નીતિન મહેતાનાં કાવ્યો/સંપાદક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંપાદક-પરિચય

‘લખતાં લખતાં અક્ષરોના નિરંતર કંપનોમાં નિષ્કંપ થતો જાઉં છું...’

મુંબઈ સ્થિત કવિ કમલ વોરા (૧૯૫૦) અનુઆધુનિક સમયના મહત્ત્વના મુખ્ય કવિ છે. શબ્દો અને કોરા કાગળની વચ્ચે અક્ષરોના નિરંતર કંપનોમાં નિષ્કંપ થતા કવિ કમલ વોરા પાસેથી ગુજરાતી ભાષાને જુદા વિષયો અને નવી તરાહોની કવિતા મળી છે. તેમનો જન્મ રાજકોટમાં થયો હતો. કવિના જન્મના ચાર વર્ષ બાદ પિતાજી સપરિવાર વ્યવસાય અર્થે મુંબઈ આવીને વસ્યા. કવિનો શૈક્ષણિક અભ્યાસ મુંબઈમાં જ થયો. ઇલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ અને મેનેજમેન્ટના અભ્યાસ બાદ થોડો સમય અન્ય કંપનીમાં કામ કર્યું. ત્યારબાદ કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. કૉલેજના અભ્યાસ(૧૯૬૮-૬૯) દરમિયાન કવિતા લખવાનો આરંભ થયો હતો. એ સમયમાં ખૂબ માત્રામાં કવિતાઓ લખાઈ, જે યુવાનીના આવેગનો એક ભાગ પણ હોઈ શકે. યુવાની કાળના એે કાવ્યનો સંગ્રહ કવિએ પ્રગટ નથી કર્યો. પણ ત્યારબાદ કવિએ ખૂબ મર્યાદિત લખ્યું. તેમની પાસેથી આપણને ત્રણ કાવ્યસંગ્રહ મળ્યા છે. પ્રથમ કાવ્યસંગ્રહ ‘અરવ’(૧૯૯૧)ને ઉમાશંકર જોશી પારિતોષિક, ‘અનેકએક’(૨૦૧૨)ને સાહિત્ય અકાદમી પારિતોષિક મળ્યું છે. ત્રીજા કાવ્યસંગ્રહ ‘વૃદ્ધશતક’(૨૦૧૫)ને પણ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો ૨૦૧૬નો ઍવોર્ડ પ્રાપ્ત થયો છે. કમલ વોરાને પોતાની કવિતા વિવિધ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય કવિતા ફેસ્ટીવલમાં રજૂ કરવાનું સન્માન પ્રાપ્ત થયું છે. તેમની કવિતાના અંગ્રેજી અનુવાદ ઇન્ડિયન લીટરેચર, શિકાગો રિવ્યૂ, એન્થોલેજી ઑફ એશિયન પોએટ્‌સ વગેરે સાહિત્યવિશ્વના જાણીતા સામયિકોમાં પ્રગટ થયા છે. આ ઉપરાંત હિન્દી, મરાઠી, બંગાળી, કન્નડ વગેરે ભાષામાં પણ તેમની કવિતા અનુવાદિત થઈ પ્રગટ થઈ છે. કમલ વોરાએ પ્રવીણ પંડ્યા સાથે સાહિત્ય અકાદમી, દિલ્હી માટે ‘આધુનિક ભારતીય કવિતા’નું સંપાદન કાર્ય ૨૦૧૭માં કર્યું છે. તેઓ સુરેશ જોષીએ આરંભેલા ‘એતદ્‌’ સામયિકના એક સંપાદક પણ છે. શબ્દોના ભાવ-રસથી રોમાંચિત થતા કવિની એક અનોખો પરિચય ‘અનુરણન’ પુસ્તકમાં મળે છે. જેમાં પૂજ્ય નાથાભાઈ(ગોંડલ)ની રચનાઓના રસાનંદને શબ્દમાં ઢાળીને કવિએ આસ્વાદ કરાવ્યો છે. આ આસ્વાદ પત્રરૂપે લખવામાં આવ્યો છે અને તે પત્રો પૂજ્ય ભાઈને મોકલવામાં પણ આવ્યા હતા. આ પત્રોમાં કવિનું ભક્તિમય, ચૈતન્યમય પ્રકૃતિથી તરબોળ ભાવજગત અને પરમ સાથેની તાદામ્ય અવસ્થા અને તેની પ્રસન્નતાની વાત છે. કમલ વોરા ગુજરાતી કવિતાનો એક વિશિષ્ટ અવાજ છે. વિષય-વસ્તુના નાવીન્ય ઉપરાંત વિષયને જોવાની, પ્રસ્તુત કરવાની અને વિષય સોંસરવું કવિ જે રીતે તાકે છે, ચેતન અને અસ્તિત્વ, માણસ અને મન, ભિન્ન અવકાશ, સાવ સામાન્ય બાબતમાં પ્રગટ થતા સંકુલ મનના રંગો, ક્યાંય બોલકા બન્યા વગર કવિતાના શબ્દોને પણ મૌન કરી દઈ વાચકને પોતાની લિપિ ઉકેલવાનો અવકાશ આપતી કવિતા એટલે કમલ વોરાની કવિતા અને કમલ વોરાનું કવિ અસ્તિત્વ.