નારીસંપદા : ટૂંકી વાર્તા/સ્વ-કાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સ્વ-કાર

આરતી રાજપોપટ

“અરે, સાડા આઠ વાગી ગયા?” “અરે ! બ્રેકફાસ્ટ તો પૂરો કરી લે !” “બાય બેબી” કહેતા નાસ્તો કરી રહેલી શાલિનીને એક અડપલું કરતા, કી સ્ટેન્ડમાંથી કારની ચાવી ઉઠાવી. “સોહમ, રહેવા દે... આજે કાર મારે જોઈએ છે. તું ન લઈ જતો હોં.” “મને આજે જલ્દી પહોંચવાનું છે અને મોડું થઈ ગયું. તું રીક્ષામાં ચાલી જજે. મારે કારની જરૂર છે આજે.” “સોહમ.., તું સમજને, આજે હેલ્પર નથી આવવાની. મારે બધું કામ પતાવી નીકળવાનું છે અને, અગિયાર વાગે એક ઇમ્પોર્ટન્ટ મિટિંગ છે. પ્લીઝ..” “તું સમજને યાર, મારે પણ આજે મોડું થઈ ગયું છે..” કહી કારની ચાવી શાલિનીના ગાલે ફેરવતો સોહમ સડસડાટ બહાર નીકળી ગયો. ચીડ સાથે ગાલ પર હાથ ફેરવતા ફેરવતા શાલિની સોહમને જતો જોઈ રહી. ગાલ આજે જરા ચચરવા લાગ્યો કે શું? ઘડિયાળમાં સમય જોતી એક હળવા નિશ્વાસ સાથે શાલિની ઊઠી. ફટાફટ ટેબલ સાફ કર્યું. કિચન આટોપી વાસણ ધોવા લાગી. નળમાંથી વહેતાં પાણી સાથે વિચારો વહેવા લાગ્યા. મનમાં ઊભરાતો ગુસ્સો ખખડતાં, પછડાતાં વાસણોનો અવાજ બની આખા ઘરમાં પડઘાઈ રહ્યો હતો. કામ આટોપી, કપડાં બદલી શાલિની અરીસા સામે ગોઠવાઈ. હળવો મેકઅપ કર્યો. લિસ્સા વાળને કોંબ કરતાં, અરીસાને એનું પ્રતિબિંબ આંખોથી ઝીલ્યું. શાલિની બે ઘડી વાળને સહેલાવતી, બે ઘડી ખુદને નિરખતી રહી. એની નજર કાંડા ઘડિયાળ પર પડી. ગોળ ગોળ ફરતા કાંટાએ વહી જતા સમયનું એને ભાન કરાવ્યું ! ખભે પર્સ, આંખો પર સન ગ્લાસીસ લગાવી, ઘર લૉક કરી એ નીકળી. પોર્ટિકોમાંથી ચાલીને રોડ પર આવી રહી હતી ત્યાં એની નજર સામે પડી. પેલી યુવતી આજે પણ ઊભી હતી. એના ઘરની સામેના પ્લોટ પર બની રહેલા મકાનની બહાર બનેલી એ કાચી પાકી ઓરડીના દરવાજે એના ઑફિસ જવાના સમયે એ અચૂક ઊભી જ હોય. શાલિનીએ છેલ્લા થોડા સમયથી આ નોટિસ કર્યું હતું. એણે વિચારો ખંખેરી રીક્ષા પકડી.

*

એક દિવસ સાંજે ઘર પાસે શાલિની રીક્ષામાંથી ઊતરી. ઘરવખરી અને જરૂરિયાતની બીજી વસ્તુઓ ખરીદીને આવી હતી. સામાન ઘણો હતો. “આટલું બધું એકલી કેમ ઉઠાવીશ” રીક્ષામાંથી સામાન ઉતારતા બબડી. ત્યાં જ, બહાર ઊભેલી પેલી યુવતી દોડતી આવી. “લાવો દીદી, મને આપો. હું લઈ લઉં.” કહેતી એ મીઠું હસી. શાલિનીએ પણ આનાકાની ન કરતા એના હાથમાં બે ત્રણ બેગ પકડાવી. ઊપર જઈ સામાન મૂકી ફરી મીઠું હસી એ જવા લાગી. શાલિનીએ એને રોકી, એના હાથમાં પૈસા મૂક્યા. “ના ના, દીદી આની કંઈ જરૂર નથી.” “અરે લઈ લે, તેં મદદ કરી તો તારા હક્કના બને છે.” “અરે એમાં શું દીદી.. હું જાઉં.” કહી ચાલતી થઈ. બે ડગલાં ભરી, ફરી ઊભી રહી અને પાછળ ફરી. જાણે કહેવાનો આ મોકો ચૂકવા ન માંગતી હોય એમ શાલિની સામે જોતા ઉતાવળે બોલી, “દીદી, એક વાત કહું? તમે બઉ દેખાવડા છો !” “અચ્છા..! ઠીક છે. તારું નામ શું?” “મારું નામ મંજુ. જાઉં હો દીદી. કંઈ પણ કામ હોય તો મને બોલાવજો. અહીં સામે જ રહું છું.” એ ગઈ. આજે પહેલી વાર શાલિનીએ એને ધારીને જોઈ હતી. ‘ત્રીસ, બત્રીસ વર્ષની, લગભગ મારા જેવડી જ, સાફ, સુઘડ રીતે પહેરેલી સાડી, વ્યવસ્થિત ઓળેલા કાળા ભમ્મર વાળ, ભીનો વાન, નમણું મોં, કાજળઘેરી આંખો... શું નામ કહ્યું એણે? હા.. મંજુ. એ પણ કંઈ ઓછી કામણગારી નથી..!’ મનોમન વિચારતાં શાલિની હસી પડી. એ પછી, આવતાં જતાં શાલિની એની મદદ લઈ લેતી. તો ક્યારેક ઑફિસ પછી કે શનિ-રવિના, ઘરમાં નાની મોટી મદદ માટે પણ એ મંજુને બોલાવી લેતી. મદદ કરતાં, અલક મલકની વાતો કરતી ભારે વાતોડી મંજુ શાલિનીની સખી બની ગઈ.

*

“દીદી કાલે તમે જે શાક આપ્યું હતું એનું નામ શું? બહુ ચટાકેદાર હતું.” મંજુ કપડાં વાળી રહી હતી. “દીદી, તમારો આ ડ્રેસ બહુ સારો છે. મને બઉ ગમે છે. તમારા પર એ બહુ શોભે છે.” શાલિનીએ હસીને, પ્રેમથી એ ડ્રેસ એને આપી દીધો. મંજુ “ના ના..” કરતી રહી. “પણ દીદી, હું આવા કપડાં ક્યાં પહેરું છું, હું શું કરીશ આનું?” શાલિનીએ મજાક કરતાં પૂછ્યું, “કેમ તારો ઘરવાળો ના પાડશે પહેરવાની?” “ના ના, ઈ તો શું ના પાડે.. ઈ તો બઉ શોખીન છે. મને જ મુઈ શરમ આવે !” બોલતાં મંજુનો ચહેરા પર લાલી છવાઈ ગઈ. “કંઈ વાંધો નહીં, રાખી લે. ઘરમાં પહેરીને એને બતાવજે. ખૂબ શોભશે તારા પર.” શાલિની આંખ મીંચકારતી બોલી. આ બેઉનાં બહેનપણાંથી ચીડતો સોહમ ઘણી વાર શાલિનીને કહેતો, “શાલિની, આખી સોસાયટીમાં તને બીજું કોઈ ન મળ્યું તે તેં આને ફ્રેન્ડ બનાવી રાખી છે?” “અરે, એમાં શું વાંધો છે? તારી પાસે તો સમય જ ક્યાં છે. વિકેન્ડમાં પણ તારા પ્રોગ્રામ ફિક્સ જ હોય. કાં તો ઊંઘવું, મેચ, મિત્રો અને તારા મૂડ ! એ મારી હમઉમ્ર છે. મને એની કંપની ગમે છે. કેવી હસમુખી, મીઠડી અને વાતોડી છે. પાછી ખૂબ સમજદાર પણ ખરી.” “સારું સારું, તું જાણે ને તારું કામ.. મારે શું.” સોહમ વાત પડતી મૂકતો.

*

આજે સવારથી શાલિનીને શરીરે જરા અસુખ લાગી રહ્યું હતું. એને ઑફિસ જવાનો મૂડ પણ ન થયો. સવારની બપોર થવા આવી તો પણ એ એમ જ સુસ્તાતી પડી રહી. ડોરબેલ વાગી. એણે પરાણે ઊઠી દરવાજો ખોલ્યો. મંજુ આવી હતી. સામે ઊભેલી શાલિનીનું મોં જોતાં બોલી, “હાય..હાય દીદી, તમારી તબિયત ઠીક નથી? સવારની બપોર થઈ તોય તમે દેખાયા નહીં તો મને થયું લાવ ચક્કર મારતી આવું.” “મંજુ, સવારથી જરા અસુખ જેવું લાગે છે એથી ઑફિસે પણ રજા પાડી છે.” “અરેરે દીદી.. ઠીક નહોતું તો મને નો બોલાવી લેવાય?” એણે મીઠી ફરિયાદ કરી. “માથું દુઃખે છે? લાવો બામ ઘસી આપું.” મંજુએ સરસ હેડ સમાજ કરી દીધો. કૉફી બનાવી આપી. શાલિનીને થોડું સારું લાગ્યું. વાતવાતમાં મંજુએ પૂછી લીધું, “દીદી, સાઇબ ઑફિસ ગયા છે? હા, પણ શું થાય કામ માટે તો જવું જ પડે. મારો વર તો.. રોયો હું માંદી હોઉં તો મારી આગળ પાછળ ફરી મને ગૂંગળાવી મારે !” શાલિનીને મનમાં ચચર્યું. “હા, એને મિટિંગ હતી એટલે જવું પડે એવું જ હતું.” એણે પતિનો બચાવ કર્યો. હાથમાં પકડેલા મગમાંથી કૉફીનો છેલ્લો ઘૂંટ લીધો. ઠંડી થઈ ગયેલી કૉફીની કડવાશ મોંમાં ફરી વળી. ક્રાં.. ક્રાં.. બારીએ કાગડો બોલ્યો ! મંજુ શાલિની પાસે થોડી વાર રોકાઈ, “કામ હોય તો બોલાવજો દીદી, સાંજે ફરી આવું” કહી એ એ ગઈ.

*

રજા સિવાય ક્યારેય આ રીતે ઘરે રહેવાની શાલિનીને આદત નહોતી. ઘરના સૂનકારમાં એની અંદરનો ઘોંઘાટ એને પજવવા લાગ્યો. ‘એક તરફ દીવાલ પર ઝૂલતી બંનેની તસવીર, બીજી તરફ ડિઝાઇનર વૉલ ક્લોક; સોફા ટીવી, પડદાં, બંનેએ એક એક વસ્તુ કેટલાં જતનથી વસાવેલી.’ એ તમામ સુશોભિત રંગ એને આજ ફિક્કા લાગી રહ્યા હતા. દિવાન ખંડમાં બહાવરી બની ભટકતી એની આંખો ઘર આકારના કી સ્ટેન્ડ પર અટકી. એનું ઉપેક્ષિત અસ્તિત્વ અને ઇચ્છાઓ એને ત્યાં લટકતાં દેખાયાં. “હેપ્પી ફિફ્થ મેરેજ એનિવર્સરી હબી ડાર્લિંગ..!” બે વર્ષ પહેલાં ઉષ્માભર્યા હળવા આલિંગન સાથે એણે ઉમળકા ભેર, નવી નક્કોર કારની ચાવી સોહમની હથેળી પર મૂકી હતી. એને અને સોહમને કારનો બહુ શોખ હતો. એથી એણે એનીવર્સરી પર લોન લઈ બેઉ માટે કાર ખરીધી હતી. પણ, એ ચાવી અને કારનું સ્ટેરીંગ પછી સોહમના હાથમાં જ રહી ગયું. એનું મન ફરી કડવું થઈ ગયું. થોડી વાર પહેલાં મંજુના સવાલોથી બચવા, વાત બદલતા એણે મંજુને પૂછેલું, “અચ્છા મંજુ, એ તો કહે, તારા વરને પેલો ડ્રેસ પહેરીને બતાવ્યો કે નહીં? એને ગમ્યો?” “હોવે દીદી.. મારો રસિક એમ તો બઉ રસિયો છે.. દીદી, શું કહું.. તમને ખબર છે? પાછું ઓલી ફિલમની બાયુની જેમ કેડે હાથ રખાવી મોબાઇલમાં મારા ફોટુ પણ પાડ્યા ! એને તો બહુ હેત ઊભરાય ત્યારે રીજવવા કૈંક અછોવાના કરે ! ને મુઈ હુંય એમાં તણાઈ જાઉં.” શરમ સાથે વ્હાલના શેરડા ફૂટી આવેલા એના મોં પર.. “ઓહો.. મોટી વરઘેલી જોઈ ન હોય તો.” અને એ કેવી શરમાઈ ગઈ હતી. ‘મારી બેટી પાછી જબરી પણ છે. એ દિવસે કેવું કહેતી હતી, “દીદી, આમ તો રસિક બઉ સીધો અને હેતાળ છે. ક્યારેક દારુ પીવે એટલું જ. પણ મેં તો એને કહી દીધું છે કે દારુ ને બૈરું સાથે ન મળે હો ! તો એ દી’ બિચારો સૂઈ રે.” ’ “ના, આજે નહીં પ્લીઝ. તને ખબર છે ને મને..” “ઓહ કમઓન, આજે સખત મૂડ છે..!” શાલિનીના નાકમાં ક્યાંકથી દારુની તીવ્ર વાસ પેસી એનો શ્વાસ રુંધવા લાગી ! “મંજુ, તને એના પર ગુસ્સો ન આવે?” “ગુસ્સો કરી શું કરવાનું દીદી, એને એ એક શોખ છે. એ પણ ક્યારેક ક્યારેક જ.” મંજુના જવાબે એને વિચારતી કરી દીધી. સાવ ઓછી સુખ-સગવડ હોવા છતાં આ લોકોનાં મનની, જીવનની ખુશી, ઉલ્લાસનું કારણ કદાચ એમની સહજતા અને સ્વીકારભાવ હશે. કોઈપણ પરિસ્થિતિ કે પાત્રને જેવાં હોય એવાં સાહજિકતાથી સ્વીકારી લે. તે સાથે પોતાની અણગમતી વાતનો વિરોધ પણ એટલી જ સહજતાથી કરી શકે છે. બીજી તરફ બધી સગવડો હોવા છતાં લોકોના જીવનમાં, સંબંધમાં નિરસતા, અસંતોષ કેમ હોય છે? આનું કારણ શું? એકબીજા માટે સમય નથી? કાળજી નથી? કે, જેમ જેમ સમજ અને સગવડો વધુ એમ સહજતા ઘટતી જતી હશે ને અપેક્ષાઓ વધતી જતી હશે ! એની નજર સામે રાતનું દૃશ્ય ઊપસ્યું; બે હાથ વચ્ચે પકડેલું કુશન એણે જરા વધુ કસ્યું. ડિનર પતાવી બેઉ જણ બેડરૂમમાં આવ્યાં. આજે ઘણા વખતે બેઉનો મૂડ સારો જોઈ શાલિનીએ જરા લાડથી કહ્યું, “સોહમ, ચાલને આ વિકેન્ડ આપણે બંને મસ્ત ટાઈમ સ્પેન્ડ કરીએ. મેં આખો પ્લાન બનાવ્યો છે. જો, શનિવારે અડધો દિવસ રેસ્ટ, પછી આપણાં ફેવરિટ એક્ટરનું નવું આવેલું મૂવી, ને પછી એક સરસ કેન્ડલ લાઈટ ડીનર.. સન્ડેનો પ્લાન સરપ્રાઇઝ છે !” “શનિવારે? સોરી બેબી, મને નહીં ફાવે. મારો પ્રોગ્રામ બની ગયો છે. અમે બધા મિત્રો, અભયના ઘરે વિકેન્ડ નાઇટ સ્ટે માટે ભેગા થવાના છીએ.” “કમઓન સોહમ, આપણે કેટલા વખતથી સરખો ટાઇમ સ્પેન્ડ નથી કર્યો. ત્યાં ફરી ક્યારેક જજે. આ વખતે ના પાડી દે ને પ્લીઝ..” “અરે, પિક્ચર અને ડિનર ક્યાં ભાગી જવાનાં છે? ફરી ક્યારેક જશું.” “આ પહેલી વાર નથી સોહમ... સતત ત્રીજી-ચોથી વાર થઈ રહ્યું છે. મને પણ બ્રેક જોઈએ ને... મારા પ્લાન તું હંમેશા નકારી દે છે.” શાલિની બને ત્યાં સુધી માથાકૂટ ટાળતી. પણ ગઈકાલે આ વાત પર બેઉ વચ્ચે ખાસ્સી ચકમક ઝરી. પણ સોહમ ન માન્યો. શાલિનીનો વધુ એક પ્રયત્ન નાકામ રહ્યો. “કર તારે જે કરવું હોય તે...” થાકીને, ગુસ્સામાં એ પડખું ફરી સૂઈ ગઈ. ‘સોહમ... સોહમ કેટલો શોર્ટ ટેમ્પર, સ્વકેન્દ્રી અને મૂડી છે. એના મનમાં જે વાત આવે એની ‘હા’ની ના અને ‘ના’ની હા ન થાય. કેટલા સમયથી લગભગ આવું ચાલી રહ્યું છે. લગ્ન પહેલાં દરેક વાત પર હા એ હા કરતો સોહમ લગ્ન પછી ઘણો બદલાઈ ગયો છે.’ શરીર પર ચડતા દાહની જેમ મગજ પર વિચારો ચડી એનું મન દઝાડી રહ્યા હતા. અંદરની બધી લાગણીઓ એકમત થઈ શાલિનીના મન, મગજ પર હલ્લો કરી રહી હતી. એને થયું, ‘આર્થિક રીતે પગભર છું, સ્વતંત્ર છું છતાં મને શું ખૂટે છે? શું હું ખરેખર સ્વતંત્ર છું? સ્ટાઇલિશ કપડાં પહેરવાથી, ઇંગ્લીશ બોલવાથી કોઈ મોડર્ન કે સ્વતંત્ર કહેવાય? આર્થિક રીતે સ્વતંત્ર હોવા માત્રથી સ્વાતંત્ર્ય મળે?’ પણ આ વિચારો સાથે એને એની પોતાની સંગત હવે ગમી રહી હતી. ‘તમારી જિંદગીમાં તમારી જાતને ખુશ રાખવાનો, મનને સંતોષ આપવાનો હક્ક પણ તમારો અને ફરજ પણ તમારી પોતાની છે. એ માટે બીજું કોઈ જવાબદાર નથી.’ નવી દૃષ્ટિ સાથે નવીન અર્થ ખુલી રહ્યા હતા. એ ઊઠી કિચનમાં જઈ સરસ મસાલાવાળી ચા બનાવી. કપ લઈ બાલ્કનીમાં આવી. હીંચકે બેઠી. ગઈકાલે તેલ પૂરેલા નકૂચાનો કિચૂડ કિચૂડ અવાજ આજે શાંત હતો. ચાની સંગતે હળવાફૂલ, શાંત થઈ ગયેલાં તન-મન સાથે એ હળવે હળવે ઝૂલવા લાગી. ત્યાં એની નજર પડી. એક તરફ પોતાનું જાળું ગૂંથતા એની વચ્ચે વિંટાઈ જતો કરોળિયો, તો બીજી બાજુ, બાલકનીમાં રાખેલા કૂંડામાં જતનથી વાવેલાં, પોતપોતાની રીતે ઊગતાં, ઊછરતાં ફૂલછોડ વચ્ચે, ક્યાંક એને વળગીને વધતી એક નમી પડેલી વેલ દેખાઈ. આથમતો સૂર્ય એનું છેલ્લું, સિંદુરી તેજપુંજ સાથે શાલિનીના મનમાં રંગો ખીલી રહ્યા હતા. એક ઠેસ મારી ફંગોળા સાથે એ મનોમન બોલી : ‘ચાલ શાલિની, પોતાની પાર્ટીમાં મશગુલ સોહમ તો છેક રવિવારે બપોરે આવશે. ક્યાં સુધી આમ બેસી રહીશ. આજે ખુદ સાથે પાર્ટી કર !’ એ ત્યાંથી ઊઠી. પેલી ઝૂકેલી, વળગેલી વેલને એણે ખૂબ નજાકત સાથે ડાળીથી અલગ કરી. ભીતર જઈ એક સરસ વાઝ શોધી, પાણી ભરી વેલની ડાળખીને એમાં રોપી. હાથ મોં ધોઈ ફ્રેશ થઈ. તૈયાર થતાં થતાં ડીનર માટે ટેબલ બુક કર્યું, કેબ બુક કરી. અરીસો આજે આ નવી, અલગ શાલિનીને જોઈ રહ્યો હતો. ચહેરા પર સુંદર સ્મિત સજાવી, એ જવા નીકળી રહી હતી. દરવાજે બેલ વાગી. “મંજુ આવી હશે” બોલતાં એણે દરવાજો ખોલ્યો. દરવાજામાં સોહમ ઊભો હતો. એ બાજુમાંથી જગ્યા કરી જવા લાગી. “અત્યારે આમ તૈયાર થઈ ક્યાં જાય છે?” “ડિનર કરવા.” “ડિનર માટે? કોની સાથે?” “એકલી... આઈ મીન, મારી પોતાની સાથે !”