણે તેના આ ખચકાટને પણ ખંખેરી નાખવાની કોશિશ કરી. લિફ્ટમાં ઉપર જતાં-જતાં તેણે ફ્લેટની ચાવી કાઢી હાથમાં લઈ લીધી. છાયાને ફ્લૅટની એક ચાવી આપી રાખી હતી. છાયા આવે ત્યારે ઘણી વાર મેડમ તેમના બેડરૂમમાં સૂતાં હોય કે પછી જિમમાં ગયાં હોય. ઘરે કોઈ હોય કે ન હોય, છાયા ચાવીથી જ દરવાજો ખોલીને પ્રવેશતી. તે રોજ આ રીતે જ લિફ્ટમાં હોય ત્યારે પર્સમાંથી ચાવી કાઢી લેતી, પણ આજે જાણે તેને આ ચાવીનો ભાર લાગવા માંડ્યો હતો. ‘સાંભળ છાયા, તારાં માટે ચા ઢાંકી રાખી છે. એ પી લેજે.’ મેડમે અંદર જતાં-જતાં કહ્યું. છાયાએ જોયું ચાની સાથે પરાઠાં પણ મૂક્યાં હતાં. દરરોજ ચા-નાસ્તો કર્યા પછી જ તે કામે વળગતી. આ રોજિંદી બાબતો આજે તેને વિશેષ લાગી રહી હતી. તેનું મન તેને આ બધું નોંધવા માટે શા માટે મજબૂર કરી રહ્યું હતું? ‘છાયા, દૂધ ફ્રિજમાં મૂકી દેજે. આજે મહારાજ નથી આવવાના…’ મેડમે અંદરથી જ બૂમ પાડીને કહ્યું. છાયાએ ફ્રિજ ખોલ્યું. બ્લૂ રંગના પુઠ્ઠાના બૉક્સ સામે જ પડ્યા હતા. તે બે ક્ષણ એને જોતી જ રહી. ‘એક રાજા હતા… તેનો બહુ મોટો રાજમહેલ હતો. એ રાજમહેલમાં સૂવા માટેનો રૂમ અલગ, ખાવા માટેનો રૂમ અલગ, નાહવા માટે મોટો બાથરૂમ, એક મોટું રસોડું. એમાં કોઠીઓ ભરી-ભરીને દાળ, ચોખા, લોટ...’ ‘પિત્ઝા... રાજમહેલમાં પિત્ઝા હોય… આઈ, તું પિત્ઝા કેમ નથી લાવતી…’ ગોટ્યાએ રાતના તેની વાર્તા વચ્ચેથી જ અટકાવીને પૂછ્યું હતું. રાજમહેલમાં રોમુ આવ્યો છે ને! છાયાને કહેવાનું મન થયું, પણ એને બદલે તેણે કહ્યું ‘લાવીશ... પણ હમણાં તું વાર્તા સાંભળ…' ગોટ્યો વાર્તા સાંભળતાં—સાંભળતાં સૂઈ ગયો, પણ તે સૂઈ ન શકી. તે કેવી મા હતી? પોતાના આવા રાજકુમાર જેવા દીકરા માટે પિત્ઝા નહોતી લાવી શકતી. બે દિવસ પહેલાં તેણે મહારાજને પૂછ્યું હતું કે આ પિત્ઝા કેટલાનો આવે?

‘દોઢસો રૂપિયાનો… કેમ તારે લેવો છે?’

‘ના, આ તો આમ જ.’ તેણે મનોમન વિચાર કર્યો, દોઢસો રૂપિયા તો બહુ કહેવાય. આ મહિને તો હજુ ખોલીનું ભાડું ચૂકવવાનું બાકી હતું, ગોટીયાના બાબાની રિક્ષાની લોનનો હપતો ચૂકવવાનો હતો, ગોટ્યાનો યુનિફૉર્મ ફાટી ગયો હતો, ફી ભરવાની બાકી હતી… એકાદવાર તો કદાચ ગમે તેમ કરીને લઈ લે, પણ દર પંદર-વીસ દિવસે તો ન જ લઈ શકાય. ટીં...ટીં...ટીં... બે મિનિટથી ફ્રિજ ખુલ્લું હતું એટલે અલાર્મ વાગવા માંડ્યું. છાયાએ ફ્રિજ બંધ કર્યું અને ફટાફટ વાસણ ઘસવા માંડી. આજે મોડું થયું હતું એટલે તેનાં હાથ ઝડપથી ચાલતાં હતાં. ડસ્ટિંગ, બાથરૂમ, ગૅલરી બધું ધોવાઈ ગયું, પણ મેડમ હજુ બેડરૂમમાંથી આવ્યાં નહોતાં. ક્યારે આવશે, ક્યારે રસોઈ કરશે, ક્યારે જમશે અને ક્યારે વાસણ ઘસાશે… છાયા રસોડામાં આવીને બેઠી, ત્યાં જ હોલમાંથી મેડમનો અવાજ આવ્યો. ‘છાયા...’ તે દોડતીક બહાર આવી. 'સાંભળ, અમે બહાર જઈએ છીએ. તું તારું કામ પતાવી, રોમુને ખવડાવીને નીકળી જજે. ફ્રિજમાં પિત્ઝા પડ્યા છે એ જ ખવડાવી દેજે.’ ‘રોમુને તો જલસો જ પડી જવાનો છે આજે નહીં…’ સાહેબ અંદરથી જ બોલતાં-બોલતાં આવ્યા. છાયાએ આંખો ઢાળીને જ કહ્યું, ‘જી મેડમ...' ‘તારી તબિયત તો સારી છે ને…’ મેડમે પૂછ્યું. ‘ના, એટલે કે હા સારી છે…’ છાયાએ રસોડા તરફ જતાં કહ્યું. ‘અને તારો દીકરો?’ મેડમે પૂછ્યું. ‘હા, એકદમ... એ તો એબીસીડી…’ ‘કમ ઓન ડાર્લિંગ, વી આર ગેટિંગ લેટ…’ પોતાનો ગોટ્યો એબીસીડી બોલતો હતો એ છાયા કહેવા માગતી હતી, પણ એ પહેલાં જ સાહેબે કહ્યું એટલે મેડમ હિલ્સ પહેરીને ચાલવા માંડ્યાં. સાહેબ અને મેડમ ચાલ્યાં ગયાં પછી તે ઘરમાં એકલી પડી. લગભગ બધું કામ પતી ગયું હતું. ફક્ત વૉશિંગ મશીનમાં કપડાં ધોવા નાખ્યાં હતાં એ સૂકવવાનાં હતાં, સુકાઈ ગયેલાં કપડાંની ઘડી કરવાની હતી, મેડમના બેડરૂમની ચાદર બદલવાની હતી, તેમનો બાથરૂમ ધોવાનો હતો… તેણે મનોમન કામની યાદી કરવા માંડી, પણ એ પહેલાં રોમુને ખવડાવવાનું હતું. પિત્ઝા... પહેલા પિત્ઝા ખવડાવું કે પહેલા કામ પતાવું? છાયાના મનમાં વિચાર આવ્યો. તેણે પોતાના પર્સ તરફ નજર નાખી. પર્સના અંદરના ઝિપવાળા ખાનામાંથી બાટલી કાઢી ટેબલ પર મૂકી. ‘ના, ના…’ તેના મનમાંથી અવાજ આવ્યો. 'આ પાપ કહેવાય…’ ‘પણ તો ગોટીયાનો પિત્ઝા...’ તેના મનમાં સતત ગડમથલ ચાલુ હતી. તેણે બાકીનાં કામ ઝડપથી પતાવ્યાં અને પછી ફરી કિચનમાં આવી. પિત્ઝા કાઢીને ટેબલ પર મૂક્યો. બૉક્સમાં પિત્ઝાના ત્રણ બચેલા ટુકડા હતા. બે ટુકડા તેણે એક કાગળમાં વીંટી પર્સમાં મૂક્યા અને બાકીના એક ટુકડા પર રફીક પાસેથી લીધેલી બૉટલમાંનું પ્રવાહી રેડ્યું. એ લઈને તે બેડરૂમમાં ગઈ. પિત્ઝાનો પીસ જોઈને રોમુ તો ખુશખુશાલ થઈ ગયો. છાયા તેને પિત્ઝા ખાતી જોઈ રહી. તે દોડીને કિચનમાં આવી. તેણે પર્સ લીધું અને દરવાજો ખેંચી બહાર નીકળી ગઈ. લિફ્ટમાં સદ્ભાગ્યે કોઈ નહોતું. લિફ્ટના અરીસામાં તેણે જોયું તો તેના માથા પર પસીનાના રેલા ઊતરી રહ્યાં હતાં. સાડીના છેડા વડે તેણે રેલા લૂછ્યા. લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર આવી એટલે નીચું માથું કરીને તે ઝડપથી બહાર નીકળી ગઈ. તેના હાથ-પગ ધ્રૂજી રહ્યાં હતાં. તેને સમજાતું નહોતું કે તેણે શું કરવું જોઈએ. તે ઊંધું ઘાલીને ઘર તરફ ચાલવા માંડી. તે ઘર નજીક પહોંચી ત્યારે તેણે મોબાઇલ પર નજર કરી. હજુ ત્રણ પણ વાગ્યા નહોતા. રોમુ. રોમુનું શું થયું હશે… મેડમને ખબર પડી જશે… તેના મનમાં અનેક વિચારો આવી રહ્યાં હતાં. તેની નજર મંદિર પર પડી. તે મંદિરમાં પ્રવેશી. ‘દેવા માલા માફ કર…’ તેની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં. ‘પણ તું જ કહે હું બીજું શું કરું…’ તેણે સાડીના પાલવથી આસું લૂછ્યાં. બહાર આવી તે રસ્તા પર ઊભી રહી. ‘આઈ……આજે શું લાવી...’ ગોટીયાએ પૂછ્યું. ‘ઘરે ચાલ…’ છાયાએ ગોટીયાનો હાથ પકડ્યો અને ચાલવા માંડી. ‘પિત્ઝા...’ ગોટ્યાએ પર્સમાંથી પડીકું બહાર કાઢતાંની સાથે જ જોરથી બૂમ પાડી અને ત્યાં જ બેસીને ખાવા લાગ્યો અને પછી રોજની જેમ બહાર રમવા ચાલ્યો ગયો. છાયાનું મન ક્યાંય ચોંટતું નહોતું. છાયા બહાર નીકળી અને દસ-બાર ઝૂંપડાં વટાવીને શેટ્ટીઅમ્માના ઝૂંપડામાં દાખલ થઈ. ‘અરે, છાયા માવશી… અમ્મા તો નહીં હૈ' પ્લાસ્ટિકની ખુરશી પર બેઠેલી રોહિણીએ કહ્યું. ‘અમ્મા કો નહીં તેરેકુ મિલને કુ આયી હૈ… તૂ વકીલ કા પઢતી હૈ ના... મેરેકુ બતા કિસીને મર્ડર કિયા તો ઉસકી સજા ક્યા હોતી હૈ… મતલબ કુત્તે કા મર્ડર કિયા તો…’