નીરખ ને/સાહિત્યિક મૂલ્યાંકનની આસપાસનાં પ્રભાવક તત્ત્વો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કલામાં કશું જ્ઞાન જ ન હોય? જે સત્ય વિજ્ઞાનના સત્યથી અવશ્ય જુદું હોય, છતાં પણ તે તેનાથી ઊતરતું ન જ હોય – એવા સત્યનો દાવો કલાના અનુભવમાં સમાઈ જતો નથી શું? કલાનો અનુભવ જ્ઞાનનો એક અનન્ય પ્રકાર છે. જે ઐન્દ્રિય જ્ઞાન વિજ્ઞાનને નિસર્ગનું જ્ઞાન સંઘટિત કરવા માટે સામગ્રી પૂરી પાડે છે, તેનાથી આ જ્ઞાન અવશ્ય જુદા પ્રકારનું છે. તે જ પ્રમાણે બધા નૈતિક-બૌદ્ધિક જ્ઞાનથી, કહો ને કે બધા વિભાવમૂલક જ્ઞાનથી આ જ્ઞાન અવશ્ય જુદું છે. ને તો પણ એ જ્ઞાન છે – સત્યનું અવગમન છે. આ તથ્યનો આધાર પૂરો પાડવો એ જ સૌંદર્યશાસ્ત્રનું કાર્ય નથી શું? પણ જો કૅન્ટને અનુસરીને આપણે સાચા જ્ઞાનને માત્ર વિજ્ઞાનમાન્ય જ્ઞાનના વિભાવને ત્રાજવે જ તોળીએ, અને વિજ્ઞાનમાન્ય વાસ્તવના વિભાવ વડે જ માપીએ, તો આ સ્વીકારવાનું ભાગ્યે જ બને. કલાકૃતિના અનુભવને એક અનુભવલેખે સમજવા માટે અનુભવના ખ્યાલને કૅન્ટ કરતાં વિશાળતર અર્થમાં લેવો પડશે. આ માટે આપણે હેગલના સૌંદર્યશાસ્ત્ર પરનાં સરસ વ્યાખ્યાનોનો આશરો લઈ શકીએ. એ વ્યાખ્યાનોમાં પ્રત્યેક કલાના અનુભવમાં જે સત્ય રહેલું છે તેનો સ્વીકાર થયો છે અને સાથોસાથ તેને ઐતિહાસિક ચેતના સાથે સંબદ્ધ કર્યું છે. આથી સૌંદર્યશાસ્ત્ર યુગદૃષ્ટિઓનો ઇતિહાસ બને છે – એટલે કે કલાના દર્પણમાં દેખાતા સત્યનો ઇતિહાસ.

હાન્સ ગેઑર્ગ ગાડામેર
અનુ. હરિવલ્લભ ભાયાણી



સાહિત્યિક મૂલ્યાંકનની આસપાસનાં પ્રભાવક તત્ત્વો

કૃતિનિષ્ઠ વિવેચન હોવું જોઈએ એમ મૂળભૂત રીતે હું માનું છું, અને સામાન્ય રીતે આજે આ વાત સ્વીકારાઈ છે એવો જ મને ખ્યાલ છે. જોકે કૃતિનિષ્ઠ વિવેચનને પુરસ્કારવું અને એ થઈ શકવું એ વાત જુદી છે. માનવું અને થવું વચ્ચે યાર, આપણી પ્રકૃતિનો ખેલ છે. જ્ઞાતા-દ્રષ્ટા બનો અને જોયા કરો. છતાં સર્જનકૃતિમાંથી શુદ્ધ સાહિત્યિક મૂલ્યાંકનની ઉપરવટ જઈ ઊઠતાં સ્પંદનો કેટકેટલી રીતે આપણને છાવરી લે છે? થોડા જ એક દિશામાં કામ કરે છે? તત્કાળ આપણને લેખકના સંવેદન-વિશ્વમાં રસ જાગે છે. જો એવા કોઈક સામાજિક વર્ગનું ભાવવિશ્વ કૃતિમાં ચિત્રિત થયું હોય જેનાથી પૂર્વે આપણે બિલકુલ અજાણ હોઈએ તે કૃતિને માણવામાં એક પરિમાણ બની જાય છે. ઉચ્ચ સર્જન-કૃતિની ભાષાભિવ્યક્તિ આપણને વિચલિત કરી મૂકે છે, તો વિષયનું નાવીન્ય પણ એક પરિમાણ નથી જ બનતું એમ નહીં; હા, એ વાત સાચી છે કે એક જ વિષયનું એક જ રીતિએ વારંવાર નિરૂપણ થાય તો સંતૃપ્તિ-સેચ્યુરેશન-પોઇન્ટ આવી જાય છે એટલું જ નહીં, પણ એ જ લેખકની પહેલાં ઉત્તમ નીવડેલી એક-બે કૃતિઓનું પણ એથી અવમૂલ્યન થાય છે. જોસેફ મેકવાનને દૃષ્ટાંતરૂપ લઈ શકાય. સુઝાન સોન્ટાગ આલ્બેર કેમ્યૂની વાત કરતાં કહે છે કે એને લોકોનો અદ્ભુત પ્રેમ મળ્યો હતો. સુઝાન પ્રમાણે કેમ્યૂ ઘણો મહત્ત્વનો લેખક હતો છતાં એકદમ શ્રેષ્ઠ તો ન ગણાય; “કાફકા ભય અને દયા, જોયૂસ પ્રશંસા, પ્રૂસ્ત અને જીદ આદર આપણામાં જગાડે છે, પણ કેમ્યૂ સિવાય બીજા કોઈ આધુનિક લેખકનો વિચાર નથી કરી શકતી જેણે આપણામાં પ્રેમ જગાડ્યો હોય. આખા વિશ્વસાહિત્યમાં ૧૯૬૦ની સાલમાં નીપજેલું કેમ્યૂનું મૃત્યુ એક અંગત ખોટ તરીકે સાલ્યું હતું.” એથી જ તો આપણે કહી શકીએ કે એક ઉત્તમ સાહિત્યિક કૃતિથી ઊઠતા વલયો આપણા સંકુલ વ્યક્તિત્વને અનેક રીતે સ્પર્શે છે – એકનિષ્ઠ થઈને એમને ઊતરડી નાખવાનું પણ આપણને પાલવતું નથી. સુઝાન સોન્ટાગ કેમ્યૂને મળેલી લોકચાહના પાછળ રહેલાં કારણોની તપાસ આદરે છે; લખે છે, “મહાન લેખકો કાં તો પતિ હોય છે કે પછી પ્રેમી હોય છે. કેટલાક લેખકો પતિના સંગીન ગુણો જેવા કે વિશ્વસનીયતા, બુદ્ધિગ્રાહ્યતા, ઉદારતા, શિષ્ટતા પૂરાં પાડે છે; કેટલાક લેખકો છે જેમાં નૈતિક સારપ કરતા પ્રેમીની નૈસર્ગિક બક્ષિસો અને સ્વભાવગત (ટેમ્પરામેન્ટ) દેણગીઓનું મૂલ્ય અંકાય છે. નોટોરિયસ છે કે સ્ત્રીઓ પતિમાં જે ક્યારેય ચલાવી ન લે એવા પ્રેમીના ગુણો – બદલાતા મિજાજો, સ્વાર્થ, અવિશ્વસનીયતા, જંગલીપણું –રોમાંચ અને તરબોળ તીવ્ર લાગણીની અનુભૂતિ માટે સહન કરે છે. એવી જ રીતે લેખકો વળતરમાં વિરલ આવેગો અને ખતરનાક સંવેદનાઓની લિજ્જત માણવા દે તો વાચકો દુર્બોધિતા, વળગાડો, કષ્ટમય સત્યો, જૂઠાણાંઓ, ખરાબ વ્યાકરણ ચલાવી લે છે... જેમ જીવનમાં તેમ કલામાં પ્રેમી સામાન્ય રીતે બીજું સ્થાન ધરાવે છે. મહાન સાહિત્ય-યુગોમાં પ્રેમીઓ કરતાં પતિઓ ઘણી વધારે સંખ્યામાં રહ્યા છે – માત્ર આપણા યુગ સિવાય. આધુનિક સાહિત્યની અધિદેવી વક્રતા (પરવર સિટી) છે... આધુનિક સાહિત્યમાં પ્રતિભાવંત પાગલોનો જરૂરિયાત કરતાં વધુ મોટો પુરવઠો થઈ ગયો છે. એટલે પછી નવાઈ જ શી કે એક અત્યંત શક્તિશાળી લેખકનો ઉદય થાય છે – એની ટેલન્ટ અલબત્ત પ્રતિભાકક્ષાની નથી – પણ એ હિમ્મતપૂર્વક શાણપણની જવાબદારીઓ સ્વીકારે છે અને એથી સાહિત્યિક ગુણોની ઉપરવટ જઈને એ પોંખાવો જોઈએ. હું આલ્બેર કેમ્યૂની, સમકાલીન સાહિત્યના આદર્શ પતિની વાત કરું છું. સમકાલીન હોવાને નાતે આત્મહત્યા, અપરાધભાવ, નગ્ન ભયાનકતા, ઊર્મિશૂન્યતા જેવા વિષયોનો વેપાર એને ખેડવો પડ્યો, પણ એવી તો સમજદારીની અદાથી, સહજતાપૂર્વક, મનોહર બિનઅંગતતાથી કરે છે કે એથી બીજાથી એ નોખો પડી જાય છે. લોકપ્રિય નેતિવાદથી આરંભી એ વાચકને માત્ર એના સ્વસ્થ અવાજ અને સ્વરના પ્રભાવથી માનવતાના અંત તરફ લઈ જાય છે. નેતિવાદની ખીણ ઉપરનો આ અતાર્કિક કૂદકો એ એવી બક્ષિસ છે જે માટે વાચકો કેમ્યૂના ઋણી છે. એથી જ તો એ વાચકોના હૃદયમાં સાચો સ્નેહ જગાડી શક્યો હતો. જ્યારે જ્યારે કેમ્યૂની વાત થાય છે ત્યારે અંગત, નૈતિક અને સાહિત્યિક મૂલ્યાંકનની ભેળસેળ થઈ જતી હોય છે. કેમ્યૂ ઉપરની કોઈ પણ ચર્ચા માણસ તરીકેની એની સારપ અને આકર્ષતાને અંજલિ આપ્યા વગર જ અથવા તો એનો નિર્દેશ કરવાનું પણ ચૂકી ગઈ હોય એવું નથી બન્યું.” આપણે પણ ક્યાં નથી જોયું કે સાહિત્યિક-પ્રદાન નિરપેક્ષ કોઈ અકળ, અગમ્ય, વ્યક્તિત્વના કોઈક લોહચુંબકીય તત્ત્વથી સાહિત્યજગતમાં કોઈ એક સર્જક અનન્ય સ્થાન પ્રાપ્ત કરે છે. ઉમાશંકર જોશીએ વીસ વર્ષની ઉંમરે ‘વિશ્વશાંતિ’ લખ્યું, અને ગુજરાતી સાહિત્યજગતમાં દૂર દૂર નજર નાખતાં દેખાય કે એ આગવું સ્થાન લઈને જ પ્રવેશ્યા. સાર્ત્રે કેમ્યૂ માટે કહ્યું હતું કે ‘Camus carried about with him a portable pedestal.’ સુરેશ જોષી પણ એમની અત્યંત મહત્ત્વની સાહિત્યિક ગુણવત્તાથી ઊંચે ચઢી એમનાં લખાણોમાંના વિદ્રોહના ધરખમ સૂરને કારણે વિદ્રોહના પ્રતીક બની ગયા. ઉમાશંકર જોશી કે સુરેશ જોષી માટે આપણા અર્ધચેતન માનસ ઉપર જે છાપ ઊભી થઈ એ માત્ર સાહિત્યિક મૂલ્યાંકનથી સીમિત નથી. જો કે પાયો એમનું સાહિત્ય-પ્રદાન જ છે. ભવિષ્યની પ્રજા સમક્ષ અલબત્ત એમની કૃતિઓ-લખાણો જ રહેશે; અને બીજાં આંતર-બાહ્ય કારણોસર એમના સમય દરમ્યાન ઘણાંને એ પ્રેરણારૂપ બન્યાં છે એ અનુભૂતિ ભવિષ્યના વાચકો માટે નહીં રહે. છતાં એ જ કારણે શું એ અનુભૂતિનું મૂલ્ય ઓછું આંકવું બરાબર છે? હા, અમરત્વને કાટલે જોખીએ તો જરૂર એમ કહી શકાય. પણ ક્ષણાર્ધનો, લુપ્ત થવા સર્જાયેલો અનુભવ પણ એની રીતે સતત વહેતા જીવનપ્રવાહમાં મહત્ત્વ ધરાવે છે. આપણું આધુનિક વિદગ્ધ સર્જન નવાં રૂપો ધરીને આપણી સમક્ષ આવ્યું છે. આજે ફરી એણે નવા પ્રશ્નો જગાવ્યા છે, લોલક બીજી બાજુ ફરવા માંડ્યું છે. પણ એની વાત અહીં નથી કરવી. ઔદ્યોગિક ક્રાન્તિ પછી આપણા સમયના વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનના અકલ્પ્ય હરણફાળ ભરતા ઝડપી વિકાસ સાથે સર્જકની સંવેદનશીલતા (સેન્સિબિલિટી)માં ધરમૂળથી ગુણાત્મક ફેરફાર થયો છે. સુઝાન સોન્ટાગ કહે છે કે આ નવી સંવેદનશીલતા આપણી અનુભૂતિમાં રોપાયેલી છે; શી છે આપણી આ અનુભૂતિ? – એ છે તીવ્ર ગતિશીલતાની, માણસો અને માલ-પેદાશોની ખીચોખીચ ભીડની, ઝડપની – પ્લેનથી શક્ય બનેલી શારીરિક ઝડપની અને સિનેમાનાં ઝડપી પ્રતિરૂપોની; કલાપદાર્થોનું સામૂહિક સ્તરે રિપ્રોડક્શન થવાથી કલાઓનો એક અખિલ પરિપ્રેક્ષ્ય આપણને સાંપડ્યો છે. વળી સુઝાન કહે છે, ‘કલા આપણા સમયમાં વધારે ને વધારે વિશેષજ્ઞોનું ક્ષેત્ર બની રહી છે. સૌથી વધુ રસપ્રદ અને સર્જનાત્મક કલા સામાન્ય શિલિતો માટે લભ્ય નથી રહી.’ છતાં પ્રશ્ન રહે જ છે કે બહોળા રસિક ભાવકવર્ગના અભાવમાં, એમના ઇન્ટરએક્શન વગર શું આ કલા જીવી શકે? સમયનો પ્રભાવ જો કલાકારોમાં નવી સંવેદનશીલતા જગાડતો હોય તો પ્રજા શું એ પ્રભાવમાંથી બાકાત રહી જાય? પણ જોવા શું મળે છે? પ્રજા વધુ ને વધુ મનોરંજક સનસનાટીભર્યા સાહિત્ય-કલાના કલણમાં ખૂંપી રહી છે, અને વિદગ્ધ સર્જન વધુ ને વધુ સાંકડું – સીમિત ભાવકવર્ગ માટે બનતું ગયું છે. આપણા આધુનિક સાહિત્યકારો પણ શું કમાલની દ્વિધામાં નથી ફસાયા? એક બાજુ પ્રત્યાયનની તમા વગર, ભાવકનિરપેક્ષ સર્જન કરવું એ સારા સાહિત્યસર્જનની પૂર્વશરત છે, અને બીજી બાજુ ભાવકો મળી નથી રહેતા એનો વેદનામય અફસોસ છે. એટલું જ નહીં, મહાવિદ્યાલયના સ્તરે એમનાં સર્જનો પાઠ્યપુસ્તકો બને એની ખેવના એ જ દ્વિધાનો ફાલ છે. આ તરફ બહુમતી શિક્ષકોમાં આધુનિક શુદ્ધ સાહિત્ય શીખવવાની સજ્જતાનો અભાવ છે. દોષ ભાગ્યે જ એમને આપી શકાય એમ છે. કવિતા સમજવા કરતાં પામવાની કલા હોય તો વિદ્યાર્થીઓ સમક્ષ એનું પ્રત્યાયન કેવી રીતે કરવું? કેવી રીતે કવિતા એમની સમક્ષ મુકાવી જોઈએ? પાછા પ્રશ્નો તો પરંપરાગત અભ્યાસક્રમો પ્રમાણે આવવાના. તો દૃષ્ટાંતો સહિત મૂર્ત સ્વરૂપે શિક્ષકો સમક્ષ આ વસ્તુ મૂકાવાની આવશ્યકતા છે. નહીં તો એમની મૂંઝવણનો અંત આવે એમ નથી. પ્રજાકીય સ્તરે પણ ભાવકોની સજ્જતા વધારવા માટે કવિતા-પઠનો અને આધુનિક કથા-વાચનોના કાર્યક્રમો ગોઠવાવા જોઈએ. લાભશંકર ઠાકરે આર્ત સ્વરે કવિતા-પઠનોના કાર્યક્રમની વાત વર્તમાનપત્રના સ્તરે પણ કરી છે. મોટો સારો એવો ખર્ચો અને ઉપકરણો માંગી લેતા કાર્યક્રમો રોકી ન શકાય, પણ સાથે સાથે નાનાં નાનાં જૂથોમાં વધુ ને વધુ વિસ્તારોમાં આવા કાર્યક્રમો થાય એ જરૂરી છે. આખરે એ ભૂલવાનું નથી કે યંત્રવિજ્ઞાન હોય કે કલા હોય એ માણસ માટે છે, માણસ ક્યારેય એમને માટે નથી. ‘ભૂમિપુત્ર’માં સામાજિક સંદર્ભે સેક્સ વિશે ખુલ્લી ચર્ચા! ૧-૫-૧૯૮૮ના ‘ભૂમિપુત્ર’માં સ્વામી ગીતાગોવિંદે સ્વસ્થ સમાજની રચના માટે પંચશીલ કાર્યક્રમ આપ્યો છે. એમાંથી સ્વામી ગીતાગોવિંદનું જે માનસ-ચિત્ર ઊભું થાય છે તેથી આપણને આશ્ચર્ય થાય. એ સ્વતંત્રતા પણ લોકો ઉપર ફરજિયાત લાદવા માંગે છે. વિપશ્યના – ધ્યાન શિબિરો લગ્નની પૂર્વશરત હોવી જોઈએ એવી બેધડક માંગ કરે છે. યુવક-યુવતીઓના જાતીય વ્યવહારનો અધિકાર તો ખરો જ, પણ લગ્નજીવનમાં અઠવાડિયામાં એક દિવસ મુક્ત જાતીય જીવન સ્વીકારવાની પણ એ હિમાયત કરે છે. આખા ભારતમાં કેવળ એક જ કેન્દ્રીય સત્તામાં એ માને છે. નેતાઓ પાસે ખૂબ જ સત્તાઓ હોવી આવશ્યક ગણે છે. અલબત્ત આ ઉપરાંત એમણે પૂર્ણ રોજગારીની, સ્ત્રીઓ અને દલિતો ઉપરના અત્યાચારો – હત્યાઓ માટે જુદી અને નવી વ્યવસ્થાની યથાર્થ વાતો પણ કરી છે. આવો લેખ ‘ભૂમિપુત્ર’માં છપાયો હોવાને કારણે ઘણા વાચકો આંચકો ખાઈ ગયા અને એના પ્રત્યાઘાતરૂપ મહદ્અંશે ચોખલિયાપણું દર્શાવતા ઘણાં પત્રો ‘ભૂમિપુત્ર’માં પ્રસિદ્ધ થયા. પણ આ બધામાં ‘ભૂમિપુત્ર’ના તંત્રી શ્રી કાન્તિભાઈ શાહના સ્વામી ગીતાગોવિંદને આપેલા વળતા જવાબમાંની વાતો વિચારણીય છે. શરૂઆતમાં શ્રી કાન્તિભાઈ સર્વોદય વિચારસરણીની પાયાની વાત સ્પષ્ટ કરે છે : “કેન્દ્રીકરણ, એકહથ્થુ સત્તા, રેજીમેન્ટેશન, માણસ સાથે ઘેટાં જેવો વ્યવહાર એ બધું સર્વોદય સાથે સુસંગત નથી. તેમાં વિચારનો દ્રોહ છે, માનવનો દ્રોહ છે, માનવહૃદય અને માનવચિત્ત વિશેની ભારોભાર અનાસ્થા રહેલી છે.” સેક્સ વિશેનો પોતાનો અભિગમ દર્શાવતા શ્રી કાન્તિભાઈ લખે છે, “જાતીય વૃત્તિનું રૂંધામણ નહીં, દમન નહીં, દાંભિક છાવરણ નહીં, પણ તેનો છુટ્ટો દોર પણ નહીં.” એક ખાસ ચિંતનયોગ્ય વાત શ્રી કાન્તિભાઈ જાતીય ભૂખાળવાપણાને કન્ઝ્યુમરિઝમ સાથે જોડે છે એ છે : “જાતીય ભૂખાળવાપણું એ એક રોગ છે તથા આજના આ પૈસાલોલુપ સમાજમાં કેટલાંક સ્થાપિત હિતોને જાતીય ભૂખાળવાપણાના રોગને વધુ ને વધુ વકરાવવામાં રસ છે... બેફામ જાતીયતા એ આજના કન્ઝ્યુમરિઝમનું જ એક પાસું છે. જેમ કૃત્રિમ માંગો ઊભી કરવામાં આવે છે, તેમ કૃત્રિમ જાતીય ભૂખોને પણ બહેકાવાય છે. ‘લેસે ફેર’ જેમ આર્થિક ક્ષેત્રમાં અનિષ્ટકારી છે તેમ જાતીય ક્ષેત્રમાંયે છે.” મને લાગે છે કે પશ્ચિમમાં કન્ઝ્યુમર સમાજના મશિનેશન્સ ઉપરાંત બે વિશ્વયુદ્ધો પણ મનોરુગ્ણતા અને જાતીયતા બહેલાવવામાં જવાબદાર છે. આપણો દેશ જાતીય વૃત્તિ ઉપરના નિષેધો અને દાંભિકતાનો શિકાર છે. છતાં આજે આપણા ટોચના સમૃદ્ધ વર્ગમાં કન્ઝ્યુમરિઝમે બહેકાવેલી બેફામ જાતીય વૃત્તિ અને એમાંથી જન્મતા ગુનાઓ મોટી સંખ્યામાં આપણી નજરે પડવા માંડ્યા છે. સ્વામી ગીતાગોવિંદના પંચશીલ કાર્યક્રમમાં એમની મુક્તિની ખેવના સાથે સરમુખત્યારી માનસનું દર્શન ખરે જ વિસ્મયજનક છે. છતાં ‘ભૂમિપુત્રે’ એમનો પંચશીલ કાર્યક્રમ છાપ્યો એની કદર કરતાં એમણે જે નિવેદન કર્યું છે એ સ્વસ્થ મુક્ત ચર્ચાવિચારણા માટે દાદ માંગી લે છે : “મારું ‘ન્યૂનતમ પંચશીલ’ લેવા માટે આભાર. કડક ટીકાને પણ લેજો જ. મારી લાગણીનો વિચાર ન કરશો. પાયાની વાતો વિશે બધી જ બાજુઓને આવરી લેતું પ્રખર ચિંતન કરવું જ રહ્યું. સર્વોદિય કે સામ્યવાદ કે બીજું એવું જ કાંઈક શુભ તે વગર જગતમાં નહીં લાવી શકાય.” આપણે આવો અભિગમ અપનાવી શકીશું ખરા?

[ઑગસ્ટ, ૧૯૮૮