નીરખ ને/તમે કરેલા મારા પુસ્તકની સમીક્ષા : મારો પ્રતિભાવ ...ભીખુભાઈ પારેખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તમે કરેલા મારા પુસ્તકની સમીક્ષા : મારો પ્રતિભાવ

પ્રિય મંજુબહેન,

મારા પુસ્તક ‘Colonialism, Tradition and Reform’ (આ પ્રતિક્રિયા મૂળ અંગ્રેજીમાં લખાઈ છે.) ઉપરની તમામ લાંબી અને દૃષ્ટિપૂર્વકની સમીક્ષામાં તમે પુસ્તક વિષે ઘણી સમભાવી વાતો કરી છે. તમે એને ઘણું મહત્ત્વ ધરાવતું મેજર વર્ક ગણ્યું છે, અને એમાં રહેલી સૂક્ષ્મ દૃષ્ટિ-ઇનસાઇટ્સને પ્રશંસીને તમે બહાર લાવ્યા છો. લેખકને આથી વધુ બીજું શું જોઈએ? તમે ખૂબ જ યોગ્ય રીતે ઘણી ટીકાત્મક ટિપ્પણો પણ કરી છે. સાધારણ રીતે સમીક્ષાનો ઉત્તર વાળવાની મારી રીત નથી. પણ તમારી ટીકાઓ અગત્યના મુદ્દા છેડે છે અને મને મારા અભિગમ પ્રત્યે પુનર્વિચાર કરવા પ્રેર્યો છે અને એથી મને થયું કે મારે જવાબ આપવો જોઈએ – સ્વબચાવના ઉદ્દેશથી નહીં, પણ આપણી ગાંધીજી માટેની સમજ વધુ ઊંડી બને અને તમારા વાચકોને ચર્ચાવિચારણા તરફ દોરે એવી અપેક્ષાથી આ જવાબ આપ્યો છે. ગાંધીજીના મૃત્યુ પછી એમના વિચારોનું કોઈ મહત્ત્વનું પુનર્મૂલ્યાંકન કે પુનર્ઘટન થયું નથી, અને એમને ગંભીરતાપૂર્વક લેવાનું આપણે બંધ કર્યું છે. આ ખરેખર મોટી કરુણતા છે – આને માટે મુખ્યત્વે દોષિત ગાંધીવાદીઓ છે; એમનાંમાંના એકેય પોતાના ગુરુને સાચેસાચી રીતે વફાદાર રહ્યા નથી. તમારી ટીકાઓનો હું જવાબ આપું એ પહેલાં એક હકીકત તરફ તમારું ધ્યાન દોરું કે ગયે વર્ષે ગાંધીજી ઉપર મારાં બે પુસ્તકો પ્રગટ થયાં. ૧. ‘Gandhi’s Political Philosophy’ અને ૨. ‘Colonialism, Tradition and Reform.’ પહેલું પુસ્તક બીજું પુસ્તક બહાર પડ્યું એ પહેલાં બહાર પડ્યું હતું. બીજા પુસ્તકમાં ઘણા મુદ્દાઓ વિશે માત્ર નિર્દેશ કે રૂપરેખા આપી છે એ મુદ્દાઓ પહેલા પુસ્તકમાં વિગતે સંશોધાયા હતા; અને એટલે ‘Colonialism, Tradition and Reform’ ‘Gandhi’s Political Philosophy’ના સંદર્ભમાં વંચાય એ જરૂરી છે. ‘Gandhi’s Political Philosophy’ ભારતમાં બધે પ્રાપ્ત નહોતી અને મોટા ભાગના સમીક્ષકો માત્ર ‘Colonialism, Tradition and Reform’ જ મેળવી શક્યા હતા. આથી એ લોકો મહત્ત્વના મુદ્દાઓ અને દલીલોનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં સફળ થયા ન હોય એ સમજાય એવું છે. ભારતમાં હવે ટૂંક સમયમાં ‘Gandhi’s Political Philosophy’ પેપરબેકમાં પ્રગટ થશે એવી માહિતી મને મળી છે. આથી બીજા પુસ્તક વિશેની સમજ વધુ ઊંડી બનશે એવું માનું છું. તમે મારા ‘Colonialism, Tradition and Reform’ અંગે ત્રણ ટીકા કરો છો – એમને એ જ ક્રમમાં હું લઉં છું. (૧) ગાંધીજીએ પોતાને યુગપુરુષ તરીકે જોયા એ માટે કોઈ પુરાવો નથી એમ તમે કહો છો. મને લાગે છે કે તમે ગેરસમજ કરો છો. આ વિષય ઉપર ત્રણ સંભવિત વિધાનો થઈ શકે : ૧. ગાંધીજી યુગપુરુષ હતા. ૨. એમણે પોતાને એ રીતે જોયા. ૩. એ પોતાને યુગપુરુષ કહેતા. પહેલું અર્થઘટન મારા ક્ષેત્રની બહાર છે; એની સાથે મને નિસ્બત નથી. ત્રીજું હું કહેતો નથી; મેં એમ જો કહ્યું હોત તો એને લગતાં ગાંધીજીનાં અવતરણો મારે ટાંકવાં પડત. મેં આમ નથી કર્યું. એટલે ત્રીજું અર્થઘટન મેં માન્ય કર્યું હોત તો અલબત્ત તમારી ટીકાને પાત્ર ઠર્યો હોત, પણ મારું કહેવું તો બીજા ક્રમનું છે – એટલે કે ગાંધીજીએ પોતાને યુગપુરુષ તરીકે જોયા. હું એમનામાં એક પ્રકારની આત્મ-અભિજ્ઞા (self-identification) અથવા આત્મ-દર્શન (self-perception) આરોપિત – એટ્રિબ્યુટ કરું છું. મારું એમના વિશેનું આ અર્થઘટન છે. પોતે પોતાને કેવી રીતે જોતા એ વિશેની મારી સમજણ છે. આ અર્થઘટનનો આધાર શો છે? શો પુરાવો છે આનો? ભારતે પશ્ચિમના પ્રભાવ નીચે નવા યુગમાં પ્રવેશ કર્યો છે એ હકીકત પ્રત્યે ગાંધીજી તીવ્રપણે સજાગ હતા. જૂને માર્ગે તો દેશ જઈ શકે એમ નહોતો અને પોતાની પ્રતિભાને અનુરૂપ નવા સાથે મેળ પાડવાનો હતો. એટલે નવા યુગધર્મની ભારતને અત્યંત જરૂર હતી. દક્ષિણ આફ્રિકામાંના એમના શરૂઆતના દિવસોથી જ આ પ્રશ્ને ગાંધીજીના મનને સારી રીતે રોકી લીધું હતું અને ભારત અને બને તો આખા વિશ્વ માટે નવા યુગધર્મના વિકાસ માટે પોતાનું ધ્યાન એમણે કેન્દ્રિત કર્યું હતું. એક વખત એમણે કહ્યું હતું કે આધુનિક ભારતને અનુરૂપ સ્મૃતિ લખવાની એમની ઇચ્છા છે. એ માટે જરૂરી ફુરસદ એમની પાસે નહોતી એટલે એની સામાન્ય રૂપરેખા આપી એને પદ્ધતિસર બનાવવાનું કામ એમણે બીજા ઉપર છોડી દીધું. મારા બીજા પુસ્તક ‘Gandhi’s Political Philosophy’માં મેં એમનું એક સ્પર્શી જાય એવું વિધાન ટાંક્યું છે. એ કહે છે કે પ્રત્યેક યુગે પોતાની મોક્ષપ્રાપ્તિનો વિશિષ્ટ માર્ગ શોધી કાઢવો પડશે અને એમના જીવનનું ‘મિશન’ શોધી કાઢવાનું હતું. ગાંધીજીને ખાતરી થઈ ગઈ હતી કે ભારત અવનતિને આરે પહોંચી ગયું હતું અને એને પુનર્જીવિત કર્યે જ છૂટકો હતો. આ માટે વ્યાપક કાર્યક્રમ ઉપરાંત પ્રેરણાદાયક નેતૃત્વ નીચે બધા મોરચા ઉપર સામૂહિક કૃતિની પણ જરૂર હતી. એમનું માનવું હતું કે ગોખલે અને તિલક સહિત કોઈએ પણ આવો કાર્યક્રમ ઘડ્યો નહોતો; અને એ માટે ઉચિત રાજકીય અને સામાજિક નેતાગીરી પણ કોઈ પૂરી પાડી શક્યું નહોતું. પોતે એ પૂરી પાડી શકે એમ છે એમ એ માનતા અને અનેક પ્રસંગોએ એમણે એમ કહ્યું પણ છે. (જુઓ પ્રકરણ-૨, ‘Gandhi’s Political Philosophy’) આમ ગાંધીજીએ પોતાને એવી એક માત્ર વ્યક્તિ તરીકે જોયા - (અ) જે પૂરી રીતે નવા યુગને સમજ્યા હતા. (બ) આવા યુગને ધર્મ પૂરો પાડી શક્યા હતા. (ક) એમને લાગતું કે એ ભારત અને પશ્ચિમનાં ઉત્તમ તત્ત્વોને જાણતા હતા અને એ પોતામાં મૂર્તિમંત થયું હતું. (ડ) અવનતિને માર્ગે ગયેલ ભારતીયોને પુનર્જીવનના માર્ગે દોરી શક્યા હતા અને (ઈ) પ્રવર્તમાન હિંસાના વળગણનો એમનો જવાબ સત્યાગ્રહ હતો. આ બધું ધ્યાનમાં લેતાં ગાંધીજીએ પોતાને યુગપુરુષ તરીકે જોયા એવા નિષ્કર્ષ ઉપર આવવું મને યોગ્ય લાગ્યું. તમારી પાસે વૈકલ્પિક વધુ સારું અર્થઘટન હોય તો મને જાણવું ગમશે. પણ યાદ રહે કે મેં પુસ્તકમાં એકદમ સ્પષ્ટ કર્યું છે કે મેં યુગપુરુષ શબ્દ મર્યાદિત અર્થમાં વાપર્યો છે – નૈતિક કાનૂન આપનાર સર્વોચ્ચ સામાજિક અને રાજકીય નેતાના અર્થમાં. (૨) પ્રસ્તુત પુસ્તકમાં મેં કહ્યું છે કે અસ્પૃશ્યતાના નૈતિક પાયાને ગાંધીજીએ મૂળમાંથી હચમચાવ્યો હતો, પણ એમના પ્રહારને મર્યાદાઓ હતી એ સ્વતંત્રતા પછીનાં ૪૩ વર્ષ પછી પણ અસ્પૃશ્યતા ફાલી રહી છે એ પરથી આંશિક રીતે પુરવાર થાય છે. તમે કહો છો કે ગાંધીજી નહીં પણ નહેરુ આ માટે જવાબદાર ગણાવા જોઈએ; ગમે તેમ તો પણ એ વડાપ્રધાન હતા, અને અસ્પૃશ્યતાને કમજોર કરવા માટે તેઓ ઘણું કરી શક્યા હોત. મારે કહેવું જોઈએ કે હું તમારી ટીકા સમજી શકતો નથી. નહેરુ પણ દોષિત છે એનો અર્થ એવો નથી કે ગાંધીજી દોષમુક્ત હતા. ગાંધીજી જે રીતે અસ્પૃશ્યતા ઉપર પ્રહાર કરતા હતા એ તપાસવાનું અને એની જે અનેક મર્યાદાઓ હતી તે બતાવવાનું મેં મુનાસિબ માન્યું છે. એમનાં છેલ્લાં વર્ષો બાદ કરતાં એમને ખ્યાલ જ ન આવ્યો કે અસ્પૃશ્યતા વર્ણવ્યવસ્થા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી હતી, અને એ વ્યવસ્થા ઉપર પ્રહાર કર્યા વગર અસ્પૃશ્યતા નાબૂદ થઈ શકે એમ નહોતી. વળી વંશપરંપરાગત રોજગારની એ હિમાયત કરતા રહ્યા, અને એમને એ ખ્યાલ ન આવ્યો કે આથી એમનો અસ્પૃશ્યતા સામેનો વિરોધ નબળો પડતો હતો. પુનર્જન્મના વિચારના બચાવનું પણ આવું જ પરિણામ આવ્યું. વળી મને એ સમજાતું નથી કે ગાંધીજીએ કેમ ક્યારેય એવો આગ્રહ ન રાખ્યો કે કોઈ અસ્પૃશ્ય એકાદ વાર તો કૉંગ્રેસનો પ્રમુખ બને? અથવા તો કૉંગ્રેસની કારોબારી સમિતિમાં અસ્પૃશ્યો માટે થોડીક બેઠકો તો અનામત રહે? કે કૉંગ્રેસ અધિવેશન દરમ્યાન જે ભોજન આપવામાં આવતું હતું તે અસ્પૃશ્યોને હાથે જ બને? આવાં અને બીજાં અનેક સૂચનો એમને કરવામાં આવ્યાં હતાં, પણ કાં તો એમણે એ ગંભીરતાથી ન લીધાં કે પછી ઉચ્ચવર્ણીય વિરોધ આગળ એમણે નમતું જોખ્યું. એમણે કોઈ એવા હરિજન નેતાઓ તૈયાર કર્યા નહીં, જે પ્રભાવી હોય કે અસ્પૃશ્યો માટે વિધેયાત્મક ડિસક્રિમિનેશનનો કોઈ વિશાળ કાર્યક્રમ સૂચવ્યો નહીં. હું કબૂલ કરું છું કે પુસ્તકમાં પણ મેં એમ લખ્યું છે – ગાંધીજીના હાથ આ બધું કરવા માટે મુક્ત નહોતા. એમને સમગ્ર દેશને સાથે લેવાનો હતો એટલે સાવધાનીથી આગળ વધવાનું હતું. તોપણ મેં બતાવ્યું છે એમ એવા ઘણા પ્રસંગો હતા જ્યારે એ વધુ હિમ્મતપૂર્વક આગળ વધી શક્યા હોત. અસ્પૃશ્યોને લગભગ દયાપાત્ર (‘Poem of Pity’) ગણવાના એમના વલણે અસ્પૃશ્યોને સમાન કક્ષાએ એમની પોતાની જ મુક્તિમાં પૂરેપૂરી રીતે સંડોવ્યા નહીં, હું તમારી સાથે પૂરેપૂરો સમ્મત થાઉં છું કે નહેરુ, ગાંધીવાદીઓ અને આપણાં સમેત બીજા અનેક ગાંધીની મહાન લડત ચાલુ રાખી શક્યા હોત — એ પૂર્ણ થાય ત્યાં સુધી. આપણે સૌએ એ ન કર્યું એ શરમજનક છે. પણ એથી ગાંધીજીની આલોચના કરવાથી આપણે દૂર રહીએ એ બરાબર નથી. આપણે સૌ જાણીએ છીએ કે ઘણાં અસ્પૃશ્યોએ એમનાં જીવન દરમ્યાન ટીકા કરી છે કે પૂરતા પ્રમાણમાં ગાંધીજીએ જે કરવું જોઈતું હતું એ એમણે કર્યું નથી; અને એમના મૃત્યુ પછી આવી. પણ મોટી સંખ્યાએ આ રીતની ટીકા કરી છે. વર્ણવ્યવસ્થાના ભોગ બનેલાઓના મત ઉપર ધ્યાન ન આપવું અને ગાંધીજીની તમે જેમ કરો છો એમ અટીકાત્મક પ્રશંસા કર્યા કરવી એ આંધળી હીરોવર્શિપ – વ્યક્તિપૂજા છે. (૩) ગાંધીના બ્રહ્મચર્ય પરના પ્રયોગો ઉપરના મારા પ્રકરણનો તમે સમુચિત અને પ્રશંસાપાત્ર સંક્ષેપ આપ્યો છે. પણ પછી તમે પૂછો છો કે શા માટે હું એમનો સ્ત્રી-સાથીઓ સાથેનો સંબંધ કૃષ્ણ-ગોપીઓના સંબંધ સાથે સરખાવું છું? તમે જાણો છો એમ ઠીક લંબાણપૂર્વક આ વાત મેં પુસ્તકમાં ચર્ચી છે, વિલિયમ શરરનું – જેમનું મેં પુસ્તકમાં અવતરણ ટાંક્યું છે – નિરીક્ષણ છે કે ગાંધીજીમાં ઘણી સેક્સ અપીલ – જાતીય આકર્ષણ હતું. ઉપરાંત એમણે પોતે કબૂલ્યુ છે કે બધી શારીરિક ઝંખનાઓમાં જાતીયતા(સેક્સ્યુઆલિટી)એ એમને સૌથી વધુ ત્રાસ આપ્યો છે અને આથી જ એની સામેની લડત જીવનના અંત સુધી ચાલુ રહી. ગોપીઓ જેમ કૃષ્ણ પ્રત્યે આકર્ષાતી એમ સ્ત્રીઓ એમના પ્રત્યે ખેંચાણ અનુભવતી. ગાંધીના સ્ત્રી-સાથીઓ આધ્યાત્મિક રીતે સંપૂર્ણ નહોતા, અને અનિવાર્યપણે એમના ગાંધી પ્રત્યેના પ્રેમને ઐન્દ્રિય આધાર - sensual basis હતો. સાબિતીરૂપે મીરાંબહેનના એમના ઉપરના પત્રો જુઓ અને નિર્મલકુમાર બોઝના પુસ્તકમાં અને લેખોમાં એમણે ગાંધીજીની બીજી સ્ત્રી-સાથીઓનાં જે વૃત્તાંતો આપ્યાં છે તે જુઓ. ગાંધીજી આ જાણતા હતા. એમણે એટલે એમના સંકુલ હેતુઓ સ્વીકાર્યા અને ક્રમશઃ એમના ઇન્દ્રિયપાશવાળા પ્રેમનું શુદ્ધ આધ્યાત્મિક પ્રેમમાં ઊર્ધ્વીકરણ કર્યું. એવા ઘણા પ્રસંગો છે જ્યારે એમણે કેટલાકને પોતાની પાસેથી દૂર કર્યા છે કે કડક કસોટી કરી છે કે ગૂઢ સંદેશાઓ મોકલ્યા છે કે પત્રો લખ્યા છે જે વાંચીને એમણે ફાડી નાખવાનું કહ્યું છે. મારી પાસે હવે આ વિષય ઉપર વધારે સામગ્રી ભેગી થઈ છે અને આશા છે કે એક દિવસ હું એ વિશે લખીશ. હું જાણું છું કે તમારી મૈત્રીભરી સમીક્ષાનો મારો જવાબ ટૂંકો છે અને કદાચ એ પૂરેપૂરો સમાધાનકારી (persuasive) ન યે હોય, ટૂંકા પ્રત્યુત્તરમાં મારે માટે આટલું જ શક્ય છે, પણ તમારી ટિપ્પણોનું મારે મન કેટલું બધું મૂલ્ય છે અને એને હું કેવી રીતે ઘટાવું છું એ બન્ને હું બરાબર દર્શાવી શક્યો હોઉં એવી આશા રાખું છું. મેં જ્યારે ગાંધીજીની પ્રશંસા કરી છે ત્યારે તમે મારી સાથે સમ્મત થયા છો અને મારા પુસ્તકની પ્રશંસા કરી છે. અને જ્યારે મેં એમની ટીકા કરી છે ત્યારે અસમ્મત થયા છો. તમે શું એમનામાં કશું ખોટું નથી જોયું? હું માની શકતો નથી. ગાંધીજીનો દાવો છે કે એ એક સત્યથી બીજા સત્ય સુધી વિકસ્યા છે, અને ઘણા વિષયો ઉપરનાં પોતાનાં દૃષ્ટિબિંદુઓ એમણે બદલ્યાં છે. એમના મૃત્યુ પછી શું આપણે કોઈ નવાં સત્યો શોધ્યા નથી? જો આપણે શોધ્યાં છે તો ક્યાં આપણને એ અપૂરતાં અને અસંતર્પક લાગ્યા છે? સંભવ છે કે તમે પોતે એ અમને કહેશો અને કદાચ ગાંધીવાદીઓને પણ એ ગાંધીજીથી ક્યાં જુદા પડે છે એ કહેવાનું નિમંત્રણ પાઠવશો.

ભીખુભાઈ પારેખ