નિરંજન ભગતના અનુવાદો/ચિત્રાંગદા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

નાટ્યકાવ્ય (બંગાળી)

નાટ્યકાવ્ય (બંગાળી)

ચિત્રાંગદા

[રવીન્દ્રનાથ ટાગોર | બંગાળી | ૧૯૬૫ | ચિત્રાંગદા]

ભૂમિકા


૧૮૯૨માં, રવીન્દ્રનાથે ચિત્રાંગદા પદ્યનાટ્ય ૧૪ અક્ષરના પયાર છંદમાં લખ્યું હતું. મહાભારતના આદિપર્વના ૨૦૭ અને ૨૦૯મા અધ્યાયમાં ૧૩ શ્લોકોમાં વર્ણવેલી અર્જુન અને ચિત્રાંગદાની વાત રવીન્દ્રનાથ પોતાની આગવી રીતે રજૂ કરે છે.

રવીન્દ્રનાથલિખિત નાટ્યકાવ્ય ચિત્રાંગદાનો મૂળ બંગાળીમાંથી નિરંજન ભગતે કરેલો ગુજરાતી અનુવાદ ૧૯૬૫માં દર્પણ એકૅડેમી, અમદાવાદ દ્વારા પ્રગટ થયો હતો. આ અનુવાદ મૃણાલિની સારાભાઈના કહેવાથી કર્યો હતો. તેની બીજી સંવર્ધિત આવૃત્તિ ૨૦૧૯માં નિરંજન ભગત મેમૉરિયલ ટ્રસ્ટના સૌજન્યથી પ્રકાશિત થઈ છે.



અનંગ આશ્રમ

ચિત્રાંગદા મદન અને વસંત

ચિત્રાંગદા: તમે પંચશર?

મદન: હા, હું એ જ મનસિજ.

બાંધી જાણું નર અને નારીનાં હૃદય
વેદનાના બંધનથી.


ચિત્રાંગદા: શી વેદના, શું બંધન જાણે છે આ દાસી.

પ્રણમું તમારે પદે.
પ્રભુ, તમે કોણ દેવ?


વસંત: હું છું ઋતુરાજ.

જરા મૃત્યુ બંને દૈત્ય ક્ષણે ક્ષણે
વિશ્વને કંકાલ કરવાને ચાહે,
એની પૂંઠે પૂંઠે ફરી પદે પદે
એના પર કરું છું હું આક્રમણ,
રાત્રિદિન આ સંગ્રામ!
હું છું અખિલનું એ જ અનંત યૌવન.


ચિત્રાંગદા: પ્રણામ તમને ભગવન્! ચરિતાર્થ

દેવદર્શને આ દાસી.


મદન: કલ્યાણી, શા કાજે આ કઠોર વ્રત તારું?

તપસ્યાના તાપે કરે છે મલિન ખિન્ન
યૌવનકુસુમ.
અનંગની પૂજાનું ન હોય આ વિધાન.
તું કોણ? શું ચાહે, ભદ્રે?


ચિત્રાંગદા: દયા કરો, પ્રભુ! સુણો મારો ઇતિહાસ.

ણાવીશ પ્રાર્થના તે પછી.


મદન: સુણવાને ઉત્સુક છું.

ચિત્રાંગદા: હું છું ચિત્રાંગદા, મણિપુરરાજકન્યા.

મારા પિતૃવંશે કદી પુત્રી જનમશે નહીં
આપી ગયા એવો વર દેવ ઉમાપતિ
તપથી પ્રસન્ન થઈ
કિન્તુ મેં એ આશીર્વાદ વ્યર્થ કર્યો.
અમોઘ આ દેવતાનું વાક્ય
માતૃગર્ભે વસી હતી ત્યારે મને દુર્બલને
શિવતેજે પુરુષમાં પલટી ન શક્યું.
હું તો આવી કઠિન છું નારી.


મદન: સાંભળ્યું છે બહુ તેથી તારો પિતા

તને પુત્રની સમાન પાળી રહ્યો,
શીખવી છે ધનુર્વિદ્યા, રાજદંડનીતિ.

ચિત્રાંગદા: તેથી પુરુષના વેશે નિત્ય કરું રાજકાજ

યુવરાજરૂપે, ફરું સ્વૈરપણે.
જાણું નહીં લજ્જા, ભય, અંતઃપુરવાસ;
જાણું નહીં હાવભાવ, વિલાસચાતુરી.
શીખી છું હું ધનુર્વિદ્યા.
કેવળ ન શીખી, દેવ, કેવી રીતે તાકવાનું
નયનના ખૂણામાંથી તમારું આ પુષ્પબાણ.

વસંત: સુનયને, નારીને એ વિદ્યા શું કૈં શીખવાની હોય?

નયન તો પોતે કરે નયનનું કામ.
હૃદયમાં વાગે જેને તે જ જાણે.

ચિત્રાંગદા: એક દિન ગઈ હતી મૃગલાની શોધે

એકાકિની ઘનવને પૂર્ણાનદીતીરે.
વૃક્ષ સાથે બાંધી અશ્વ, દુર્ગમ કુટિલ વનપથે
પ્રવેશી હું મૃગપદચિહ્ન અનુસરી.
તમરાંના ગુંજનથી મુખરિત નિત્ય અંધકાર
લતાઓથી છવાયેલા ગહન ને ગભીર
આ અરણ્યમાં.
થોડે દૂર ધસી જઈ અચાનક જોયું
રોકીને સંકીર્ણ પથ સૂતો હતો ભૂમિ પરે
ચીરધારી મલિન પુરુષ.
ઊઠી જવા કહ્યું એને અવજ્ઞાના સ્વરે,
ન તો સહેજ ખસ્યો, ન તો એણે જોયું મારી સામે.
ઉદ્ધત અધીર રોષે ધનુષ્યના અગ્રભાગે
કરી મેં તાડના. સરલ સુદીર્ઘ દેહ
મુહૂર્તમાં તીરવેગે ઊઠી મારી સન્મુખે
ત્યાં ઊભો રહ્યો ભસ્મે સૂતો અગ્નિ જેમ
ઘૃતાહુતિ પામી ક્ષણેકમાં શિખારૂપે ઊભો થાય.
ક્ષણેકમાં તાકી રહ્યો મારા મુખ ભણી
અને રોષદૃષ્ટિ શમી ગઈ પલકમાં.
અધરના ખૂણે નાચી રહી સ્નિગ્ધ ગુપ્ત
કૌતુકની મૃદુ હાસ્યરેખા
જોઈને આ મારી નાના બાળ જેવી મૂર્તિ!
શીખી પુરુષની વિદ્યા, પહેર્યો પુરુષનો વેશ
પુરુષની સાથે રહી. આટલો સમય હું જે
ભૂલી હતી,
એનું મુખ જોતાં, આત્મસ્થિત અટલ
એ મૂર્તિ જોતાં એ જ ક્ષણે મનમાં મેં જાણ્યું
હું તો નારી.
એ જ ક્ષણે પ્રથમ મેં જોયો
મારી સામે આવી ઊભો કો’ પુરુષ.

મદન: એ તો મારું જ શિક્ષણ સુલક્ષણે!

જીવનની કોઈ એક શુભ પુણ્ય ક્ષણે
નારીમાં હું બનું નારી, પુરુષમાં બનું હું પુરુષ!
શું બન્યું તે પછી?

ચિત્રાંગદા: સભય વિસ્મય કંઠે પૂછ્યું : ‘કોણ છે તું?’

મળ્યો ત્યાં ઉત્તર : ‘હું છું પાર્થ, કુરુવંશધર.’
ઊભી રહી ચિત્રવત્! ભૂલી ગઈ પ્રણામ કરવાય તે.
શું આ પાર્થ? આજન્મનું જે મારું આશ્ચર્ય?
સાંભળ્યું છે બહુ સત્યપાલનને કાજ
બાર વર્ષ વને વને બ્રહ્મચર્ય
પાળે છે અર્જુન, એ જ શું આ પાર્થવીર!
બાલ્યદુરાશામાં કેટલાયે દિન મનમાં મેં ધાર્યું હતું
પાર્થકીર્તિ હું કરીશ જ નિષ્પ્રભ મારા ભુજબલ વડે,
સાધીશ હું અવ્યર્થ લક્ષ્ય.
પુરુષના છદ્મવેશે માંગીશ સંગ્રામ એની સાથે,
વીરત્વનો આપીશ હું પરિચય.
ઓ રે મુગ્ધ, ક્યાં ચાલી ગઈ તારી એ સૌ સ્પર્ધા?૧
એ જે ભૂમિ પરે ઊભો હતો
એ ભૂમિનું તૃણદલ હોત જો હું
મારું શૌર્યવીર્ય સૌ કંઈ ધૂળમાં જ રોળીને
હું પામી હોત દુર્લભ મરણ એના ચરણમાં.
મનમાં શું વિચાર્યું હું જાણું નહીં.
જોઉં છું તો
ધીરેથી એ ચાલી ગયો વીર વનની ઓ પાર!
ચમકી હું ઊઠી. એ જ ક્ષણે સ્ફુરી ગઈ ચેતના.
પોતાને મેં ધિક્કારી કૈં સો સો વાર.
છી, છી, મૂઢ! કર્યું નહીં સંભાષણ, કર્યો ન સંવાદ,
માગી નહીં ક્ષમાભિક્ષા,
બર્બરની જેમ હું તો કેવળ ત્યાં ઊભી રહી.
અવગણી ચાલી ગયો વીર.
મને થયું એ જ ક્ષણે મરી ગઈ હોત જો હું!
પછી બીજી સવારે જ ફગાવ્યો મેં પુરુષનો વેશ,
પહેરી લીધાં કંકણ, કિંકિણી, કાંચી અને રક્તાંબર,
અનભ્યસ્ત એવો આ સૌ સાજ અતિશય
લજ્જા અને સંકોચથી વીંટળાઈ વળ્યો મારા
અંગ પરે.
છાનીમાની ગઈ પાછી વને.
અરણ્યના શિવાલયે જોયો એને.

મદન: બોલ્યે જા તું, બાલે!

મારી કને સહેજ પણ શરમાતી નહીં.
હું તો મનસિજ, માનસનું સકલ રહસ્ય
હું તો જાણું.

ચિત્રાંગદા: મનમાં ન ચેન!

ત્યાર પછી કહ્યું શું ને સાંભળ્યું શું
હવે પૂછશો ના, ભગવન્!
માથા પર તૂટી પડી લજ્જા વજ્રરૂપે,
તોય તે ના ભાંગી શકી શતખંડ મને.
નારી છતાં કેવો મારો પુરુષનો પ્રાણ!
જાણું નહીં કેમ કરી પાછી ફરી ઘરે.
દુઃસ્વપ્નથી વિહ્વલની જેમ
છેલ્લી એની વાત મારા કાને શૂલ જેમ વાગી—
‘બ્રહ્મચારી વ્રતધારી હું તો, પતિયોગ્ય નથી,
વરાંગને!’
પુરુષનું બ્રહ્મચર્ય!
ધિક્ મને! ચલિત ન કરી શકી એને.
તમે જાણો છોને મીનકેતુ! કેટલાયે ઋષિમુનિ
લાંબી એવી તપસ્યાનું ફલ નારીના ચરણતલે
સમર્પિત કરી ગયા! ક્ષત્રિયનું બ્રહ્મચર્ય!
ઘરે જઈ ભાંગી નાંખ્યું ધનુશર,
સર્વ જે કૈં હતું મારી કને.
કિણાંકિત મારો આ કઠિન બાહુ
આજ લગી હતો મારા ગર્વનું જે ધન
નિષ્ફળ આક્રોશથી મેં કર્યો એનો તિરસ્કાર.
આટલા દિવસ પછી જાણ્યું મેં તો
નારી થઈ પુરુષનું મન જો ન જીતી શકી
વૃથા મારી વિદ્યા સર્વ.
અબલાના કોમલ બે મૃણાલબાહુ
એમાં વસ્યું પુરુષના બાહુ થકી સો સોગણું બલ
ધન્ય તો એ મુગ્ધ મૂર્ખ ક્ષીણતનુલતા
પરાવલંબિની, લજ્જાભયે લીનાંગિની
સામાન્ય લલના, જેના ત્રસ્ત નેત્રપાતે
પરાભવ પામે વીર્યબલ, તપસ્યાનું તેજ.
હે અનંગદેવ, તમે મારો સર્વ દંભ
એકસાથે છીનવી છે લીધો.
સર્વ વિદ્યા, સર્વ બલ તમારે ચરણ ધરું.
હવે તો આ તમારી જ વિદ્યા શીખવી દો મને.
આપો મને અબળાનું બળ,
નિરસ્ત્રનું અસ્ત્ર છે જે.

મદન: કરીશ હું સહાય તને, શુભે!

વિશ્વજયી અર્જુનને જીતી, બંદીરૂપે
લાવીશ હું એને તારી સામે,
મહારાજ્ઞી બનીને તું આપજેને દંડ પુરસ્કાર
જેવી તારી ઇચ્છા, વિદ્રોહી પર કરજે તું શાસન.

ચિત્રાંગદા: સમય જો હોય

એકલી હું ધીરે ધીરે એના હૃદયની પરે
અધિકાર પ્રાપ્ત કરું, ચાહું નહીં
દેવતાની સહાયતા.
સાથી બની ઊભી રહું સાથે,
રણક્ષેત્રે બની રહું સારથિ,
મૃગયામાં બની રહું અનુચર,
શિબિરને દ્વારે જાગીને હું
બની રહું રાત્રિની પ્રહરી,
ભક્તરૂપે કરું એની પૂજા,
ભૃત્યરૂપે કરું એની સેવા,
ક્ષત્રિયના મહાવ્રત આર્ત પરિત્રાણે
સખારૂપે કરું એની સહાયતા,
એક દિન કુતૂહલે મને જોઈ રે’ત
મનમાં ને મનમાં એ વિચારીને,
‘રે કોણ છે આ બાલક
પૂર્વજનમનો ચિરદાસ, મારા પુણ્ય કર્મ જેમ
આ જનમમાં જે કરી રહ્યો મારો સંગ?’
ધીરે ધીરે ખોલું એના હૃદયનું દ્વાર,
ધારણ ત્યાં કરું સદાયનું સ્થાન.
જાણું છું આ પ્રેમ મારો કેવળ ન ક્રંદનને કાજ.
જે નારી નિર્વાક ધૈર્યે નિશીથનયનજલે
ચિરમર્મવ્યથા સહી અને
દિવસના મ્લાન હાસ્ય વિશે છુપાવી એ રાખે
એ તો આજન્મ વિધવા,
હું કૈં નથી એવી નારી.
મારી કામના કદીય તે નિષ્ફળ ન જાય,
પોતાને જો એક વાર પ્રકાશિત કરું
નિશ્ચય હું ધરું એને મારા બાહુબંધે.
હાય, હતવિધિ,
તે દિવસ કેવી મને જોઈ હતી
શરમથી કુંચિત, શંકિત, કંપિત નારી,
વિવશ, વિહ્વલ, પ્રલાપવાદિની!
કિંતુ શું યથાર્થ એવી છું હું?
જેવી આ સહસ્ર નારી વાટેઘાટે, ઘરે બ્ હાર
ચારે કોર માત્ર ક્રંદનની અધિકારી?
એમનાથી નથી શું હું કૈં વિશેષ?
કિન્તુ હાય, પોતાનો આ પરિચય
ધીરજથી બહુ દિન પછી જ હું આપી શકું,
એ તો ચિરજીવનનું કાર્ય, જન્મજન્માતનું વ્રત
એટલે તો આવી છું હું તમારે આ દ્વાર,
કરું છું કઠોર તપ. હે ભુવનજયી દેવ,
હે મહાસુંદર ઋતુરાજ, એકમાત્ર દિવસને માટે
છુપાવી દો જન્મદાતા વિધાતાનો વિના દોષે
અભિશાપ, નારીનું કુરૂપ, કરો મને અપૂર્વ સુંદરી,
આપો મને એ જ એકમાત્ર દિવસને માટે.
ત્યાર પછી એ તો રે’શે ચિરદિન મારે હાથ.
જ્યારે એને મેં પ્રથમ જોયો
અનંત વસંતઋતુ પ્રવેશી ગૈ હૃદયમાં,
બહુ ઇચ્છા હતી એ યૌવનોચ્છ્વાસે
સમસ્ત આ દેહ કદી જોતાં જોતાં
અપૂર્વ પુલકથી પ્રફુલ્લી જો જાય
લક્ષ્મીના ચરણશાયી પદ્મની સમાન!
હે વસંત, હે વસંતસખે, એ વાસના
પૂર્ણ કરો એકમાત્ર દિવસને માટે.

મદન: તથાસ્તુ!
વસંત: તથાસ્તુ! એકમાત્ર દિવસને માટે નહીં,

એક વર્ષ લગી તારા દેહની ચોમેર
વિકસિત થશે વસંતની પુષ્પશોભા.




મણિપુર

અરણ્યમાં શિવાલય



અર્જુન: અરે, કોને જોઈ મેં આ?

આ તે સત્ય છે કે મિથ્યા?
નિબિડ નિર્જન વને નિર્મલ આ સરોવર
એવું નિભૃત ને નિરાલય કે જાણે
નિઃસ્તબ્ધ મધ્યાહ્ને અહીં વનલક્ષ્મીગણ
સ્નાન કરી જાય, ગભીર પૂર્ણિમારાતે
એ જ સુપ્ત સરસીના સ્નિગ્ધ શષ્પતટે
સુખ મહીં પોઢી જાય નિઃશંક વિશ્રામે,
સ્ખલિત અંચલે.
પેલા તરુઅંતરાલે નમતા પહોરે
વિચારતો હતો મારા આખાય તે જીવનની વાત,
સંસારની મૂઢ લીલા, સુખદુઃખ ઊથલપાથલ,
જીવનનો અસંતોષ, અસંપૂર્ણ આશા,
અનંત દારિદ્ર મર્ત્ય માનવનું.
તે જ સમે ઘન તરુઅંધકાર ભેદી
ધીરે ધીરે બ્ હાર આવી કોણ ઊભું
સરોવરસોપાનના શ્વેત શિલાપટે?
શું અપૂર્વ રૂપ! કોમલ ચરણતલે
ધરાતલ કેમ કરી નિશ્ચલ આ રે’તું હશે!
ઉષાનો કનકમેઘ જોતજોતાં જેવી રીતે
શમી જાય પૂર્વ પર્વતના શુભ્ર શિરે
અકલંક નગ્ન શોભા વિકસિત કરી
તેવી રીતે એનું વસ્ત્ર ભળી જવા ચાહી રહ્યું
અંગના લાવણ્યે, સુખના આવેશે.
ધીરે નમી સરોવરતીરે કુતૂહલે જોઈ રહી
નિજમુખછાયા. ચમકી ત્યાં ઊઠી ક્ષણમાં જ
મૃદુ હસી.
ડાબો હાથ હલાવતી, હિલ્લોળતી, કેશ એના
છોડી રહી,
મુક્ત કેશ વિહ્વલશા બની પગ પાસે વીખરાયા.
અંચલ ખસેડી વળી જોઈ રહી પોતાના બે
અનિંદિત બાહુ,
સ્પર્શરસેકોમલકાતર, પ્રેમની કો’ કરુણાથી લેપાયલા
શિર નીચું નમાવીને જોઈ રહી
પરિસ્ફુટ દેહતટે યૌવનનો ઉન્મુખ વિકાસ,
જોઈ રહી નવગૌર દેહ પરે રક્તવર્ણ લજ્જાવંતી આભા,
સરોવરે બંને પાય ઝબોળીને જોઈ રહી
ચરણની શોભા.
વિસ્મયની નહોતી સીમા,
કેમ જાણે પ્રથમ જ પોતાને ન જોતી હોય!
શ્વેત શતદલે જાણે નિજ કલિકાલ
બંધ નેત્રે વ્યતીત ન કર્યો હોય!
એ દિન પ્રભાતે પ્રથમ પામી એ પૂર્ણ શોભા
એ જ દિન નમાવીને ડોક નીલ સરોવરજલે
પોતાને એ પહેલી વાર નીરખીને
દિનભર વિસ્મયથી બેસી રહી!
ક્ષણ પછી કોણ જાણે કયા દુઃખે
હાસ્ય એનું શમી ગયું મુખે!
મ્લાન બની બંને આંખો,
બાંધી લીધા કેશ,
અંચલથી ઢાંકી દીધો દેહ,
નિઃશ્વાસ નાંખીને ધીરે ધીરે ચાલી ગઈ,
સુવર્ણની સંધ્યા જેમ મ્લાન મુખ કરી
અંધાર રજની ભણી સરે મૃદુ પદે.
મનમાં મેં વિચાર્યું કે ધરતીએ જાણે એનું
ખોલી નાંખ્યું ઐશ્વર્ય.
કામનાની સંપૂર્ણતા ચમકીને શમી ગઈ.
વિચાર્યું મેં કેટલાંયે યુદ્ધ, કેટલીયે હિંસા,
કેટલોયે આડંબર, પુરુષનું પૌરુષ-ગૌરવ,
વીરત્વની નિત્યકીર્તિતૃષા શાંત બની લેટી પડે
ભૂમિ પરે
એ જ પૂર્ણ સૌંદર્યની પાસે,
પશુરાજ સિંહ જેમ સિંહવાહિનીના
ભુવનવાંછિત અરુણચરણ પાસે લેટી પડે.
ફરી એક વાર કદી … અરે, કોણ દ્વાર ઠેલે?
(દ્વાર ખોલીને)
આ શું? એ જ મૂર્તિ! શાંત થા હૃદય!
તમને ન હજો મારો ભય, વરાનને!
હું તો ક્ષત્રકુલજાત,
ભયભીત દુર્બલનો ભયહારી!

ચિત્રાંગદા: આર્ય, તમે મારા અતિથિ છો,

આ મંદિર છે મારો આશ્રમ.
જાણું નહીં કેવી રીતે કરું અભ્યર્થના,
કેવી રીતે કરું અતિથિસત્કાર?

અર્જુન: અતિથિસત્કાર તમારા દર્શને, હે સુંદરી!

તમારું આ શિષ્ટ વાક્ય એ જ તો સૌભાગ્ય મારું,
ગણો નહીં તમે એને અપરાધ
તો હું પ્રશ્ન એક પૂછવાને ચાહું,
ચિત્ત મારું કુતૂહલી.

ચિત્રાંગદા: પૂછો, પૂછો તો નિર્ભયે.
અર્જુન: શુચિસ્મિતે, કયા સુકઠોર વ્રત કાજે

જનહીન દેવાલયે લાવ્યાં રૂપરાશિ
કરવાને એનું આમ વિસર્જન
હતભાગ્ય માનવોને કરીને વંચિત?

ચિત્રાંગદા: ગુપ્ત એક કામનાની સાધનાને કાજ

એકમને કરું શિવપૂજા.

અર્જુન: હાય કોને કાજે કામના?

તમે સ્વયમ્ તો છો જગતની કામનાનું ધન!
સુદર્શને, ઉદયશિખર થકી અસ્તાચલભૂમિ લગી
કર્યું છે ભ્રમણ, સપ્તદ્વીપ મહીં જ્યાં જ્યાં જે કૈં
દુર્લભ સુંદર, અચિંત્ય મહાન,
બધુંય તે જોયું છે મેં સગી આંખે.
શું ચાહો છો તમે? કોણને ચાહો છો તમે?
મને જો કૈં કહી શકો, મારી પાસે પામી શકો
એની કથા.

ચિત્રાંગદા: હું તો જેને ચાહું

ત્રિભુવને પરિચિત છે એ.

અર્જુન: એવો નર કોણ છે આ ધરા પરે?

કોનો યશોરાશિ તમારા આ અમરકાંક્ષિત
મનોરાજ્ય મહીં કરી રહ્યો અધિકાર,
ધરી રહ્યો દુર્લભ આસન?
કહો એનું નામ, સુણીને હું બનીશ કૃતાર્થ!

ચિત્રાંગદા: જન્મ એનો સર્વશ્રેષ્ઠ નરપતિકુલે,

સર્વશ્રેષ્ઠ વીર એ તો.

અર્જુન: મિથ્યા ખ્યાતિ છળી ઊઠે મુખે મુખે, વાતે વાતે;

ક્ષણસ્થાયી બાષ્પ જેમ ઉષાનેય છળી શકે
સૂર્ય નહીં ઊગે ત્યાં લગી જ.
હે સરલે, મિથ્યાની કરો ના ઉપાસના
આ દુર્લભ સૌંદર્યસંપદે.
કહો, સુણું, સર્વશ્રેષ્ઠ કોણ વીર ધરા પરે સર્વશ્રેષ્ઠ કુલે?

ચિત્રાંગદા: પરકીર્તિ અસહિષ્ણુ, તું કોણ છે હે સંન્યાસી?

જે ન જાણે કુરુવંશ આ ભુવન મહીં
રાજવંશચૂડા?

અર્જુન: કુરુવંશ!
ચિત્રાંગદા: એ જ વંશે કોણ છે અક્ષયયશ વીરેન્દ્રકેસરી?

નામ સુણ્યું છે કે?

અર્જુન: બોલો, સુણું હું તમારે મુખે!
ચિત્રાંગદા: અર્જુન, ગાંડીવધનુ, ભુવનવિજયી.

સમસ્ત જગત થકી અક્ષય આ નામ
ઢાંકી દઈ છુપાવ્યું છે પ્રયત્નથી કૌમાર હૃદય
પૂર્ણ કરી.
બ્રહ્મચારી, આટલું અધૈર્ય ક્યાંથી?
તો શું મિથ્યા છે એ?
મિથ્યા છે અર્જુન નામ?
કહો ક્ષણમાં જ!
મિથ્યા કદી હોય જો એ
હૃદય આ ભાંગી એને વેરી દઉં.
એક કાનેથી એ બીજે કાન,
એક મુખેથી એ બીજે મુખ ભલે ભમે.
એનું નથી સ્થાન આ નારીના અંતરઆસને.

અર્જુન: અયિ વરાંગને, એ અર્જુન, એ પાંડવ,

એ ગાંડીવધનુ
ચરણે શરણાગત, એ તો ભાગ્યવાન.
એનું નામ, એની ખ્યાતિ, એનું શૌર્યવીર્ય
મિથ્યા હોય, સત્ય હોય, જે દુર્લભ લોકે
આપ્યું એને સ્થાન દાન, એ લોકથી
હવે એને કરો ન વિચ્યુત
ક્ષીણપુણ્ય હતસ્વર્ગ હતભાગ્ય જેમ.

ચિત્રાંગદા: તમે પાર્થ?
અર્જુન: હા, હું પાર્થ. દેવી તમારા હૃદયદ્વારે

પ્રેમાર્ત અતિથિ.

ચિત્રાંગદા: સાંભળ્યું છે બ્રહ્મચર્ય પાળે છે અર્જુન

બાર વર્ષ લગી.
એ જ વીર કામિનીની કરે આમ કામના શું
વ્રતભંગ કરી? હે સંન્યાસી, તમે પાર્થ?

અર્જુન: તમે તો હા, ભાંગી નાંખ્યું વ્રત મારું!

ચંદ્ર ઊગી જેવી રીતે નિમેષમાં ભાંગી નાંખે
નિશીથનો યોગગાઢ અંધકાર.

ચિત્રાંગદા: ધિક્, પાર્થ, ધિક્!

હું કોણ?
શું છે મારી કને?
મારી મહીં એવું તે શું દીઠું?
સમજી શું બેઠો મને?
કોને કાજે પોતાને તું ભૂલી ગયો?
ક્ષણ મહીં સત્યભંગ કરી
અર્જુનને કરી રહ્યો અનર્જુન કોને માટે?
મારે માટે નહીં.
મારાં આ બે નીલોત્પલ નયનને માટે.
મારા આ બે નવનીનિન્દિત બાહુપાશે
સવ્યસાચી અર્જુન બંધાઈ ગયો
છિન્ન કરી બંને હાથે સત્યનું બંધન.
ક્યાં છે પેલી પ્રેમની મર્યાદા?
ક્યાં છે પેલું નારીનું સન્માન?
હાય, મારો આ જે તુચ્છ દેહ
મને અતિક્રમી ગયો.
મૃત્યુહીન અંતરનો આ તો છદ્મવેશ ક્ષણસ્થાયી.
આ જ ક્ષણે જાણ્યું મેં તો
મિથ્યા ખ્યાતિ, મિથ્યા તારું વીરત્વ છે.

અર્જુન: ખ્યાતિ મિથ્યા, વીર્ય મિથ્યા, મેંય તે છે જાણ્યું આજે.

આજ મને સપ્તલોક સ્વપ્ન સમા ભાસી રહ્યા.
એકમાત્ર પૂર્ણ તું છે, સર્વ તું છે, વિશ્વનું
ઐશ્વર્ય તું છે.
એક નારી સકલ દૈન્યનું તું છે મહાઅવસાન.
સકલ દૈન્યની તું છે વિશ્રામરૂપિણી.
કોણ જાણે અકસ્માત્ તને જોઈ
પામી શકું કયા આનંદકિરણથી
પ્રથમ પ્રત્યૂષે અંધકાર મહાર્ણવે સૃષ્ટિશતદલ
દિગ્વિદિગે ઉન્મેષિત થયું હશે એક ક્ષણ મહીં.
અન્ય સૌને પલે પલે ધીરે ધીરે બહુ દિન પછીય
તે પામી શકું.
જ્યારે આ તો પ્રથમ ક્ષણે જ તને સમગ્ર
હું જોઉં
છતાં તારો પાર નહીં પામું.
કૈલાસશિખરે એક વાર મૃગયાશ્રાન્ત તૃષિત તાપિત
ગયો હતો દ્વિપ્રહરે કુસુમચિત્રિત માનસને તીરે
જેવું મેં ત્યાં જોયું
સુરસરસીના સલિલની સામે, ત્યાં જ દૃષ્ટે પડ્યું
અનંત અતલ, નમીને જ્યાં જોઉં ત્યાં ત્યાં
સ્વચ્છ જલ, મધ્યાહ્નની રવિરશ્મિરેખાવલિ
સ્વર્ણનલિનીના સુવર્ણમૃણાલ સાથે
ભળી અને શમી ગઈ અગાધ અસીમે,
કંપી રહી વળી વળી જલના હિલ્લોલે
લક્ષકોટિ અગ્નિમય નાગણની જેમ.
મને થયું ભગવાન સૂર્યદેવ સહસ્ર અંગુલિ થકી
નિર્દેશીને જન્મશ્રાન્ત કર્મકલાંત મર્ત્યજનોને
શું બતાવી ન રહ્યો જાણે — ક્યાં છે
પેલું સુંદર મરણ અનંત શીતલ.
એ જ સ્વચ્છ અતલતા નીરખી મેં તારી મહીં.
ચોમેરમાં દેવની અંગુલિ જાણે બતાવી
રહી છે મને
એ જ તારા અલોક આલોક મહીં
કીર્તિક્લિષ્ટ જીવનનું પૂર્ણ નિર્વાપન.

ચિત્રાંગદા: નથી હું આ, નથી હું આ. હાય, પાર્થ, હાય,

કિયાય તે દેવની આ છલના છે!
જાઓ, જાઓ, પાછા જાઓ, પાછા જાઓ, વીર!
મિથ્યાની કરો ના ઉપાસના,
શૌર્ય, વીર્ય, મહત્ત્વ જે આ તમારું
મિથ્યાને ચરણ આમ સમર્પી ન દો,
જાઓ, પાછા જાઓ!




વૃક્ષ નીચે ચિત્રાંગદા



ચિત્રાંગદા: હાય, હાય, આને કેમ કરી ચાલી જવા કહું?

આ જે થરથર વ્યાકુલતા વીરહૃદયની
તૃષાર્ત કંપિત એક સ્ફુલિંગનિઃશ્વાસી
હોમાગ્નિશિખાની જેમ, આ જે નયનની દૃષ્ટિ
અંતરના બાહુ જેમ, મારી પાછળ ન પડી હોય!
ઉત્તપ્ત હૃદય મારાં અંગેઅંગ ભેદી છેદી
છૂટવાને ચ્ હાય,
એનો જ ક્રંદનધ્વનિ મારા દેહમાં હું સુણી રહી.
આ તૃષ્ણાને હું કેમ કરી ચાલી જવા કહું?
(વસંત અને મદનનો પ્રવેશ)
હે અનંગદેવ, આ તે કયા રૂપહુતાશને
હોમી દીધી મને, હું તો બળી રહી અને
બાળી રહી.

મદન: કહો, તન્વી, ગઈ કાલે બન્યું જે કૈં.

મુક્ત પુષ્પશર મારું કયું કાર્ય ક્યાં જઈને
સાધી આવ્યું, સુણવાની ઇચ્છા મને થાય.

ચિત્રાંગદા: કાલ સંધ્યા સમે સરસીના તૃણપુંજતીરે

પાથરી’તી પુષ્પશય્યા વસંતના ફૂલે છાઈછાઈ,
શ્રાન્ત દેહે, અન્યમને ડાબા હાથ પરે મેલીને
અલસ શિર ચિંતવતી હતી ગત દિવસની કથા,
સુણી હતી મેં જે સ્તુતિ અર્જુનને મુખે
મનમાં હું એને ફરી ફરી કહી રહી.
દિવસનું સંચિત અમૃત બિંદુ બિંદુ લઈ
કરતી’તી પાન, ભૂલતી જતી હું પૂર્વ ઇતિહાસ
ગતજન્મની કો કથા જેમ,
જાણે હું તો રાજકન્યા ન’તી,
જાણે મારે ન’તો પૂર્વાપર,
જાણે હું તો એક જ દિવસ મહીં
ફૂટેલું કો અરણ્યનું પિતૃમાતૃહીન ફૂલ,
જાણે મારું એક જ પ્રભાતપૂરું આયું.
એમાં તો હું સુણી રહું ભ્રમરગુંજનગીત,
વનવનાંતનો આનંદમર્મર
અને પછી નીલાંબર થકી ધીરે નમાવીને દૃષ્ટિ,
નમાવીને ડોક, વાયુસ્પર્શે ખરી જવું, ધૂળ માંહી
સરી જવું
ક્રંદનવિહીન, અને એમ આદિઅંતહીન
કુસુમકાહિની મારી પૂર્ણ કરું.

વસંત: એક જ પ્રભાત મહીં ફૂટ્યું અનંત જીવન, હે સુંદરી.
મદન: સંગીતે જેવી રીતે ક્ષણિકની તાને ગુંજી

રડી ઊઠે અંતહીન કથા, ત્યાર પછી શું થયું
તે કહો!

ચિત્રાંગદા: વિચારતાં વિચારતાં દક્ષિણનો વાયુ વહી લાવ્યો

નિદ્રાનો હિલ્લોલ, સર્વાંગમાં વ્યાપી વળ્યો.
સપ્તપર્ણ શાખામાંથી ફુલ્લ માલતીની લતા
આલસ્યઆવેશે મારા ગૌર દેહ પરે
અર્પી રહી નિઃશબ્દ ચુંબન.
પુષ્પો, કંઈ અંબોડલે, કંઈ પદતલે,
કંઈ સ્તનતટે બિછાવી શું રહ્યાં
નિજ મરણશયન, અચેતને વહી ગઈ કંઈ ક્ષણો.
કોણ જાણે ક્યારે ગાઢ નીંદ મહીં કર્યો અનુભવ.
જાણે કોના મુગ્ધ નયનનો દૃષ્ટિપાત
દશ અંગુલિની જેમ મારા નિદ્રાલસ દેહને
શું સ્પર્શ કરે તીવ્ર કોઈ લાલાસથી.
ચમકી ત્યાં ઊઠીને હું જાગી ગઈ.
જોઉં છું તો સંન્યાસી પગ પાસે ઊભો રહ્યો
નિર્નિમેષ સ્થિર પ્રતિમૂર્તિ જેમ.
પૂર્વાચલ થકી ધીરે ધીરે સરી રહ્યો
પશ્ચિમની ભણી બારશનો ચંદ્ર,
એનો સમસ્ત હિમાંશુપુંજ ઢોળી રહ્યો
સ્ખલિતવસન મારા અમ્લાન નૂતન શુભ્ર
સૌંદર્યની પરે.
પુષ્પગંધે પૂર્ણ તરુતલ,
ઝિલ્લિરવે તન્દ્રામગ્ન નિશીથિની,
સ્વચ્છ સરોવરે અકંપિત ચન્દ્રકરચ્છાયા,
સુપ્ત વાયુ,
જ્યોત્સ્નાલોકે મસૃણ ને સ્નિગ્ધ
અંધકાર, પલ્લવનો પુંજ શિરે ધરી
સ્તંભિત અટવી,
એની જેમ છાયાસહચર દંડધારી બ્રહ્મચારી
દીર્ઘકાય વનસ્પતિ જેમ
ચિત્રાર્પિત ઊભા રહ્યા.
પ્રથમ આ નિદ્રાભંગ, એમાં ચારે કોર જોયું
અને મને થયું ક્યારે કયા વિસ્મૃત પ્રદોષે
વનને ત્યજી સ્વપ્નજન્મ પામી હતી
કોઈ એક અપરૂપ૨ મોહનિદ્રાલોકે
જનશૂન્ય મ્લાનજ્યોત્સ્ના વૈતરણીતીરે!
ઊઠી અને ઊભી રહી, મિથ્યા લજ્જાનો સંકોચ
સરી પડ્યો શ્લથ વસ્ત્ર જેમ પદતલે.
સુણી રહી, ‘પ્રિયે, પ્રિયતમે!’ ગભીર આહ્વાને
મારા એક દેહ મહીં સો સો જન્મ પામી એક સાથ.
કહી રહી, ‘લ્યો, લ્યો, મારું જે કૈં સર્વસ્વ છે
લઈ લ્યો, જીવનવલ્લભ!’ બંને બાહુ પ્રસાર્યા મેં,
ચંદ્ર અસ્ત થયો વને, અંધકારે ડૂબી ગઈ પૃથ્વી.
સ્વર્ગ મર્ત્ય, દેશકાલ, દુઃખસુખ, જીવનમરણ
અચેતન બની ગયાં અસહ્ય સ્ફુરણે.
પ્રભાતના પ્રથમ કિરણે, વિહંગના પ્રથમ સંગીતે
ડાબે હાથે ટેકો દઈ ધીરે ધીરે
શય્યામાંથી બેઠી થઈ, જોઈ રહી
સુખડૂબ્યો વીરવર.
એના હોઠ પરે પ્રભાતની ચંદ્રકલા જેવું
શ્રાન્ત હાસ્ય સોહી રહ્યું,
રજનીના આનંદનો જાણે શીર્ણ અવશેષ.
નિપતિત ઉન્નત લલાટપટે અરુણની આભા
મર્ત્યલોકે નવઉદયપર્વતે નવકીર્તિસૂર્યોદય
પ્રગટી ન રહ્યો જાણે!
નિઃશ્વાસ નાંખીને હું શય્યા ત્યાગી ઊભી થઈ,
માલતીની લતા હળવેથી નમાવી મેં નીચી.
સૂરજના કિરણની આડે સુપ્તમુખ ઢાંકી દીધું.
જોયું તો મેં ચારે બાજુ એની એ જ
પૂર્વપરિચિત પ્રાચીન પૃથ્વી.
એકાએક મન મહીં થયું નિજનું સ્મરણ,
પોતાની જ છાયાથી જે ત્રસ્ત એવી હરણી–શી હું
નવપ્રભાતના શેફાલિવિકીર્ણતૃણ—
વનસ્થલી પરે હવે જાણે ભાગી આવી,
એકાન્ત લતામંડપ નીચે બેસી
બંને હાથે મુખ ઢાંકી મને થયું
એક વાર રડી લઉં, પણ આંસુ નહીં સર્યાં.

મદન: હાય, માનવનંદિની, સ્વર્ગના કો આનંદના

દિવસને સ્વહસ્તે ભાંગીને ધરતીની એક રાત્રિ
પૂર્ણ કરી
અને એને જતનથી ધરી તારા અધર સન્મુખે
રતિથી ચુંબિત નંદનવનની સુગંધથી
મોહિત મધુર
એવી શચીની પ્રસાદસુધા એનું તને કરાવ્યું
મેં પાન, તોય તે આ શું ક્રંદન?

ચિત્રાંગદા: કોને, દેવ, કરાવ્યું આ પાન?

કોની તૃષા છિપાવી આ?
એ ચુંબન, એ પ્રેમસંગમ અત્યારે તો કંપી ઊઠ્યા
અંગ અંગ વ્યાપી વીણાના ઝંકાર જેવા,
એ તો મારા ન્ હોય!
લાંબી એવી સાધનાના ફલરૂપે
ક્ષણિક જ પ્રાપ્ત થાય પ્રથમ મિલન,
એ મિલન છલ કરી છીનવી છે લીધું!
આ માયાલાવણ્ય મારું એ ચિરદુર્લભ મિલનની
સુખદ સૌ સ્મૃતિ સાથે અતિસ્ફુટ પુષ્પદલ જેમ
ખરી જશે, અંતરથી દરિદ્ર આ સ્ત્રી
શૂન્યદેહે બેસી રે’શે દિવસ અને રાત.
મીનકેતુ, કઈ મહારાક્ષસીની સાથે બાંધી
દીધી મને
એની અંગસહચરી કરી, એની છાયા જેમ?
કેવો અભિશાપ!
ચિરતૃષાતુર લોલુપ અધર સમીપે આવ્યું ચુંબન
એણે પેલી રાક્ષસીએ કર્યું એનું પાન.
એ જ પ્રેમનો જે દૃષ્ટિપાત
આમ આગ્રહપૂર્ણ જ્યાં અંગ પરે પડે
અંકિત ત્યાં કરે વાસનાની રંગીન-શી ચિહ્નરેખા!
એ જ દૃષ્ટિ રવિરશ્મિ જેમ
ચિરરાત્રિતાપસિની કુમારી હૃદયપદ્મ પરે પડી
તેનેય તે ભૂલવીને પેલી રાક્ષસીએ ઝીલી લીધી.

મદન: કાલની આ રાત્રિ તો હા, વ્યર્થ ગઈ.

તટ કને આવી અને આશાભરી નાવ
પાછી ફરી તરંગઆઘાતે.

ચિત્રાંગદા: કાલ રાત્રે કશું ન’તું મન મહીં, દેવ!

સુખસ્વર્ગ સાવ જ નિકટ હતું.
પામી કે ન પામી
એની આત્મવિસ્મરણસુખે કરી ન મેં ગણના.
આજની આ સવારથી
નૈરાશ્ય ને ધિક્કારના આવેગથી
અંદર ને અંદર જ હૃદય આ ભાંગી જાય.
એક પછી એક બધી રજનીની વાત
મારા સ્મરણમાં ઊભરાય.
એની ચેતના તો પ્રગટે છે વિદ્યુત-શી વેદના.
એ તો સપત્નીની જેમ વસી ગઈ
અંદર ને બહાર, હવે એને ભૂલી નહીં શકું.
સપત્નીને સજાવીને સ્વહસ્તે સયત્ને
પ્રતિદિન વસાવવી રહી
મારી આકાંક્ષાના તીર્થ જેવી વાસરશય્યાની પરે.
અવિશ્રામ એની સાથે રહી
પ્રતિક્ષણ જોવો રહ્યો થઈ રહ્યો એનો જે આદર.
અરે, દેહના આ સોહાગથી
અંતર તો જલી રહ્યું હિંસાનલે.
આવો શાપ નરલોકે મળ્યો હશે કોઈનેયે?
હે અતનુ, તારો આશીર્વાદ પાછો લે તું!

મદન: મારો આશીર્વાદ જો હું પાછો લઉં

છલનાનું આવરણ ખોલી અને ફગાવીને
પછી કાલની સવારથી તું કેવીય તે લજ્જા સાથે
ઊભી રે’શે પાર્થની સન્મુખ
કુસુમપલ્લવહીન હેમંતની હિમશીર્ણ લતા જેમ!
પ્રમોદનો પ્રથમ આ સ્વાદ આપી અલ્પમાત્ર,
મુખથી જો સુધાપાત્ર ખસેડીને ધૂળ મહીં
રોળી નાંખે
તો અકસ્માત આઘાતથી ચમકી
એ કેવાય આક્રોશથી તારી ભણી જોઈ રે’શે?

ચિત્રાંગદા: એ જ ઠીક,

પેલી છદ્મરૂપિણીથી શતગુણ શ્રેષ્ઠ છું હું!
હવે તો હું સ્વયમ્ પોતાને હા, પ્રગટીશ.
અને એમને આ ગમતું ના હોય,
ઘૃણા કરી ચાલી જવું હોય,
હૈયાફાટ રડી રડી મરવાનું હોય મારે,
તોય હું તો હું જ રહું એ જ ઠીક, ઇન્દ્રસખે!

વસંત: સુણ મારી કથા!

ફૂલને તો ફૂટ્યા પછી, પરિપક્વ થયા પછી જ તે
ફલરૂપે પ્રગટવું રહ્યું.
યથાકાળે ખરી જશે આપમેળે
તાપ મહીં તપી તપી
લઘુ તારા લાવણ્યનો ભાર,
ત્યારે તું તો પોતાના જ ગૌરવથી પ્રગટશે.
તને નીરખીને નિજને શું નૂતન સૌભાગ્ય
પ્રાપ્ત થયું માનશે ફાલ્ગુની.
જા, પાછી જા, વત્સે, યૌવનઉત્સવે!




અર્જુન અને ચિત્રાંગદા




ચિત્રાંગદા: શું જુઓ છો, વીર?
અર્જુન: જોઉં છું કે પુષ્પવૃન્ત લઈ

કોમલ અંગુલિ રચી રહી માલા,
નિપુણતા ચારુતા બે સખી મળી રમી રહી
દિનભર ચંચલ ઉલ્લાસે તારી આંગળીઓનાં ટેરવે,
જોઉં છું ને મનમાં હું વિચારું છું.

ચિત્રાંગદા: મનમાં શું વિચારો છો?
અર્જુન: વિચારું છું આવી રીતે સુંદર કરે ધરી

આ રંગીન સ્પર્શ કેરા રસે પ્રવાસના દિવસોને
ગૂંથી ગૂંથી, પ્રિયે, રચીશ તું માલા,
કંઠ પર ધારી અક્ષય આનંદહાર
સંગાથે હું લઈ જાઉં જ્યારે પાછો ફરું ઘરે.

ચિત્રાંગદા: આ પ્રેમનું તે ઘર હશે?
અર્જુન: ઘર નથી?
ચિત્રાંગદા: નથી. ઘરે લઈ જશો? ઘરની તો વાત જ ન કરો.

ઘર તો નિત્યનું. જે કંઈ નિત્ય તેને ઘરે લઈ જઈ શકો.
અરણ્યનું ફૂલ સુકાઈ જો જાય,
ઘરે એને ક્યાંથી રાખો અનાદર કેરા
પાષાણની મહીં?
એથી તો આ અરણ્યના અંતઃપુરે
નિત્ય નિત્ય જ્યાં અંકુરો સહુ સડી જાય,
પલ્લવ સૌ પડી જાય, કેસર સૌ ઝરી જાય
પુષ્પો સહુ ખરી જાય, ક્ષણ મહીં જીવન
જ્યાં ફૂટે
અને ક્ષણ મહીં તૂટે,
દિનાંતે આ મારીય તે રમત જો પૂરી થાય
ત્યારે હુંયે અરણ્યના શત શત શમી જતા
સુખ સાથે
શમી જાઉં મન મહીં કશાય તે દુઃખ વિના.

અર્જુન: માત્ર આટલું જ?
ચિત્રાંગદા: આટલું જ માત્ર. વીરવર, તને વળી દુઃખ કેવું?

નિરાંતના દિને જે કૈં તને ગમી જાય
નિરાંતના દિને તે તે બધું ભોગવી તું લેજે!
સુખને જો એથી વધુ કાળ બાંધી રાખો
તો તો સુખ દુઃખ બની જાય,
જેવું આવે તેવું સ્વીકારવું,
જે કૈં ક્ષણો આવે તેટલી જ ક્ષણો ભોગવવું.
કામનાના પ્રાતઃકાળે જે જે કંઈ ઝંખ્યું હોય
તૃપ્તિની સંધ્યાના સમે આશા એની કરવાની
હોય નહીં.
દિન ઢળ્યો, લ્યો આ માળા, ધરો કંઠે,
શ્રાંત મારો દેહ ધારો એને બાહુ મહીં, વીર!
અધરના સુખસંમિલને સંધિ કરો,
મિથ્યા અતૃપ્તિને ક્ષાંત કરો,
પ્રણયના સુધામય ચિરપરાજયે
પરસ્પર બાહુબંધે બંધાઈ ’રો!


અર્જુન: સાંભળો તો પ્રિયતમે, વનાંતના દૂર લોકાલયે

આરતીનો શાંતિશંખ બજી રહ્યો!



મદન અને વસંત




મદન: હું પંચશર, હે સખા, એક શરે હાસ્ય,

અશ્રુ એક શરે, એક શરે આશા,
અન્ય શરે ભય, એક શરે વિરહ મિલન
આશા ભય દુઃખ સુખ એકસાથે.

વસંત: શ્રાંત છું હું, ક્ષાંતિ આપો સખા!

હે અનંગ, પૂર્ણ કરો તમારો આ રણરંગ.
રાતદિન સચેતન રહી તમારો આ હુતાશન
કેટલાય કાળ લગી મારે હવે પ્રજાળવો?
મહીં મહીં આંખ મારી ઘેરાય છે,
પાંખ મારી બિડાય છે અને ભસ્મ મહીં
મ્લાન બની જાય છે આ મારી તપ્તદીપ્તિ.
ચમકીને જાગી હવે નવશ્વાસે
પ્રગટું છું એની નવઉજ્જ્વલતા.
હવે મને વિદાય આપો, હે સખા!

મદન: જાણતો જ હતો કે તું અનંતઅસ્થિર ચિરશિશુ!

ચિરદિન બંધનવિહીન દ્યુલોકે ભૂલોકે
ખેલી રહ્યો બહુકાળ લગી એકાંતમાં,
જતનથી જે જે કંઈ સુંદર તું રચી રહે
ક્ષણમાં જ ધૂળ મહીં રગદોળે, પાછું નહીં જુએ!
હવે બહુ દિન નથી, આ આનંદથી ચંચલ
સહુ દિન તારા, તારી પાંખોના આ સુસવાટે
અતિવેગે ઊડી રહ્યા, ખરેલા કો પાંદડાની જેમ.
હર્ષહીન વર્ષ તારું પૂરું થવા આવ્યું.



અરણ્યમાં અર્જુન




અર્જુન: પ્રભાતે જ્યાં નિદ્રામાંથી જાગ્યો

સ્વપ્નલબ્ધ અમૂલ્ય રતન પામ્યો,
પૃથ્વી પરે એને પાત્ર એકેય તે સ્થાન નથી,
એને જડવાને એકેય મુગટ નથી,
તો એને ફગાવી દઉં એવો હું કો નરાધમ૩ નથી.
એથી તો એ જ્યારથી આ હાથ મહીં આવી પડ્યું
ત્યારથી આ ક્ષત્રિયના બાહુ છતાં
ચિરરાત્રિ, ચિરદિન કર્તવ્યવિહીન બની ગયા.
(ચિત્રાંગદાનો પ્રવેશ)

ચિત્રાંગદા: મનમાં શું વિચારો છો?
અર્જુન: વિચારું છું મૃગયાની કથા. પેલું જુઓ,

વૃષ્ટિધારા ઝરી રહી પર્વતના શૃંગે,
અરણ્યમાં ઘનઘોર છાયા,
સરિતાનો જલપટ ઊભરાય,
કલકલનાદના ઉપહાસથી
કિનારાના બંધનથી અવહેલા કરી રહ્યો,
મનમાં હું વિચારું છું આવા કોઈ વર્ષાદિને
અમે પાંચે ભાંડુ મળી શિકારે સૌ જતા
ચિત્રક અરણ્ય વિશે, આખોય દિવસ
ઉત્સાહમાં જતો તાપહીન સ્નિગ્ધ અંધકારે,
ગભીર કો મેઘરવે હૃદય આ નાચી રે’તું,
ઝરઝર વૃષ્ટિધારે મુખરિત નિર્ઝરના
કિલ્લોલિત ઉલ્લાસમાં સાવધાન
પદશબ્દ સુણી શકતું ન મૃગ,
ચિત્રવ્યાઘ્ર પંજાની સૌ ચિહ્નરેખા
પથપંક પરે મૂકી જતો,
એમની સૌ ગુફાઓને નિર્દેશી જે જતી,
કૈકારવે થતું અરણ્ય ધ્વનિત,
શિકારને પૂરો કરી પાંચે ભાઈ
વર્ષોના સૌભાગ્યગર્વે સ્ફીત એવી સરિતાને
શરતથી તરી જઈ પાર કરી જતા,
આવી રીતે કરું જો હું મૃગયા!
આવું કંઈ મનમાં હું વિચારું છું.

ચિત્રાંગદા: હે શિકારી, જે મૃગયા આદરી છે

એને એક વાર પૂર્ણ કરો!
બરાબર જાણો છો શું સ્વર્ણમાયામૃગ
હવે તમારા આ હાથમાં છે?
ના, ના, નથી. એ વન્ય હરણી
પોતાના જ હાથમાં જ્યાં રે’તી નથી.
ક્ષણેકમાં કોણ જાણે ક્યારે
એ તો સ્વપ્ન જેમ છટકી જ્યાં જાય છે.
ક્ષણેકની લીલા એ તો સહી શકે,
ચિરકાળનું બંધન એ ના વહી શકે.
જુએ તો, આ વાયુની ને વૃષ્ટિની શી લીલા
મચી રહી.
શ્યામ વર્ષા પવનની પીઠ પરે
નિમેષમાં સહસ્ર કૈં શર ફેંકી રહી.
છતાં એ પ્રબળ મૃગ અક્ષત અજેય ધસ્યો જાય,
એવી જ છે નાથ, મારી ને તમારી આ લીલા.
આ વર્ષાના દિને, ચંચલાનો પ્રાણપણે કરોને શિકાર,
જે કૈં શર, જે કૈં અસ્ત્ર હોય પાસે
તે સૌ એકસાથે એકાગ્ર થૈ વરસાવો!
કદી હોય અંધકાર, કદી હોય ચમકીને હસી
જતો ચકિત પ્રકાશ.
કદી હોય સ્નિગ્ધ વર્ષા, કદી હોય દીપ્ત
વજ્રજ્વાલા,
માયામૃગી મેઘાચ્છન્ન પૃથ્વી પરે
નિરંકુશ નિરંતર ધસી રહી.



મદન અને ચિત્રાંગદા

ચિત્રાંગદા મદન અને વસંત




ચિત્રાંગદા: હે મન્મથ, કોણ જાણે મારાં સહુ અંગેઅંગે

શેનોય તે લેપ તમે લેપી દીધો!
તીવ્ર કોઈ મદિરાની જેમ રુધિરમાં
ભળી જઈ મારામાં આ ઉન્માદ શો પ્રગટાવ્યો!
પોતાના જ ગતિગર્વે મત્ત
એવી મૃગી હું તો મુક્તકેશે ધસી રહી,
ઉચ્છ્વસિત વેશે પૃથ્વીનું ઉલ્લંઘન કરી રહી.
ધનુર્ધર ઘનશ્યામ શિકારીને
આશાહતપ્રાયઃ કરી પરિશ્રાંત કરી રહી,
વને વને અહીંતહીં ભમાવું છું એને,
નિર્દય વિજયસુખે કૌતુકનું હાસ્ય હસી રહી,
આ રમતમાં ભંગ પડે એવો મને ભય.
હવે જો હું ક્ષણ પણ સ્થિર રહું
ક્રંદનથી હૃદય આ ફાટી જાય!

મદન: ધીરજ તું ધર! રમત આ મેલી ન દે!

આ તો સૌ મારો ખેલ, છૂટ્યું જ્યાં આ બાણ
તૂટ્યું જો હૃદય, આજ મારી મૃગયા તો અરણ્યમાં
નવવર્ષાકાલે, કર એને શ્રાંત,
કર એને પદાનત, બાંધ એને દૃઢ બંધે,
સહેજ પણ દયા હવે કર નહીં,
હસી હસી જર્જર તું કર એને,
અમૃત ને વિષ થકી ભર્યા ક્ષરવાક્યના કો
બાણ વડે
છાતી એની વીંધી નાંખ, શિકારમાં દયા જ ન હોય!



અર્જુન અને ચિત્રાંગદા



અર્જુન: તારે કોઈ ઘર નથી, પ્રિયે?

વિરહમાં તારા કોઈ પ્રિય પરિજન
ઝૂરતા જ્યાં હોય? નિત્ય સ્નેહ સેવા કરી
જે આનંદપુરી સુધામય કરી રાખી
ત્યાંના પ્રદીપને હોલવીને અરણ્યમાં ચાલી આવી?
તારા શૈશવની સ્મૃતિ રડી રહી હોય
એવું કોઈ સ્થાન નથી?

ચિત્રાંગદા: પ્રશ્ન શાને? આપણો આ આનંદ શું ઓસરતો

જાય છે?
મને જેવી જુઓ છો આ, તેવી છું હું.
બીજો કશો પરિચય નથી.
પ્રભાતમાં કિંશુકના કોઈ એક પલ્લવના
પ્રાંતભાગે કોઈ એક શિશિરકણિકા જે આ
ઝૂલી રહી
એનું કોઈ નામઠામ હશે?
એનો તમે કેવી રીતે પરિચય કરો?
તમે જેને ચાહો છો તે આ શિશિરની કણિકાના
જેવી નામઠામહીન!

અર્જુન: પૃથ્વી પરે એને કોઈ બંધન શું નહીં હોય?

એક બિંદુ સ્વર્ગ-શું આ ભૂમિ પરે ભૂલું પડ્યું?

ચિત્રાંગદા: એમેયે તે હોય!

માત્ર ક્ષણેક જ પોતાની સૌ ઉજ્જ્વલતા
અરણ્યના કુસુમને અર્પી દીધી.

અર્જુન: એથી જ તો આ પ્રાણ મારો સદાય તે

‘ખોવાઈ તું, ખોવાઈ તું’ રટી રહ્યો,
તૃપ્તિ નથી પામ્યો, શાંતિ નથી જાણી.
સુદુર્લભે, આવ, અહીં પાસે આવ!
નામ ધામ ગોત્ર ગૃહ વાક્ય દેહ મન
એવાં કૈ સહસ્ર બંધનથી બાંધ મને, પ્રિયે!
જેથી ચારે કોર ઘેરી તને સ્પર્શી રહું!
નિર્ભય નિર્ભર કરું વાસ!
નામ નથી? તો હું કયા પ્રેમમંત્રે
હૃદયમંદિર મહીં તારી પૂજા કરું?
ગોત્ર નથી? તો કયા મૃણાલ મહીં કમળ હું ધારી રહું?

ચિત્રાંગદા: નથી, નથી, નથી. જેને બાંધવાને ચાહો

એ તો ક્યારેય તે બંધનને જાણતી જ નથી.
એ તો માત્ર મેઘની સુવર્ણછટા,
કુસુમની ગંધ, તરંગની ગતિ.

અર્જુન: એવાને જે ચાહે તે સાચે દુર્ભાગી!

પ્રિયે, પ્રેમના આ કર વિશે ધરો નહીં
આકાશકુસુમ,
હૃદયમાં ધારવાનું ધન આપો એને
સુખેદુઃખે, સુદિને દુર્દિને!


ચિત્રાંગદા: આટલું આ વર્ષ જાય નહીં જાય

એટલામાં શ્રાંતિ? હાય હાય, હવે જ તો જાણ્યું
પુષ્પનું આ અલ્પ આયુ તો છે દેવતાનો આશીર્વાદ!
ગત વસંતના મૃત પુષ્પ સાથે
ખરી પડ્યો હોતને જો મોહન આ દેહ મારો
આદરથી મરી ગઈ હોત તો હું!
બહુ દિન નથી, પાર્થ! જેટલા કૈં દિવસો છે
કુતૂહલે આશા છોડી આનંદનું મધુ
નિઃશેષપણે પાન કરો! અને આમ વળી વળી
સ્મૃતિ કેરી ગુહા વિશે પાછા નહીં ફરો!
ગતસંધ્યા કેરી ચ્યુતવૃંત માધવીની આશા રાખી
તૃષિત કો ભ્રમરની જેમ પાછા નહીં ફરો!




વનચરગણ અને અર્જુન



વનચર: હાય, હાય, રક્ષા કરે કોણ?

અર્જુન: થયું છે શું?

વનચર: ઉત્તરપર્વત થકી ધસી રહ્યું દસ્યુદલ

વર્ષાકાલે છલકાતી સરિતાના વેગ જેમ
નગરનો નાશ કરવાને.


અર્જુન: રાજ્યમાં આ રક્ષક શું નથી કોઈ?

વનચર: રાજકન્યા ચિત્રાંગદા હતી એક

દુષ્ટજન દમવાને કાજ, એથી કરી એકમાત્ર
યમ વિના
રાજ્ય મહીં નો’તો કોઈ ભય, સાંભળ્યું છે
એ તો ગઈ તીર્થયાત્રા કાજ, અજ્ઞાત ભ્રમણવ્રતે.


અર્જુન: રાજ્યની આ રક્ષક શું રમણી છે?

વનચર: વહાલભૂખી પ્રજાની એ એકસાથે માતા ને

પિતાની સમાન છે,
સ્નેહમાં એ રાજમાતા, વીર્યમાં એ યુવરાજ.


(પ્રસ્થાન)
(ચિત્રાંગદાનો પ્રવેશ)


ચિત્રાંગદા: મનમાં શું વિચારો છો, નાથ?

અર્જુન: રાજકન્યા ચિત્રાંગદા કેવી હશે?

એને નથી જાણતો હું.
એને વિશે મનમાં હું વિચારું છું.
દિનપ્રતિદિન સાંભળું છું શતમુખે એની કથા
નવ નવ અપૂર્વ સ્વરૂપે.


ચિત્રાંગદા: એ તો કુત્સિત ને કુરૂપ છે.

નથી એની આવી બંકિમ ભૃકુટિ,
નથી એની આવી કૃષ્ણશ્યામ કીકી,
એના કઠિન સબલ બાહુ શીખ્યા વીંધવાને લક્ષ્ય
પરંતુ એ આમ બાંધી નહીં શકે વીરનું હૃદય
એના સુકોમલ નાગપાશે.


અર્જુન: કિંતુ સાંભળ્યું છે એ તો સ્નેહે નારી, વીર્યે એ પુરુષ.

ચિત્રાંગદા: છી, છી. એ જ તો છે એનું મંદભાગ્ય.

નારી માત્ર નારી હોય,
માત્ર ધરિત્રીની શોભા હોય,
માત્ર તેજ, માત્ર પ્રેમ હોય,
માત્ર સુમધુર છલે, શતરૂપ લાડકોડે
પલે પલે જોડે તોડે, આંકે બાંધે, હસે રડે,
સેવામાં ને સોહાગમાં સદાયની તત્પર રે’
ત્યારે એનો સાર્થક જનમ!
એને વળી કર્મકીર્તિ, વીર્યબલ
દીક્ષાશિક્ષા એ બધાંનું કામ શું છે?
એ પૌરવ, કાલ એને જોઈ હોત આ જ વનપથ પર
આ જ પૂર્ણાતીરે, એ જ દેવાલય મહીં
હસી તમે ચાલ્યા જાત!
હાય, હાય, આજ નારીના સૌંદર્ય વિશે
એટલી શું ઊપજે છે અરુચિ
કે નારી વિશે શોધવો છે પૌરુષનો સ્વાદ?
આવો, નાથ! આમ જુઓ, ગાઢી છાયા,
પર્વતની ગુફાના આ મુખ પાસે
થોડા થોડા પીતશ્યામ કિસલય ચૂંટી
આર્દ્ર કરી ઝરણાના શીકરનીકરે
બિછાવી મેં રાખ્યું અહીં મધ્યાહ્નશયન.
ગભીર પલ્લવછાંયે બેસી ક્લાંતકંઠે રડે છે કપોત
‘વેળા જાય, વેળા જાય’ એમ બોલી.
કલ કલ વહી રહી નદી છાયાતલે.
શિલાખંડે સ્તરે સ્તરે
સરસ સુસ્નિગ્ધ સિક્ત શ્યામલ શૈવાલ
નયનચુંબન કરે કોમલ અધરે.
આવો, નાથ, વિરલ વિરામે.

અર્જુન: આજ નહીં, પ્રિયે!
ચિત્રાંગદા: એમ કેમ, નાથ?
અર્જુન: સાંભળ્યું છે દસ્યુદલ ધસી રહ્યું જનપદ સંહારવા,

મારે સહુ ભીતજન રક્ષવા છે.

ચિત્રાંગદા: કશો ભય નથી, પ્રભુ! તીર્થયાત્રાકાલે

રાજકન્યા ચિત્રાંગદા સ્થાપી ગઈ કુશળ પ્રહરી
સ્થળે સ્થળે, વિપદનો જે જે કોઈ માર્ગ
એને વિશે પૂરેપૂરું વિચારીને
તે તે માર્ગ બંધ કરી.

અર્જુન: તોયે હવે આજ્ઞા કરો, પ્રિયે!

અલ્પકાળ કર્તવ્યપાલન કરું.
બહુદિન અલસ આ રહ્યા મારા ક્ષત્રિયના બાહુ.
સુમધ્યમે, ક્ષીણકીર્તિ એવા મારા બંને બાહુ
ફરી એક વાર નવીન ગૌરવે સોહાવીને
તારા મસ્તકની નીચે જતનથી રાખું,
ત્યારે થશે તારું યોગ્ય ઉપાધાન.

ચિત્રાંગદા: અને જો હું નહીં જવા દઉં!

અને બાંધી રાખું! બંધન શું તોડી જશો?
તો તો જાઓ, પણ એટલું તો નક્કી જાણો
વૃક્ષથી જો એક વાર છૂટી પડી લતા
વળગે ન કદી પાછી વૃક્ષે.
તૃપ્ત તમે થયા હો તો જાઓ, મના નહીં કરું.
અને તૃપ્ત જો ન થયા હો તો એટલું તો
નક્કી જાણો
સુખની આ લક્ષ્મી બહુ ચંચલ છે.
કોઈ પાસે ટકે નહીં, કોઈની એ સેવાદાસી નથી.
એની સેવા કરે સહુ નરનારી,
નિશદિન દૃષ્ટિ સામે પ્રસન્ન એ રે’ ત્યાં લગી
અતિશય ભય થકી.
સુખની આ કલિકાને રાખી આમ જશો,
કર્મક્ષેત્રમાંથી પાછા ફરી સંધ્યાકાલે જોશો
ત્યારે એની પાંખડીઓ ખરી પડી હશે ભૂમિ પરે,
સર્વ કર્મ વ્યર્થ થશે ત્યારે.
ચિરદિન રહી જશે જીવનમાં જીવંત અતૃપ્તિ
ક્ષુધાપૂર્ણ.
આવો, નાથ, બેસો, કેમ આજે આમ આવા
ઉદાસ છો?
મન મહીં વાત કોની વિચારો છો?
ચિત્રાંગદા? આજ એનું આટલું શેં સદ્ભાગ્ય?

અર્જુન: વિચારું છું વીરાંગના કોને કાજે ધરી રહી

આટલું કઠોર આ વ્રત? એને શેનો અભાવ છે?

ચિત્રાંગદા: એને શેનો અભાવ છે? એ તો અભાગિની!

એની પાસે હતું જ શું?
વીર્ય એનું રચી રહ્યું અભ્રભેદી દુર્ગમ કો દુર્ગ
ચારે કોર અવરુદ્ધ કરી
રુદ્યમાન એવું રમણીહૃદય.
રમણી તો સહજ જ અંતરવાસિની.
સંગોપને રાખે નિજને એ.
કોણ એને જોઈ શકે? હૃદયનું પ્રતિબિંબ
દેહની શોભામાં જો ન પ્રકાશિત થાય?
એને શેનો અભાવ છે?
અરુણલાવણ્યલેખા ચિરનિર્વાપિત
ઉષાની સમાન જે રમણી
પોતાને શતસ્તર તિમિરના તલે રૂંધી રાખે
વીર્યશૈલશૃંગ પરે નિત્ય એકાકિની,
એને શેનો અભાવ છે?
છોડો, છોડો એની વાત,
પુરુષના શ્રવણને યોગ્ય નથી એનો ઇતિહાસ!

અર્જુન: બોલો, બોલો! મારી શ્રવણની લાલચ આ

વધી રહી ક્રમે ક્રમે.
મારું આ હૃદય અનુભવ કરે એના હૃદયનો.
હું તો જાણે પાન્થ, પ્રવેશ મેં કર્યો
જાણે કોઈ અપરૂપ૪ દેશે અધરાતે,
નદીગિરિવનભૂમિ નિદ્રાધીન
શુભ્રસૌધકિરીટિન્ ઉદાર નગરી
છાયા સમ અર્ધસ્ફુટ દેખાય છે.
સુણાય છે સાગરગર્જન.
પ્રભાતના પ્રકાશમાં વિચિત્ર વિસ્મયે
જાણે પ્રગટે છે ચારે દિશા
એની જેમ પ્રતીક્ષા હું કરી રહ્યો ઉત્સુક હૃદયે.
બોલો, બોલો, સાંભળવા ચાહું છું હું એની વાત.

ચિત્રાંગદા: હવે તે શું સાંભળશો?
અર્જુન: જોઈ શકું એને,

ડાબે હાથે અશ્વરશ્મિ ધરી અવહેલે,
જમણામાં ધનુશર ધરી નગરની
વિજયલક્ષ્મી સમાન
આર્તપ્રજાને એ અર્પી રહી અભયનું વરદાન.
દારિદ્રનાં સંકીર્ણ સૌ દ્વાર પરે
રાજાનો મહિમા પ્રવેશવા જતાં
જાણે નીચો પડે ત્યાં ત્યાં માતૃરૂપ ધરીને
એ કરી રહી કરુણાનું વિતરણ.
સિંહણની જેમ ચારે કોર સંતાનોને રક્ષી રહી.
એના ડરે શત્રુ કોઈ પાસે જ ન આવે.
ફરી રહી મુક્તલજ્જા ભયહીના પ્રસન્નહાસિની
વીર્યસિંહ પર ચડી જગદ્ધાત્રી દયા.
રમણીના કમનીય બેઉ બાહુ પરે
સ્વાધીન એ અસંકોચ બલ,
તુચ્છ લાગે એની પાસે રણઝણ થતી કંકણકિંકિણી.
અયિ વરાંગને, બહુ દિન કર્મહીન
એવો જે આ મારો પ્રાણ શિશિરની
દીર્ઘ એવી નીંદમાંથી જાગી જતાં ભુજંગની જેમ
કેટલો અશાંત થૈ ઊછળે છે.
ચાલો, ચાલો, મત્ત એવા અશ્વ લઈ
દીપ્ત કો બે જ્યોતિષ્કની જેમ
બ્ હાર ચાલ્યા જશું રુદ્ધ સમીરણ
અને તીવ્ર પુષ્પગંધની આ મદિરાથી
નિદ્રાઘનઘોર એવા અરણ્યના અંધારની બ્ હાર.

ચિત્રાંગદા: હે કૌંતેય, આ લાલિત્ય, કોમલભીરુતા,

સ્પર્શભયે સંકોચાતા શિરીષના ફૂલ જેવું રૂપ
છિન્ન કરી ઘૃણા થકી ફેંકું
તારા પદતલે પરાયા કો વસ્ત્રખંડ જેમ
એ ક્ષતિ કેમ કરી સહી શકો?
કામિનીની છલકલા માયામંત્ર દૂરી કરી
ઊઠી ઊભી રહું જ્યારે સરલ ઉન્નત
વીર્યમંત અંતરના બલે, વાયુસ્પર્શે નમ્ર ને સુંદર
પર્વતના તેજસ્વી ને તરુણ કો તરુ જેમ,
કિન્તુ નિત્યની કોઈ કુંઠિત લુંઠિત લતિકાની
જેમ નહીં,
એ શું સારું લાગે પુરુષની દૃષ્ટિ સામે?
રાખો, રાખો, એથી તો આ જેમનું છે તેમ
જ ઠીક છે.
આ યૌવન તો બેચાર દિવસનું બહુમૂલ્ય ધન,
સજાવીને સત્યને પથ પર પ્રતીક્ષતી બેસી રહું,
અવસર આવે ત્યારે પોતાની આ સુધા
દેહપાત્રે આકર્ણ સંભરી કરાવીશ પાન.
સુખસ્વાદે શ્રાંતિ પામી
ચાલ્યા જજો કર્મના સંધાને.
પુરાતન થતાં જે કૈં સ્થાન મળે
એ જ સ્થાને પડી રહું પડખે હું.
રાત્રિની આ ક્રીડાસહચરી
જ્યારે બને દિવસની કર્મસહચરી,
સતત પ્રસ્તુત બને ડાબો હાથ
જમણા આ હાથનો જ અનુચર,
એ શું સારું લાગે વીરજન કને?

અર્જુન: સમજતો નથી તારું રહસ્ય આ.

આટલાય દિન પછી પામું ન સંધાન.
તું તો જાણે વંચિત કરે છે મને ગુપ્ત રહી સદા.
તું તો જાણે દેવીની સમાન
પ્રતિમાના અંતરાલે રહી મને દાનમાં તું આપી
રહી અમૂલ્ય ચુંબનરત્ન, આલિંગનસુધા.
પોતે કશું ચાહે નહીં, લે જ નહીં.
અંગહીન છંદહીન પ્રેમ અંતરમાં પ્રતિક્ષણે
પરિતાપ જગાવે છે.
તેજસ્વિની, પામું તારો પરિચય
વચ્ચે વચ્ચે વાતમાં ને વાતમાં જ.
એની પાસે તારો જે આ સૌંદર્યનો રાશિ
લાગી રહ્યો મૃત્તિકાની મૂર્તિમાત્ર;
નિપુણચિત્રિત શિલ્પજવનિકા!
વળી વળી થાય મને તારું જે આ રૂપ ધર્યું છે
તે તારું નથી, કંપી રહ્યું ઝલમલ.
નિત્યદીપ્ત હાસ્ય વિશે અશ્રુ કરે વાસ.
વળી વળી છલછલ કરી ઊઠે
મુહૂર્તમાં ફાટી પડે તૂટી જાય આવરણ.
સાધકની પાસે પ્રથમથી ભ્રાંતિ આવે
મનોહર માયાકાયા ધરી,
ત્યાર પછી દર્શન દે સત્ય
ભૂષણવિહીન રૂપે પ્રકાશી રહે ભીતર ને બહાર.
એ જ સત્ય ક્યાં છે વસી રહ્યું તારી મહીં?
આપ મને, અને મારું જે આ સત્ય લઈ લે તું.
શ્રાંતિહીન આ મિલન ચિરદિવસનું.
અશ્રુ કેમ, પ્રિયે? બાહુ મહીં છુપાવો છો મુખ?
શેની છે આ વ્યાકુલતા? દુઃખ નથી થયુંને
હે પ્રિય, તને?
રહેવા દો, રહેવા દો!
મનોહર જે આ રૂપ પુણ્યફલ મારું!
સંગીત જે આ સાંભળું છું વળી વળી
વસંતના સમીરણે, યૌવનની યમુનાને પેલે પાર
એ જ મારું બહુભાગ્ય! આ વેદના જ
મારું સુખ થકી અદકું છે સુખ,
આશાથીયે અદકી છે આશા.
આ હૃદયથીયે એ તો વધુ છે વિશાળ,
એથી એને હૃદયની વ્યથા કહું, પ્રિયે!


૧૦
મદન, વસંત અને ચિત્રાંગદા




મદન: છેલ્લી રાત્રિ આજ.
વસંત: આજ રાત્રિ–અવસાને તારી દેહશોભા

વસંતના અક્ષય ભંડાર મહીં લુપ્ત થશે.
પાર્થની ચુંબનસ્મૃતિ ભૂલી જઈ તારો ઓષ્ઠરાગ
બે નૂતન કિસલયે મ્ હારી જશે લતા પરે.
અંગનું વરણ તારું શત શ્વેત ફૂલે
ધરીને નૂતન દેહ ગત જન્મકથા ત્યજી જશે
સ્વપ્ન જેમ નવ જાગરણે.

ચિત્રાંગદા: હે અનંગ, હે વસંત, તો તો આજ રાત્રે મુમૂર્ષુ

આ રૂપ મારું છેલ્લી રજનીમાં શ્રાંત પ્રદીપની
અંતિમ શિખાની જેમ ઉજ્જ્વલતમ બનીને
પ્રકાશશે.

મદન: ભલે તેમ થાઓ! સખા, દક્ષિણનો વાયુ

વહી જા તું પ્રાણપૂર્ણ વેગે.
અંગે અંગે ઉચ્છ્વસિત થાઓ ફરી એક વાર
નવોલ્લાસે યૌવનનો ક્લાંત મંદ સ્રોત.
અને હું આ મારા પંચ પુષ્પશરે નિશીથનો
નિદ્રાભંગ કરી
ભોગવતી તટિનીના તરંગ ઉચ્છ્વાસે પ્લાવિત કરી
બાહુપાશે બદ્ધ કરું બંને પ્રેમીઓનો દેહ!



૧૧
છેલ્લી રાત્રિ

અર્જુન અને ચિત્રાંગદા



ચિત્રાંગદા: પ્રભુ, છીપી છે કે તૃષા?

આ જે સુલલિત સુગઠિત નવનીતકોમલ
સૌંદર્યની જે સુગંધ, એનું જે કૈં મધુ
એ સકલનું કરી લીધું પાન?
હવે કશું બાકી રહ્યું? હવે કશું ચાહો?
મારી પાસે હતું જે કૈં, હવે બધું શેષ થયું?
નહીં, નહીં. પ્રભુ! વધુ હોય, ઓછું હોય,
હવે જે કૈં બાકી હોય, અર્પી દઉં આજ!
પ્રિયતમ, તમને એ પ્રિય હશે એમ માની લઈ
નિવેદન કર્યો નંદનકાનન થકી ચૂંટી
બહુ સાધનાથી પામી આ સૌંદર્યનો પુષ્પરાશિ
તમારા ચરણકમલમાં, હવે જો આ પૂર્ણ બની
હોય પૂજા
તો આજ્ઞા કરો, હે પ્રભુ!
નિર્માલ્યની ડાળ ફેંકી દઉં મંદિરની બહાર.
હવે તો આ સેવિકાની સામે પ્રસન્ન નયને જુઓ!
જે ફૂલથી કરી પૂજા, નથી હું એ ફૂલ જેવી,
પ્રભુ! એવી સુમધુર, એવી સુકોમલ, એવી
સંપૂર્ણ સુંદરી.
દોષ હશે, ગુણ હશે, પાપ હશે, પુણ્ય હશે,
કેટલુંયે દૈન્ય હશે, હશે આજન્મની
કેટલીયે અતૃપ્ત કો તૃષા!
સંસારના મલિન અને કંટકિત પંથની હું પાંથ,
ક્યાંથી લાવું કુસુમલાવણ્ય, બે ક્ષણેય
જીવનની અકલંક શોભા?
કિન્તુ અક્ષય અમર એક રમણીનું હૃદય
છે મારી પાસે, દુઃખસુખ
આશા ભય લજ્જા દુર્બલતા—
ધૂલિમય ધરણીના ખોળાનું સંતાન—
એની કેવી ભ્રાંતિ, એની કેવી વ્યથા,
એનો કેવો પ્રેમ, ભળ્યાં એમાં એકસાથે.
કેવળ છે સીમાહીન અપૂર્ણતા — અનંત ઉદાત્ત!
ફૂલની આ સુગંધથી તૃપ્ત તમે થયા હો તો
આ જન્મજન્માંતરની હું જે સેવિકા છું
તેની સામે જુઓ!
સૂર્યોદય
અવગુંઠન ખોલીને
હું છું ચિત્રાંગદા, રાજેન્દ્રનંદિની.
સાંભરે છે ત્યારે એક દિન પેલા સરોવરતીરે
શિવાલયે તમે જોઈ હતી એક નારી
બહુ આભરણે ભારાક્રાંત કરી
એનો રૂપહીન દેહ, કોણ જાણે શુંયે બોલી
નિર્લજ્જમુખરા! પુરુષપ્રથાથી કરી આરાધના,
તમે પ્રત્યાખ્યાન કર્યું એનું! ઠીક કર્યું!
સામાન્ય એ નારીરૂપે ગ્રહણ જો કરી હોત એને
અનુતાપ જલ્યો હોત એના ઉરે આમરણકાલ!
પ્રભુ, હું છું એ જ નારી, છતાં હું એ નારી નથી.
એ તો મારો હીન છદ્મવેશ!
ત્યાર પછી વસંતના વરદાને પામી હતી
વર્ષકાલ અપરૂપ૫ રૂપ!
કર્યું હતું શ્રાંત વીરનું હૃદય છલનાના ભારે,
એ પણ હું નહીં.
  હું છું ચિત્રાંગદા.
દેવી નથી, તો નથી હું સામાન્ય રમણી!
પૂજા કરી રાખો માથે એવીયે હું નથી.
અવહેલા કરી પાછળ ને પાછળ જ રાખી મૂકો
એવીયે હું નથી. પડખે જો રાખો મને
સંકટના પથે, દુરૂહ ચિંતાનો એકાદ જો અંશ આપો,
અનુમતિ આપો મને કઠિન વ્રતે સહાય કરવાને,
સુખેદુઃખે કરો મને સહચરી,
ત્યારે જ મારો પામી શકશો પરિચય.
ધારણ મેં કર્યું છે આ ગર્ભમાં
જે તમારું સંતાન, એ જો પુત્ર હોય
આશૈશવ વીરશિક્ષા ભણાવીને
દ્વિતીય અર્જુન કરી એને એક દિન
સોંપું એના પિતૃપદે ત્યારે જ મને પામી શકશો,
પ્રિયતમ!
આજ તો હું આટલું જ નિવેદન કરું ચરણમાં—
હું છું ચિત્રાંગદા, રાજેન્દ્રનંદિની!

અર્જુન: પ્રિયે, આજ હું તો ધન્ય.


નોંધ



૧. બંગાળીમાં ‘સ્પર્ધા’નો અર્થ ‘ધૃષ્ટતા’ થાય છે. તેથી રવીન્દ્રનાથે આ પંક્તિનો અંગ્રેજી અનુવાદ કર્યો છે : ‘Ah, foolish heart, whither fled thy presumption?’
મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખનો ગુજરાતી અનુવાદ :
‘અરે નાદાન, ક્યાં ગઈ તારી એ ધૃષ્ટતા?’
૨. ‘અપરૂપ’ શબ્દનો ઉપયોગ બંગાળીમાં ‘અદ્ભુત’ના પર્યાય તરીકે થાય છે, જ્યારે ગુજરાતીમાં તેનો અર્થ ‘કદરૂપું’ અથવા ‘બેડોળ’ થાય છે. અંગ્રેજી અનુવાદમાં રવીન્દ્રનાથે આ વિશેષણનો ઉપયોગ નથી કર્યો. મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ અહીં તેમજ ૪. અને ૫.માં ‘અદ્ભુત’નો પ્રયોગ કરે છે.
૩. ‘સ્વપ્નલબ્ધ અમૂલ્ય રતન’ને સાચવવાની મુશ્કેલીને કારણે ફેંકી દેનારને ગુજરાતીમાં ‘નરાધમ’ તો ન જ કહેવાય. એને ‘બુદ્ધિહીન’ કહેવાય કે ‘વિવેક-શૂન્ય’ પણ કહી શકાય. બંગાળીમાં ‘નરાધમ’ શબ્દનો એક અલ્પ-પ્રચલિત અર્થ ‘વિવેક-શૂન્ય’ થાય છે એમ પ્રતિષ્ઠિત બંગાળી કવિ, વિવેચક અને પ્રખર રવીન્દ્રજ્ઞ શ્રી શંખ ઘોષ જણાવે છે. રવીન્દ્રનાથ પોતે આ પંક્તિનો અંગ્રેજી અનુવાદ આમ કરે છે :
‘I have not the heart to throw it away.’
મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખને ‘નરાધમ’નો ઉપયોગ ટાળતો રવીન્દ્રનાથનો અંગ્રેજી અનુવાદ વધુ તર્કસંગત લાગતાં તેમણે અંગ્રેજી ઉપરથી અનુવાદ કર્યો છે :
‘તેને તજવાની મારામાં હામ નથી.’
૪. આગળ ૨. માં જણાવ્યા મુજબ. રવીન્દ્રનાથ અંગ્રેજી અનુવાદમાં ‘અપરૂપ દેશ’ને
‘a strange city’ કહે છે.
૫. આગળ ૨.માં જણાવ્યા મુજબ. અંગ્રેજી અનુવાદમાં રવીન્દ્રનાથ ‘અપરૂપ રૂપ’ને
‘the most radiant form’ કહે છે.