નારીસંપદા : ટૂંકી વાર્તા/ફોટા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ફોટા

સવિતા રાણપુરા

નિર્મળાએ ગુસ્સાના આવેશમાં છ વર્ષની પુષ્પાને ત્રણ-ચાર તમાચા ચોડી દીધા અને પુષ્પા ભેંકડા તાણી રડવા લાગી. નિર્મળાનો ગુસ્સો આથી વધી ગયો અને આંખો કાઢતાં બરાડી : 'ચૂપ મર, નહીં તો મારી મારીને અધમૂઈ કરી નાખીશ.' અને પુષ્પા મારની બીકે ચૂપ થઈ ગઈ. એ પણ હીબકાં તો ભરતી જ રહી. નિર્મળા દાળ ઝેરવા માટે રસોડામાં જતાં જતાં બોલી : 'હરામજાદી ક્યાંની! લખણ શીખી છે કાંઈ? કોક દિ' નામ ન બોળે તો સારું!' પુષ્પા આમાંથી કશું સમજી હોય તો એ જાણે પણ, પણ નિર્મળાએ ગાળોનો વરસાદ ઠીક ઠીક વરસાવ્યો અને ક્યાંય સુધી હોઠ ફફડાવતી રહી. પુષ્પા એક ખૂણામાં બેસી આંસુ લૂછી રહી હતી અને ચારે બાજુ ચકળવકળ આંખે જોતી હતી. એના મનમાં વિચાર ચાલતા હતા : મેં એવું તે શું કર્યું કે બા આમ મારે છે, ખિજાય છે? કારણ તો કહેતી નથી ને બસ ઝૂડવા જ માંડે છે. એનું નાનકડું મગજ પોતે કંઈ ગંભીર ભૂલ કરી હતી કે જેને લીધે માતાનો રોષ વહોરવો પડ્યો, એનાં કારણ શોધવા લાગી ગયું. પણ કંઈ જડ્યું નહીં ત્યારે પથ્થર પણ ફાટી પડે એવો નિસાસો નાખી એ ઊભી થઈ અને બિલ્લી પગે ઘરની બહાર નીકળી ગઈ. બે દિવસ પહેલાં જ તેના ફળિયામાં વિયાયેલી કૂતરીની બખોલ પાસે જઈ તે ઊભી રહી. શેરીનાં બીજાં ત્રણ—ચાર છોકરા—છોકરીઓ પણ ત્યાં રમતાં હતાં. નળિયાંના ટુકડા એકઠા કરી ગલૂડિયાં માટે ઘર બનાવવાનો પ્રયત્ન સૌ કરતાં હતાં ત્યાં તો એક બાળક બોલી ઊઠ્યું : 'અલ્યા ગલૂડિયાંની મા આવી, કૂતરી આવી!' અને સૌ જાણે સિંહ આવ્યો હોય એમ બી જઈને આઘાંપાછાં થતાં હતાં ત્યાં જ એક છોકરી બોલી ઊઠી : 'કૂતલી નઈ, આ તો પુસલી આવે છે.' અને બધાંય 'કેવી મઝા પડી!' કહી તાળીઓ પાડી કૂદવા લાગ્યા. એક ચિબાવલી છોકરી બોલી : પુસલીને કૂતરી કહી?' બોલ્યો. ‘તો તો એ આ ગલૂડિયાંની મા જ કે'વાયને!' બીજો છોકરો રંગમાં આવી 'લે હવે, ગલૂડિયાં ક્યારનાં ભૂખ્યાં છે, ધવરાવ એને!' એક છોકરી બોલી ઊઠી ને બધાંય હસવા લાગ્યાં. પુષ્પા પણ સમજ્યા વગર હસતી હતી. થોડી વારે એ બોલી : પણ હું ક્યાં ધવરાવું?' એમની આ વાતો જાણે ક્યાં સુધી અને કેટલીય આગળ વધત, જો નિર્મળા પડોશીને ત્યાં કોકમ લેવા ન આવી હોત તો. નિર્મળાને જોતાં જ પુષ્પા ચૂપ થઈ ગઈ અને નિર્મળાએ હાક મારી : 'હરામજાદી! અહીં શું કરે છે? ઘર ભેગી થા. અને પુષ્પા ઘરે ગઈ. નિર્મળાએ ઘેર આવી બાળપોથી ચોપડી એની પાસે મૂકી અને કહ્યું : 'લે, આ વાંચ. આમ ને આમ રખડીશ તો અભણ રહીશ અને કોઈ પરણશે પણ નહીં.’ 'કલમ... બતક... સરસ...' વાંચતાં વાંચતાં પુષ્પા વિચારતી હતી: મારે પરણવુ પડશે? કોની સાથે? પેલાં ચારુબેન પરણ્યાં હતાં એમ જ ને? કેવાં નવાં નકોર કપડાં પે’ર્યાતા એમણે? અને ચંપલ પણ કેવાં રંગબેરંગી ! જોવાની અને ખાવાની તો ખૂબ મઝા પડી'તી. ચારુબેન બા'ર નીકળતાં ત્યારે એમના ધોળા ધોળા મોં આડે સાડી શું કામ ઢાંકી દેતાં હશે? આ તે કેવું પરણવાનું? આવું બધું શું કામ થતું હશે? એ નાનકડો પ્રશ્ન ઉદ્દભવ્યો અને એનું મગજ વિચાર કરતું અટકી ગયું. એને થયું કે બાને પૂછી જોઉં કે પરણવું એટલે શું? તું પરણી છે કે નહીં? પરણીને શું કરવાનું હોય? પણ નિર્મળાની ડોળા કાઢતી આંખો એની નજર સામે તગતગવા લાગી અને એ ડરી ગઈ. ગાલ ઉપર તાજા જ તમાચા પડ્યા હોય અને ગાલ ચમચમતા હોય એમ એણે ગાલે હાથ ફેરવ્યા અને પછી વિચારોમાં રોકાયેલ મને, આંખો ચોપડીનાં પાનાં ઉપર ખોડી વાંચતી'તી પણ જાણે કંઈ સમજતી ન હોય, યાદ રહેતું ન હોય એમ લાગતું'તું. આમ ને આમ દસ થઈ ગયા. લાઇબ્રેરીમાં છાપાં વાંચવા ગયેલ રમણલાલ ઘેર આવ્યા એટલે તરત જ નિર્મળાએ કહ્યું: ‘જમવાનું તૈયાર છે હો.' 'ચાલો ત્યારે બેસી જઈએ… પણ પુષ્પા કેમ દેખાતી નથી?' 'એ ઘરમાં પડી.' રમણલાલ ઘરમાં ગયા તો પુષ્પા ચોપડીમાં માથું નાખી બેઠી હતી. રમણલાલ તેની પાસે બેઠા અને બોલ્યા : 'કેટલું શીખી?' અને તેણે ધ્રુસકું મૂક્યું. રમણલાલે પૂછ્યું: 'કેમ શું થયું છે? રડે છે શા માટે?’ 'બાએ મારી...' અને તેણે ભેંકડો તાણ્યો. રસોડામાંથી જ નિર્મળા બોલી : ‘મારે નહીં તો શું લખણવંતીને ચાટે?' રમણલાલ પુષ્પાને સમજાવીને રસોડામાં લઈ ગયા અને કહ્યું. ‘ચાલો, જમવાનું કાઢો.' અને બન્ને બાપદીકરી જમવા બેઠાં. જમતાં જમતાં રમણલાલે પૂછ્યું : 'આજ કેમ આટલી બધી ગુસ્સે થઈ છે?' પુષ્પાને બીક પેઠી કે હમણાં બા શુંય કહેશે, પણ બા શું કહે છે એ જાણવાની આતુરતા રમણલાલ કરતાંય એને વધુ હતી. એને જાણવું હતું કે મારો શો વાંક છે? 'હરામજાદી લખણ શીખી છે કાંઈ?’ કહી નિર્મળાએ પુષ્પા સામે જોયું. ‘શું શીખે છે અલી?’ પુષ્પા કાંઈ બોલી નહીં. 'કયે મોઢે બોલે?' પણ કંઈ વાત કરશે કે બસ આમ આગ જ ઓક્યા કરશે?' “ક્યાંકથી ફોટા લાવી છે. જોતાંય શરમ આવે એવા. કોણ જાણે ક્યાંથી લાવી હશે. હું ઓરડામાં ગઈ તો વાંચવાને બદલે ફોટા એકીટશે જુએ અને અમુક ભાગો પર આંગળીઓ ફેરવે. મને તો મૂઈ એટલી શરમ આવી કે... આટલી નાની છે છતાંય કેવું સમજે છે? મોટી થાય તો શુંય કરે! આમાં તમે એને ખૂબ ભણાવવાનું કો' છો!' પુષ્પાને મારનું કારણ મળી ગયું. ફોટા જોતી'તી એટલે જ માર પડયો. પણ એમાં માર પડે એવું શું હતું તે તે ન રામજી શકી. 'જોઉં તો ફોટા.' કહી ચળું કરતાં રમણલાલ ઊભા થયા. પુષ્પાએ પણ ચળું કર્યું અને હરખભેર દોડીને ગઈ ઓરડામાં ફોટા ગોતવા, પણ જડયા નહીં. એને એમ હતું કે બાપુજી ફોટાઓ જોશે એટલે ઊલટા મને શાબાશી આપશે કેમકે સરસ ફોટા હતા. ઓલી બાયડી અને ઓલો ભાયડો કેમ બેઠાં હતાં. આમ હાથ કરીને... એણે હાથનો અભિનય કર્યો, ત્યાં તો નિર્મળા ઓરડામાં આવી અને તેણે બેંગમાંથી ફોટા કાઢીને આપ્યા. રમણલાલે ફોટા જોયા અને એમના મોંની રેખાઓ તંગ બની ગઈ. તેઓ ફોટા ધારીધારીને જોતા'તા. 'લાજો હવે લાજો!' કહી નિર્મળાએ ફોટા આંચકી લીધા અને પુષ્પા સામે જોયું. પુષ્પા ધ્રૂજી ઊઠી, બા અને બાપુની આંખો મળી. એ આંખોની ભાષામાં શું હતું, એ તે સમજી શકે એટલી તેની ઉંમર નહોતી. પણ એ એટલું સમજી શકી કે બા અને બાપુજી બંને મળી ગયાં લાગે છે અને હમણાં મારા ઉપર મારની ઝડી વરસશે, એટલે એ ઓરડા બહાર નીકળી ગઈ. ત્યાં તો રમણલાલના શબ્દો એના કાને અથડાયા : “નિમુ ફોટા તો સારા છે. તે રાખી મૂક બેગમાં, જોજે એના હાથમાં પડે નહીં.' પુષ્પાને આશ્વાસન મળ્યું કે બાપુજીએ ફોટા વખાણ્યા પણ એવા ફોટા - સારા ફોટા જોવાનું પોતાના ભાગ્યમાં હવે નથી. શું સારું સારું બધુંય બા—બાપુજી માટે જ હોતું હશે? એ આગળ વિચારતી હતી ત્યાં જ તેની બે'નપણી સરોજ આવી ને કહ્યું : “પુસલી, નિશાળે નથી આવવું?’ ‘આવું છું ને! થોડી વાર ઊભી રે.' પુષ્પા અને સરોજ નિશાળે ગયાં. વર્ગમાં દાખલ થયાં કે તરત જ સાતેક વર્ષના અશોકે પૂછ્યું : “પુસલી, ઓલા ફોટા લાવી કે નહીં?' ‘ના.' તે રડમસ અવાજે બોલી. ‘કેમ? બપોરે લેતી આવજે.' ‘પણ... પણ... મારી બા ...’ ‘શું મારી બા...?’ “મારી બાએ લઈ લીધા અને બેગમાં તાળું વાસી મૂકી દીધા છે.” ‘તેં તારી બાને બતાવ્યા શું કરવા? ‘મેં નો'તા બતાવ્યા પણ હું એ જોતી'તી ને એ જોઈ ગઈ. મારા હાથમાંથી આંચકી લીધા ને મને મારી.' ‘એમ?' ‘હા’ ‘પણ પુસલી મનેય મારા બાપુએ માર્યો છે.' ‘તને શું કરવા?' ‘ઈ ફોટા માટે જ.’ સાંજે ઘેર ગયો એટલે બાપુજીએ પૂછ્યું : 'અલ્યા, તું સવારે ફોટા લઈ ગયો'તો? મેં કહ્યું "હા" એટલે પાછું પૂછયું, "ક્યાંથી?" મેં કહ્યું "બાપુજી. હું ઊઠયો ત્યારે ટેબલ પર પડ્યા'તા. મને ગમ્યા એટલે દસ્તરમાં મૂક્યા. મને એમ કે હું નિશાળે જઈને બીજા છોકરાને બતાવીશ." 'એટલે તરત જ બાપુજીએ મારું દફતર તપાસ્યું. પણ ફોટા નીકળ્યા નહીં એટલે ગુસ્સે થઈ પૂછયું : “કયાં ગયા ફોટા?" મેં તો કહી દીધું કે પુસલીને આપ્યા છે.' 'કઈ પુસલી ?' 'રમણકાકાની.' પછી તો મને શું માર પડ્યો છે! મારી બા વચ્ચે ન પડી હોત તો મને મારી જ નાખત.' આ સાંભળી પુષ્પા વિચારે ચડી. એ ફોટામાં એવું શું હશે કે બધાંય છોકરાંને માર પડ્યો હશે? મૂઆ એ ફોટા!! હું મોટી થાઉં ને, તો એવા ફોટા મારા જેવડાં બધાંય છોકરાંને આપું. કેટલા સરસ હતા! રંગ પણ કેવો હતો! જોતાં બે ઘડી મઝા પડતી અને થતું કે જાણે જોયા જ કરીએ. છતાંય બા અને બાપુજીને એમાં માર મારવા જેવું શું લાગે છે એ જ સમજાતું નથી. પણ બાપુજીએ જ કહ્યું'તું કે ફોટા સરસ છે. તો પછી આમ શા માટે? એવું મન ગૂંચવાતું હતું. ત્યાં તો અશોકે એનો હાથ પકડી કહ્યું, ‘પુસલી, આમ ઢીલી શું થાય છે? હું એ બધાંયને જોઈ લઈશ.’ પુષ્પા કંઈ ન બોલી. શિક્ષક ભણાવતા હતા પણ એમનું મન ભણવામાં નહોતું. પુષ્પા પૂછતી'તી : 'અશોક, તારા બાપુજી એ ફોટા ક્યાંથી લાવ્યા'તા?' 'લે, મારા બાપુજી પાસે તો ઘણાય છે. ઘણી વખત ટપાલમાં આવે છે.' ‘તો તો તેં બધાય જોયા હશે. બહુ મઝા પડતી હશે, નઈ?” 'ના. એમ તો બાપુજી નથી જોવા દેતા. આ તો છાનામાના હાથ પડી ગયા એટલે!' ‘બા ને બાપુજી સંતાડી શું કામ રાખતાં હશે?’ જવાબ આપતાં અશોક ગૂંચવાયો એટલે બોલ્યો : 'મારું જો ચાલે તો આ બા-બાપુજીની સામે જ ફોટાઓ ગોઠવું અને જોયા કરું.’ 'મનેય એવું થાય છે.' મને મોટો થવા દે ને, પછી બા—બાપુજીને આપું તો કેજે મને!' ત્યાં તો પેશાબપાણીની રજા પડી અને સૌ બહાર નીકળ્યાં. શિક્ષક પણ બહાર ગયા, પરંતુ પુષ્પા અને અશોક વર્ગમાં જ બેસી રહ્યાં.

'અશોક, ફોટાઓમાં ઓલી બાયડી અને ભાયડો કેમ બેઠાં'તાં? 'જો આમ..' કહી અશોકે પુષ્પાને બાથ ભીડી અને બંને એમ બેસી રહ્યાં. પુષ્પાએ કહ્યું : 'હા, બસ આમ જ બેઠાં'તાં નઈ?’ ત્યાં તો શિક્ષક આવ્યા અને એમને બેઠેલાં જોઈ, બંનેને બોલાવ્યાં. પુષ્પા અને અશોક કંઈ સમજે તે પહેલાં તો શિક્ષકે બરાડો પડ્યો : 'શું કરતાં'તાં?' 'કંઈ નહિ સા'બ.' અશોક બીતાં બીતાં બોલ્યો. 'મને બનાવે છે પાછો? ખરાબ કરતાં'તાં ને!. સાલા જંગલી!' કહી શિક્ષકે હાથમાં સોટી લીધી અને અશોકના બરડામાં પડી. પુષ્પાના હૈયામાં ચણચણાટી થઈ ગઈ. શિક્ષક ફરી બૂમ પાડે કે સોટી ઉગામે એ પહેલાં તો પુષ્પા અશોકનો હાથ પકડી બહાર ખેંચી ગઈ. બંને શાળા બહારના ચોગાનમાં એક લીમડાના થડ પાછળ સંતાઈને બેઠાં. પુષ્પા, તને તો નથી મારી ને?' ‘ના. એ શું મારતો'તો?' પુષ્પાએ શિક્ષક પ્રત્યે અણગમો બતાવ્યો. 'આપણે ખરાબ કરતાં'તાં? સાલા સા'બને કંઈ ખબર પડતી નથી લાગતી.* ઈ બધાંય મોટાં એવાં જ હોય.'

‘પણ જો એ ખરાબ કે'વાતું હોય તો પછી, એવા ખરાબ ફોટા કોઈ છાપતું હશે? અને બા-બાપુજી ઈ ફોટાને સરસ કેતાં હશે? વળી ખરાબ ફોટા કોઈ બૅગમાં રાખેય ખરું? સાલો ગધેડો લાગે છે!” અને પછી તો નિશાળ છૂટી ત્યાં સુધી એ ત્યાં જ બેસી રહ્યાં. પુષ્પાનું અને અશોકનું દફતર સરોજ લેતી આવી હતી.

બપોરે સરોજ બોલાવવા આવી ત્યારે પુષ્પાએ કહી દીધું કે 'હું નહિ આવું. મારું માથું દુઃખે છે.' અને સાચે જ વિચારો કરી કરીને એનું બાળમગજ થાકી ગયું હતું. પુષ્પાની આંખોની લાલાશ જોઈ નિર્મળાએ તેને સુવાડી દીધી અને પોતે બહાર ઓસરીમાં બેસી ચોખા સાફ કરવા લાગી. થોડી વારે અશોક આવ્યો એટલે નિર્મળાએ પૂછ્યું : 'અલ્યા, તું નિશાળે કેમ નથી ગયો?' 'માસ્તરે માર્યો'તો એટલે.' 'શું કામ માર્યો?' 'હું ને પુસલી રમતાં'તાં ને, એટલે.' 'ઠીક.' કહી નિર્મળા ચૂપ થઈ ગઈ. અશોક ઓરડામાં ગયો અને પુષ્પા સામે બેસીને પૂછ્યું : 'કેમ સૂતી છે?' 'અમથી.' 'લે ઊભી થા. તારી બાને કે'કે ઓલા ફોટા પાછા આપે, નહીં તો આજ ફરીને માર પડશે.' મારની બીકે પુષ્પાએ ફોટા માગવાની ના કહી.

ચોખા વીણતી નિર્મળાના કાને આ શબ્દો પડ્યા અને તે ઓરડામાં આવીને બોલી : 'ફોટાનું નામ લીધું છે તો જીભ જ ખેંચી કાઢીશ.’ પુષ્પા ધ્રૂજી ઊઠી. નિર્મળાની ખૂબ જ બીક લાગી. એને થયું કે આ દુનિયામાં, આ ઘરમાં મારું કોઈ નથી. બા-બાપુજી પણ નહીં. આ અશોક કેવો છે? નથી ગાળો દેતો, નથી મારતો, ઊલટો કેવી કેવી વાતો કરીને હસાવે છે! નવું નવું દેખાડે છે. બિસ્કિટ, પીપરમીન્ટ, ચોકલેટ, બોરાં એવું ખાવાનું પણ આપે છે. મારા વગર ભાગ ખાતો જ નથી. અને બા ને બાપુજી… તે દી રાતે ચેવડો ને પેંડા ખાતાં'તાં ત્યારે હું જાગી ગઈ તો એકદમ પડીકા ઉપર થાળી ઢાંકી દીધી અને મને કહ્યું કે 'રાંડને ઊંઘ પણ આવતી નથી!' બધાંયનાં બા-બાપુજી આવાં હોતાં હશે. બા તો તે દી' નાતી'તી ત્યારે એને પે'રેલી બોડીસ જોઈને મેં કહ્યું'તું : 'બા, મારેય આવી બોડીસ પેરવી છે.' ત્યાં તો મારા સામે ઘૂરકતી કહેવા લાગી. ‘ન જોઈ હોય તો બોડીસ પહેરવાવાળી!' શું એ બા છે એટલે બોડીસ પે'રે, ફોટા જુએ, રાતે નાસ્તો કરે અને મારે કંઈ જ નહીં? આ કેવું? ભગવાન આવું કેમ કરતો હશે? અને તે દી’ બા ને બાપુજી ખાટલા ઉપર બેઠાંબેઠાં વાતો કરતાં'તાં. હું આંક લખતી’તી ત્યારે બાપુજીએ બાને કેવી બચી ભરી હતી! અને પછી બાએ બાપુજીને… મારી નજર ત્યાં ગઈ એટલે બેય કેવાં આડુંઅવળું જોવા લાગી ગયાં'તાં! અને મેં કહ્યું : 'બા, મનેય એક બચી ભર ને,' ત્યારે બચીને બદલે ગાલ ઉપર કેવો તમાચો પડ્યો હતો! આવાં તો કેટલાંય દૃશ્યો એની નજર સામે ચલચિત્રની જેમ પસાર થઈ ગયાં. એણે બાજુમાં બેઠેલા અશોક સામે જોયું. અશોકે તેના કપાળ પર હાથ મૂક્યો. પુષ્પા પોતાના હૈયાને કાબૂમાં ન રાખી શકી. એને પેલા ફોટાની સ્મૃતિ વળી પાછી તીવ્ર વેગે થઈ આવી. આટલા બધા ઉપહાસમાં, તિરસ્કારમાં, અપમાનમાં પણ ફોટાની સ્મૃતિ એને સાંત્વના આપતી હતી, શાંતિ આપતી હતી અને તેણે એકદમ અશોકનો હાથ ખેંચી બે હાથે બાથ ભીડી પોતાની બાજુમાં સુવાડી દીધો. અશોકે પણ કો' અદૃશ્ય શક્તિ પોતાની પાસે કામ કરાવી રહી હોય એમ પુષ્પાના શરીર ફરતા હાથ વીંટાળ્યા. બરાબર આ જ સમયે ઓફિસેથી આવેલા રમણલાલ અને તેમની પાછળ આવતી નિર્મળાએ આ દૃશ્ય જોયું. એમને રોમેરોમ આગ લાગી ગઈ અને બરાડી ઊઠ્યા : પુસલી, આ શું કરે છે?' અને પુષ્પા ચમકી ગઈ. અશોકના શરીર ફરતા ભીડેલા હાથના અંકોડા છૂટી ગયા અને અશોક વીજળીની ત્વરાએ ઊભો થઈ ગયો અને ‘મેં કંઈ નથી કર્યું.' કહેતો ઝડપબંધ ઓરડા બહાર નીકળી ગયો. પુષ્પાને એક તમાચો પડ્યો હોવાનો અવાજ એના કાને પડ્યો - જાણે હૃદય પર કોઈએ ચાબુક ફટકાર્યો, અને તે લગભગ દોડતો નાસી ગયો. સાંજે શિક્ષામાં પુષ્પાને ખાવાનું ન મળ્યું. ભૂખથી તરફડતી અને વેદનાથી કકળતી પુષ્પાને દસેક વાગ્યે ઊંઘ આવી ત્યારે રમણલાલે બૅગમાંથી પેલા ફોટા કાઢ્યા અને બહુ જ રસથી પતિ-પત્નીએ એ જોયા. તેના ઉપર રમણલાલે પોતાની રસદૃષ્ટિએ વિવરણ કર્યું અને નિર્મળા સહેજ શરમાઈને બોલી : ‘મૂકી દો હવે એ ફોટા, શરમ આવે છે!” ‘આમાં શરમાવા જેવું શું છે?' કહીને નિર્મળાના ઓષ્ઠ ઉપર એક ગાઢ ચુંબન—મહોર ચોઢી દીધી. 'બા, આમ શું કરે છે?' પુષ્પા ઊંઘમાં બબડી ઊઠી.

*