નીતિન મહેતાનાં કાવ્યો/ના પાડી હતી તો પણ ગયો ને
Nothing is funnier than unhappiness.
– Samuel Backett
ના પાડી હતી તો પણ ગયો ને
જોયું પાછા આવવું પડ્યું ને
મૂંગો રહ્યો
તારા આવા ઉરાંગઉટાંગ નિર્ણયોથી
કેટલાં બધાંને હેરાન થવું પડે છે એની
કંઈ ખબરબબર પડે છે કે નહીં
આંગળીમાં ફાંસ પેસી ગઈ હોય
ને લોહીમાં તકમરિયાંની જેમ ચમકતી હોય
ને આછો સિસકારો નીકળતાં નીકળતાં રહી જાય
એમ જ મૂંગો રહ્યો
અને ત્યાં જઈ ભાઈશાએબે સૂં કાંદો કાઢ્યો
સઘળું વેચીસાટીને ગ્યો એનો કૈં અરથ ખરો
પેલા શિવા જોષીએ ના પાડી’તી તોય માન્યું જ નૈં
ભગવાનમાં વિસવા જ નૈં ને
અડધા કપાયેલા નખની વચ્ચે સણકો ઊપડી આવ્યો
નીચી આંખે મૂંગો રહ્યો
તો હવે એકડે એકથી શરૂ કરો
ભૂલ્યા ત્યાંથી ફરી ગણો
હા પસ્તાવો...ને યાદ કરો
બદલાયેલાં બસ રૂટ
જહાંગીર આર્ટ ગેલેરીની દીવાલોનાં રંગરોગાન
અમૂર્ત શૈલીને સ્થાને નેરેટિવ પેઇન્ટિંગ્સ
કેનવાસના ભુંસાતા ચહેરા પર મિક્સમિડિયાના
આંજી દેતાં દોડતાં હાંફતાં સાહસો
એ જ રિધમહાઉસ બીથોવનની નવમી સિમ્ફની
મોઝાર્ટની મેજિક ફ્લૂટ રશીદખાનનો મિયાં કી તોડી
કિશોરી આમોનકરનો શુદ્ધ માલકૌંસ રૉકપૉપ રૅપ
પુસ્તક વિમોચનની ગળગળતી સાંજો
લોકપ્રિય ને શુદ્ધ સાહિત્યની રસ્સીખેંચ
પૂરા વિશ્વાસથી દરેક પરિસ્થિતિની ચિંતા કરતી
સાપ્તાહિક ચિંતકોની લોલીપોપ
ફેશનસ્ટ્રીટમાં શર્ટ ને બરમૂડાના ભાવતાલની માથાઝીંક
સ્ટ્રેંડ બુક સ્ટોલમાં મોંઘાં પુસ્તકો પર ફરતી ખાલી ખાલી આંગળીઓ
અને હાડકાંમાં મોડી રાત સુધી કાણાવાળા ઇતિહાસમાં
મૂંગી મૂંગી ટ્રેનોની આવ-જા સાંભળું
મૂંગો રહું
આ એ જ શહેર જ્યાં અડધી ચડી પહેરી
બાપુજીની આંગળી પકડી ચોપાટી ગયાં હતાં
ને ભેલપુરી ખાવાનાં હતાં
પણ રેતીમાં રમતાં રમતાં એક સ્લીપર ખોવાયું
ને પછી એક થપ્પડ ને દિવસો સુધી
ઉઘાડે પગે કેટલીયે ચિરાડો
બેચાર હીંબકાં
પણ સાથે હતો માનો વાંસે ફરતો હાથ
ત્યારેય મૂંગો રહ્યો
માણસે સમજી વિચારીને નિર્ણયો લેવા જોઈએ
હવે કંઈ કીકલો નથી
આજકાલ જમાનો બહુ ખરાબ છે
હાં ખરું ને ભાઈ
આપણો પેલો કોણ અરે યાર પેલો
શું તમેય યાદ નથી રાખતા મારા ભૈ
પેલો પોતાની બૈરીને અડધી રાતે ધીબેડતો તે
હા ખરું ખરું હું તો સાવ જ ભૂલી જ ગ્યોતો
હં...અ તો એના જેવું થાય પછીથી
આ તો અમારો જીવ બળે એટલે કૈંએં
બાકી આજકાલ કેમ ખરુંં ને
ચાલો વાંધો નહીં
જાઇગા તારથી સવાર
જીવનમાં ઉતારચઢાવ તો આવે
રામ જેવા રામને શું દુઃખ હતું
છતાં વનવાસ ભોગવવો પડ્યો ને
ભૈ બધી નસીબની બલિહારી છે
માણસ ધારે છે શું ને થાય છે શું
ને પેલા બિચારા કૃષ્ણ
સામાન્ય પારધીના બાણથી વીંધાયા
ભગવાન જેવા ભગવાનની આ ...
તો આપણે તે અલ્યા કોણ
આને જ માયા ગણવી ને
કબીરે નથ કીધું...
અંદર તો હસી હસીને મૂંઝારો થાય
પણ એમ જ મૂંગો રહ્યો
તું તારે ચિંતા મ કર અમે છીએ ને બાર વરસના
જોયું તો અદ્દલ બાર વરસના જ દેખાયા!
જોકે આપણે એક કામ કરીએ તું તારે એમ કર કે
સત્યનારાયણની કથા કરાવી દે ને ગ્રહશાંતિ પણ
બધાં સારાં વાનાં થૈ રેશે
ફરી મૂંગો રહ્યો
દરિયામાં ઊંધું પડી ગયેલું વહાણ
ઘડિયાળમાં લીમડાનાં સુક્કાં પાંદડાંઓની ચકરડીભમરડી
ચશ્માંના કાચ પર થોડી થોડી વારે બાઝી જતી રજકણ
ને તેમાંથી દેખાતું સાંજનું ખાંસી ખાતું આકાશ
એય ગાંડું જરા દેખ કે ચલોનિ
કિતના હોર્ન બજાયા સાલે સુનતાચ નહીં
મરવાયેગા ક્યા સાલે કિ ઔલાદ
ભટકતો કુટાતો કોઈનો ગોદો ને કોઈની ગાળ ખાતો
રસ્તા પર સોરી થેંક્યુ વેલકમ કેતો ચાલું
એક ચાય દેના
બસ આગે નહીં જાયેગી
પેટકી ગરબડ ઇનો લો
યે અંદર કી બાત હૈ
સુપરહીટ મુકાબલા
ઢૂંઢતે રહ જાઓગે
ખુશામતની ખીર કરતાં ખુમારીની ખીચડી સારી
મિત્રતામાં રાજીનામું કે નારાજીનામું હોતાં નથી
શનિ કરતાં પણ દુઃખદાયી ગ્રહો આગ્રહ, પૂર્વગ્રહ, દુરાગ્રહ
આપણો ફોટો છાપાવાળાએ બરાબર છાપ્યો નહીં
સાલા બધા હરામી છે સ્વાર્થના સગા છે
હું તો નિજાનંદે લખું છું ભાવકની મને પડી નથી
રમણભાઈને કેજો કે મારા સંગ્રહનો રિવ્યુ જલદી કરાવે
માસ મિડિયાએ માનવીના સંવેદનની આગવી
આઈડેન્ટિટિની પત્તર ફાડી નાખી છે
ખાલી ચઢેલા હાથમાં તાલી લઉં
પણ મૂંગો રહું
રેશનિંગ ઑફિસરને ફોર્મ ભરી આપું
સાહેબ આ જૂનું કાર્ડ પહેલે મેં ઇધર થા
ઠીક હૈ તુમ જાવ
મગર સાબ કામ હો જાએગા ન...
નવા કાર્ડ માટે કબ આઉં
બુધવાર કો ગ્યારા બજે
ગેસવાળાએ સિલિંડરના પડાવી લીધેલા વીસ રૂપિયા
ગેસ કે બારે મે તુમ કાળજી કરુ નકા
બસ સાબ મેં નીંઘતો
હં.. થેન્ક્યુ ઇડિયટ
ધૂંધવાતો મૂંગોમૂંગો પગ પછાડતો રસ્તા પર ફરી ચાલું
ઓહો ઘણા વખતે મળ્યા નહીં
કેમ છો
હવે તો ફાવી ગયું ને તમને અહીં
આવો ને કોઈ વાર ગપ્પાં મારીએ
હં...અ
અને એક દિવસ
ભાનસાન વિનાનું ધણધણી ઊઠ્યું આ...
આરપાર વીંધાયેલા નીંગળતા કાચ
અડધી રાતે રાધાબાઈ ચાલની સળગતી લપકતી ચીસો
ચારે બાજુ ગુપ્તીછરીગોળીસોડાબોટલોની રમઝટ
આજે જ બપોરે માબેનભાભીદીકરી કહી દાદરા પર
જેની સાથે હસી હસી વાતો કરી હતી
એ જ તુલસીવાડીના પડોશી
ભાઉદીકરાકાકામામાઓએ
એ જ રાતે માબેનભાભીદીકરીઓને ધગધગતા લાવામાં ડુબાડી દીધાં
વાહ બોમ્બે
સલામ બોમ્બે
ઘા ઝીલતું બોમ્બે
નીડર બોમ્બે
સદા હસતું બોમ્બે
જય બોમ્બ બોમ્બે
આગ લાગેલા વહાણમાંથી હવામાં
વૃક્ષ શોધતું.
પાંજરામાં વીંઝાય
સલામ બોમ્બે
ગર્વ સે કહો બોમ્બે
આંસુ મૂંગાં રહ્યાં
પછી તો રક્તકણો ઓછાં થતાં ગયાં
પેટની નીચે ઝગમગતા આગિયાઓ
પંચ કરેલી ટિકિટ જેવાં સવારસાંજ
આ સેટ થિયેરી શું
આ આઉટપુટ ને ઇનપુટ
આ ઇમેઇલ ને ચેટિંગ
આ ડિકોડિંગ ને ઝેન ને સોમાલિયા ને માઇકલ જેક્સન
ને ગેંગવોર ને માફિયા શું છે ડેડી
માથું ખંજવાળું
માત્ર હવામાં તાકું
જરાક હસું
હોઠના ખૂણામાં થયેલી નાની ફોડકી પર
વારંવાર બેસતી માખી એક હાથે ઉડાડ્યા કરું
ટી.વી.સર્ફિંર્ંગ ચાલતું રહે
બાકી તો એમ જ મૂંગો રહું
કે એકાદબે છીંક ખાઉ
વધારામાં એ કે સવારે
પગના અંગૂઠાનું લીલું ચાઠું
આજ સાંજ સુધીમાં ત્રાંબાવરણું થઈ ગયું છે
મૂંગી મૂંગી તેના પર આંગળી ફરતી રહે
ને તીણો તીણો ત્રમત્રમાટ સાંભળતી રહે
ના પાડી હતી તો ય ગયો ને
ના પાડી હતી તો ય ગયો ને
હા હા હા હજાર વાર હાને હા
જોરથી અંગૂઠામાં ભચ્ચ દઈ ટાંકણી ખોસી દઉં
ને એમ જ લોહીના બેચાર પરુ ભરેલાં ટીપાં
જમીન પર પડે ને એમાંથી છરીતલવાર ઉછાળતું
ટોળું મારી ચારે બાજુ ભગવાલીલા વાવટાઓ
લઈ ફેરફુદરડી ફર્યા કરે
બસ એને મૂંગો મૂંગો જોઈ રહું
ભીંત પરનો અરીસો જરા હલી ઊઠે
ફરી સવારે હસતાં હસતાં
અરીસામાંથી બહાર આવું
સૂરજની સામે આંખ માંડી
રસ્તા પર ચાલું
પગલાં છેકાતાં જાય
પગલાં છેકાતાં જાય
હું આગળ ને આગળ
માત્ર હું
માત્ર હું
હમણાં
અહીં