નીતિન મહેતાનાં કાવ્યો/મૃત્યુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મૃત્યુ



હું મરણ પામું એ પહેલાં મને
કેટલાક રોગ થાય તો
મને ઘણું જ ગમે.

ત્વચા પર પવન કરવત
ફેરવતો રહે
આંખમાં પીળું ઘર બંધાતું જાય
પાકી ઈંટો વચ્ચેથી આવતી
દમિયલ હવા મારા
શ્વાસને સ્ટીલના બનાવી દે
તો મને ઘણું ગમે.

મારી અને મારા રોગ વચ્ચેથી
રેતીઓ ભરેલી શીશીઓ
પસાર થઈ જાય
અને મારા કબાટની ચાવી મેં
ક્યાં મૂકી હશે તે હું
વિચારતો હોઉં
ત્યારે લોહીમાં બારમાસી ઝૂલતાં
રહે તો મને ઘણું જ ગમે
પાંડુર ચંદ્ર મારાં અસ્થિઓના
પોલાણમાં રહેવા આવે
મારાં સફેદ આંગળાંમાંથી
બણબણ કરતી માખીઓ ઊડે
ત્યારે નખની વચ્ચે ધીમું ધીમું
ઘાસ ઊગે તો મને ઘણું જ ગમે.
કદાચ હું જ ‘ધ સેવન્થ સીલ’ના
નાયકની જેમ મારી સાથે
એકાદ-બે દાવ ખેલી લઉં
અને શતરંજનાં પ્યાદાં ગતિ
કરે જ નહીં
તો મને જરા પણ ન ગમે.

પણ હું શતરંજની ચાલ ચાલતો હોઉં
મારી નાની બહેન હાથમાં
કૉફીનો કપ લઈ ઊભી હોય
મારા ઘરની દીવાલોને
સફેદો લાગતો હોય
અને ત્યાં જ
મારી ડોરબેલ રણકી ઊઠે તો
મને ઘણું જ ગમે
ગમે જ.



આજે મને શ્વાસમાં
સંભળાય છે લીલી લીલી મહેક.

સવારે ડૉક્ટર પાસે ગયો
ત્યારથી શરીર પર ધીમે ધીમે
ઘાસ ઊગી રહ્યું છે
થોડાં પ્રિસ્ક્રિપ્શનો, થોડી દવા
બધું પાણી પીતો ખાંસતો ખૂણો બની
સર્પની જેમ પીઠમાં સરકવા લાગ્યું.

દૂર ક્ષિતિજ સુધી હાથ લંબાવી
ચંદ્રની ડાળીનો સ્પર્શ કર્યો
ટેરવાં પર બાઝેલી ધૂળમાં
પરી અને પંખાળો ઘોડો ફૂટી નીકળ્યાં
ને મેં પતંગિયાંની જેમ ક્યાંય ક્યાંય
ઊડ્યા કર્યું
નાભિમાં સફેદ અંધારાં
વડવાનલની જેમ ઊછળતાં રહ્યાં
આ હવા, આ ક્ષિતિજ બધું
દીવાની જેમ લોહીમાં ટમટમી રહ્યું.
આજે શ્યામ અશ્વનું ફીણોટું મોઢું
મારા શ્વાસને ગોળગોળ ફેરવતું
મને ઊંડી ઊંડી ખીણમાં ગબડાવે છે
ત્યારે દવાઓ જેવાં સગાં
ચોમાસાનાં જંતુઓની જેમ આંખોનાં
ખાબોચિયાંમાં બણબણી રહ્યાં છે.

હું મારા જ દેશમાં મને શોધવા
તૂટેલા કેલિડોસ્કોપને લઈ ચકડોળ જેવો
ચાલ્યો છું.

આસોપાલવની ડાળીમાં
ફસાયેલો ચંદ્રનો પડછાયો હસી રહ્યો છે
અને શરીર ઝરણું થઈ
દોડી રહ્યું છે લીલી મહેકની પાછળ પાછળ.