નારીસંપદા : ટૂંકી વાર્તા/પ્રાપ્તિ
આમ્રપાલી દેસાઈ
રાધા આજે સંધ્યાના પીળા ઉદાસ રંગોને તાકતી આકાશનાં બદલાતાં રૂપને જોઈ રહી હતી. ધીરે ધીરે ઘટ્ટ થતા રંગોએ કાળાશ પકડી અને અંધકાર છવાયો. રહી રહીને તે પોતાને એક જ પ્રશ્ન પૂછી રહી હતી કે તેણે એવું શું કર્યું હતું કે રીતેશ આમ તેનાથી અતડો રહેતો હતો? લગ્ન પછીના પંદર વર્ષની ક્ષણેક્ષણથી એકબીજાથી પરિચિત આમ અચાનક જ પંદર વર્ષ પૂરાં થયાની રાત્રે જ કેમ... રાધાને યાદ આવ્યો એ દિવસ જ્યારે રીતેશ અને તે લગ્ન માટે પસંદ કરવા એકબીજાને મળ્યાં — રીતેશ દેખાવમાં સાધારણ હતો તો રાધાય ક્યાં સ્વરૂપવાન હતી… પણ તે દિવસે રીતેશે જે કહ્યું —‘રાધા, મને પૈસાની લાલચ નથી પરંતુ હું સ્વાવલંબી છું. મને મારા વિચારો, મારી સ્વતંત્રતા પ્રિય છે. તમને ગાડી બંગલો નહીં આપી શકું... હા, સ્વમાનભેર જીવવાની ઇચ્છા છે.' મારાં વિચારો તમારાથી ભિન્ન નથી, રીતેશ!” રાધાએ કહ્યું હતું. એ વધારે બોલી ન શકી. રીતેશ ઘણું બોલ્યો. રાધાને રીતેશ પ્રગતિશીલ વિચારધારામાં માનતો લાગ્યો. તેને રીતેશ ગમ્યો, અનુકૂળ લાગ્યો અને મંજૂરી આપી દીધી. રીતેશને પણ રાધા સાથે લગ્ન કરવાનો વાંધો ન હતો. વડીલો દ્વારા જ પરિચય થયો હોવાથી લગ્ન એક જ માસમાં લેવાનું ઠરાવ્યું. સામે અંધકાર ઊભરાતો હતો કે ભૂતકાળ તે રાધા નક્કી ન કરી શકી. એ ક્યાંય દૂર નીકળી ગઈ હતી… ને પ્રવેશી ચૂકી હતી પોતાનાં લગ્નની રાત્રિમાં. પ્રથમ રાત્રિ! અત્યાર સુધી તો ફિલ્મોમાં સુહાગરાતનાં દૃશ્યો ખૂબ જોયાં હતાં પરંતુ તેમાં વાસ્તવિકતાનો ખાસ્સો અભાવ વર્તાતો હતો. રાધાએ વિચારેલું કે લગ્નની રાત્રિએ તે રીતેશ સાથે ખૂબ વાતો કરશે. એ રીતે એકબીજાનો પરિચય કેળવાશે. પરિચય વધતાં લાગણી ઉદ્દભવશે અને લાગણી જ અમને પ્રેમ કરવા પ્રેરશે જે બંનેને પતિ-પત્ની બનાવશે. રાધા દિવસ દરમિયાનની થકાવટ ભરી લગ્નની વિધિ અને આવેલા મહેમાનોની ભીડ વચ્ચેથી જ્યારે રૂમમાં દાખલ થઈ ત્યારે રીતેશના મિત્રોએ ફૂલોથી સજાવેલો પલંગ જોતાં હિંદી ફિલ્મનું દૃશ્ય તેની નજર સામે ફરકી ગયું… ગમે તેમ પણ ફૂલોની સુગંધે તેણે હળવાશ અનુભવી. રીતેશ રૂમમાં દાખલ થયો. તે પ્રફુલ્લિત જણાતો હતો. તેણે રૂમનું બારણું બંધ કર્યું. રાધાએ પણ પ્રસન્ન સ્મિત વેર્યું. રીતેશ રૂમની લાઈટ બંધ કરવા સ્વિચ બોર્ડ પાસે ગયો. કેમ જાણે એ બંનેની હાજરીમાં પ્રકાશની હાજરી વધારાની હોય! રાધાને કહેવાનું મન તો થયું કે રીતેશ શણગારાયેલા રૂમને; એકબીજાને મન ભરીને જોઈ લઈએ. જિંદગીમાં ફરી ક્યારેય આવો દિવસ પાછો આવવાનો નથી. પણ એ ‘રીતેશ!'થી આગળ કંઈ જ બોલી ન શકી. 'કંઈ કહ્યું, રાધા?' બોલતાં રીતેશે લાઇટ બંધ કરી. તે રાધા પાસે આવ્યો. તેણે રાધાનો હાથ પકડ્યો. સહેજ દબાવ્યો. રાધાને શું કરવું તે સમજાયું નહીં. તેણે હળવેથી હાથ સેરવી લીધો. સ્ત્રીઓ તો આમ જ વર્તે. એમ માની રીતેશે રાધાને આશ્લેષમાં લીધી. રાધા કંઈ બોલવા ગઈ પણ રીતેશના હોઠ તેના હોઠ પર મુકાયા અને રાધાના શબ્દો અને વિચારો ઓગળવા માંડયા.
અંધારઘેરા રૂમમાં રાધાનાં વખાણ કરતો રીતેશનો માદક સ્વર ચળકી ઊઠયો. રાધાએ થોડાં ખચકાટ સાથે રીતેશના શરીરનો સ્પર્શ કર્યો. રીતેશ વધુ આક્રમક બન્યો. રાધા નવા અનુભવને ઝીલી રહી. અવશપણે રીતેશને અનુસરતી રહી. એકબીજાનાં શરીરને ઓળખવાનો તદ્દન નવો અને જુદો અનુભવ થોડી ટીસ સાથે આનંદ આપવા લાગ્યો. રાધા સુખદુ:ખમિશ્રિત આ અનુભવને માણી રહી. હળવીફૂલ બની ગઈ. થોડી ક્ષણો વીતી અને રાધાને રીતેશના શરીરનો ભાર વર્તાવા લાગ્યો. તેણે પડખું ફરવાનો પ્રયત્ન કર્યો. રીતેશ ધીમે રહી બાજુ પર સરકીને સૂઈ ગયો. થાક અને ઘેનના નશામાં રાધા પણ... સવારે શરીર પર ભાર વર્તાતાં રાધાની આંખો ખૂલી ગઈ. જોયું તો રીતેશનો હાથ તેના શરીર પર હતો. હાથ ખસેડી તે ઊભી થવા ગઈ ત્યાં શરીરમાંથી ટીસ ઊઠી. શરીર કળતું હતું. રાધાને રાત યાદ આવી. માણેલા સમયને તે વાગોળી રહી. માણેલા સ્પર્શને તે મમળાવી રહી. રીતેશના કપાળે ચુંબન કરીને તે ફરી સૂઈ ગઈ. રીતેશે તેને ઢંઢોળી ત્યારે આંખો તો ખૂલી. પણ શરીર? કેવો હતો આ અનુભવ? તેણે તો સાંભળ્યું હતું કે શરીરસંબંધ કષ્ટદાયી... એવું જ હોત તો બધાં લગ્ન જ શા માટે - રાધા સવાલ શોધતી રહી ને પછી જવાબ. રીતેશે રાધાને ફરી ઢંઢોળી. આશ્લેષમાં લીધી. સૂર્યનો પ્રકાશ એ બેની વચ્ચે આવી પડ્યો હતો. રાધાને ઊઠ્યા વિના ચાલે તેમ ન હતું! રાધાને એમ પણ લાગ્યું કે પંદર વર્ષ પહેલાંની એ સ્મૃતિમાંથી પાછા ફર્યા વિના પણ ચાલે તેમ ન હતું. એવી તો કેટલી રાત્રિ અનુભવી હતી એણે. દરેક રાત્રિ જાણે પ્રથમ રાત્રિ. રીતેશનો ઉષ્માપૂર્ણ વ્યવહાર તેને રીતેશમય બનાવીને જ જંપતો હતો. રીતેશે તેના જીવનની નાનીમોટી દરેક વાત રાધાને કહી હતી. તેણે કશું પણ છુપાવ્યું ન હતું. તે પોતાને વિશે પણ ભ્રમમાં ન હતો. એક દિવસ તેણે પૂછ્યું હતું, 'રાધા, હું હેન્ડસમ તો નથી છતાં તું મારી સાથે પરણવા કેમ તૈયાર થઈ ?' રાધાને નવાઈ લાગતી હતી. આજે રીતેશ આમ કેમ બોલતો હતો! રીતેશે જણાવ્યું કે એક છોકરીએ પોતે હેન્ડસમ ન હોવાને કારણે નકાર્યો હતો. રાધાનેય એક વાત યાદ આવી ગઈ. તે ભણતી હતી ત્યારે તેના સાહેબે, એક દિવસ ફોન પર પૂછ્યું હતું, 'રાધા, મારી સાથે લગ્ન કરીશ?' પણ રાધા આ બધું રીતેશને કહી ન શકી. રીતેશે અને રાધાએ સાથે મળીને જ એ નિર્ણય લીધો હતો કે રાધા ઘર સંભાળે અને રીતેશ નોકરી કરે. રાધાને એવો વિચાર આવેલો ખરો કે જો તેઓ વડીલો જોડે રહે તો પોતે પણ નોકરી કે એવું કોઈ કામ કરી શકે પણ રીતેશ માનતો હતો કે બે પેઢી વચ્ચેનું અંતર એટલું તો હતું જ કે વડીલો સાથે રહેવામાં ટકરાવ વધે એટલે વડીલોથી અલગ રહેવાનું જ યોગ્ય લાગ્યું. રીતેશ તેની ઓફિસની, ઑફિસમાં સાથે કામ કરતી સ્ત્રીઓની, બૉસની, બસસ્ટેન્ડ પરની ભીડની, રિક્ષાવાળા સાથે થયેલી ઝંઝટની વાતો કરતો રહેતો. રાધાને પણ એની વાતો સાંભળવાનો કંટાળો આવતો નહીં. એ વાતો દ્વારા તે બહારના જગત સાથે સંપર્કમાં રહેતી. રાધાએ યાદ આવ્યો એ દિવસ જ્યારે રીતેશ પહેલીવાર રાધા પર ગુસ્સે થયો હતો. ઘરકામમાં અને પુસ્તકો વાંચવામાં મશગૂલ રાધાએ ક્યારેય રીતેશને બહાર ફરવા જવાનું સામેથી કહ્યું ન હતું. એકવાર રીતેશે સાપુતારા જવાનું ગોઠવ્યું તો બેબીની પરીક્ષા નજીક હોવાનું જણાવીને રાધાએ જવાની અશક્તિ દર્શાવી ત્યારે રીતેશ અકળાઈને બોલી ઊઠ્યો હતો, ‘તું સતત ઘરમાં જ રહે છે તો તને અકળામણ નથી થતી?' ખૂબ સારું લાગ્યું હતું રાધાને. થયેલું : 'રીતેશ, મારી કેટલી ચિંતા કરે છે! કેટલું ચાહે છે એ!'
રાધા સગર્ભા હતી ત્યારે રીતેશે તેને કેટલી સાચવી હતી. છેલ્લા દિવસોમાં પગે સોજા ચડ્યા હતા. ડોક્ટરે મીઠું ખાવાની ના પાડી હતી... તો રીતેશેય મીઠું ખાવાનું બંધ કરી દીધું હતું. બેબી જન્મી તો એણે કહી દીધું હતું. 'રાધા, આપણને બીજું બાળક નથી જોઈતું હવે. મારાથી તારી આ પીડા નથી જોવાતી...' રાધાને થયેલું : “કેટલી નસીબદાર છું? કેટલો લાગણીશીલ છે મારો પતિ?' દિવસો સુધી રાધા ધન્યતા અનુભવતી રહી. બેબીનું નામ પણ રીતેશે જ પાડયું હતું. રીતેશને ખૂબ ઇચ્છા હતી બેબીને સારી સ્કૂલમાં મૂકવાની. એ માટે તેણે ખૂબ દોડધામ કરી. છેવટે એડમિશન એણે અપાવ્યું જ બેબીને. બેબી જન્મી ત્યારથી જ એ બોલતો રહ્યો છે. ‘મારી છોકરીને એન્જિનિયર બનાવવી છે.' એટલે જ બેબીને ભણાવવાની જવાબદારી પણ રીતેશે પોતે ઉપાડી લીધી. રાધા હરખાતી, સુખસાગરમાં મહાલતી રહી. પંદર વર્ષથી એ આ સુખસાગરમાં ઝબકોળાતી રહી હતી. આજે એનાં લગ્નની.... લગ્નતિથિએ એ ગમે ત્યાંથી આવી જ રહેતો હતો. એના આગમનની કલ્પનાઓમાં એ રાચતી હતી. આજે આવે તો આજની રાત તાજગીભરી બને તેની કલ્પના સાથે તે રીતેશની રાહ જોતી રહી. રીતેશ આવ્યો. આવીને નાહ્યો. બંને સાથે જમવા બેઠાં. રાધાએ લગ્નતિથિ યાદ અપાવી. રીતેશ સહેજ હસ્યો. રીતેશ જમીને બેડરૂમમાં ગયો. રાધા કામથી પરવારી, ફ્રેશ થઈ રૂમમાં આવી. અગરબત્તીની સુગંધ રૂમમાં પ્રસરેલી જ હતી. રાધાએ રૂમની લાઇટ બંધ કરી. ધીરે રહી રીતેશ પાસે સરકી. હોઠ પર ચુંબન કર્યું તેણે. આમ તો શરૂઆત રીતેશ કરતો... પણ આજે... રીતેશના શરીર પર રાધા હાથ ફેરવવા લાગી. રીતેશ માટે આ અણધાર્યું હતું. તેણે રાધાનો હાથ પકડી લીધો. 'રાધા, તું કેમ આજે...' રાધા સહેજ થંભી. ખંચકાઈને ફરી તેણે રીતેશના હોઠને ચૂમવા પ્રયત્ન કર્યો. રીતેશને ગમ્યું નહીં કે રાધા આમ સામેથી.... તે બેઠો થઈ ગયો ને ગણગણ્યોય કે સ્ત્રી થઈને આમ... રાધાને સમજાયું નહીં કે શું ખોટું કર્યું હતું તેણે? બંને પતિ-પત્ની છે. પંદર વર્ષથી બંનેએ સાથે જ માણ્યું છે આ બધું અને આજે જ્યારે તેણે શરૂઆત કરી તો... રીતેશ એને જોઈ રહ્યો હતો. શું હતું એ દૃષ્ટિમાં! રાધા એ દૃષ્ટિ જીરવી ન શકી. તે પડખું ફરી ગઈ. ચૂપચાપ પડી રહી… અપમાનિત થઈ હોય તેમ. સવાર પડી એ સાથે જ રીતેશ બદલાઈ ગયેલો લાગ્યો. તે અતડો રહેવા લાગ્યો. એ સાથે જ સવારના અજવાળામાં છતાં થયાં પંદર વર્ષ. એને એકદમ લાગ્યું કે રીતેશથી જુદી કોઈ ઇચ્છા એને પણ હતી એ વાત જ - એને યાદ આવ્યું કે બીજું બાળક રીતેશને જોઈતું ન હતું, નામ તો રીતેશ જ પાડી શકે બેબીનું, બેબીએ શું બનવું તે નક્કી તો રીતેશ જ કરે ને! અને પ્રેમની શરૂઆત પણ તો... અને છતાં ક્યારેય સંઘર્ષ ન થયો એ કેવું વિચિત્ર હતું! રાધાને થયું. 'એ બધી મારી જ ઇચ્છાઓ છે એમ ઠસાવીને એણે મારી સંમતિઓ ઉઘરાવ્યા કરી… અને પોતે...' પંદર વર્ષે પહેલી જ વાર રાધાએ એક નાનકડી ઇચ્છા કરી અને—
❖
વાર્તા અને વાર્તાકાર :
- આમ્રપાલી દેસાઈ (૧૬-૦૬-૧૯૫૯)
‘પ્રાપ્તિ’ વાર્તા વિશે :
જાતીય જીવનમાં આનંદ તો સહભાગે ભોગવવાનો હોય, કોણ પહેલ કરે એ અતિશય ગૌણ બાબત છે. પરંતુ સ્ત્રી જો શારીરિક પ્રેમમાં પહેલ કરે તો હજી આજે પણ પુરુષના અહમ̖ને ઠેસ પહોંચે છે. આમ્રપાલી દેસાઈની વાર્તા ‘પ્રાપ્તિ’માં સરેરાશ ભારતીય પુરુષ માનસનું પ્રતિબિંબ જોઈ શકાય છે. પંદર વર્ષથી રીતેશ જ પહેલ કરતો. અચાનક રાધાએ ઇચ્છા વ્યક્ત કરી અને રીતેશે એને ભોંઠી પાડી. એ સહી ન શક્યો. રાધાને સમજાઈ ગયું કે આજ સુધી પતિથી અલગ એવી એની કોઈ ઇચ્છા હતી જ નહીં.