નારીસંપદા : ટૂંકી વાર્તા/પિપાસા

પિપાસા

તેજલ શાહ

-ગુડ મોર્નિંગ શુભુ. -ગુડ મોર્નિંગ પતિ મહાશય. -કેમ વહેલી ઊઠી ગઈ? નવી જગ્યા છે એટલે ઊંઘ ના આવી કે શું? -ના, ના એવું કંઈ નથી. તું જો ને અહીંથી સૂર્યોદય કેટલો સરસ દેખાય છે. લીલીછમ્મ વનરાજી અને એમાંય પંખીઓનો કલરવ. અનિકેત, ભલે આ ગવર્નમેન્ટ ક્વોટર આપણે છોડવું પડે પણ ભવિષ્યમાં આપણે આવું જ ઘર વસાવીશું અને એમાં આપણા આંગણે પણ... જે શબ્દો અને વાત માટે પોતે અવઢવમાં હતી એ બોલવા એને કઠ્યા. -પણ બણ કંઈ નહિ, ચાલ સરસ મજાની ચા મૂક. -અરે ! થોડી વાર તું મારી સાથે ઊભો રહે ને. -મેડમ, તમને આખો દિવસ નવરાશ છે. મારે ઑફિસ પહોંચવું પડશે. પહેલાંની સરકારી નોકરી વિશેની માન્યતાઓ તમારાં મનમાંથી ભૂંસી કાઢો ! -મારી નવરાશ તમને આશીર્વાદ લાગતી હશે સાહેબ ! મારાં માટે એ સજાથી ઓછી નથી. શુભાંગીએ બેઉ હાથ અનિકેત ફરતે વીંટાળી દીધા. -એય શુભુ, તું આમ કરીશ ને તો મારે ઑફિસમાં રજા મૂકવાનો વારો આવશે. – અનિકેતે આંખ મિચકારી. -પણ આખો દિવસ હું શું કરીશ? -તું ટીવી જો, તારાં મનગમતાં ફૂલો સાથે સમય પસાર કર, વાંચ, બાઈ આવે ત્યારે એની સાથે વાતો કરજે અને કંઈ કરવાનું મન ના થાય તો છેવટે ટાઉનશીપની મહિલાઓની ગૉસિપ ક્લબ કરી લેજે. -ખરેખર અનિ? તું મને કૉલેજથી ઓળખે છે. તને ખબર છે કે પંચાત મારું કામ નહિ. -વાત તો તારી સાચી છે. અરે ! તું કંઈ લખ ને ! -હું? હું શું લખું? -કેમ? કૉલેજમાં તો તું ઘણું લખતી. એ કૉલેજનાં અને અન્ય મૅગેઝિનોમાં છપાતું અને વખણાતું. તેં જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી પાછું શરૂ કર. -આ કોઈ મશીનની ચાંપ છે? જ્યારે મન થયું ચાલુ અને કંટાળો ત્યારે બંધ. આ તો લાગણી અને સંવેદના અંતરેથી છલકાય ત્યારે... -શુભુ, પહેલાં ચા-નાસ્તો લાવ, મને વિદાય કર પછી તું શાંતિથી વિચાર તારે શું લખવું છે. બાકીની ફિલોસોફી સાંજે સાંભળીશ. ઓ.કે? અનિકેતે વાત અડધેથી કાપતાં કહ્યું. અનિકેત ઑફિસ ચાલ્યો ગયો. અલબત્ત શબ્દોનાં ખેડાણનું બીજ શુભાંગીના મનમાં રોપીને. -શું લખું? કવિતા કરી શકાય ! હું પ્રેમમાં ગળાડૂબ હતી ત્યારે અનિ માટે ખૂબ લખ્યું. એની સાથે પરણ્યા પછી એ બધું મને પોતાને બાલિશ લાગે છે. -હુંય ક્યાં સવારનાં કામ આટોપવાનું છોડીને આવાં તરંગોમાં રાચું છું. બસ, આ લાખી આવે એટલે નિરાંત. એટલામાં બેલ વાગ્યો. હજુ તો શુભાંગીએ બારણું ખોલ્યું ના ખોલ્યું ને લાખી નર્મદાના વેગીલા પ્રવાહની જેમ અંદર પ્રવેશી ગઈ. -શું વાત છે લાખીબેન, આજે બહુ ઉતાવળમાં લાગો છો. મોં પર થાક પણ દેખાય છે. -તેં હું ચઉં તમને. મૂઓ ઘરવારો કટાણે ચૂંથે સે. એ ધરાય તોં નાનકો ભૂખ્યો થાય. હું ચઉં તમને, હુવા નહિ મલતું તે મોડી ઊઠી ને થાકી યે સૂ. -ના પાડતી હોય તો તારા વરને. તને એટલો ત્રાસ ઓછો. -ના બોન. એમને જ જોવે એવું થોડું હોય સે? બોલતાં બોલતાં એના ગાલ શરમથી લાલ થઈ ગયા. એ સાલ્લાનો છેડો મોંમાં દબાવી કામે વળગી. -હું થોડી મદદ કરાવું તમને? તમને થોડી રાહત રહે. ‘મારો થોડો સમય પસાર થાય.’ અલબત્ત, એ શબ્દો એણે મનમાં જ રાખ્યા. -ના બોન, તમતમારે આરામ કરો. શુભાંગી કમને ઉપર ગઈ. આરામ વચ્ચે કામ શોધવું પડે એવી પરિસ્થિતિ હતી. બાળકો ઘરઘત્તા રમે એટલું જ કામ એને માથે આવતું. લખવાના વિચારે ફરી ભરડો લીધો. જોકે લખવું શું? એ પ્રશ્ન તસુભાર ખસ્યો નહોતો. થોડી વાર એ એમ ને એમ બેઠી રહી. ‘કંઈ સૂઝે તો ઠીક. કમ સે કમ પેપર-પેન તો શોધું.’ એમ વિચારીને એણે ખાનાં ફંફોસવા માંડ્યાં. થોડી જહેમત પછી એને જૂનાં પેપરનો થોકડો જડ્યો. એણે પેન હાથમાં રમાડવા માંડી. નીચેથી લાખી કંઈ ગણગણતી હતી. એને થયું, એના પર જ વાર્તા લખી હોય તો ! એણે લાખી વિશે ઝીણવટથી વિચારવાનું શરૂ કર્યું. લાખીનો ઘઉંવર્ણો વાન, નાક-નકશોય ખાસ નહિ. એની બીબાંઢાળ જિંદગી ને કામના ઢસરડા. બધી બાજુએથી જવાબદારીનો ‘જ’ એને વળગતો. ચોવીસ કલાક અને ત્રણસો પાંસઠ દિવસ કરેલાં વૈતરાંમાંથી એ આનંદરસ નિપજાવી શકવાની નહોતી. દસ બાય દસમાં થોડું અજવાળું મળે તોય એ ઝીલતી હશે કે કેમ? એય કહી શકાય નહિ ! એનો ધણી એને ચાહતો તો હશે? કે લાખી એની જરૂરિયાત માત્ર... -બોન, ઓ બોન. લાખીની બૂમે શુભાંગીના વિચારોમાં ખલેલ પાડી. -હમમ... શું થયું? -હું આવું સૂ પાસી. -અરે ! કામ પૂરું કરતી જા. અધૂરું કેમ છોડે છે? લાખીએ એની કથ્થઈ દંતાવલીનું પ્રદર્શન કર્યું. -લ્યો બોન કેવી વાત કરો સો. ઘર ક્યાં દૂર સે. આ તો નાનકાને ઠીક સે નથી તે ઝોતી આવું. -પણ ઉપર સાફ... લાખીના કાન શુભાંગીના શબ્દો ઝીલે એ પહેલાં લાખી દરવાજો વટાવી ગઈ અને સાવ સામાન્ય કામવાળી એવી લાખી પર વાર્તા લખવાનો વિચાર પણ શુભાંગીના મનમાંથી સરકી ગયો. શુભાંગી કોણીના ટેકે ગાલ પર હાથ ટેકવીને આજુબાજુ નજર ફેરવી રહી. કદાચ એક વાર્તા જડી જાય. સામે ફોટો ફ્રેમ પડેલી. એણે હાથમાં ઉપાડી લીધી. સગાઈના દિવસનો ફોટો એમાં મઢેલો. પ્રપોઝ કરતાં રિંગ પહેરાવતો અનિકેત અને સિન્ડ્રેલાની પ્રતિકૃતિ જેવી એ પોતે ! ફ્રેમનું દૃશ્ય એની આંખ સામે ફિલ્મની જેમ ચાલ્યું. રાજ રજવાડાંને શરમાવે એવું સુશોભન, ડિઝાઇનર કપડાં, ઝવેરાત અને બે ખુશખુશાલ કુટુંબો. -યસ. હું અમારાં વિશે જ વાત માંડું તો ! જસ્ટ લાઇક એ ફેરીટેલ. કૉલેજનું પહેલું વર્ષ, અજાણતાં આંખો મળવી, કૉમન ફ્રેન્ડ દ્વારા ઓળખાણ, કૉફી પર મળવું, લૉંગ ડ્રાઇવ પર જવું. કોઈ પણ જાતના વિરોધ વગર પરણી પણ ગયાં. જસ્ટ લાઇક ધેટ ! ખલનાયક વગરની પ્રેમકથામાં એને કંઈક ખૂટતું લાગ્યું. આનાથી વધુ સુખદ શું હોઈ શકે એ એની કલ્પના બહાર હતું. -અધૂરપ જડી જાય તો અનિને સાંજે આખું લખાણ બતાવી દઉં. આ લાખી પણ કામ અડધું મૂકીને જતી રહી. રાજકારણી જેવી, બોલે કંઈ ને કરે છે કંઈ. શુભાંગીને અકળામણ થઈ આવી. સમયની સોય અટકી પડેલી. એણે ડ્રોઇંગ રૂમમાં આંટા મારવા શરૂ કર્યા. ઉચાટ શમતો નહોતો. કંટાળીને અંતે એ રસોડામાં પાણી પીવા ગઈ. એણે બારીમાંથી લાખીને પાછી આવતાં જોઈ. ભરેલો ગ્લાસ ત્યાં પ્લૅટફૉર્મ પર મૂકી એણે મનોમન નક્કી કર્યું કે પહેલાં એને ઝાટકશે પછી અંદર આવવા દેશે. એ બારણે ઊભી રહી. જેવી લાખી આવી એ ઊંચા અવાજે બોલી, ‘કેમ આટલું મોડું?’ લાખીએ મોં પર આંગળી મૂકી ચૂપ રહેવા કહ્યું ને ઓઢણી ખોલી શુભાંગીને પેટનો જણેલો નાનકો બતાવ્યો. શુભાંગી ત્યાં જ ખોડાઈ ગઈ અને લાખી બચેલી આડશમાંથી અંદર સરકી ગઈ. નાનકાને શુભાંગી કામ કરતી હતી ત્યાં નીચે ગોદડી પાથરી સુવડાવી દીધો. લાખી પાછી દરવાજે આવી. પીછું ફરફરે એટલે હળવેથી એણે શુભાંગીને કહ્યું, ‘બોન, ઊપલો માળ સાફ કરીને આવું સુ.’ -પણ આનું શું? -કોનું? આ નાનકાની વાત કરો સો? એને સુ? એ નીંદરમાં સે ને ઓમેય સ મહિનાનું બાળક તમોને સુ હેરોન કરસે. પાસી હું તો અહીં જ સુ. હેંડો હું આવું સુ. લાખી સડસડાટ દાદર ચઢી ગઈ. શુભાંગી ફરી લખવા બેઠી. એણે ફરી હાથમાં પેન લીધી પણ એની નજર વળીવળીને નાનકા તરફ જતી હતી. પેન કાગળ પર ગોઠવી એ બાળક પાસે ઘૂંટણના ટેકે બેઠી. એ અનાયાસે નમી. -કેટલું સુંદર ! કેટલું નમણું ! જાણે ફૂલની ઢગલી. નિર્દોષતાને રૂપ આપ્યું હોય તો આવું દેખાય. એ પોતે ઘરમાં સૌથી નાની હતી એટલે એને પોતાને યાદ નહોતું આવી રહ્યું કે, એણે છેલ્લે આટલું નજદીકથી નાનું બાળક ક્યારે જોયું હતું. એ ત્યાંથી ઊઠવા ગઈ ત્યાં તો બાળક હાલ્યું. પ્રતિક્ષણ એના ચહેરાના હાવભાવ બદલાતા હતા. એના મુખ પર ઘડીકમાં સ્મિત લેપાઈ જતું તો ઘડીકમાં ચિંતામગ્ન હોય એમ ચહેરો સ્થિર અને તંગ થઈ જતો ! એણે પગ હલાવવા શરૂ કર્યા. બાંધેલું કપડું છૂટી ગયું. એના પગની ગુલાબી પાની અને બંધ મુઠ્ઠી શુભાંગીને મોહી રહી. એ ઊઠ્યું. શુભાંગીએ અનાયાસે બાળકને બાથમાં લીધું અને છાતીસરસું ચાંપી દીધું. બાળકના સ્પર્શે એનું રોમરોમ પુલકિત થઈ ઊઠ્યું. બાળક ધાવણું થયું હતું. એના હાથ શુભાંગીનાં ઉરોજને ટકોરી રહ્યા. એ શબવત્ ઊભી રહી. મૃગજળ સિવાય રણ શું આપી શકે? શુભાંગીને એનું ભાન થયું. બાળક રઘવાયું થયું. એની ઊંઆ... ઊંઆનો સ્વર સપ્તકે પહોંચ્યો. લાખી બબ્બે પગથિયાં કૂદતી નીચે આવી. નાનકાને શુભાંગી પાસેથી આંચકી લીધો. સ્થળ-સમયનું લાખીના જોડણીકોશમાંથી બાષ્પીભવન થઈ ગયું. બફારો વધી રહ્યો. લાખીએ પંખાની ગતિ વધારી દીધી. હવા આવે ત્યાં રૂમની વચ્ચોવચ એ નાનકાને ધવરાવવા બેસી પડી. વાયરાના વેગે પેન કાગળ પરથી સરકી ગઈ. એ ઊડ્યાં ને શુભાંગીના ચહેરા પર થપ્પડ મારી કહી રહ્યા, ‘વાંઝણાપણાંની વાર્તા ન હોય, વેદના જ હોય.’