નિરંજન/૧૧. નવો તણખો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧. નવો તણખો

બહાર નીકળતાંનીકળતાં ગુજરાતી ભાષાના પ્રોફેસરે નિરંજનને પ્રોફેસરોની બેઠકના ખંડમાં આવવા કહ્યું. નિરંજન ગયો. ``લો આ તમારી વાર્તા. પ્રોફેસરે નિરંજનને પરબીડિયું પાછું આપ્યું. પણ હાથોહાથ ન આપ્યું; ટેબલ પર પટક્યું. પરબીડિયા પર લાલ અક્ષરોથી લખેલું: ``રિજેક્ટેડ – નામંજૂર. નિરંજન નવાઈ પામ્યો. કૉલેજના ત્રૈમાસિક માટે મોકલેલી વાર્તા પાછી ફરી હતી. ``અને સાંભળજો – નિરંજન પૂછે તે પહેલાં જ ગુજરાતીના પ્રોફેસરે આ નામંજૂર કર્યાનું કારણ પણ કહી નાખ્યું, ``રાજદ્વારી વિષયો પર આવાં ઉગ્ર સરકાર-વિરોધી લખાણો ન લખતા. પ્રિન્સિપાલસાહેબને જાણ થશે તો તમારી `કેરિયર' ચૂંથાઈ જશે. વધુ કશી જ ચર્ચામાં ઊતરવું નિરર્થક હતું. નિરંજન એ નામંજૂર થયેલ વાર્તાને અંદરના ગજવામાં છુપાવી ચાલી નીકળ્યો, ઓરડી પર ગયો. કોમળ લાગણીઓની ગડમથલ એના ચિદાકાશમાંથી વીખરાઈ ગઈ. કોઈ અણદીઠ શક્તિએ ગોપવીને ભારી રાખેલા બળતા છાણામાંથી નવીન ધુમાડાની શેડ ઊઠી; તણખા ફૂટ્યા; ને છેવટે શિખા ચડી. આ વાર્તા સરકાર-વિરોધી! એક જન્મકેદીએ પાળેલા નોળિયાને જેલ-સુપરિન્ટેન્ડેન્ટના બાળક માટે લઈ લેવામાં આવ્યો, કેદી ઝૂરી ઝૂરી મર્યો, ને નોળિયાએ પણ માનવ-મિત્ર જતાં પાણીની ટાંકીમાં પ્રાણવિસર્જન કર્યું: એવા એવા માનવ-ભાવોને ઉકેલનારી વાર્તા જો સરકાર-વિરોધી ગણાતી હોય, તો તેના ઉપર `કરિયર'-`કરિયર' નામથી કુટાતું આ કંગાલ, આદર્શભ્રષ્ટ કૉલેજજીવન ખતમ કરી, કોઈ ગાંધીની હાટડીએ ગુમાસ્તા બની, છાતી પર બેધડક રાષ્ટ્રધ્વજનો ચાંદ લટકાવવો જ બહેતર નથી શું? રવિવાર સવારથી જ એ `રસૂલ કેદીનો નોળિયો' નામની વાર્તા લઈ અંગ્રેજી ભાષાન્તર કરવા બેસી ગયો. એક પણ શબ્દને ફેરવ્યા વગર એણે આખી કથાને અંગ્રેજીમાં ઉતારી નાખી. સાંજ પડી ગઈ. કૉલેજનો પ્રિન્સિપાલ એક ગોરો છે, રાજનિષ્ઠ છે; કૉલેજની અંદર રાજદ્વારી આંદોલનની ગંધ સરખી પણ સાંખી શકતો નથી. જેલ જઈ આવેલા કે રાષ્ટ્રસંગ્રામમાં ભાગ લઈ આવેલા વિદ્યાર્થીઓને દાખલ કરવામાં એની કડકાઈ જાણીતી છે; એકબે જણાને રાષ્ટ્રસંગ્રામના દેખાવો કરવાના ગુનાસર એણે રુખસદ આપી છે. સૌ માને છે કે એના જાસૂસો તરીકે કામ કરતા વિદ્યાર્થીઓની એક આખી જાળ કૉલેજની દુનિયા પર પથરાઈ ગઈ છે અને સામ્યવાદ, હિંસાવાદ વગેરે સળગતા સવાલો પર હાલતાં ને ચાલતાં ઉઘાડેછોગ બોલનારાઓ અંદરખાનેથી એ જાળમાં માછલાં પકડવા મથતા એના ગુપ્તચરો જ છે. એવી એવી કેટલીક માન્યતાઓ – સાચી કે ખોટી – કૉલેજના સંસાર પર એક શ્યામ વાદળી રચી રહી હતી. એવા ડંખીલા, જિદ્દી અને સંશયશીલ મનાતા પ્રિન્સિપાલ જ કૉલેજ-મેગેઝિનના અંગ્રેજી વિભાગ પર દેખરેખ રાખતા. આ વાર્તા બારોબાર એમના હાથમાં જ જશે. પછી પોતાનું થનારું હો તે થાઓ. અત્યારની પામરતા તો એક કુત્તાની દશાનેય ચડિયાતી કહેવરાવનારી છે. એણે વાર્તા પ્રિન્સિપાલ પર ટપાલ કરી – નામઠામ સહિત. સોમવારે બપોરે ત્રૈમાસિક સંપાદન કરનાર ગુજરાતીના પ્રોફેસર ઉપર પ્રિન્સિપાલ તરફથી એ વાર્તા આવી પહોંચી. ઉપર આસમાની શાહીથી લખેલું હતું: ``એક્સેપ્ટ: લેવાની. પ્રોફેસરે વાર્તાનું ને વાર્તાલેખકનું નામ વાંચ્યું. એનાં ભવાંની કમાનો તંગ બની ગઈ. પોતાની ભૂલ તો નથી થતીને તેની ખાતરી કરવા એણે ફરી વાર નામો વાંચ્યાં ને વાર્તા પણ વાંચી. એ જ ક્ષણે પ્રોફેસર પ્રિન્સિપાલ પાસે દોડ્યા. વિદ્યાર્થીઓને દબડાવવામાં તેમ જ ઠઠે ઉડાડવામાં પાવરધા લેખાતા પ્રોફેસરે પ્રિન્સિપાલની ઑફિસને બારણે જતાં મીની જેવાં હળવાં પગલાં ભર્યાં, સ્પ્રિંગવાળાં બારણાંને જરીક ખોલ્યાં, ``અંદર આવું, સાહેબ? કહી વિનયભાવે રજા માગી. એ વિનય-સ્વરોમાં ધાક હતી. ``આવો. જાણે ગુફામાંથી સિંહ ગરજ્યો. ``કેમ, શું છે? પ્રિન્સિપાલના એ સાદા પ્રશ્નમાંય તુમાખી હતી. ``આપે–આપે–માફ કરજો, સાહેબ! આપે આ વાર્તા ઉપર નજર તો ફેરવી જ હશે. ``નહીં, શબ્દશ: વાંચી ગયો છું. ``તો પછી કંઈ ભૂલ... ના, ના, સરતચૂક તો નથી થઈને? ``સરતચૂક? શાની સરતચૂક? ``આ વાર્તા સરકાર-વિરોધી તો નથીને? ``મારાથી પણ વધુ સરકારભક્ત હોવાનો દાવો ન કરો! પ્રિન્સિપાલે મોં મલકાવ્યું. ``માફી માગું છું – પણ – પણ... ``પણ પણ શું કરો છો? સ્પષ્ટ કહી નાખોને. ``આ વાર્તામાં સરકારી જેલ ઉપર ધિક્કારનો ધ્વનિ છે. ``મેં તમારા કરતાં વધુ સાહિત્ય વાંચ્યું છે. સરકાર-વિરોધી ધ્વનિને હું વધુ ત્વરાથી પકડી પાડું છું. `ડોન્ટ યુ બી એ ફૂલ.' આ વાર્તાનો ધ્વનિ માનવતાનો છે. એની લેખનકલાએ મને રડાવ્યો છે. હવે શું કહેવું છે? ``પણ સાહેબ, આ વાર્તા પાછળ એક ઇતિહાસ છે. ``શો ઇતિહાસ? પ્રિન્સિપાલ કશુંક કાવતરું સાંભળવા તત્પર થયા. ``એ મૂળ ગુજરાતીમાં લખાયેલી વાર્તા મારી પાસે આવેલી. મને એમાં રાજવિરોધી ગંધ આવી તેથી મેં એ પાછી કાઢી. આ એનું શબ્દશ: ભાષાન્તર જ છે. ``બસ? ``બસ. ``બીજો કશો ઇતિહાસ નથીને? ``નહીં. ``લેખકની કોઈ ક્રાંતિકારી કાવતરાબાજી છે? ``ખબર નથી. કહો તો તપાસ કરાવું. ``બસ થયું. તમારી રાજદ્વારી ઘ્રાણેન્દ્રિય કશીક દવા માગતી હોવી જોઈએ. ને તમે `ઇતિહાસ' શબ્દ વિવેક વગર વાપરો છો. ``મને તો એ વાર્તા ઠીક લાગેલી, પણ સાહેબ, આપની જ અપ્રસન્નતાથી ડરીને મેં એ નામંજૂર કરેલી. ``મારી અપ્રસન્નતા? ``હા જી. ``મારી વિવેકબુદ્ધિ પર તો તમે આક્ષેપ કરો છો, સાથે તમારી પ્રમાણબુદ્ધિનુંય તમે દેવાળું કાઢી રહ્યા છો! ``પણ પણ – ``સાંભળો. જવાબ આપો. અમને હિંદની ભૂમિ જિતાડનાર કોણ? જાણો છો? ``હા જી, હિંદી વીરબચ્ચાઓ. ``ને હિંદનો આત્મા અમારા ચરણો તળે છૂંદાવનાર કોણ, જાણો છો? પ્રોફેસર નિરુત્તર રહ્યા. ``તમારા વિદ્વાનો, સાહિત્યકારો, શિક્ષકો ને પ્રોફેસરો; જેમાંના તમે પણ એક છો. ``દરગુજર ચાહું છું. ``જરા બેસો, પ્રોફેસર. પ્રિન્સિપાલે બતાવેલી સામેની ખુરશી પર પ્રોફેસરે બેઠક લીધી. ``હવે એક જ વાત કહી લેવા દો મને. તમારા જેવાઓએ હિંદને તો અમારી પાસે ચગદાવી નાખ્યું, પણ તમે એથી વધુ મોટો જે દ્રોહ કર્યો છે તે તો આ છે, કે તમે અમને – બ્રિટિશરોને આત્મભ્રષ્ટ કર્યા, ભાવનાભ્રષ્ટ કર્યા, `ડીજનરેટ' કર્યા. સારો અંગ્રેજ હિંદમાં શોધ્યો નથી જડતો એ પ્રતાપ તમારા છે. પ્રોફેસર થીજી ગયા... ``બસ, હવે તમે જઈ શકો છો.