નીરખ ને/માર્ક્સવાદી અર્ન્સ્ટ ફિશરની ઉદારમતવાદી વિચારધારા


ભવિષ્યમાં યંત્રો આખરે મનુષ્યના તમામ યાંત્રિક શ્રમનો અંત આણશે – એવા શ્રમનો જે માણસના આયાસને માટે યોગ્ય નહીં ગણવામાં આવે. પણ જેમ જેમ યંત્રો વધુ ને વધુ કાર્યક્ષમ અને પૂર્ણ થતાં જશે એમ એમ માણસની અપૂર્ણતા એ એની મહાનતા છે એ વાત સ્પષ્ટ થતી જશે. સાયબરનેટિક યંત્રોની જેમ માનવી ગતિશીલ સ્વયંપૂર્ણ તંત્ર છે, પણ ક્યારેય સ્વયંપર્યાપ્ત નહીં; હમેશાં અનંતતા તરફ એની મીટ મંડાયેલી રહેશે, ક્યારેય તર્કના નિયમોને આધીન થઈ માત્ર શુદ્ધ બૌદ્ધવાદનો જીવ નહીં બની શકે. આ આવેગ, આ પ્રેરક બળ, આ સર્જનાત્મક અપૂર્ણતા મનુષ્યને હમેશાં યંત્રોથી જુદો તારવી આપશે... મનુષ્યને હમેશાં એ છે એ કરતાં કંઈક વધુ બનવું હશે, એ હમેશાં એની પ્રકૃતિની મર્યાદા સામે વિદ્રોહ પુકારતો રહેશે, હમેશાં પોતાથી પર થવાનો એનો યત્ન હશે, હંમેશાં અમરત્વ માટે મથતો રહેશે. જો કદી સર્વજ્ઞાતા, સર્વશક્તિમાન અને સર્વાશ્લેષી થવાની એની કામના નષ્ટ થશે તો માણસ માણસ નહીં રહે. મનુષ્યને પ્રકૃતિમાંથી એક એક રહસ્ય, વિશેષને પ્રાપ્ત કરવા માટે વિજ્ઞાનની જરૂર પડશે અને એને હમેશાં કલાની જરૂર રહેશે – માત્ર પોતાના જીવનમાં ઠરીઠામ રહેવા માટે જ નહીં, પણ વાસ્તવના એ અંશમાં જ્યાં એની કલ્પનાશક્તિ જાણે છે કે એણે હજી પ્રભુત્વ મેળવ્યું નથી.

અર્ન્સ્ટ ફિશર



માર્ક્સવાદી અર્ન્સ્ટ ફિશરની ઉદારમતવાદી વિચારધારા

અર્ન્સ્ટ ફિશર એક એવા માર્ક્સવાદી ચિંતક છે કે જેમને એક બાજુ એમની તીવ્ર બુદ્ધિમત્તા, રસકીય દૃષ્ટિ અને અપાર નિષ્ઠા સાહિત્ય અને કલાના ક્ષેત્રે આધુનિકતમ પ્રયોગો-સ્વરૂપને પોંખવાને પ્રેરે છે તો બીજી બાજુ લગભગ નાઈવ કહી શકાય એવી એમની વર્ગવિહીન સમાજરચનાની સંભવિતતા પ્રત્યેની આસ્થા એમને આજના સર્જકના ઘોર નિરાશાવાદ પ્રત્યે ચેતવણીનો સૂર કાઢવા તત્પર કરે છે. શ્રી ફિશર જોરશોરપૂર્વક સમાજવાદીઓને કહે છે કે આ બુર્ઝવા સમાજના સર્જકોના ઘોર નિરાશાવાદ અને હતાશાને અધોગામી (decadent) કહીને રુખસદ ન આપી દેતા. ‘What is alarming in the capitalist world is not ’formalism’, not abstract paintings or poems, not serial music or the anti-novel. The real and terrible danger lies in the highly concrete, down-to-earth, ‘realistic’ if you will, productions of idiotic films and comics, commodities for the promotion of stupidity, viciousness and crime.’ સોવિયેટ રશિયામાં કંટાળાજનક નાટકો, કંટાળાજનક પુસ્તકો, કંટાળાજનક ફિલ્મ જોવા મળે એમના ઉત્તમ સર્જનની સાથોસાથ. વેવલી લાગણીશીલતા પણ તીવ્રતાભરી સચ્ચાઈ સાથે હસ્તી ધરાવે. છતાં corrupting evil filth of capitalist pulp art જરૂર ત્યાં જોવા મળતું નથી. શ્રી ફિશરે આધુનિક સાહિત્યિક વલણોને ઊંડા અભ્યાસથી તપાસ્યાં છે. એમના પ્રતિ-નવલકથા વિશેનાં મંતવ્યો આપણને વિચાર કરતાં જરૂર કરે. શ્રી ફિશર કહે છે કે નાતાલિ સારોતે નાની નાની સાચી વિગતોને રિયાલિટીનો દરજ્જો આપે છે એનું ફ્રેન્ચ પ્રતિ-નવલકથામાં આત્યંતિક સ્વરૂપ દેખાય છે. એક પછી એક વિગત, બે પરિમાણી, પરિપ્રેક્ષ્ય વિનાની આવ્યા કરે. “The method of antinovel does not regain lost reality. In place of empty phrases and prefabricated conventional associations it puts forward details drained of all meaning and entirely disconnected sensory impressions.” શ્રી ફિશરને લાગે છે કે પ્રતિ-નવલકથાની પદ્ધતિ – વર્તનવાદી પદ્ધતિ સાયબરનેટિક્સના ઉદય સાથે સંકળાયેલી છે. પણ શ્રી ફિશર કહે છે કે આ કંઈ રિયાલિટી નથી. પછી એ માર્ક્સન ટોકે છે, ‘only the commprehended world as such is reality.’ છતાં શ્રી ફિશર કહે છે કે જે. ડી. સેલિંગ્ર જેવા લેખકો વિશે કહેવું જોઈએ કે એ વર્તનવાદી પદ્ધતિ અપનાવે છે, ક્ષુદ્ર વિગતોને ક્રમવાર નિરૂપે છે, પણ એ જ ક્ષુદ્ર વિગતોમાંથી વધુમાં વધુ વાતાવરણ સર્જે છે અને સામાજિક અને મનોવૈજ્ઞાનિક વાસ્તવના નવાં પાસાંઓ ખોજે છે. બુર્ઝવા સમાજમાં એક બાજુ આધુનિક યંત્રીકરણને લીધે મોટા જથ્થામાં પુસ્તકો, ચિત્રો, સંગીત, ફિલ્મો બહોળા માનવસમાજ માટે સુલભ બન્યાં છે. મૂડીવાદી સમાજે એમાં artistic opiatesના ઉત્પાદન માટે બહોળું ક્ષેત્ર જોયું. એમણે dream image ઘડી કાઢ્યું – ગરીબ કન્યા કરોડપતિને પરણે છે, પરાક્રમી નાયક એના અપ્રતિમ શૌર્યથી ભલભલા શત્રુઓને અને અવરોધોને મહાત કરે છે. પરિકથામોટિફને આધુનિક બનાવી એનું મોટા પાયા ઉપર ઉત્પાદન કર્યું. જ્યારે બીજી બાજુ સાચા કલાકારો અને લેખકો ક્લીશેમાંથી છૂટવા મથે છે. નવી રિયાલિટી સર્જવા નવી નવી ટેક્‌નિકોના દર્દનાક પ્રયોગો કરે છે. આ બુર્ઝવા સમાજની વિસંગતિ ભયજનક છે. વાત સાચી છે. શ્રી ફિશરમાં પણ એક પ્રકારની વિસંગતિ પ્રવર્તતી દેખાય છે. એક બાજુ એમનામાં માર્ક્સવાદથી ઊભો થયેલો આશાવાદ – historical process is always for the better – છે અને બીજી બાજુ એમનું આધુનિક મન અને વસ્તુલક્ષિતા છે. એમને પ્રગતિશીલ રહી સાચા આધુનિક બનવું છે. એ ઇચ્છે છે કે સામ્યવાદીઓ રૂઢિવાદી અભિવ્યક્તિની રીતો છોડી કલાનું આધુનિક રૂપ સ્વીકારે. એ વારંવાર રૂઢિચુસ્ત સામ્યવાદીઓને લાલબત્તી ધરવાનું કાર્ય હાથ ધરે છે. સામ્યવાદીઓની ‘simple man’ની વાતોને રદિયો આપતાં કહે છે, “Does he still exist, this much praised ‘simple’ man, this ordinary, unsophisticated reader, listener or gallery visitor? And if he does, is he really the highest court of appeal, the full and many sided personality that communism sets out to form? The ‘Simple Man’ belonged to primitive social conditions which produced works of art compounded of instinct, intuition and tradition. Such people are becoming increasingly rare in our industrialized town dominated civilization... he belongs to the illusory world of Cliche’s." પછી કહે છે કે સોવિયેટ રશિયામાં ફોકનરની ‘Sanctuary’ જેવી નવલકથા લખાવી બાકી છે. ફોકનર જેવી પ્રતિભા ઉપરાંત એના જેવી નિષ્ઠા અને અસમાધાનકારી વલણ જોઈએ. સાથે સાથે બુર્ઝવા સમાજના સર્જકોની હતાશા, ગ્લાનિ, નિરાશાને ફિશર નકારાત્મક ગણે છે. આ સર્જકો પાસેથી આપણે ઘણું પામીએ છીએ, પણ એમનામાં જે કમી છે એ ભવિષ્યના દર્શનની (vision of the future) અને આશાવાદી ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની જે સમાજવાદી વિશ્વની દેણ છે. પાયાનો પ્રશ્ન એ છે કે શા માટે સામ્યવાદી શાસકો અથવા ખુદ સામ્યવાદીઓ કલાક્ષેત્રે આધુનિક સ્વરૂપ-પ્રયોગો સહન નથી કરી શકતા? શા માટે અભિવ્યક્તિની રૂઢિવાદી રીતો પસંદ કરે છે? દોસ્તોએવસ્કી, તોલ્સ્તોય, ચેખોવ જેવા અસાધારણ સર્જકો રશિયાના રાજાશાહીના સમયમાં જ્યારે વેઠપ્રથા પણ મોજૂદ હતી ત્યારે થઈ ગયા. દોસ્તોએવસ્કીએ ફ્રોઇડે હજી unconscious શોધ્યું નહોતું એ પહેલાં પણ માનવમનની ગહરાઈઓનું આલેખન કર્યું. આપણે એ અરસામાં માત્ર ‘કરણ ઘેલો’ બહાર પાડી શક્યા. શા માટે? આપણી inhibitive વર્ણપ્રથા એ માટે જવાબદાર હતી? અને જે સર્જનનો ઉન્મેષ રશિયામાં ઝારના સમયમાં દેખાયો એ પ્રગતિશીલ ઔદ્યોગિક સોવિયેટ રશિયામાં ગેરહાજર રહ્યો. આ અને આવા અનેક પ્રશ્નો ઊઠ્યા કરે છે. શ્રી ફિશરે ખૂબ નિષ્ઠાથી અને ઊંડી સૂઝ અને અભ્યાસથી મૂડીવાદી અને સમાજવાદી સમાજના સંદર્ભમાં કલાકીય અને સાહિત્યિક પ્રશ્નોનું વિશ્લેષણ કર્યું છે. છતાં એમ લાગે છે કે માર્ક્સવાદી પ્રતિબદ્ધતાએ એમનામાં વિસંગતિ અને દ્વિધા પણ ઊભા કર્યાં છે.

[માર્ચ, ૧૯૮૧