નિરંજન/૨૯. દયાજનકતાનું દૃશ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૯. દયાજનકતાનું દૃશ્ય

નિરંજન જાણતો હતો કે દીવાનનું તેડું હવે જલદીથી આવી પહોંચશે. પણ તેડામાં તો દીવાન પોતે જ મોટર લઈને ખડકી ઉપર ખડા થયા. નિરંજન બહાર જવા તૈયાર હતો તે છતાં ટોપી પહેર્યા વગર જ મોટર પર ગયો. કોઈપણ જાતની ગરજ ન બતાવવાનો એનો નિરધાર હતો. ``કેમ, કશા કામમાં તો નથીને? દીવાને વિવેક કર્યો. ``કામ, – ના – હા – છે તો ખરું, પણ – ``હવે પાસ થઈ ગયા પછી વળી શાનું કામ? ``મૂંઝવણો તો પાસ થયા પછી જ શરૂ થાય છે. આજ સુધી તો યુનિવર્સિટીના કિલ્લામાં સલામત હતા. ``એક કિલ્લો છોડી બીજો શોધી લેવો એ પણ મર્દનું કામ છે ને, ભાઈ! ``એ તો બરાબર છે. નિરંજને પહેલી જ વાર દીવાનસાહેબના હાસ્યમાં પોતાનું હાસ્ય ભેળવ્યું. આજ સુધી તો એ ખડગના જ પ્રહાર કરી જાણતો. ``ચાલો ત્યારે, અત્યારે તો આપણી મોટરને જ કિલ્લો માનો. ``ટોપી પહેરીને આવું. ``કશી જરૂર નથી. એમ જ ચાલો. આપણા ગરીબ દેશમાંથી ગાંધીજીએ પાઘડીઓ કઢાવી, પણ હું તો ટોપીમાં જોઈતા પા વાર પાણકોરાનેય રુખસદ દેવાની હિમાયત કરું છું. મેં તો મહાત્માજી અહીં આવ્યા ત્યારે મોઢામોઢ કહેલું... દીવાનસાહેબ મોટરનું ચક્ર ફેરવતાં ફેરવતાં ને જુદાં જુદાં ગિયરોમાં ગાડીને ગોથાં ખવડાવતાં રંગે ચડ્યા, ``મોઢામોઢ કહેલું કે, ગાંધી, ભાઈ, તું તો બિલોરી કાચ છે; પણ તારા પડખિયા...હા-હા-હા... એનું બખડજંતર જબરું છે, ભાઈ! મારા બાપા! તું ચેતજે. મોટર જૂની થઈ ગઈ હોવાથી તેનાં ગિયરો કચરડાટી કરતાં હતાં. એ કચરડાટીની સામે આંગળી બતાવીને દીવાને નિરંજનને કહ્યું: ``જોયું? એ બધા કેવા? આવા હો! નિરંજનને કહેવું પડ્યું: ``ખરું છે. ``ને હું તો લોર્ડ પેન્ટલાન્ડ જ્યારે મદ્રાસમાં હતા ત્યારે એમને પણ મળ્યો હતો. હાઈનેસની જોડે હું રામેશ્વરની યાત્રાએ ગયેલો. પેન્ટલાન્ડને બંગલે ચાનું નિમંત્રણ હતું. ચા પીતાં પીતાં મેં તો ઉગ્ર બનીને કહ્યું'તું કે સાહેબ, હિંદને તલવારથી જીત્યો હોવાની વાત ગલત છે, તે તમારા જ ઇતિહાસકારો વિન્સેન્ટ, સીલી વગેરેનાં થોથાંમાંથી જાણી લો, વખતસર જાણી લો, નહીંતર અતિ મોડું થઈ ગયે તમારા હાથમાં આ... એટલે આ રામપાતર જ રહેશે: આ `બેગિંગ બાઉલ' જ રહેશે. નિરંજન ચકિત થયો હતો કે હવે વાત ક્યાં પહોંચશે. દીવાન આગળ વધ્યા: ``ત્યાં તો મારા હાથમાંથી જ કપ લસર્યો, મારાં બૂટ પર ઢોળાયો, ને લેડી પેન્ટલાન્ડે ટુવાલ માટે દોડાદોડ કરી મૂકી; લોર્ડ પેન્ટલાન્ડે બચાડાએ તાબડતોબ ગજવામાંથી રૂમાલ કાઢ્યો... હા-હા-હા-હા– ને એ એક વિસ્મયની બેહોશીમાંથી નિરંજન ભાનમાં આવે તે પહેલાં તો ગાડી નીચેથી એક કૂતરાએ ચીસ પાડી. દીવાનસાહેબે જુનવાણી બ્રેકને વેળાસર ચાંપી દીધી. કૂતરું જરાક ઘસાઈને બચી ગયું. સાંકડી બજારની બેઉ બાજુએ વણિક દુકાનદારો એકદમ ખડા થઈ ગયા, ને દીવાનસાહેબની સમયસૂચકતાએ એક કૂતરાની હિંસાને ખાળી દીધી તે બદલ ધન્યવાદ આપવા લાગ્યા. તેઓ બોલી ઊઠ્યા: ``દયાવૃત્તિનો તો આપસાહેબના અંતરમાં અખંડ દીવો બળે છે, સાહેબ! સાહેબે ઝટ ઝટ ગામ બહાર ગાડી કાઢીને નિરંજન સામે માર્મિક દૃષ્ટિ નાખતાં નાખતાં કહ્યું: ``ઊગરી ગયા. જો કૂતરું મર્યું હોત તો મા'જન કાગારોળ કરી મૂકત. દીવાનપદું ડોલવા લાગત. જાણો છો ને? લોકલાગણીને અમારે પણ ઓછું માન નથી આપવું પડતું. ``ને જુઓ, ભાઈ, દીવાને તાજો પહેરેલ જાપાની રેશમનો સુંવાળો ગડીદાર સૂટ બતાવી કહ્યું, ``આ ઉપલું પડ વિદેશી છે, પણ અંદર, મારા અંત:કરણને અડકીને તો, દેશી પાણકોરું જ સદા રહેલું છે. એટલું કહી એણે કોટનાં બટન ખોલ્યાં. અંદર ખાદીની બંડી બતાવી કહ્યું: ``અમે કંઈ દેશના શત્રુઓ નથી હો, ભાઈ! નિરંજનને એ બધા એકરારમાં એક તીવ્ર કરુણતા ભાસી. એણે કહ્યું: ``હું કોઈને એનાં કપડાં પરથી તોળતો નથી, સાહેબ! કેમ કે હું પોતે જ મારા પોશાક પરથી મારી આંકણી કરનારને ધિક્કારું છું. ``ના, તમારો આગ્રહ હશે તો હું ખાદીમાં જ લગ્ન... આટલું બોલાઈ ગયા પછી દીવાનને શુદ્ધિ આવી કે હજુ મુદ્દાની વાત થઈ નથી ત્યાં જ પોતે બાફી બેઠા છે. એટલામાં તો નિર્જન પ્રદેશ આવી પહોંચ્યો. દીવાને એક વડલાની ઘટા નીચે ગાડી ઠેરાવી. શોફર પાછળ બેઠો હતો તે પોતાની જાતે જ દૂર જઈ ઊભો રહ્યો. વાત કયા વિષય પર થવાની છે એની શોફરને સંપૂર્ણ કલ્પના હતી. જગતના ગાડીવાનો પોતાની પીઠ પાછળ ચાલતાં જેટલાં રહસ્યોને નિરપેક્ષભાવે પી ગયા છે અથવા પી રહ્યા છે, તેનાથી સોમા ભાગનાં રહસ્યોએ પણ મોટા મોટા યોગીની છાતીઓને વિદારી નાખી હોત. ``હવે, દીવાને વાતનો પ્રારંભ કરતાંની સાથે જ ગળામાં ડૂમો અનુભવ્યો. એ ડૂમો માનવીની માનવતાનો હતો. મનુષ્યનું હૃદય નક્કી બોલવા માગે છે ત્યારે ચાબાઈ, પંડિતાઈ, પતરાજી અને ચાતુરીના પડદા બાજુએ ખસી જાય છે. ઉંમરલાયક દીકરીનો પિતા: સંસારી દયાજનકતાનાં ઘણાં થોડાં દૃશ્યો માંહેલું એ એક દૃશ્ય છે. ``તમને સુનીલાબહેનનો સંદેશો મળ્યો હશે એમ માની લઉં છું. ``હા જી. ``ને હું આજે સામે આવીને તમારી દયા યાચું છું. દીવાનની આંખોમાં નિરંજને પાણી દીઠાં. ``તમારો જવાબ શો છે? ``મારા જવાબનો આધાર તમે મારી સ્થિતિનો કેટલે અંશે સ્વીકાર કરો છો તે પર છે. નિરંજને એક વિજેતાના તોરથી શરતો ફરમાવવાની તૈયારી કરી. ``બધી જ સ્થિતિને હું સ્વીકારી લઉં છું, દીવાન સમજી ગયા હતા. ``મારે નથી જોઈતા દરદાગીના, નથી જોઈતાં કપડાં, નથી હું માગતો કશું સ્ત્રીધન. તમારા પક્ષેથી પણ કશો આડંબર કે કશું ધાંધલ ન થાય તેની ખાતરી માગું? ``ભાઈ નિરંજન! દીવાને લાચારી ગાઈ, ``મારે ઘેર આ પ્રથમ પહેલો અવસર થશે. સરયુ મારું પહેલું સંતાન છે, ને આજે એને માટે માતૃખોળો નથી. મા ગણો, બાપ ગણો, જે ગણો તે હું છું. દીવાનપદું કરનાર બાપે દીકરીને ઘરમાંથી દેશવટો દેવાતો હોય તે રીતે રવાના કરી દીધી, એટલું જગત ન બોલે માટે હું થોડોક સમારંભ કરવા પૂરતી તમારી ઉદારતા યાચું છું. પણ નિરંજને પોતાની સખતાઈ ન છોડી. એણે ડગલે ને પગલે પોતાની દયા મગાતી દેખી. જાણ્યે-અજાણ્યે પણ એ એક પરમ ઉપકારનું, પરદુ:ખભંજનનું માનસ પોષવા લાગ્યો. ``હું આપને કાલે જવાબ આપીશ. કહી એણે વાતને અટકાવી. દીવાને તે દિવસે, ઘણાં વર્ષો પછી, ધરાઈને ધાન ખાધું.