નારીસંપદા : ટૂંકી વાર્તા/બે-પગલાં
રમીલા પી. મહેતા
શારદાએ ધીમે રહીને દરવાજો ઉઘાડ્યો અને પ્રવેશી જલદીથી બંધ પણ કરી દીધો. પીઠ ફેરવી તેણે પાછળ હાથ કરી સાંકળ ચઢાવી દીધી, ને ધીમે રહીને શ્વાસ હેઠો મૂક્યો... દરવાજા પાસે ઊભા રહીને તેણે જોયું, નજર ફેરવી, ઘરમાં શાંતિ હતી; તે મૂકી ગઈ હતી તેવી જ... શાંતિ શબ્દની યાદ સાથે તેને નિઃસ્તબ્ધતા યાદ આવી ને પોતે કેવી એ વેળાએ સ્તબ્ધ બની ગઈ હતી? ને એ યાદ સાથે રોમાંચ ખડા થઈ ગયા... એક સિહરન પગથી માથા સુધી વ્યાપી ગઈ... એ જ ખૂણા પાસેથી પથારી, ટેબલ પર પડેલાં અસ્તવ્યસ્ત પુસ્તકો, જૂની ખુરશી પર આજનાં ધોયેલાં કપડાં, એક જગ્યાએથી સહેજ ફાટી ગયેલો બારીમાંનો પડદો – બધું તેમ ને તેમ જ એવી જ હાલતમાં હતું... તેનું બધું આમ જ ગોઠવેલું છેલ્લાં ત્રણ વર્ષથી આમ જ રહ્યું છે. જેમ તે કરતી આવી છે તેમ જ... કશાય ફેરફાર કે અવાન્તરને ક્યાં અવકાશ છે? તે સ્હેજ મલકી, કપાળ પરના પ્રસ્વેદ બિંદુને હાથથી લૂછતાં સાથે ચાંદલાનું કંકુ સ્હેજ લુછાઈ ગયું... તેની નજર પોતાની તરફ તાકી રહેલા સુનિલ પર પડી... તે શું ખરેખર તાકી રહ્યો હતો ! ‘શારદા !’ સુનિલના આતુર સ્વરે તેને જગાડી, તેને કઈ તંદ્રામાંથી જાગવાનું હતું ! તેને અમુલના શબ્દો શૂળની જેમ ભોંકાતા હતા, તેને બધું નવું નવું લાગતું હતું. ને ક્યારેય અજાણ્યો ન લાગેલો સુનિલ તેને જાણે પૂર્વે કદીયે ન જોયેલો હોય તેવો લાગતો હતો... એકીટસે તે સુનિલ તરફ તાકી રહી હતી ત્યારે સુનિલની આંખો તેને વીંધી રહી હતી. ને મગજમાં પેલું કશુંક શારડીની માફક ઊંડે ઊંડે ઉતરતું જતું હતું. તે કેવી સ્વસ્થતાથી આજ પર્યંત વેદનાને સહન કરતી આવી. ને આજે તેની ધીરજ, શાંતિ ક્યાં ચાલ્યાં ગયાં? કેવા વિચિત્ર સંજોગો તેને ઘેરી વળ્યા છે ! તે સહન કરતી જ રહેવાની, ને એ વેદના સાથે પૂર્વે ક્યારેય ન અનુભવેલા સુનિલના ઉજમાળા બનતા જતા સ્નેહને કેવા ઉમંગથી ઝીલતી ગઈ ! ને આટલાં વર્ષોના સંગમાં તેની સાથેનો છેલ્લાં બે વર્ષનો સંગ અતિ સ્નેહાળ અને ઉજમાળો. કશાયની રિક્તતા નહીં અને જીવનમાં કટુતા પણ નહીં, પણ એ બધાં સુખની પાછળ પેલું લપાયેલું હશે? તે ક્યારે જાણ્યું હતું? ને એ પણ કેવી સ્નેહાસક્ત બની એમાં ભીંજાતી જ રહી, પણ પેલું શારડી જેમ શું કોર્યા કરતું હતું ! મસ્તક પર કોઈ શારડી મૂકી ઊંડે ઊંડે ઉતાર્યે જ જાય છે, ને મગજ કોરાઈ ગયું. નીકળતાં લોહીમાં તરબોળ !! અસ્તવ્યસ્ત વાળ, કપાળ, લમણા પરથી વહેતી લોહીની ધાર !!! તેણે ગભરાઈને માથા પર હાથ ફેરવ્યો... પરસેવાથી ભીંજાઈ ગયેલા કપાળ પરથી પ્રસ્વેદ બિંદુ રેલા રૂપે લમણા પરથી ગાલ પર ઉતર્યા... બાપ રે, કેવી ભયંકર કલ્પના આવી !! લોહી, શારડી... તીવ્રતમ વેદના, ચીસ પાડવા ચાહે તો પણ ન બોલી શકે !! ‘શારદા !’ સુનિલે ફરી તેને જગાડી, ‘તું આવી ગઈ ! મારી પાસે આવ ને ! શું થયું? અમુલ મળ્યો કે?’ સ્હેજ શ્વાસ, તેણે ફરી એકસામટા બે-ત્રણ સવાલ પૂછી નાખ્યા. ‘શું થયું? તે કશું કરી શકશે?’ સુનિલના આટલા બધા સવાલોનો જવાબ ન આપ્યો. તે શું જવાબ આપે? અમુલની વાતથી તે મૂક બની ગઈ હતી. કશું કહેવાનું સામર્થ્ય ક્યાં રહ્યું હતું? તેણે સુનિલ સામે જોયું ને સુનિલમાં તેને અમુલ દેખાયો. તીણી વાસના, ભૂખી નજરે તેની તરફ તાકતો ને હાથ લંબાવતો, અમુલ તેને હમણાં બાથમાં ભીડી લેશે, તેના હોઠ કશું શોધતા, ફંફોસતા આખરે મેળવીને જ જંપશે. ઓહ, કેવી વિચિત્ર લાગણી, કેવી ભયંકર ઘૃણા; ને તેણે હોઠ પર દાંત દબાવી પેલા સ્વાદને દૂર કરી નાખ્યો. સાડીના છેડાથી જોરથી હોઠ લૂછી નાખ્યા. પેલા શબ્દો તૂટક તૂટક અથડાતા હતા. એ સ્વરમાં યાચના હતી. ‘શારદા, મારું કહ્યું માન, એ ફરી જોઈ શકે તે કરતાં તું કશુંક નવું જોતાં શીખ. શા માટે અંધ સુનિલની પાછળ જિંદગી વેડફે છે. હું તને શું નહીં આપું ! ને જો તું તૈયાર હોય તો આ ચક્ર આપણે જિંદગીભર ચાલુ રાખીશું. એ ફરી જી જ નહીં શકે, શારદા, પ્લીઝ !’ ને આટલું કહેતા તેના હાથ ક્યાંય પહોંચી ગયા હતા. ધક્કો મારી શારદા છૂટી થઈ ને ભીંત સાથે અફળાતા સ્હેજમાં બચી – “ને છતાં તારો આગ્રહ જ છે તો હું ક્યાં મદદ કરવા તૈયાર નથી? પણ આમ મારી વાત ઠુકરાવે તે કેમ ચાલે, હું જે માગું તે સદા આપી શકશે ને?” ને સવાલ યાદ નહોતો કરવો છતાં યાદ આવી ગયો – ન આવવો જોઈએ છતાં... ને અમુલની આંખમાં રમતી ચમકની યાદ આવતાં તેણે સુનિલનો હાથ પકડી લીધો... ને ફરી સુનિલના સવાલો યાદ આવ્યા. તેના એકપણ સવાલનો જવાબ આપ્યા વગર તે રસોડામાં ચાલી ગઈ... ‘હું હમણાં આવું, ચા બનાવી લાવું, પછી વાત’, એટલા શબ્દો સુનિલના કાન પર અથડાયા. એ સ્વરમાં શારદાનો સ્નેહ ભારોભાર છલકાતો હતો. એ સ્નેહ જાણીબુઝીને લાવેલો હતો કે અનાયાસે આવી ગયેલો ! સુનિલે પળભર વિચારી લીધું... તેને શારદા તરફ અતિ વહાલ આવતું હતું ને સુનિલના હોઠ કશાક પ્રાપ્તવ્યની આશંકાએ મલકી ઉઠ્યા. પણ ત્યારે શારદાના હોઠ કશુંક ભૂંસી નાખવા ચાહતા હતા. ને ફરી ફરી પેલા વાક્યો, ‘તારી જો તૈયારી હોય તો હું તો સુનિલનો મિત્ર છું, ને એ મિત્રતાનો લાભ તને પણ મળે ને એને પણ...’ ને ખંધા લુચ્ચા હાસ્યની સાથે વિકૃત થતો અમુલનો ચહેરો યાદ આવી ગયો. ‘ના, ના...’ એવું અસ્પષ્ટપણે બબડી, ને સ્ટવનો કાકડો સળગાવવા જલાવેલી દીવાસળી મૂકી દીધી, તે દાઝી ગઈ હતી... દીવાસળી બળી ગઈ. તેનો છેડો આંગળી દઝાડી ગયો... ને સુનિલનો અવાજ બાજુના ઓરડામાંથી સંભળાયો. ‘શારદા, કેટલીવાર હજુ ! શું કરે છે?’ તે શું કરતી હતી? શું કરવાની હતી? આ બેબસી, લાચારીનો અંત આવશે ખરો ! ક્યાં જઈ અટકશે આ ભાંગતી તૂટતી નાવ ! જેનો માઝી છે એક અંધ સુનિલ અને બીજી તેના જેવી લાચાર મનવાળી સ્ત્રી... છતાં તેના અંધ સ્નેહાળ પતિને કેવા સ્નેહથી સાચવતી આવી છે, એ જ તો એની મોંઘી મિરાત છે. એ જ એનું સર્વસ્વ છે... પોતાના પરમ સૌભાગ્યને પણ, તંગ પરિસ્થિતિમાં કેવી મુશ્કેલીથી ચલાવતી તેની જાણ ન થાય તે રીતે લાડથી પોષતી આવી છે ! હજુ આ રીતે ક્યાં લગી પોષી શકે? સ્નેહના આવરણ તળે સ્વને વિલોપી તે ક્યાં સુધી ખેંચાવા સમર્થ છે ! ફરજ, કર્મ, નસીબ કેટકેટલા વિચિત્ર શબ્દો તેની આસપાસ ઘુમરાઈ વળ્યા... ને ચા પીતાં સુનિલના પ્યાલામાંથી નીકળતી વરાળમાં એ શબ્દો ઊડી ગયા... તેને આ વાત કઈ રીતે કહેવી એ માટે વિચારતી રહી...‘પણ તમે અમુલને ઘેર બોલાવીને કહો તો !’ કશીય પૂર્વભૂમિકા વગર બોલાયેલા તેના આ એક, એક જ વાક્યના જવાબમાં સુનિલે અધિરતાથી સવાલો પૂછી નાખ્યા... ‘તને કહ્યું શું? તે આપણને મદદ કરવા તો તૈયાર છે ને? મને એકવાર તો ઘેર મળી ગયો હતો પણ કશો જવાબ ન આપ્યો ને મેં તને મોકલી...’ એ આપણને મદદ તો કરશે ને? શું આ અંધ પતિ તેને પણ આપણામાં સમાવિષ્ટ કરવા ચાહતો હતો? ‘તને નથી લાગતું શારદા, કે ઓપરેશન બાદ હું બરાબર જોઈ શકીશ... ઓપરેશન પછી હું બરાબર જોઈ શકીશ, એવું તો ડોક્ટરો પણ ક્યાં નથી માનતા? અકસ્માતથી ગયેલી દૃષ્ટિ ઘણાને પાછી મળે છે... અને મને શું નહિ મળે ! પણ પૈસાનો સવાલ મોટો છે. પણ તે બધું થઈ રહે તો?’ ‘તમે એક સાથે ન બોલો તો? હું ક્યાં તમને છોડીને ચાલી જાઉં છું?’ ‘શારદા, મને સમજ, હું કેવો આતુર છું. હું બધું જ જોઈ શકીશ. બધાને જોઈ શકીશ. નથી જોયો કોકરવરણો તડકો કે નથી જોઈ સંધ્યાને, ને શારદા, સૂર્યોદય આપણે પહેલી સવારે ફરવા જતી વેળાએ જોતાં એવો જ મનોરમ્ય છે ને? ઓહ, હું કેવું કેવું પૂછી બેસું છું !!! તને જોયે કેટલા મહિના થઈ ગયા... તું કેવી લાગતી હોઈશ, કદાચ વધારે રૂપાળી લાગતી હોઈશ, જો તારા ચહેરા પર લાલાશ તરી આવી ને ! હું જાણું ને, તારા સ્હેજ વખાણ કરું તો તું લાલ થઈ જાય છે...’ ને કશુંક પકડવા સુનિલે હાથ ફેલાવ્યા ને ફંફોસતા કશુંક પકડાઈ ગયું... શારદાને લાગ્યું તે સાવ ઠંડી પડતી જાય છે... ને ફરી પેલી વેદના કોઈ શારડી ફેરવતું હતું ને અમુલના વાક્યે, જન્માવેલી વેદના પુનઃજન્મી ને એકીશ્વાસે બોલી ગઈ. સુનીલ હું એમ નહીં કરી શકું. સુભાગ્યે કદાચ સુનિલે નહીં સાંભળ્યું હોય ! પણ વર્તન પરથી કશુંક તો પારખી ગયો હશે તેને આજની શારદા હંમેશની શારદા જેવી નહીં લાગી હોય, અશ્વત્થામા ઘવાયો તે પહેલાં કેવો તેજસ્વી ને ઓજપૂર્ણ પરમ શક્તિશાળી પુરુષ હતો ને તેવી જ તે તેજસ્વીની હતી. પણ પાર્થ દ્વારા મણિ હરાયો, ને જીવતો છતાં મરેલો જેવો અશ્વત્થામા ને આજે અમુલ પાસેથી કઠોર છતાં નગ્ન સત્ય સાંભળીને આવેલી તે ત્રસ્ત, દુઃખી, માનભંગ રીતે જીવતા અશ્વત્થામા જેવી, એવી જ લોહી નીંગળતી, થાકેલી, હારેલી શારદાની-પોતાની-કલ્પના કરતાં થીજી ગઈ. તે આવી અવદશા ન વેઠી શકે... તેણે પોતે ન ધારેલી સ્વસ્થતાથી સુનિલને બધું કહ્યું... સુનિલ વાત સાંભળતાં કશું ન બોલ્યો અને શારદાના હાથને પસવારતો રહ્યો, વાક્ય સાથે પલટાતા ભાવ ને વેદના અને સ્નેહ તે પારખી જતી... ને પછી તેણે વેદનાથી ઊંચું જોયું. સુનિલના ચહેરા પરની તટસ્થતા અને સ્પર્શમાં વરતાતો સ્નેહ બધું જ કહી જતાં હતાં... ને સુનિલે કંઈ કહ્યું. તેમાંથી થોડું તેને સમજાયું... હવે કશું નહોતું, લોહી, શારડી ને વેદનાનું કાંઈ ચિહ્ન નહોતું... કોઈ અવસાદ નહીં. તે તો હતી શૂચિભૂર્ત સુનિલની શુચિભૂર્તા શારદી, સદાની શારદી... પહેલાના જેવી જ સ્વસ્થ, સુનિલને જમાડતી, વહાલથી સુવાડતી સ્નેહાળ પત્ની... સુનિલની શારદાને પુનઃ જોવાની ઇચ્છા તેને વેદના જગાડતા હતા. તે સાંજે ફરવા જતી વેળા સુનિલે કશુંક નવું કહ્યું, તેનો હાથ સાહીને ચાલતો સુનિલ સમજાવતો હતો તે નવું નહોતું લાગતું, તે નવું હતું જ નહીં કદાચ તે નહોતી જાણતી,.. તે બોલતો જતો હતો... ‘તને યાદ છે, મેં તને એક વખત ડો. જેકિલ અને મિ. હાઈડની વાત કરેલી. કદાચ પાંચ વર્ષ થઈ ગયાં હશે... માનવીને બે સ્વરૂપ જ હોય છે. દરેકમાં મિ. હાઈડ તો છુપાયેલો જ હોય છે. ને શારદા, દુનિયા ધારીએ છીએ તેટલી ભલી નથી, તને અમુલની વાતો ને દોસ્ત તરીકે ફરજ નિભાવવાની વાતો નવી લાગી હશે... તે મારા સિવાય કોઈને પિછાન્યો જ નથી... અને તારી દુનિયા એટલે હું અને તારી સ્કુલની નોકરી... પણ આજના અનુભવ પછી તને લાગ્યું હશે દુનિયા જલ્દી પલટાય છે. અને મેં તો તને આગ્રહ કરીને મોકલાવી. મારો એક સમયનો દોસ્ત અને આજ પણ દોસ્ત હોવાનો દાવો કરતો અમુલ પણ એ જ આદિમાનવ છે. જે વર્ષોથી જગત પર મહોરું પહેરી ફરે છે. પણ આખરે તો એ પણ માનવ જુદો લાગે છે... બધું ઝડપથી પલટાય છે. આપણે ધારીએ છીએ તે કરતાં વિશેષ ઝડપથી, શારદી, મારે દૃષ્ટિ પાછી નથી મેળવવી, તેં જો કોઈ નિર્ણય કર્યો હોય તો પણ, મારે તારે ભોગે નથી જોવું... તને બધું સમજાય છે ને શારદા...’ પેલી શારડીની વેદના, ગૌરવ હણાયા પછીની મૃતાવસ્થા જેવી દશા અને મનનો પેલો અચોક્કસ નિર્ણય, બધું જ અદૃશ્ય થઈ ગયું... ને રોડ પર તેનાથી બે પગલાં જ આગળ ચાલતા, એકલા સુનિલનો હાથ પકડી ઝડપથી તેની સાથે થઈ ગઈ...