નારીસંપદા : ટૂંકી વાર્તા/વાઈળ?
જિગ્ના પટેલ
જેદુ મારો જલમ થ્યો તેદું માં મઈનાની તેરસ હતી. મારી આઈ મને ક્યે કે “નભ્ભાઈ! તે તો પેટમાંય હખ નથ લેવાં દીધું." અરે! પેલ્લી વાત તો કે’તા જ ભૂલી ગઈ. મારૂ નામ લીલું સે. મારાથી મોટયું બે બીનું. એની વેરે તો આઈ ને કાંઇ કરતાં કાંઇ થ્યું નત. પણ હું જેદુની પેટમાં રઈ તેદુંની તો આઈને ઘડામોઢે ઉલ્ટ્યુ થાતી. એટલે આ વખતે તો હંધાય ને એમ જ કે કાનુડો જ આવશે. આ ફેરે તો હારા માઇલા સફરજન લેવાં બાપુજી સેટ પોરબંદરે જાતા. ઇ ખાઈ-ખાઈને હું તો અંદર બવ પેધી ગઈ’તી. ઈ ટાણે મારી આઈને ઈંમ હતું કે એને માં મઈનો ટપીને ફાગણ ઊતરતા સુવાવડ આવશે. ન્યાં લગીમાં તો અમીં ચણાની મોયસમ હંકેલી લેશું. તે ઇય બાપુજીની હારોહાર્ય હબ...હબ... કરતી ચણા વાઢ્યે જાય. આ હંધુય તો સે ને મારી આઈ એક દી મને મારા જલમની કથા કેતી’તી એટલે મને ખબર્ય! આઈ ક્યે કે “બરોબર્ય બપોરનું ટાણું હતું. ઉનાળાની જારુ તો અગન જુવાળા જેવી લાગે. તડકો ક્યે મારૂ કામ, તો પેટ ક્યે મારૂ કામ ને તું ક્યે કે મારૂ કામ. બેઠી થાવ તો પેટમાં દુઃખે, દાંતવડું હાંકું તો પડખામાં દુઃખે, ઊભી થાવ તો પેશાપ વયો જાય! ને હું તો આખી પરસેવે રેબઝેબ. તાર આતા ક્યે કે “જા હવીં સેઢે વઈ જા, લીંબડા હેઠે આડી પડ.” ને સેઢે પૂગું-પૂગું ન્યાં લગીમાં તો લીલુંબેન મારી મોર્ય પુગી આયવા.” મારી આઈ ને હું આ વારતા ઘડીયે ને વારે પુછી પુછીને થકવી દઉં. મારી આંખ્યું હાંભે જ મને ખેતર્ય, દાંતવડા, ચણાના ખેતરું, આતા અને આઈનું મોટું પેટ દેખાય. મને તો ઈ વિસાર થાય કે ઈ ટાણે તો હંધુય સૂકું-સૂકું હતું તો વરી મારુ નામ લીલું કાંવ પાડ્યું અહેં? મને તો દાંત આવે બોલો. અમારા ગામના સિમાડે ચારણયુ આઈના દેરે આઈ દર સોમવાર્યે શ્રીફળ વધારવા જાય. મનેય ભેગી લેતી જાય. ને માર વાંહે તો ગામની અડધી ભામ પણ આવે. દેરામાં આઈ એની ધાતડીનો ખોરો પાથરી આંખ્યું બન કરીન દર ફેલ્લે એક જેવુ જ બોલે. “હે મારી માં! માર ખોરામાં કાનુડો આપી દે! માં, હું હાકર્ય ભારોભાર તોરાંહ. જોડ શ્રીફળ વધેરીહ... હે જગદંબા! અમારી ઓહરીમાં દીકરાની કિલકાર્યું દે...માં!” પ્યાલામાનું હંધુય દિવેલ દિવડામાં રેડતા-રેડતા આઈ રોઈ પડે. હું દેરાંમાંથી આઈ બાર્ય નીકળે એટલી જ રાહ જોતી હોવ. જેવાં આઈ બાર્ય નીકળે એટલે કુલેર, સેષા ને હાકર્ય જી કાંઈ ધરેલું હોય ઈ હંધુય ભેગું કરીને ખોબો ભરી લઉં. અમીં હંધ્યુંય બેનપણીયું હાલતા-હાલતા ખાત્યુ જાયે. આઈ મને વાંહામાં ધબ્બા મારતા-મારતા ઘર હુધી શિખામણ દેતા આવે... “નભ્ભાઈ! ઈ તાર બાપ પરસાદ કે’વાય. માતાજી કોપ મેલશે તાર ડોહો! ઈ આપણાથી નો ખવાય! હાલ હવીં આંખ્યું બન કરીન માતાજીની માફી માગી લે તો ઝટ!” “હેં આઈ! તો માતાજી મંકોડાને તો કોપ ન્યથ મેલતા. આપણે ન લઈએ તો હંધોય પરસાદ મંકોડા ને કીડિયું જ ખાઈ જાય! અને પાસા એના ઉપર્ય હંગતાય જાય.” આઈ મને એક મોટો ધબ્બો મારે. ઘરે જઈને આતાને ક્યે કે “આ તો કેવું રાસડું પાક્યું સે કોણ જાણે ! ન કરવાનું જ કામ કરતી વોય. હંધાયમાં ઊંધી જ હાલે. એને મનમાં આવે ઈંમ જ કરે.” વ્યારું ટાણે અમીં રોટલો ખાવા બેહીએ તંયે જ આઈ મારી માં’ભારત સાલું કરે. મારી મોટ્યું બીનું મારા ઉપર્ય ખી...ખી... કરે ઈ મને જરીય નો ગમે. પસી હું સેને બીજે દ્યે ઈ જંયે નાણીમાં નાત્યુ હોય તંયે ઇના કપડાં ચોરીયાવું. પસી ભલે ભાઠાય ખાવા પડે તો ખાઈ લવ. પણ લીલું ઈંમ કાંઈ જેવી તેવી ન્યથ ઈ તો એને હમજાવીને જ રવ. લે કાંઈ મારા દાંત કાઢે એને હું કાંઈ થોડી ઈમનમ જાવા દવ! તે’દૂ આઠમના મેરે અમીં હંધ્યુંય પો’રે રક્ષા ભરાઈ ને ગ્યું. કેડે જ નક્કી કરી લીધું’તું કે આ ફેરે તો ત્રાજવા સિતરાવવા જ સે. હંધ્યુંય કેડે વાત્યુ કરત્યુ જાય... કોઈ ક્યે કે આપણે તો ફૂલ દોરાવવા, કોઈને વરી હરમણ કાવડ, હાત ભાયા, ભીમ પસેડી, મોર પગલાં ને એવું તો ઘણુંય નક્કી થ્યું. હું તો મૂંગી-મૂંગી બેઠી આવી. કોઈને ક્યે ઈ બીજા. આપણે કાંવ કરવું ઈ તો હું સાતિમાં દબાવીને જ રાખું. ઈ હંધ્યુંયના ત્રાજવા ત્રોફાવાઈ ગ્યા પસી મીં ડોકયે દાંતવડું ત્રોફાઇવું. અમીં પાસા વરી આઈવા તંયે વળતે ફેલ્લે રક્ષામાં હંધ્યુંય ઇના ત્રાજવા બતાવત્યુ’ત્યુ... તી મેય મારું બતાયવું. પસી તો મારા આખા કેડે ઈનીયે દાંત કાઢ્યા કોઈ! મારી મોટીબેન તો મને કેવી ખીજાણી! ક્યે કે “હવીં તો ઢાંઢી થય તોય આવા વાનરવેડા કરે! આવા દાંતવડા કોતરાવાય! બૂંધડ જેવું... ક્યાંય જોયા આવા બાપા ને ન્યાં! તારું ડોહુ કોઈ પૈણવાય રાજી નઈં થાય. આવા અક્કલના પરદર્શન કરે ઈનો કોણ હાથ જાલે! આઈ ને આતા મને વઢશે. કેશે કે "આ તો માઠી બુધ્ધિની સે જ તને મોટી નેય અક્કલ નો હાલી!” “ભલે જાવ. હું પાડા હાર્યે પવણી જાઈશ. પણ ફૂલડાં તો નઈં જં સિતરું. ને કોઈ કરે એવું તો નઈં જં કરું." કોઈ દી નઈં ને તેદૂ તો આતાય વ્યારું ટાણે ખીજાણા ને પસી તો મને કોઈ રોણું આઇવું! આઈ તો કેટલા દી લગી મારી હાંભે વડકા ભરી-ભરીને જ વાત્યુ કરે. પણ ઈ પસી જી ફિલમ ઊભું થ્યું તી પસી હંધાયની આંખ્યું ઉઘડી ગઈ વો! એમાં થ્યું ઈંમ કે તેદૂ સોથું નોરતું હતું. ઘરમાંથી હંધાય ચોકમાં ગરબી જોવા ગ્યા. મને હજી ત્રાજવાનો તોબડો ચડેલો હતો. હું કવ કે તમાર હંધ્યુંય ભેગી તો હવે મરી જાવ તોય ક્યાંય નઈ જાવ. હું તો પગથી માથા લગણ સાદર ઓઢીને આંખ્યું મીંચી ને હુઈ ગઈ. આઈ માથે સાંકળ દઈ ને બોલતા ગ્યા “આને તો આમેય ક્યાંય ભેગી લઈ જાવા જેવી જ નથ. ભલે બરો કરે. હુઈ જાજે. હવાર લગણ હલતી જ નંઈ. નકટી તેમાં!” ઘડીક વાર ચૂપચાપ ખાટલામાં પડી રઈ. ગરબીના ઢોલ ધીમાં-ધીમાં સંભળાતા’તા. હાચું કવ તો મને તો આંખ્યુમાં ઝળઝળિયા આવી ગ્યા. જાવું તો હતું પણ ઘરના એકેએક માણહ ભેગા અબોલા હતા. મને ને મને ફોહલાવી પણ એમ એમ તો ડબલ રૂંગા આવી ગ્યા. ઘરમાં તો કોઈ હતું નઈ એટલે ઘડીક મોકળે સાદે રોઈ લીધું. પણ ઘરમાં કઇંક ખળભળાટ થ્યો ઈ મેં સેડા ઊંચા ચડાવતા સાંભળ્યુ. મને થ્યું કે મીંદડી બિંદડી હઈશે. ઈ તો રોજ નળિયા ઉપર ચડીને આઈ થી વાં ઠેકડા મારત્યુ વોય. તોય મનમાં જરાક તો બીક લાઈગી એટ્લે સાદર હમ્માએ પગથી માથા લગી દબાવીને હુઈ ગઈ. આ ફેરે તો અવાજ હાવ મારા પગ પાંહેથી જ આઈવો. મીં જરાક સાદરનો ખૂણો ઊંચો કરીને જોયું તાં અંધારામાં પેટારા પાંહે બે આદમીના ઓળા દેખાણા. હાય માં! આ કોણ સે? હવીં? બાયણે કીંમ નીકરું? આઈને બોલાયાવું? પણ જાવ કીંમ કરીને? પેટારામાં ઈ બેય ઊંધે માથે થઈને કાંક ફોરતા’તા. ઘડીક તો હઈલા વગર મરેલી ઘોની જેમ પડી રઈ. પસી પાસું સાદર ઉચકાવીન જોયું તાં ઈ બેયનું ધ્યાન પેટારાના તળિયે હતું. આ જ લાગ સે ઈંમ કરીને હું તો બાર્ય નીકળવા જાવ તાં તો એક જણે મારો હાથ પકડી લીધો. હું તો હેઠી જમીન ઉપર બેહી ગઈ ને કારી ચિંહું જ નાખવા માંડી. “આઈ! એ માં...! એ...આઈ! કોક ધોળો! એ...આતા...!” કરતીક ને મીં મારામાં હતું એટલું જોર કરીને હાથ છોડાવવા બર કર્યું. જમીન ઉપર ઢસડાતી-ઢસડાતી હું ઉંબરા લગી પુઈગી. માંડ કરીને મીં ઉંબરાની બારસાખ ઉપર્ય મારો હાથ પુગાડયો. ઇ ભેગું તો એનીયે ઘોજારાએ જોરથીન મારા હાથના પોંચા માથે ચાકું માર્યું. એક નઈ હો...બે બે વાર. મને તો એવું દુઃખ્યું કે મગજની હંધિય નસુ ફાટી જાય. હું તો સાવ વીફરી ગઈ. ને જો ઉપાડીને એક મોઢા માથે જ પાટુ માર્યું ને! બરોબર્ય ઈ ને હોબડા માથે જ લાઈગુ. એનીયે રાડ ફાટી ગઈ. ઈ જરાક છેટો જઈને પડયો ઈ ભેગી જં હું ઝટ ઓય માં! ઓય માં! કરતી બાર્ય નીકળી ગઈ. ચાકું તો હજીય મારા હાથમાં જ ખૂંતેલું હતું. બીજા હાથે મીં ઘરની સાંકળ બન કરી. અને કોઈ રોઈ સું હું તો તેદૂ! જલ્મી તેદુ નઈ રોઈ હોવ એવો ભેંકળો તાણતી હું ચોકમાં પુગી. મારી આઇની ડોકે હું ચોંટી પડી. રડતાં-રડતાં આખી મા’ભારત કીધી. આઈ તો મારા હાથને જોઈને સક્કર ખાવા માંડી. ઝટ-ઝટ આતાને બરક્યાં ને છ-સાત દાઢીયારા ભેગા કર્યા. ઈ હંધાય અમારી મોર્ય લાકડીયું લઈને ઘર કોર્ય હાલતા થ્યાં ને અમીં એની વાંહે-વાંહે... કોક તો ક્યે ઝટ પોલીસને બરકો પણ ઈ પેલ્લા તો આતાએ ને હંધાએ થઇને એને હારીપેટ ઢીબી નાંખ્યા. હું તો છેટી ઊભી ઊભી હાથ માથે ફૂંક માર્યે જાવ ને રોતી જાવ. તમે જોવ તો જાણે ફિલમ હાલતું હોય અસ્સલ એવું જ લાગે. પણ તેદુની ઘડી ને આજનો દી’, કોઈ કર્તા કોઈ મને આવું ભૂંડું ત્રાજવું કીંમ ચીતરાવ્યુ ઇવાં હાટું ખીજાણા નથ. ને આતા તો એક દી વ્યારું કરતાં-કરતાં ક્યે કે “લીલુએ આ ચારણ્યું આઇની લુદ્રી નો પરસાદ ખાધો ને એટલે જ એને આવી શક્તિ ભગવાને મેલી.” મેય લાગ જોઈને કઈ જ દીધું “તમીં હંધાય મારા ઉપર્ય ટૂટી પડયા’તા કે ફૂલડાં સિતારવાય. ફૂલડાં વાર્યું તો આ બેઠયું. ઈ કાંવ ચાકાના ઘા જીલે! ઈ તો હવારે ખાઈડુમાંય એકલ્યું નથ જાત્યુ. પવણીને ન્યાલ! ભાઈડાના પડસાયે-પડસાયે પગલાં ભરશે. તમીં જો જો. મને બવ કે’તા’તાને તમીં હંધાય! ઈ જ સવો ને કે બાજરાના બી સવો! લીલું ન વોત તો હંધુય ઘરેણું તમારું લૂંટાઈ ગ્યું વોત... હમજી ગ્યા! બવ રોવરાવી તમીં હંધાયે લીલુને કાં!” પસી તો હજડબમ્બ! ડાચા સિવાય ગ્યા વો હંધાયના... કોઈ કાંઈ ન બોઇલું. આઈ તો તેદુથી મારી કોઈ વાત ઉપર્ય આંખ્યું જ નો કાઢતી. હું જી કાંઈ બોલું એની વાંહે વાંહે ‘હાસી વાત સે’ ઈંમ કર્યે રાખે. મારા રોટલા માથે માખણનો પીંડો રાખે. મને ચારણ્યું આઈના મંદિરે ભૂલ્યા વગર લઈ જાય. હું પરસાદ નો લવ તો હાંભેથી લઈને હાથમાં દ્યે. “લઈ લે માર પેટ! દીકરીયું માથે તો માતાજી કોઈ દી’ કોપ નો મેલે.” મને એમ કઈ ને વ્હાલથી ખવરાવે. રોજ હાંજે હાથ ઉપર્ય હળદરનો લેપ લગાડી દ્યે. હજી તો ઘા માંડ રૂજાય એવો થ્યો’તો ને હોળી આવી. ઓણના વરહમાં મારી ફોઈના ઘેરે ‘વાઈળ’ હતી. મને તો ખાતરી જ હતી કે આપણને ન્યાં કોઈ નઈ લઈ જાય. પણ ઓલા ચોરવારા બનાવના પરતાપે આઈ માર હાટું નવો બુશ્કોટ ને ચણિયો સિવિ લાવી. હું, આતા, આઈ અને મારી મોટી બેન રાંભી અમીં હંધાય વાઈળ લઈને ફુઈને ઘરે જવાના હતા. હું તો પેલ્લી વાર વાઈળ જોઈશ. હરખ તો ક્યાંય સમાતો ન’તો. આગલે દી આઈ મને થેલી ઉપાડવા દુકાને ભેગી લઈ ગઈ. ખજૂર, પતાસા, દાળિયા, નારિયેળ અને ફુઈના દીકરાની વાઈળમાં દીકરાને પેરાવવા હાટું લીલા રંગના એક જોડી કપડાં. એટલું અટાણું અમીં કરી લાઈવા. બીજે દી’ વ્હેલી પરોઢે અમીં ફોઈને ઘરે ગ્યા. આઈ તો ફોઈના દીકરા વેરશી ને ખોળામાં લઈને રમાડતા-રમાડતા રડવા લાગી! મારી ફોઇ એના વાંહામાં હાથ ફેરવતા બોલી “ભાભી! દીધા-લીધા તો ઉપર્યવારાના હાથમાં સે. રાંદલમાંની બાધા રાખ. અમારો દી’ એનીએ જ વાર્યો સ. ને આ જોતાં ખરી દીકરાવને પાસા પાડે એવી દીકરીયું દીધી સે તને ભગવાને.” ફોઇ મને બાવડું જાલીને આઈ હાંભે ધરીને બોલ્યા. મારે કપાળે હાથ ફેરવ્યો. ફોઈની દીકરી લાખી અમારી વાતું સાંભળતી-સાંભળતી હાથમાં મેંદયુંથી ડિઝાઈનું કરતી’તી. અમીં હાંજે બરતણ લેવાં એક ઢાળિયામાં ગ્યું તંયે મીં લાખીને પૂછી જ લીધું “આ મેંદયું કેમ કરી સે? કોઈના વિવા સે?” “હા, માર ભાઈ વેરશી ના!” ઈ માર માથે દાંત કાઢવા માંડી ઈ મને નો ગઈમુ. “હજી તો માંડ જલમો સે ઈંના કાંઈ લગન વોય?” “લીલું તો લીલું જ રય. આજે રાતે સે ને કે હોળી થાહે ને તંયે વેરશીને તારા આતા તેડીને નારિયેળ લઈને સ્યાર ફેરા ફરશે. એમ કેવાય કે આપણી નાતમાં દીકરાના બે વાર લગન થાય. એક વાર ઈની વાઈળમાં ને બીજી વાર માંડવા હેઠે. ને એટલે અમીં મેંદયું મેલાવી સે. આજે તો હાંજે જોજે તું કેટલાંય સોકરાવની વાઈળુ હહે. તારે ભાઈ ન્યથ ને એટલે તને ખબર્ય નો પડે!” મને તો ઈ ‘તારે ભાઈ નથ એટલે ખબર્ય નો પડે’ એવું ભૂંડું બોલી એમાં એવું દુઃખ થ્યુ જાણે ઓલા મંકોડાના મોઢેથી મીં પરસાદ ખાઈ લીધો’તો ઈ હંધાય મને એક હારે કરડી ગ્યા હોય! હાંજ ટાણે અમીં હંધાય વ્યારું કરીને વાઈળની ત્યારીયું કરી. મારી આઈ લ્યાવી’તી ઈ લીલાં કલરની કપડાંની જોડ પે’રાવીને વેરશીને વરરાજાની ઘોડયે શણગાર્યો. લાખી તો રૂપ-રૂપના અંબાર જેવી લાગતી’તી. એક ત્રાંસમાં પતાહાંના હાર ગોઠવ્યા ને બીજામાં ખજૂર-દાળિયા. મારી ફુઈ તો કોઈ હરખાઈ! હરખમાં ને હરખમાં એની કાનની ઝૂમણું તો ડોલ્યાં જ કરે. ને મારી આઈને તો મીં આજ એવી નિમાંણી કોઈ દી’ નથ જોઈ. “આઈ, મારેય મેંદયું મેલવી સે...” એવું મીં કીધું તો આઈએ મને એક બુથાલામાં મારી. ને પછી કાંવ થ્યુ તે પોતે ને પોતે મારે માથે હાથ ફેરવવા લાગી. હું કાંઈ હમજુ ન હમજુ ન્યાં લગીમાં તો હોળીની બંદૂક ફૂટી. અમીં હંધાય જાનૈયાની વેરે મારા આતાની વાંહે-વાંહે હાલવા માંડયા. મારા આતા વેરશીને તેડીને સ્યાર ફેરા ફર્યા. તેદૂ હોળીની અગન જોઈને હું કાંવ ભાળી ગઈ તે મને વાઈળ કરવાનું ભૂત ભરખી ગ્યું. ગમે ઈ થાય મારેય લાખીની જેમ મેંદયું મેલવી સે ને ત્યાર થાવું સે બસ! ફોઈના ઘરેથી અમીં આઈવા ઈ કેડે આઈ રાંદલમાંના ભૂઈ પાંહે જાતાં. મનેય ભેગા લઈ જાય. ભૂઈમાં ચપટીમાં જુવારના દાણા આપે ઈ આઈ ગળી જાય. અમીં કેટલાંય દિતવાર-મંગળવારે ભૂઈમાં ને ન્યાં જાત્યુ. ઠેઠ મારી મોટી બેનનું સગપણ નક્કી થ્યુ ન્યાં લગી. પસી તો એના લગન લેવાયા. મોટી જાન આવી. ને વેવાઈના માસિયાર ભાઈના બે દીકરા વેરે અમાર બેય બીનુંના પણ ચાંદલા કરી ચૂંદડિયું ઓઢાડી દીધી. તે ત્ર્યનેક વરહ કેડયે ચોમાસુ સારું થ્યુ, ચણા-જુવારના ઘર ભરાઈ ગ્યા એટલે અમાર બેય બીનુંની પણ વિદાય દેવાઈ ગઈ. મને તો આઈએ સેલ્લે-સેલ્લે કીધું કે “હાહરિયામાં ગાંડા ન કાઢજે. જી આપણા ધણીને વ્હાલું ઈ આપણું પણ વ્હાલું. બવ વેન કરતી નય સેવાયમા.” ને માર માથે હાથ મેલીને આઈ ધ્રુસકે-ધ્રુસકે રડી.
હું ને પરબત પેલ્લી વાર વાયણું જમવાં આતાને ન્યાં આઈવા એટલે અમીં બેય જણા આઈને પગે પડયા તો આઈ ક્યે કે “માતાજી તમને હૌ થી હવાયા રાખે ને દેવના દુત જેવો દીકરો દ્યે.” મને મનમાં થ્યુ કે “અરે રે!આઈ તો આઈ જ સે! હાવ!” અને ચ્યારેક વરહ કેડયે આઈના આશીર્વાદ ફળ્યા ને બરોબર્ય હોળી માથે જ મારે દી’ ર્યા. આઈને ખબર્ય દેવા પરબત પોતે ગ્યા. પાછા આવીને પરબતે મને વાત કરી કે “આઈને તો મીં વધામણી આપી એવાં રાંદલમાંના નામ લઈને રડવા માંડયા. ને માર લીલુને કાનુડો આવશે તો હાકર્ય ભારોભાર તોરશે એવી માનતાય કરી.” હું ઘડીક તો પરબત હાંભુ જોઈ રય. ઈ કાંવ ક્યે એવાં હાટું હું ખોટુક-ખોટુક બોલી “હાં, રાંદલમાં ઝટ દીકરો દઈ દ્યે એટલે બસ. નકર હુંય મારી આઈ ની વેરે દાણા ગળતી રઈ જાઈશ.” પરબત મારા વાંહામાથે હાથ મેલીને તેદૂ બોઇલા કે “મારે મન દીકરો-દીકરી કાંઈ ફેર નો પડે વો લીલું! અને આપણે ઈંવા કાંઈ દોરા-ધાગા ન્યથ કરવા. હાં, ભગવાનને જી દેવું હોય ઈ દ્યે. આપણે ઈ ભગવાનની પરસાદી હમજવાની. આપણે તો દીકરીને પણ દીકરાની ઘોડયે જ પારશું.” પરબતના ઈ વેણ તો મીં છૂંદણાની ઘોડયે છાતીએ કોતરી લીધા. તેદૂ જ મીં મનમાં ગાંઠ વારી લીધી’તી કે ગમ્મે ઈ થાય મારી માં ની વેરે હું દીકરા વાંહે ગાંડીતુર નહીં ફરું. હું મારા ઉપર્યથી જ દાખલો દવ સુ કે મીં તો આજ દી લગી દીકરાની વેરે કામ કર્યું. કોક-કોક તો મને ભાઇડા સાપ હોતન ક્યે. પણ હું ઈ કાંઈ ગણ્યા વગર કામ કર્યે રાખી. વાડીએ ગાડું-બળદ લેવાં-મેલવા જાવાના હોય કે રાત વર્યત ખેતરુંમાં પાણી વારવાના હોય! લીલું કાયમ ભાઇડાની જેમ મોર્ય જ હાલી સ. દીકરા જેવાં કામ તો કર્યા સે... પસી કાંવ જોયે હજી બીજું! તેદૂ અમીં બેય જણા વેલ્લાં ઉઠયા. મીં નાઈ-ધોઈને પાણિયારે દીવો કર્યો ને પરબતે ઢોરને વાહીંદા નીરણ કર્યા. પસી અમીં બેય જણાએ રસોડામાં બબ્બે અડારિયું સા પીધો. તેદૂ સે ને અમારે પો’રે દાક્તરને બતાવવા જાવાનું હતું. પાંચમો મહિનો પૂરો થાવામાં સ્યાર દી જ બાકી હતા. પરબત ક્યે કે “હોન્ડા માથે તારે કીધે સેટ લગી બેહાશે ને! નક્કર નારણની રઈક્ષા કરી લઈએ!” “ના રે ના! ઈમાં કાંવ હું ફાટી પાડવાની સું! હવે જાવ તમ તમારે એક આંટો ખેતરે દયાવો ન્યાં લગીમાં હું છાસ કરી લઉં. પસી આપણે નીકળીએ. વો!” આ કોરા હું છાસ કરવા બેઠી ને પરબત ગ્યા ખેતરે. ગ્યા ઈ ગ્યા તી નવ વાગ્યા તોય પાસા ન આયવા. બપોરે રોટલા ટાણે અડધું ગામ ઘેરે ફારીયા ને કારા સાડલા પે’રીને બાયું છાતી કૂટતી આવ્યું. મને ભેટી ભેટીને બોકાંહાં દેવા માંડયું. “આ હું સે હંધુય! આ કોની કાયણ કરો સો? એવું હું પુસું એની પેલ્લા જ મારી કાકી સાસુએ પોક મેલી. “હે! અમાર આડાથી ખાપણ ખેંસી લીધા દીકરા ત્યે!... તને તારા જણ્યાની મેરુ નો આવી! તારા વિના અમારા દી’ કેમ જાહે! તારી ખોટ અમે કેમ બુરશું? હે! તારા જણ્યાને અમીં કાંવ મોઢું બતાવશુ? તારે આ જોવું ન’તું હંધુય હેં? અમને રઝળતા મેલીને તું ક્યાં વઈ ગ્યો? અમારા ઠારકા હવે કોણ ઠારશે? તારી લીલુના હાથ અડવા કરી દીધા તે! હવીં આ આંગણામાં બંગડીયું નઈ રણકે મારા વ્હાલા! તે સડતા પ્હોંરે અંધારું કરી નાંખ્યું. રામ... રામ... હે રામ!” અને સાતી કુટવા માંડ્યું. ને મારે તો હંધુય સુન્ન. સોંપો પડી ગયો. છાતી જાણે આઘડી જ ફાટી જાહે! કેટલાંય દી’ લગી હંધાય નોખી-નોખી વાતું કરતાં. કોઈ ક્યે કે “પેલ્લા બીડી પીધી ને પસી મોટર સાલું કરવા ગ્યો.” “ઇનીયે જો સંપ્પલ પેર્યા હોત ને તો સોટ ન લાગત!” "માટી પણ પાંસ હાથ પૂરો હતો... પણ ન્યા સોટ થોડો કોઈને મેલે! કેમ જીવ ગ્યો હઈશે હેં!" હું તો સૂનમૂન ખૂણામાં પડી રવ. ખાવા ટાણે હંધીય બાયું મને કેવ્યું ફોસલાવે! “જો લીલું! આ પેટમાં માલીકોર સે ઈ જીવને આપણાથી હેરાન નો કરાય વો! કાલ હવારે હંધુય હારુ થઈ જાહે.... અંદર સે ઈ જીવનો તો વિસાર તારે લેવો જ જોહે ને બેન!...ભગવાન કાનુડો આપી દેહે.... જોજે ને અસ્સલ પરબત જેવો જ દેશે... પસી તો માં દીકરો નવરાં ય નઈ થાવ... એને નવરાવવા ને ખવરાવવા-પોઢાવવામાં દી કેડયે દી નીકળી જાશે. દિવાળી આવશે. ઈના હાટું રમકડાં ને પીપૂડિયું પાવા લેવાશે, ને હોળી માથે આપણે જાડેરી વાઈળ કરશું. હું જોજે તાં ખરી કાનુડા હાટું કેવી જોડ હીવરાવીશ. આખું ગામ જોતું રઈ જાય એવી એની વાયળ કરશું. કાલ સવારે મોટો થઈને માનો ટેકો થઈને ઊભો રે’શે... હાલ માર વ્હાલો આ ઘી ને ખિચડી ખાઈ લે.”
*
ત્રનેક મઇના કેડયે આઈ મને આણું કરીને ઘેરે તેડી ગઈ. કારતક ઉતરીને માગસર બેસવાની ત્યારીમાં હતો. એક રાતે મને પીડ ઉપડી. આઈએ આતાને ઉઠાડયા. વરહ આતાને સ્યારેકોરથી ગળી ગ્યાતા. એનાથી હવે માંડ-માંડ ચલાતું હતું. રાતે ઈ ગામમાં રઈક્ષા ગોતવા ગ્યા. આઈ મારા ખાટલા પાંહે આવી. ઈનીય આંખ્યું ઉનાળાના ખેતર્ય જેવી કોરી ધાકોળ થઈ ગયેલી. મારા માથે હાથ મેલીને ક્યે કે “લીલું! આવા ટાણે ભાઈ વોય તો કોઈનો ભાઈ-બાપો ન કરવો પડે બેન!” મને પેટમાં તો દુઃખતું જ હતું પણ છાતીમાંય બે સબાકા નીકળી ગ્યા. ને તેદૂ હું આઇનો હાથ જાલીને ખૂબ રોઈ. અમીં માં દીકરી અડધી રાત્યે હૌ-હૌ ના ક્યા દુઃખડા હંભારીને રડત્યુ’ત્યુ ઈ તો મારો રામ જાણે. તેદૂ પેલ્લી વાર આઈએ મને દિકરો કીધો. “લે માર દિકરો! સાનો રઈ જા માર પેટ! લે આ ચારણ્યું આઈ નો પરસાદ મોં માં લઈ લે. હૌ હારું થઈ જાશે.” આઈએ મારા મોઢામાં સાકર નાંખી. અમીં દવાખાને પુગ્યા ને મને ખાટલામાં સુવડાવી ઈ ભેગી મને સુવાવડ આવી ગઈ. નર્સે કીધું “દીકરી આવી છે”. પસી હું નિરાંત કરીને જપી ગઈ. મીં આંખ્યું ખોલી તંયે આઈ, આતા, મારી બેય બીનું, ઈના વર ને હંધાય મને ઘેરીને ઊભા’તા. એના હંધાયના મોઢા તો એવાં હતાં જાણે ખેતર્યની કુણી જુવાર કોઈ હરાયું ઢોર ન ચરી ગ્યું હોય. આઈ રડતી-રડતી એમ બોલી “માતાજીએ માર હાંભુ ન જોયું તો કાંઈ નય પણ માર દીકરી હાંભુ તો જોવું’તું.” મારી બેય બેનુય રૂંગા પાડવા લાગ્યું. મને પરબત હાંભર્યા. “આપણે તો દીકરી જલમે તો ઇનેય દીકરાની ઘોડયે પારશુ.” તેદૂ ઈ કેવા હેતથી બોલ્યા’તા હેં! આજ ઈ હોત તો કેવા રાજી થાત! પસી તો મારી આંખ્યુંમાથી ચારે કોરથી આહુડા ફૂટયા. મારી બીનું મને સોંટી પડી. “લીલું, તું રડયમાં માર વ્હાલા... આપણે હજી ભવ ન્યથ હારી ગ્યા. ભગવાનને દેવું હયશે તો હજી ક્યાં બાજી ન્યથ બગડી ગઈ! આપણે કંકુ-ચોખા કરશું. રાંદલમાં જોજે દેવ જેવો દિકરો દેશે.” “બસ કરો વેવલીન્યુ! આજ મારો દી હું સે ઈ તો જોવો જરાક! પરબતની સુંદડીએ જ મારે બરવું સે હમજી ગ્યું! આજ પસી કોઈ દી નામ નો લેત્યુ કાંઈ! મારો મલાજો ન રાખો તો કાંઈ ની... આ મારી દીકરીના જલમનો દી તો ન બગાડો.” બોલતા-બોલતા મારા શબ્દો ફાટી ગ્યા. ડુહકું ભર્યું ને માર બે પગ વચ્ચે તો સેડ ફૂટી. હું પગની આંટી મારી ને માર દીકરીને પડખમાં લઈને સૂઈ ગઈ. ઈય રડવા માંડી. “બસ સાની રઈ જા... જોજે તો ખરા આ તારી માં લીલું તને કેમ ઉજેરે સે! હંધાય ભલે ને ક્યે! તું એનું કાંઈ ધ્યાનમાં નો લેતી.” મીં સાતી ખોલીને એના મોં માં દીધી.
*
તેદૂ હું ચોકડીમાં મારી રાજીને નવરાવતી’તી. આંખ્યું તો અસ્સલ પરબતના જેવ્યું જ મોટી મોટી. ગાલે તલ સે ને સાતીએ કાળું લાખ. મીં ડોલચું ભરીને એની માંથે પાણી રેડયું ને ઈ તો પોક મેલીને મંડી રડવા. હું કવ કે “જો રાજીબેન! આપણું તો નામ જ રાજી એટલે આપણે તો રાજી જ રે’વાનું. હમણાં તારી પેલ્લી વેલ્લી હોળી આવશે. ગામમાં છોકરાવની વાઈળુ થાશે. મામાને ન્યાંથી પતાહાં-સાકર લ્યાવશે. બીનું તો કોણી લગ મેંદયું મેલશે. ને ઢોલ નગારા વાગશે. ઢીં...ગ...ટી...ક...ઢીં...ગ...ટી...ક....” પણ રાજી તો મુર્ય ચૂપ નો થાય. હું તો કેટલાં કાલાવાલા કરું. પસી તા તા માં બોલી ગઈ કે “હાલ... તારું રોણું બન કર્ય તો તનેય લઈ જાશ. ને હાચ્ચન કાંવ થ્યુ તે એનું રોણું બન થઈ ગ્યું. મારી સાતિમાં તો જાણે સાણા સળગી ઉઠયા. હું કવ કે “લીલું! ભલે ગમ્મે ઈ થાય પણ આ દીકરીની વાઈળ તો કરવી જ સે.” તેદૂ ને તેદૂ જ આઈને ફોનમાથે હમાચાર મોકલ્યા. આઈ ક્યે કે “ગાંડી તો ન્યથ થઈ ગઈ ને! આવી ઘેલહાઘરી વાત્યુ ન કરાય. આખા મલકમાં તે ક્યાંય જોઈ સે દીકરી ની વાઈળ! ભગવાન આપણે ન્યાં દિકરો દેશે લીલું! હજી કાંઈ તારી ઉંમર ન્યથ વહી ગઈ. જરાક હમજણી થા.” “આઈ! હવીં લીલું આ જલમમાં ફેરા ફરે ઈ વાતમાં માલ નઈ. હાં, ફેરા તો ફરશે પણ હોળીમાતાના. ચોરીના ફેરા નઈ. ગાંડી ક્યો તો ગાંડી પણ આ બાઈ હવીં કોઈનું ન્યથ માનવાની. માઈ ગ્યા તમાર રીતુ ને રિવાજ.” મીં તો અડધી રાત જાગીને મેંદયું મેલી.
*
બંદૂક ફૂટી. અમીં માં દીકરી એકલ્યુ જ નીકળી પડયું. કોઈ કરતાં કોઈ અમારી હાર્યે ન આઇવ્યું. તેદૂ પરબતની કાણમાં હંધ્યુંય મને કેવી ફોસલાવત્યુ’ત્યુ! ઈ હંધાયને હું માર દીકરીની વાઈળ હાટું નોતરવા ગઈ તો મને ક્યે કે “લીલું! જલમ-મરણ તો ભગવાનના હાથની વાત સે. પરબત ગુજરી ગ્યો ઈંમાં આવું રઘવાયું નો થવાય. દીકરીયુંની વાઈળું થાતી હશે? મગજ મેલાઈ જાશે લીલું! આવું બધુ કર્ય માં.” “દીકરી હાટું તારો જી પ્રેમ સે ઈ હાસી વાત પણ એટલે કાંઈ દીકરીની વાઈળ તો નો જ થાય ને! આપણો ધરમ ના પાડે બીન!” “લીલું! પાપમાં પડીશ.” “મને તો લાગે તને કાંક વરગાળ થ્યો સે. હાઇલ આપણે ભુવા પાંહે જોવરાયાવ્યે.” “ના, અમીં કોઈ નઈ આવ્યે. આવા ગાંડા કાઢીએ તો ઘરમાં જણું અમારો વારો કાઢી નાંખે.” મને તો કોઈ ખીજ ચડી! એ... કાંઈ નઈ ના આવો તો જાવ બાપાનું ભાત લઈને! બીકણલીંડીયું! મીં ઈ કોઇની વાત કાને લીધી જ નય. ભલે પાપ પડે માર માથે! રાજીને ગોદડીમાં વીંટીન હું એકલપંડે ચાલતી થઈ ગઈ. મારી વાંહે ઢોલી આવતો’તો તે મને તો નાચવાનું તાન ચડયું. મલ્લક આખાની વાઈળુંના ઢોલ ઢમક...ઢમક... થાતાં’તા. મને તો પંડમાં માતાજી આવ્યા કે કાંવ થ્યુ તે હું તો ભર બજારમાં માર દીકરીને તેડીને નાચવા માંડી. માથેથી હાડલોય ઉતરી ગ્યો ને અંબુડોય છૂટી ગ્યો ઈય ભાન નો ર્યુ. ને એને લીલું બેન જાય દીકરી સોતા નાચતા-નાચતા. “ખેતર્યમાં જલ્મી ઈ લીલું..., મંદિરનો પરસાદ ચોરીને ખાઈ જાય ઈ લીલું.... ચોરનેય ચાબુક ખવડાવે, ઘરનો દીકરો થઈને ર્યે ઈ લીલું... ધણીની હારોહાર્ય ઊભી ર્યે, ચડતી પ્હોરનો રંડાપો વેઠે, ને દીકરીની વાઈળમાં ખુલ્લે માંથે બજારમાં નાચે ઈ લીલું આજ તમારા રિવાજુંની લીલી જુવાર્ય ઉપર્ય દાતવડું ફેરવે સે....” એવું બોલતી જાવ. મારી રાજીનો તો મામોય હું, બાપેય હું ને ભાઈએય હું. ઢોલ વગાડતા ઢોલિયું, દીકરાવને તેડીને જાતા મામા-મોસાળ, ને આખા ગામના માણહ-તુણાહની વચ્ચેથી નાચતી-કૂદતી હું હંહોરવી નીકળી. ને અમીં માં દીકરીએ હોળીમાં ના દરશન કર્યા. "જય હોળી માં!" રાજીના મોં ઉપર્ય લાલ-પીળો પરકાશ જીલાતો હતો. આઘે ઉભેલ ટોળું મારી હાંભુ ડોળા કાઢતું’તું. અમીં હોળી માતાના ફેરા ફરીયું. એક ફેરો... બીજો ફેરો... ઢોલ ઢબુકે... લીલું બેન દીકરીની વાઈળ કરે... ગામ આખું ડોળા કાઢે... ત્રીજો ફેરો... ને આ પૂરો કર્યો સોથો ફેરો.... આખો ભડકો જાણે અમને મા-દીકરીને આશીર્વાદ દેતો હોય એમ અમારી કોર્ય નમતો જમતો લાગતો’તો. આઈજ પરબત હોત તો કેવા રાજી થાત હેં! ને મેં ઊંચે આકાશ ઢારું જોયું.... “પરબત! પાપ લાગે ઈ હંધુય માર માથે બસ...” મારાથી એટલું તો માંડ બોલાયું. ને આંખ્યુંમાં પાણી ઉભરાઈ આઈવા. વાંહે ઢોલ ઢબૂકતા હતા.
❖