નારીસંપદા : ટૂંકી વાર્તા/બારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બારી

દક્ષા પટેલ

'વહુ બેટા, ચાલ તને રસોડામાં બધું દેખાડી દઉં. પછી રસોડાની પળોજણમાંથી છૂટી થાઉં.' કોકિલાબેન આમ બોલ્યાં ત્યારે રેખાને ઘણું સારું લાગ્યું. સંજય સાથેનાં પ્રેમલગ્નના બીજા દિવસે નાહીધોઈ તૈયાર થયા પછી ઘરમાં ક્યાં ઊભા રહેવું, ક્યાં બેસવું, કોની સાથે શું વાત કરવી કે પછી શું કરવું તેની રેખાને કંઈ સમજ પડતી ન હતી. તેને આશ્ચર્ય થયું, અધ્યાપક હોવાના નાતે જાતભાતની વાતો કરી વિદ્યાર્થીઓને પોતાના કરી લેવાની તેની આવડત અહીં ખપ લાગી નહીં. તેવે વખતે રસોડાની જવાબદારી સોંપાવાની વાતથી તેને હાશ થઈ. તેને થયું કે કદાચ નવી વહુ માટે ઘરનું સૌથી સલામત સ્થળ રસોડું હશે, જ્યાં ઘરની દરેક વ્યક્તિ આમ તો બેરોકટોક આવી શકે, પણ ભાગ્યે જ આવે. સ્ત્રી માત્ર રસોડામાં જ પોતાની જાત સાથે રહી શકે, પોતાની મરજી પ્રમાણે રહી શકે. તેની મમ્મી પણ વધુ સમય રસોડામાં જ રહેતી. તેને થયું રસોડું જ એવી જગ્યા છે જ્યાં પોતે પોતાની પસંદગીનું વસાવી શકે. બાકી, તેના આવડા મોટા ઘરના ખૂણા ને દીવાલો – બધું જ ઘરના સભ્યોની ઇચ્છાઓથી ભરેલું હતું. રેખા ઉમળકાથી રસોડામાં આવી. રસોડાની દરેક ચીજવસ્તુઓ પિયરિયાં જેવી લાગી. કોકિલાબેને રેખાને કંકુ-ચોખા આપ્યાં ને રેખાને તેની મમ્મી યાદ આવી. તેની મમ્મી હંમેશાં કહેતી, 'બેટા, દરરોજ રસોઈ શરૂ કરતાં પહેલાં દેવતા જમાડવાનો, પછી અન્નદેવની પૂજા કરવાની.' જ્યારે જ્યારે મમ્મી આમ કહેતી ત્યારે દાદી અવશ્ય કહેતાં, 'રેખા, તારી મમ્મી પરણીને આવી ત્યારે રસોડામાં લઈ જઈ સૌ પહેલાં મીઠાની કોઠીમાં હાથ નંખાવ્યો, કેમ કે મીઠું સ્વાદનો રાજા છે. વળી તે બધું ઓગાળી શકે છે. પછી ખાંડની કોઠીમાં હાથ નંખાવ્યો, જે મીઠાશની રાણી છે.' દાદી ખૂબ વ્યવહારકુશળ એટલે આખા ગામમાં કોઈનાય ઘરમાં નવી વહુ આવે ત્યારે સૌ દાદીને આગળ કરે અને તેમનો હાથ સૌને ફળે. રેખાએ પણ દાદીને યાદ કરી પૂજા કરી વિધિવત્ રસોડાની જવાબદારી સ્વીકારી. કોકિલાબેન સંતોષથી બીજા કામે વળગ્યાં. મસમોટા ફ્લેટના રસોડાને ધ્યાનથી જોઈ રેખા ખુશ થઈ. રસોડું પ્રમાણમાં મોટું હતું. બે જણ સાથે રસોઈ કરી શકે તેટલું તો ખરું જ. જરૂર પડે વારેતહેવારે ચારેક જણ મોકળાશથી હરીફરી શકે તેવું મજાનું. રસોઈ કરવાનું પ્લેટફૉર્મ પણ મમ્મીના પ્લેટફોર્મ કરતાં ઠીકઠીક મોટું લાગ્યું. ઘરે કોઈ સગાંવહાલાં આવે કે આડોશ-પાડોશનાં બહેનો આવે ત્યારે મમ્મીને અચૂક કહેતાં, 'કુમુદબેન, તમારું રસોડું બહુ નાનું છે, માંડ બે જણ હરીફરી શકે તેવું સાંકડું છે.' તો વળી, પપ્પાનાં મિત્રપત્ની કહેતાં, 'આવા નાના રસોડામાં તો એકલાં જ રસોઈ કરવી પડે, સાવ એકલા પડી જવાય. મને તો બિલકુલ ન ગમે.' પણ મમ્મી પ્લેટફૉર્મ પરની બારી બતાવી કહેતી, 'આ બારીએ મને ક્યારેય એકલું લાગવા દીધું નથી.' રેખાએ જોયું પ્લેટફૉર્મને અડીને લાંબી દીવાલ, ઉપર માળિયાનો આગળ વધારેલો ભાગ, પાછળ દીવાલના માપનું છ શટરવાળું મોટું કબાટ, જમણી બાજુ દીવાલ અને દીવાલમાં ડ્રોઇંગરૂમનો દરવાજો જોઈ શકાય તે માટેનું નાનું જાળિયું. એકદમ પોપટના પાંજરાના દરવાજા જેવું જ. રેખાને થયું, જો ડ્રોઇંગરૂમનો દરવાજો ખુલ્લો હોય તો જાળિયામાંથી સામેવાળાના ફ્લૅટનો દરવાજો જોઈ શકાય અને જો તેમનો દરવાજો ખુલ્લો હોય તો તેમનું જાળિયું અને જાળિયા પાછળ કામ કરતાં પડોશીબેન દેખાય. પણ ડ્રોઇંગરૂમનો દરવાજો ખુલ્લો હોય તો જ! પ્લૅટફૉર્મની ડાબી બાજુ પ્લેટફોર્મ પૂરું થાય ત્યાં એક બારી અને બારીને અડીને લોબીમાં જવાનું બારણું. રસોઈ કરતાં કરતાં દીવાલ જ જોવી પડે એવી વ્યવસ્થાથી તેને અકળામણ થઈ. જો ડાબી બાજુ મોઢું રાખી રસોઈ કરે તો સામેના ફ્લૅટની લોબીમાં ઊભેલા માણસો દેખાય. અત્યારે પણ ઊભેલાં જ હતાં. બારણાંની બહાર જઈ લોબીમાં ઊભાં રહીએ તો જ નીચે રેતીમાં રમતાં બાળકો, ચણતાં કબૂકરો કે કૂતરાં જોઈ શકાય. ઉપર નજર કરીએ તો આકાશના એક ટુકડામાં સૂરજ જોઈ શકાય. આમ વિચારતાં જ રેખાથી હસી પડાયું; બંને મોટાભાઈઓ, કાકા, ફોઈ યાદ આવી ગયાં. તે બધાં તેને મમ્મીનું પૂછડું કહેતાં. નાની હતી ત્યારે સવારે ઊઠતાં જ મમ્મીને ન જુએ એટલે રડવા લાગતી. પપ્પા કહેતા, 'જા બેટા, મમ્મી રસોડામાં છે.' તે રડતી રડતી રસોડામાં મમ્મી પાસે જતી. મમ્મી વહાલથી ઊંચકી લઈ, પપ્પી કરી, પ્લેટફૉર્મ પરની ખુલ્લી બારીમાંથી દેખાતા સૂરજદાદા બતાવી કહેતી, 'બેટા, સૂરજદાદાને જે-જે કરો.' અને પોતે આકાશ સામે જોઈ જે-જે કરતી. મમ્મી સમજાવતી, 'સૂરજદાદા આખી દુનિયાને અજવાળું આપે અને આપણને ઝટઝટ મોટાં કરે.’ ‘મમ્મી હું પણ ઝટઝટ મોટી થઈ જઈશ. મારે પણ આવી બારી હશે, સૂરજદાદા હશે.' રેખા આમ બોલતી એટલે મમ્મી વહાલથી માથે હાથ ફેરવી તેને મન ભરીને જોઈ લેતી. રેખાએ જોયું, પ્લૅટફૉર્મ ધોળી દીવાલ સાથે જોડાયેલું અને દીવાલ પર ચાર ફૂટ સુધી છ બાય છ ઇંચની સફેદ ટાઇલ્સ જડેલી. આવી જ રીતે સંડાસ, બાથરૂમ, ચોકડી ને વોસબેસીન પર પણ સફેદ ટાઇલ્સ જડેલી છે તે યાદ આવતા તેને ઉબકો આવી ગયો. તેને થયું, સંજયને કહીશ, ‘આ દીવાલમાં એક બારી મૂકાવી દઈએ.’ બરાબર એ જ વખતે સંજયે રસોડામાં પ્રવેશતાં કહ્યું, ‘સાચું કહું રેખા, રસોડાની ખરી શોભા જ તું છે. તું રસોઈ કરે ને પ્રેમથી બધાને જમાડે તેના જેવું બીજું કોઈ સુખ ન હોય.’ ગાલ પર વહાલથી ટપલી મારી બોલ્યો. ‘કિચન ક્વીન ! તમે રસોઈની તૈયારી કરો, બંદા તૈયાર થઈ આવે.’ રેખા સ્તબ્ધ થઈ દીવાલ સામે જોઈ રહી. ‘વહુ બેટા, ઊભી રહે, બધું બતાવું છું.’ કહેતાંકને કોકિલાબેન રસોડામાં આવ્યાં. વારાફરતી રસોડાનાં બધાં કબાટ ખોલ્યાં, દરેક કબાટના દરેક ડબ્બા, ડબ્બી, શીશા, શીશી – બધું ખોલીખોલીને બતાવ્યું. ‘જો બૂરું ખાંડ, મીઠું, સાજીનાં ફૂલ ને પાપડિયો ખારો – બધું જ દેખાવે એકસરખું છે. એટલે મેં જાતે લખીલખીને નામની ચીઠ્ઠીઓ ચોંટાડી છે, વાંચી જો.’ પછી પ્લેટફૉર્મ નીચેનાં ડ્રોઅર ખોલીને બોલ્યાં, ‘આમાં દરરોજના મસાલા, તેલ, ઘી વગેરે મૂકેલાં છે.’ વાસણના ઘોડામાં કયાં કયાં વાસણો મૂકવાં તે વિગતે સમજાવ્યું. રેખાઓ બધું હોંશે જોયું ને સમજી લીધું પણ ખરું. કોકિલાબેને બધું ખોલીને બતાવ્યું; સિવાય પ્લેટફૉર્મના છેવાડાની બારી. ‘હંમેશા બંધ જ રાખીએ છીએ. પાણીનાં માટલાં ગરમીમાં ગરમ ને ઠંડીમાં ઠંડાં થઈ જાય છે એટલે ખોલવાની જ નહીં.’, તે આદેશ આપતાં હોય તેમ બોલ્યાં. બસ, પછી તો તે દિવસથી દીવાલની સાક્ષીએ રાત-દિવસના અહેસાસ વગર જ રસોડું ધમધમવા લાગ્યું. ક્યારે રસોડામાં સાંજ ઊતરી આવે ને સંજય ઑફિસથી પાછા ફરે તેની ખબર જ ન રહે. સંજય રસોડામાં ખુરશી લઈને બેસે. આખા દિવસની વાતો કરે; તો ક્યારેક કંઈક મજાનું વાંચી સંભળાવે. જરૂર પડે ડુંગળી પણ સમારી આપે, પણ જેવો દાળશાકનો વધાર થાય કે સંજય નાક દબાવીને બહાર ભાગે ને કહે, 'રેખા, તું કેવો વધાર કરે છે? નાક-ગળું બધું બળવા લાગે છે.' તક ઝડપી લઈ રેખા વળતો જવાબ આપે, 'આપણા પ્લેટફૉર્મ પર બારી નથીને, એટલે વઘાર ઊડે છે. બારી હોય તો વધારાની ધૂણી બહાર નીકળી જાય.' બોલવાનું પૂરું થાય તે પહેલાં સંજય જ બહાર નીકળી છેલ્લા રૂમમાં ચાલ્યો જાય. રેખા ફરી પાછી દીવાલ સામે ઊભી રહી રસોઈમાં જીવ પરોવે. પણ દીવાલ જેવા બની મૂંગાં મૂંગાં રાંધવાનું રેખાને ન ગમે. દીવાલ પર ગરમ તેલના છાંટા ઊડે કે કંઈક તળાતું હોય ત્યારે તેલના ધુમાડા અડે તો પણ દીવાલ સાવ નિર્લેપ રહી બધું રેખાને પાછું આપે. ગયા અઠવાડિયે કૂકરની સિટી ન વાગી, સેફ્ટી વાલ્વ પણ ન ખૂલ્યો ને ધડાકા સાથે કૂકરનું ઢાંકણ તૂટ્યું. અંદરની ગરમ ગરમ દાળ દીવાલ પર ઊછળી. પણ દીવાલે ધડાકા સાથે બધું પાછું ફેંક્યું. બસ થોડા ડાઘા રહેવા દીધા એટલું જ! પણ મમ્મીનું કૂકર ફાટ્યું હતું ત્યારે બારીએ એવી તો જાહેરાત કરેલી કે ઘરનાં માણસો ને આસપાસના લોકોથી રસોડું આખું ભરાઈ ગયેલું. અરે! મમ્મી શીરો કે સુખડી શેકતી હોય, કે સંભારની દાળ ઊકળતી હોય, ત્યારે પસાર થતાં સોસાયટીનાં બહેનો અવશ્ય પૂછતાં, 'કુમુદબેન, સરસ સુગંધ આવે છે, જમવા આવીએ ને!' અને મમ્મી પણ પોતાની રસોઈકળાની હોશિયારી પર ગરવાતી. આમ ને આમ રેખાનું વેકેશન પૂરું થયું. કૉલેજ શરૂ થઈ. સવારે વહેલા ઊઠી ગરમાગરમ ચા ઠંડી પાડી ઝટપટ પીવાની ઉતાવળ, રસોઈ પૂરી કરવાની ચિંતા, બસ પકડવાનો રઘવાટ, અસહ્ય ગરમીનો કંટાળો, કૉલેજથી પાછા ફર્યા પછીનો આનંદ અને થાક – બધાંથી રસોડું ભરાય. પણ ઘેરા વાદળી રંગનાં ફોર્માઈકાવાળાં કબાટો, રસોડાના ધુમાડાની ચાડી ન ખાય તેવો કૉફી રંગનો પંખો, પીરસવા હંમેશાં તત્પર હોય એવા સફેદ કપડાંવાળા વેઇટરના જેવું ફ્રીજ અને ધોળી દીવાલ એમાંનું કશું ન સમજે. મમ્મીના રસોડામાં બધું જ ખુલ્લું. મીઠું, મરચું, ખાંડ, ગોળ, નાસ્તાઓની બરણીઓ, નાનાંમોટાં વાસણો – બધાં જાણે એની સાથે વાતો કરે, એની વાત સમજે. રેખા નાની હતી ત્યારે દોડતાં દોડતાં પડી જાય કે તરત જ મમ્મી ઊંચકીને રસોડામાં લઈ જઈ ખુલ્લા ઘોડામાંની બરણીઓ બતાવી પૂછે, 'બેટા! કયું મમ લેવું છે?' રેખા સિંગ, ચણા, સેવમમરા, સાકરિયા, કાજુ-બદામ એમ એક પછી એક બધી કાચની બરણીઓને હાથ અડાડી ખુશ થાય. મમ્મી વાટકીમાં સેવમમરા આપી પ્લેટફોર્મની બારી પાસે બેસાડે. મોટું આકાશ, તેમાં ઊડતાં પંખીઓ, ડોલતાં વૃક્ષો, રમતાં બાળકો ને બારીને અડીને ઊભેલો તુલસીનો છોડ જોઈ રેખા રડવાનું ભૂલી રમવા માંડે. અહીં રેખાના ફ્લેટનો દરવાજો ખુલ્લો હોય ત્યારે સામેના ફ્લેટમાંથી અવારનવાર નાનકડો રાહુલ તેના ઘરમાં આવે. રસોડામાં રેખા પાસે આવી કહે, 'આન્ટી મમ આપો ને!' રેખા તેને વહાલથી ઊંચકી લઈ કબાટ ખોલી મમ આપે. તે ખુશ ખુશ થઈ ખાવા લાગે. એટલે રેખા ખૂબ રાજી થાય. અહીં રેખાને એક વાતનું મોટું દુઃખ એ કે જેટલી વાર રસોડામાં કામ થાય, તેટલી વાર સફેદ ટાઇલ્સ ને દીવાલ સાફ કરવાં જ પડે. રેખા સફાઈનો ક્રમ બરાબર જાળવે છતાં તેને થતું: એકાદ વરસ પછી તો દીવાલનો મૂળ રંગ નક્કી કરવાનું જ મુશ્કેલ થઈ જશે. તે થાકે, કંટાળે એટલે સંજયને ફરિયાદ કરે, તો સંજય કહેતો, 'રેખા, તું દરરોજ સાફ કરે તો ગંદું ન થાય.' સાચું કહું, રોજ કૉલેજમાં ભણાવતાં પહેલાં અને જરૂર પડે તો વચ્ચે વચ્ચે બ્લેકબોર્ડ સાફ કરવાનું અને ઘરે રસોઈ કર્યા પછી આ સફેદ ટાઇલ્સ સાફ કરવાનું મને જરાય ગમતું નથી.' 'તો પછી આ દીવાલ પર પણ લખવાનું ચાલુ કર.' એવી મજાક કરી સંજય બીજા રૂમમાં ચાલ્યો ગયો. રેખા બારેક વર્ષની હતી. ત્યારે એક વખત ચિત્ર બનાવવા કાગળ લઈને બેઠી, પણ રસોડાની બારીમાં કાગડો બોલવા લાગ્યો એટલે ઊઠીને ત્યાં ગઈ. મમ્મી બોલી, 'બેટા, આજે મામા આવશે. જો કાગડો કા-કા બોલે છે.' બરાબર એ વખતે તેના ભાઈએ કાળો ચૉકકલર આખા ડ્રોઇંગ પેપર પર ઘસી નાંખ્યો. સાવ કાળું ધબ્બ બનાવી દીધું. પાછા આવીને રેખાએ જોયું એટલે મોટેમોટેથી રડવા લાગી, 'કેમ રડે છે બેટા?' દાદીએ પૂછ્યું. તે કાળો કાગળ લઈ દાદી પાસે ગઈ. તેમણે વહાલથી બાજુમાં બેસાડી. રેખા તેમને બહુ વહાલી. દાદી ગામની નિશાળમાં બે ચોપડી ભણેલાં છતાં લખી વાંચી શકતાં. ઘરનાં બાળકોને રોજ રાતે વાર્તા કહેતાં, વટવ્યવહારમાં આગળ પડતાં. લીંપણ કરવામાં, ગળી, ખડી ને ગેરુથી લગ્નપ્રસંગે દીવાલો ચીતરવામાં આખા ગામમાં એક્કો ગણાતાં. દાદીએ રેખાને કહેલું, “હું ગામડે જ નાનેથી મોટી થઈ. ગામડે અમે ચૂલે રાંધતાં. એટલે બધાં વાસણ કાળાંમેશ થઈ જાય. ગામમાં દીવાબત્તી પણ નહીં, ફાનસ સળગાવીએ એટલે તેના ગોળા પણ કાળા થઈ જાય. આ બધું સાફ કરતાં આપણા હાથ કાળામેશ થઈ જાય. એટલે મને વાસણ ઘસવાનું જોર આવે. પણ હું ને મારી બેન સાંઠકડી લઈ કાળાં બૂધાવાળાં વાસણો પર ચાંદો, સૂરજ, મોર, પોપટ દોરતાં. રોજ જ આવી રમત કરતાં.' રેખાને ખૂબ નવાઈ લાગેલી. થોડુંક થોભી દાદી આગળ બોલેલાં, “અમારા રસોડામાં ધુમાડિયું હતું. છતાં રસોડાની દીવાલો કાળીભમ્મર થતી. મારી મા ઘણી વાર બોયા વડે દીવાલ પર કંઈક નિશાની કરતી. જા પેન લઈ આવ, તારા આ કાગળ પર કરી બતાવું.” રેખા દોડીને બોલપેન લઈ આવેલી. દાદીએ કાળા કાગળ પર પેન ફેરવવા માંડી ને જોતજોતામાં ચાંદો, સૂરજ, છોડ, ફૂલ, પંખી... એમ બનવા લાગેલું. રેખા આભી બની ગયેલી. પછી તાળીઓ પાડી કૂદકાં કૂદતાં બોલી હતી, 'દાદી, તમે તો જાદુગર છો! કેવું સરસ સરસ દેખાડો છો!' રેખાએ અણીવાળું ચપ્પુ લીધું. મેલી દીવાલ પર મોટી મજાની બારી દોરી. બારીમાં આકાશ ને આકાશમાં સૂરજ દોરે તે પહેલાં ડોરબેલ વાગ્યો. દરવાજો ખોલ્યો. સામેના ફ્લેટવાળા બેન તેમના નાના રાહુલને લઈ અંદર આવતાં બોલ્યાં, 'રેખાભાભી, મેળવણ જોઈએ છે. થોડું આપો ને!" રેખા રસોડામાં ગઈ, સાથે રાહુલ પણ ગયો. એટલે તેની મમ્મી પણ રસોડામાં ગઈ. રસોડાની દીવાલ જોઈ એકદમ ખુશ થઈ આંગળીથી બતાવતાં રાહુલ બોલ્યો, ‘મમ્મી! જો બારી કેવી છલછ છે.’ રાહુલ અને તેની મમ્મીના ગયા પછી રાહુલના શબ્દો રેખાના મનમાં પડઘાતા રહ્યા. તે આનંદથી ઝૂમી ઊઠી. તેણે વહાલથી દીવાલ પર હાથ ફેરવ્યો.