નીરખ ને/વિજ્ઞાની ડૉ. ડેવિડ બ્લામ સાથે કૃષ્ણમૂર્તિનો સંવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આપણે મનને એવી રીતે કેળવ્યું છે કે જે લગભગ કોઈ પણ યંત્રવિજ્ઞાનને લગતો પ્રશ્ન હલ કરી શકે છે. પણ સ્પષ્ટતઃ માનવીય પ્રશ્નો ક્યારેય હલ થયા નથી. માણસો પોતાના પ્રશ્નોમાં – પ્રત્યાયનના, જ્ઞાનના, સંબંધોના, સ્વર્ગ અને નરકના પ્રશ્નોમાં ડૂબી ગયા છે. આખું માનવીય અસ્તિત્વ એક વિરાટ સંકુલ પ્રશ્ન બની ગયું છે... અને દેખીતી રીતે આખો ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. પોતાનું જ્ઞાન છતાં, સદીઓની ઉત્ક્રાન્તિ છતાં, માણસ ક્યારેય પોતાના પ્રશ્નોથી મુક્ત રહ્યો નથી... કોઈ રાજકારણી, વિજ્ઞાની કે તત્ત્વજ્ઞાની એમને હલ કરી શકવાના નથી – યુદ્ધો વગેરેથી પણ નહીં. તો સારી દુનિયામાં માણસો શા માટે પોતાના રોજિંદા જીવનના પ્રશ્નોનો ઉકેલ લાવી શકતા નથી? એવી કઈ ચીજો છે જે આ પ્રશ્નોના સંપૂર્ણ નિરાકરણને અટકાવે છે? એટલા માટે કે આપણે ક્યારેય આપણું મન એ ઉપર લગાડ્યું નથી? એટલા માટે કે આપણે આપણા બધા દિવસો અને કદાચ અડધી રાતો ટેક્નોલોજિકલ પ્રશ્નો ઉપર વિચારવામાં ગાળીએ છીએ, અને બીજા માટે આપણી પાસે વખત નથી? એટલા માટે કે આપણું ભણતર, જડ ઘાલેલી આપણી પરંપરા આ વસ્તુનો સ્વીકાર કરતા કરે છે?... પણ મારે શોધી કાઢવું છે કે મારી બાકીની જિંદગી હું એક પણ પ્રશ્ન વગર જીવી શકું કે કેમ? એ સંભવિત છે? આ બધાનું મૂળ શું છે? આ માનવીય અરાજકતાનું કારણ શું છે?


જે. કૃષ્ણમૂર્તિ



વિજ્ઞાની ડૉ. ડેવિડ બ્હૉમ સાથે કૃષ્ણમૂર્તિનો સંવાદ

“ભારતમાં એક રાતે હું જાગી ગયો; મેં ઘડિયાળમાં જોયું, સવા બાર વાગ્યા હતા. અને – હું કહેતાં અચકાઉં છું, કારણ કે એ હદ બહારનું લાગે – બધી શક્તિના મૂળ સુધી પહોંચાવાયું હતું અને એની અસાધારણ અસર મગજ ઉપર પડી, શારીરિક રીતે પણ. મારી વાત કરવા માટે હું દિલગીર છું, પણ સમજાય છે? અક્ષરશઃ ત્યાં કોઈ વિભાજન નહોતું; દુનિયાની કે ‘મને’(‘મી’)ની કોઈ સેન્સ નહીં. માત્ર શક્તિના પ્રચંડ સ્રોતની સેન્સ.” (કૃષ્ણમૂર્તિ.) કૃષ્ણમૂર્તિના જીવનમાં એક માત્ર ધડપડ હતી કે મને જે સુખ મળ્યું છે એ બીજાને કેવી રીતે મળે? એ માટે એ સતત મથતા રહ્યા. એમના પ્રવચનો સાચા અર્થમાં પ્રવચનો નહોતાં; એ ચિંતનની પ્રક્રિયા રહેતી જેમાં આપણને એ સાથે રાખવા મથતા : ધર્માચાર્યો, બુદ્ધિનિષ્ઠો, વિજ્ઞાનીઓ સાથે એમણે અનેક વાર્તાલાપો કર્યા અને એ વાર્તાલાપોની બૌદ્ધિક પ્રક્રિયામાં પણ એ એમના મુલાકાતીઓની સાથે સાથે ચાલ્યા. પણ આ બધું એમને ખૂબ અપૂરતું લાગતું અને એ પૂછતા રહેતા કે શબ્દો સિવાય માણસના મનને પહોંચવાની બીજી કઈ સંક્રમણની રીત છે? ‘There must be another element which breaks through all that - breaks through the inability to listen, the inability to observe, to hear and so on.’ એમણે એવું પણ પૂછ્યું કે દસ મુક્ત માણસોની હાજરી સ્વયં શું એક ઉત્પ્રેરક(કેટેલિસ્ટ)ની ગરજ સારી શકે? જીવન અર્થપૂર્ણ છે, અને પ્રશ્નો ઉકેલી શકાય એમ છે એમ એ દૃઢપણે કહેતા. ૧૯૮૦ના વર્ષમાં કૃષ્ણમૂર્તિનો વિજ્ઞાની ડૉ. ડેવિડ બ્હૉમ સાથેનો સંવાદ ‘Ending of Time’ પુસ્તકમાં પ્રગટ થયો છે. આ પુસ્તકમાં લાગે કે કૃષ્ણમૂર્તિની સારી સંપ્રજ્ઞતાનો – સમગ્રતાનો નિચોડ છે. કૃષ્ણમૂર્તિ પૂછે છે કે સંઘર્ષનું મૂળ શું છે? – માત્ર બાહ્ય નહીં, પણ માનવજાતિનો પ્રચંડ આંતરિક સંઘર્ષ. માણસ પોતે જે છે તેથી એને સંતોષ નથી; એને કંઈ ને કંઈ બનવું છે, વધારે સારા થવું છે, ક્યાંક પહોંચવું છે. બાહ્ય જીવનમાં તો માણસ સતત ટેક્નોલોજી ક્ષેત્રમાં, ગાડાથી જેટ વિમાન સુધી, સતત વિકાસ કરતો રહ્યો છે – કંઈક બનતો રહ્યો છે, ઠીક છે. એનો કદાચ ખાસ વાંધો નથી. પણ આ જ સિદ્ધાંત જ્યારે અંદર લાગુ પાડવામાં આવે છે ત્યારે વિરોધ ઊભો થાય છે – પોતે જે છે અને પોતે જે હોવું જોઈએ તે વચ્ચે આ હોવું (be) અને કંઈક થવું (becoming) વચ્ચે સમય પસાર થાય, સમયનું તત્ત્વ આવે. કૃષ્ણમૂર્તિ કહે છે કે મારે આ સમયને નાબૂદ કરવો છે, માનસિક રીતે. માણસના દુઃખનું કારણ, મૂળ એ જ છે. ભાષા શીખવા માટે સમય જોઈએ એ સમજી શકાય. પણ જ્યારે તમે એ સમયને અંદર દાખલ કરો (કંઈક બનવા માટે, વધુ ને વધુ પૂર્ણ બનતા જવું, ઉત્ક્રાંત થતા જવું) ત્યારે સમય માણસના ગૂંચવાડાનું કારણ બને છે. હવે જો અંદર સમયની ગતિ ન હોય તો શું રહે? કંઈ નહીં. અને આ કંઈ નહીં એ બધું છે. It is nothing and so everything and so everything is energy. પણ વિરોધ બાહ્યજીવનમાં નહીં એટલો અંદર કેમ ઊભો થાય છે? કારણ કે અંદર એ એક કેન્દ્ર ઊભું કરે છે, અહંભાવી કેન્દ્ર. મારા નિરીક્ષણથી કહું તો સંઘર્ષનું મૂળ ‘મી’ (me) અને ‘આઈ’ (I) છે. જો અહં ન હોય તો કોઈ પ્રશ્ન નથી. સંઘર્ષ નથી, સમય નથી. એવું બન્યું હોય ખરું કે શક્તિ (energy) અસીમ અને વિરાટ હોવાને કારણે મનમાં સંકોચાઈ ઘટ્ટ બની ગઈ અને મગજ સંકોચાઈ ગયું કારણ કે આ વિરાટ શક્તિને સમાવી ન શક્યું? શા માટે બધા વિચારો સહિત મગજે ‘મી’ અને ‘આઈ’ની લાગણી ઊભી કરી? ડૉ. બ્હૉમે કહ્યું કે કાર્ય કરવા માટે આપણને કોઈક જાતના તાદાત્મ્યની (sense of identityની) જરૂર પડી. કૃષ્ણમૂર્તિ કહે છે કે હા, કાર્ય કરવા માટે. અને જીવનમાં મારે કુટુંબ, ઘર, વેપાર કે નોકરી સાથે તાદાત્મ્ય સાધવું પડ્યું. અને આ બધું ધીરે ધીરે ‘મી’ બન્યું? – એમ બને. આપણે જોઈ ગયા કે સમય – માનસિક સમય નાબૂદ થાય છે ત્યારે કંઈ નથી રહેતું અને કંઈ નથી એ બધું શક્તિ (એનર્જી) છે. હવે આ શક્તિનો કોઈ સ્રોત છે? કૃષ્ણમૂર્તિ કહે છે કે શક્તિની પાર કંઈક છે. ડૉ. બ્હૉમ પૂછે છે કે આપણે એમ કહી શકીએ કે આ કંઈક પાર એ બધાનું ગ્રાઉન્ડ છે? કૃષ્ણમૂર્તિ પ્રત્યુત્તર વાળે છે કે હા, બીજું છે – પણ અહીં મારે ખૂબ સાવધ રહેવું જોઈએ. માણસે રંગદર્શી ન બની જવાય, ભ્રમણા, તૃષ્ણા કે શોધમાં પણ ન પડી જવાય એ માટે ખૂબ સાવધ રહેવું જોઈએ. શોધમાં નહીં – it must happen. જ્યાં સુધી તૃષ્ણા અને વિચાર છે ત્યાં સુધી ભ્રમણા છે – એ તો સાદી વાત છે. અને તૃષ્ણા અને વિચાર ‘હું’ના ભાગ છે જે સમય છે. જ્યારે તૃષ્ણા અને સમય પૂરેપૂરાં ખતમ થઈ જાય છે ત્યારે કંઈ રહેતું નથી. ડૉ. બ્હૉમ પૂછે છે કે તમારે એમ સૂચવવું છે કે શૂન્યતા(emptiness)ની ઉપર જે છે તે ગ્રાઉન્ડ છે? તમને એ કહેવાને શું કારણ છે? કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે કે એ છે એ જ હકીકત છે. બ્હૉમ કહે છે, તો લોકો સુધી એ કેમ નથી પહોંચ્યું? કૃષ્ણમૂર્તિ કહે છે, માણસ શું ક્યારેય ‘હું’થી મુક્ત થયો છે? એની (ગ્રાઉન્ડની) માંગ છે કે ‘હું’ નાશ પામે. શૂન્યતા, શાંતિ અને શક્તિ વિરાટ અને અમાપ છે. પણ હું જો એમ કહું કે એની પાર કંઈક છે, એનાથી મોટું છે તો તમે એ સ્વીકારશો? એ અર્થમાં સ્વીકારશો કે અત્યાર સુધી આપણે તર્કસંગત રહ્યા છીએ? બ્હૉમ કહે છે, માનો કે આપણે કહીએ કે શાંતિ, શક્તિની ઉપર કંઈક છે. પણ મુદ્દો એ છે કે તમે એમ કહો કે કંઈક ઉપર છે તો તાર્કિક રીતે એ ઉપરની ઉપર પણ કંઈક છે એમ કહી શકાય. કૃષ્ણમૂર્તિ કહે, ના. બ્હૉમ કહે, શા માટે નહીં? કૃષ્ણમૂર્તિ કહે, ના. તેની ઉપર કંઈ નહીં – I stick to it. આ હું જીદથી કે મતાગ્રહથી નથી કહેતો. એ જ (ગ્રાઉન્ડ) બધાની શરૂઆત છે અને એ જ અંત છે. શરૂઆત અને અંત બન્ને સરખાં છે – બરાબર? બ્હૉમ કહે, હા, જો તમે એમ માનો કે એ ગ્રાઉન્ડમાંથી આવે છે અને ગ્રાઉન્ડમાં જ પડે છે. કૃષ્ણમૂર્તિ કહે, બરાબર. એ જ આરંભ અને અંત, અથવા આરંભ પણ નહીં, અંત પણ નહીં. આ ‘Ending of Time’ પુસ્તકમાં તો અનેક બાજુઓ – અનેક પાસાંઓ (આપણે માટે બધું જ પ્રસ્તુત)ની વાત થઈ છે જેનો એક નાનો અંશ પણ અહીં લઈ શકાયો નથી કે સંવાદની પ્રક્રિયામાં ક્રમિક જવાનું પણ સંભવિત નથી બન્યું. માત્ર કૃષ્ણમૂર્તિના પાયામાં રહેલી ઠોસ અનુભૂતિની કંઈક ઝાંખી આપવા યત્ન કર્યો છે. તો આપણે આ બધામાં ક્યાં છીએ? ભાષાની મર્યાદાને કારણે આપણી સમક્ષ એક વિરોધાભાસ આવીને ઊભો રહ્યો છે — કહે છે કે ‘હું’નો અંત આવે ત્યારે સત્નાં (કૃષ્ણમૂર્તિ જેને ગ્રાઉન્ડ કહે છે તેનાં) દર્શન થાય, પણ એ પણ એટલું જ સાચું છે કે જ્યારે સત્ પમાય ત્યારે હુંનો અંત આવે. આ પમાવું ક્રમિક નથી હોતું, એક ઝબકારામાં થતું હોય છે – ક્યારે થાય, કોને થાય એ કશું કહેવાતું નથી. પણ ત્યાં સુધી આપણે શું કરવું? કઈ સત્તા છે આપણી પાસે? બને એટલા કષાયોરહિત સમક્તિ બુદ્ધિથી દરેક વસ્તુના સ્વરૂપને સમજતા રહેવાની શક્તિ કદાચ કેળવી શકીએ. વસ્તુનું સ્વરૂપ સમજાતું જાય એમ તાણ – સંઘર્ષ ઘટે. સંસારનું સ્વરૂપ સમજાતું જાય – શંકરાચાર્ય કહે છે કે ‘તું કોણ છે? હું કોણ છું? મારી માતા કોણ છે અને મારો પિતા કોણ છે? એમ તું વિચાર્યા કર’ – એમ સાંસારિક મૂલ્યોની વ્યર્થતા મનમાં વસે એટલે સત્તા-પૈસા-નામ-ની પાછળની ભાગદોડની આપણી ગતિમાં કંઈક ફેર પડે. ડૉ. બ્હૉમ કૃષ્ણમૂર્તિ સાથે સંમત થાય છે કે આપણી યાંત્રિક રીતે, રુટિનમાં વિચાર કરવાની ટેવની અસર આપણા મગજની સંરચના ઉપર પડે છે, મગજ સંકોચાતું જાય છે. બાળક જન્મે છે ત્યારે મગજના કોષોને ઘણા ઓછા ક્રૉસ-સેક્શન હોય છે; પછી ઉંમર સાથે ધીમે ધીમે એ વધે છે. પણ જો યાંત્રિક રીતે, કાર્ય-પ્રત્યાઘાતમાં, રુટિન ધારામાં બુદ્ધિ કામ કરતી થઈ જાય તો ક્રૉસ-સેક્શન જડ થતા જાય છે. સામાન્ય રીતે આપણાં વિચાર-વર્તન પરિસ્થિતિ અનુરૂપ નહીં, પણ કોઈક પ્રત્યાઘાતમાંથી જન્મતાં હોય છે. આપણું બોલવું-ચાલવું-લખવું આ પ્રત્યાઘાત-પડઘારૂપ છે; અને એટલે યાંત્રિક છે. જો આપણે આપણી આ પ્રક્રિયા બરાબર જોઈ શકીએ તો કદાચ ઘણે અંશે એથી મુક્ત થઈ શકાય – તો આપણામાં ઉઘાડ થતો આવે. કૃષ્ણમૂર્તિ પુનર્જન્મ – કર્મ વગેરેની બાબતમાં કદાચ માનતા નહોતા કે એમાં પડવાની એમને જરૂર નહોતી લાગી. એમણે એકદમ કશું ફોડ પાડીને કહ્યું નથી અને કહ્યું હોય તો મારા વાંચવામાં આવ્યું નથી. પણ જો અંતિમ સત્ય જેને કૃષ્ણમૂર્તિ ગ્રાઉન્ડ કહે છે એમાં જ મૃત્યુ પછી સમાઈ જવાતું હોય તો – ધારો કે જીવન દરમ્યાન આપણે અંધકારમાં જીવ્યા કે ઝબકારામાં (Flashમાં) સત્નાં દર્શન ન થયાં તો પણ શો ફેર પડવાનો છે? આખરે તો મૃત્યુ પછી આપણે અંતિમ સત્યરૂપ બનવાના છીએ; એવું નથી કે આપણે કર્મમાંથી મુક્ત થવાનું છે – આ પ્રશ્ન ઊભો રહે છે. પણ કહે છે કે આ બધા પ્રશ્નો ગ્રાઉન્ડનો સ્પર્શ થયો નથી ત્યાં સુધીના, મર્યાદિત બુદ્ધિ-શક્તિના છે; પછી પ્રશ્નો રહેતા નથી. અનંત ઓચ્છવમાં આપણી બુદ્ધિ પંથ ભૂલી છે. શી ખબર?

[મે, ૧૯૮૭