ન્હાનાલાલ દલપતરામ કવિ
કવિ ન્હાનાલાલ દલપતરામ, ‘પ્રેમભક્તિ’ (૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬) : કવિ, નાટ્યલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચોપડે તેમ ત્યારપછી જીવનભર ભાઈઓની પેઠે ‘કવિ'. અગિયાર વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી પોતાના અલ્લડવેડાથી વૃદ્ધ પિતાને પોતાનાં ભણતર અને ભાવિ વિશે ચિંતા કરાવનાર તરુણ ન્હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં એમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩નું મૅટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર’ બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની એલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કૉલેજોમાં શિક્ષણનો લાભ મેળવી ૧૮૯૯માં તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા. એમનો અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને એમની સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને તો માર્ટિનોના અભ્યાસે એમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસ ને તત્ત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ, તત્ત્વજ્ઞાનના યુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભક્તિભાવના, ધર્મદૃષ્ટિ તથા શુભ ભાવના પાછળ ઘરના સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના પ્રાર્થના સમાજોના સંપર્ક ઊભેલા હતા. એમ.એ. થયા પછી રાજકુમારો માટેની બે કૉલેજ-નામધારી શાળાઓના અધ્યાપક : ૧૯૦૨થી ૧૯૦૪ સાદરાની સ્કોટ કૉલેજમાં ને ૧૯૦૪થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કૉલેજમાં. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયાધીશ અને નાયબ દીવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯માં ગાંધીજીની પચાસમી જન્મજયંતીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રોલેટ ઍક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૦માં લાંબી રજા ઉપર ઊતરી ૧૯૨૧માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું. ત્યાં એમની સ્વમાની પ્રકૃતિ તથા બાહ્ય સંજોગોએ એમને સક્રિય રાજકારણથી દૂર રાખી પોતાના સારસ્વત જીવનકાર્યમાં જ રત રાખ્યા. રાજકોટ ખાતેના ઉલ્લાસકાળને મુકાબલે કવિનું અમદાવાદનું અઢી દાયકાનું જીવન તપસ્યાકાળ બનેલું. અમદાવાદમાં અવસાન. સાહિત્યસર્જક તરીકે કવિનું પ્રધાન અને ઉત્તમ પ્રદાન ઊર્મિકાવ્યો છે. એવી એમની કવિતામાં ‘કેટલાંક કાવ્યો'– ભા.૧-૨-૩ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫), ‘ન્હાના ન્હાના રાસ'– ભા. ૧-૨-૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭), ‘ગીતમંજરી'– ૧-૨ (૧૯૨૮,૧૯૫૬), ‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી’ (૧૯૦૩, ૧૯૦૫, ૧૯૧૧), ‘ચિત્રદર્શનો’ (૧૯૨૧), ‘પ્રેમભક્તિ ભજનાવલિ’ (૧૯૨૪), ‘દાંપત્યસ્તોત્રો’ (૧૯૩૧), ‘બાળકાવ્યો’ (૧૯૩૧), ‘મહેરામણનાં મોતી’ (૧૯૩૯), ‘સોહાગણ’ (૧૯૪૦), ‘પાનેતર’ (૧૯૪૧) તેમ જ ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ’(૧૯૪૩)નો સમાવેશ થાય છે. બાળકાવ્યો, હાલરડાં, લગ્નગીતો, રાસ-ગરબા, ભજન, અર્ઘ્ય-અંજલિકાવ્યો, ગોપકાવ્ય, કરુણપ્રશસ્તિ, પ્રાસંગિક કાવ્યો, કથાગીતો – એમ પ્રકારદૃષ્ટિએ સારું વૈવિધ્ય એમાં છે. આરંભકાળમાં આત્મલક્ષી બનતી પણ થોડા જ સમયમાં પરલક્ષિતા તરફ ગતિ કરતી આ કવિની કવિતાના મુખ્ય કવનવિષય પ્રકૃતિસૌંદર્ય, પ્રણય અને પ્રભુ છે. અક્ષરમેળ-માત્રામેળ છંદો, પરંપરાપ્રાપ્ત લયમેળ રચનાના ઢાળો અને ગઝલ-કવ્વાલીના યથેચ્છ વિનિયોગ સાથે પદ્યમુક્ત ડોલનશૈલી પણ એનું વાહન બનેલ છે. છંદને નહિ પણ ભાવના અને તેને અનુવર્તતા વાણીના ડોલન એટલે લયને કવિતાને માટે આવશ્યક માનતી કવિની સમજે એ શૈલી પ્રથમ ‘ઇન્દુકુમાર’ નાટક માટે પણ પછી કવિતા માટે પણ પ્રયોજી છે. કેટલાંક ચિત્રકાવ્યો, ‘વસંતોત્સવ’ (૧૮૯૮, ૧૯૦૫), ‘ઓજ અને અગર’ (૧૯૧૩) અને ‘દ્વારિકાપ્રલય’ (૧૯૪૪) જેવાં કથાકાવ્યો તેમ જ ‘કુરુક્ષેત્ર’ (૧૯૨૬-૪૦) જેવું મહાકાવ્ય ડોલનશૈલીમાં લખાયાં છે. જોકે એવી દીર્ઘકથાત્મક રચનાઓમાં પણ ગીતો કવિએ મૂક્યાં છે. એ મૂકયા વગર આ ઊર્મિકાવ્યના કવિથી રહી શકાય એમ હતું નહિ. કથાત્મક કવિતામાં ‘વસંતોત્સવ’ અને ‘ઓજ અને અગર’ કવિના પ્રેમભક્તિ’ ઉપનામના પ્રેમ-પાસાનું સર્જન છે, તો ‘હરિદર્શન’ અને ‘વેણુવિહાર’ (૧૯૪૨) એ પ્રસંગવર્ણનની આત્મલક્ષી કાવ્યરચનાઓ ભક્તિ-પાસાની નીપજ છે. દ્વારિકાપ્રલય’ અને બાર કાંડનું ‘કુરુક્ષેત્ર’ એ પૌરાણિક વસ્તુ પરની દીર્ઘ રચનાઓ મહાકાવ્ય લખવાની મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાયેલી કૃતિઓ છે, જેમાંનાં મહાકાવ્યોચિત ઉપમાચિત્રો અને કવિનું વર્ણનકૌશલ ધ્યાન ખેંચે છે. તેમનું મરણોત્તર પુરાણક૫ પ્રકાશન બનેલ ‘હરિસંહિતા (ત્રણ ભાગમાં, ૧૯૫૯-૬૦) એમની સૌથી વિપુલકાય કૃતિ હોવા છતાં નિર્ધારેલાં બાર મંડળમાંથી આઠ જેટલાં જ હોઈ અપૂર્ણ રહી છે. શ્રીકૃષ્ણ પોતાના શતાબ્દી મહોત્સવ પછી અર્જુન-સુભદ્રા અને યાદવપરિવાર સાથે મોટો સંઘ કાઢી સોળ વર્ષ ચાલેલી ભારતયાત્રા સદ્ધર્મ-સંસ્થાપનાર્થે કરી, એવું એનું વસ્તુ કલ્પિત છે. મંડળોના અધ્યાયોના આરંભે ને અંતે મૂકેલા અન્યવૃત્ત શ્લોકો સિવાય સમસ્ત કૃતિ કવિએ અનુષ્ટુપ વૃત્તમાં લખી છે. એમાં ગીતો પણ આવે છે. કવિના સર્જનાત્મક સાહિત્યમાં કવિતા પછી આવે એમનાં ડોલનશૈલીમાં લખાયેલાં ચૌદ નાટકો. પાંખું વસ્તુ, મંથરગતિ કાર્ય અને ક્રિયાશીલ નહિ તેટલાં ઉદ્ગારશીલ પાત્રો આ ભાવપ્રધાન અને કવિતાઈ નાટકોનાં મુખ્ય લક્ષણો છે. એ નાટકોમાં વસ્તુદૃષ્ટિએ ‘ઇન્દુકુમાર’ – ૧-૨-૩ (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨), ‘પ્રેમકુંજ’ (૧૯૨૨), ‘ગોપિકા'(૧૯૩૫), ‘પુણ્યકંથા’ (૧૯૩૭), ‘જગત્પ્રેરણા’ (૧૯૪૩), ‘અજિત અને અજિતા’ (૧૯૫૨) અને ‘અમરવેલ’ (૧૯૫૪) સામાજિક નાટકો છે; ‘જયા-જયન્ત’ (૧૯૧૪) કલિદ્વાપરની સંધ્યાનું કાલ્પનિક નાટક છે; ‘વિશ્વગીતા’ (૧૯૨૭) પૌરાણિક-પ્રાચીન-મધ્યકાલીન ભારતીય અને કાલ્પનિક વસ્તુવાળું નાટક છે; અને ‘રાજર્ષિ ભરત’ (૧૯૨૨), ‘જહાંગીર-નૂરજહાન’ (૧૯૨૮), ‘શાહાનશાહ અકબરશાહ’ (૧૯૩૦), ‘સંઘમિત્રા’ (૧૯૩૧) અને ‘શ્રીહર્ષદેવ’ (૧૯૫૨) ઐતિહાસિક નાટકો છે. ‘સંઘમિત્રા’ અને ‘શ્રીહર્ષદેવ’ સંસ્કૃત નાટ્યશૈલીમાં પ્રવેશ વિનાના સાત સાત અંકોનાં, વચમાં વૃત્તબદ્ધ શ્લોકોવાળાં નાટકો છે. ‘ગોપિકા'માં પણ પ્રવેશ વિના પાંચ સળંગ અંકો છે. ન્હાનાલાલનો ભાવલોક કે કાવ્યલોક કહેવાય એવી આ નાટકોની સૃષ્ટિ સ્નેહ, લગ્ન, સેવા, સંયમ અને સમન્વયની પ્રિય ભાવનાઓના ઉદ્ઘોષથી ગાજતી રહે છે, ‘વિશ્વગીતા'માં સ્થળ અને કાળની તો ઠીક પણ. કાર્યની પણ એકતા છાંડી એકાંકીઓના સંગ્રહ જેવા બની બેઠેલા નાટકને ‘અદૃશ્ય ભાવએકાગ્રતા’નું નાટક બનાવવાનું અને ‘અમરવેલ’માં સિનેમા, નાટક અને સંગીતનો સમન્વય સાધ્યાનું કવિએ પ્રયોગસાહસ દેખાડ્યું છે. આમ, કવિતાની માફક નાટ્યલેખનમાં પણ આ કવિ પોતાની ચાલે જ ચાલ્યા છે, જેમ એમણે ‘ઉષા'(૧૯૧૮) અને ‘સારથી’(૧૯૩૯) એ ગદ્યકથાઓમાં પણ કર્યું છે. સામાજિક વાસ્તવની પૃષ્ઠભૂ સાથે સ્નેહ, સંવનન અને લગ્નની પ્રણયકથા બનેલી એ બેમાંની આગલી કૃતિને ગુજરાતીની પહેલી લઘુનવલ કહેવાય. એમાંની ગદ્યસૌરભે એને ગુજરાતની ‘કાદંબરી’ પણ કહેવડાવી છે. એનાથી બમણા કદની ‘સારથી’ છે. ‘આવડે તો બ્રિટન જગત ઇતિહાસના મહારથી થાય અને ભારતખંડ જગત-સારથી થાય’ એવા પોતાના રાજકીય દર્શનના સારની કવિએ સરજેલી આ નવલકથા પણ કવિનું એક વિશિષ્ટ સાહસ ગણાશે. જેને પોતે જ વાર્તાઓ નહિ પણ પ્રસંગો અને તેજઅણુઓ’, ‘અણુકિરણો’ અને ‘હીરાની કરચો’ કહી ઓળખાવી છે એવી વાર્તાદેહી ગદ્યરચનાઓનો સંગ્રહ ‘પાંખડીઓ’ (૧૯૩૦) પણ એમનું એવું જ બીજું સાહસ. પોતાની સર્જકતાની ‘વીજળીખાલી લેડન જારને ‘પૂર્વાચાર્યોના મેઘાડંબરો’ની વીજળીથી પાછી પૂરવા અનુવાદનો આશરો લેતા કવિએ કરેલા બે પ્રેમવિષયક કાલિદાસ-કૃતિઓ ‘મેઘદૂત’ (૧૯૧૭) અને ‘શકુન્તલાનું સંભારણું'(૧૯૨૬)ના અને ‘ભગવદ્ગીતા’ (૧૯૧૦), ‘વૈષ્ણવી ષોડશ ગ્રંથો’ (૧૯૨૫), ‘શિક્ષાપત્રી’ (૧૯૩૧) અને ‘ઉપનિષત્ પંચક’ (૧૯૩૧) એ ચાર ધાર્મિક કૃતિઓના અનુવાદો એમના ‘પ્રેમભક્તિ’ કવિનામને પરોક્ષ રીતે સાર્થ ઠરાવે છે. કવિના સર્જનેતર ગદ્યસાહિત્યમાં આત્મપરિચયાત્મક ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’ (૧૯૨૭) અને તેમાં મળતી એમના કવિઘડતરની કથાની પૂર્વકથા જેવી થોડીક નાના ‘ન્હાના’ની કથા જેમાં આવી જાય છે તે ચાર પુસ્તકો (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૪૦, ૧૯૪૧)માં પ્રગટ થયેલ એમનું પિતૃચરિત્ર ‘કવીશ્વર દલપતરામ’ પ્રથમ ધ્યાન ખેંચે. દલપતરામનાં જીવન-કવન વિશેની યથોપલબ્ધ બધી વિગતભરપૂર પ્રમાણભૂત માહિતીની સાથે ૧૯મા શતકના ગુજરાતનો જે સાંસ્કૃતિક ઇતિહાસ એમાં પૃષ્ઠભૂ તરીકે વિસ્તારથી આલેખાયો છે તે કવિના આ પિતૃચરિત્રનું દસ્તાવેજી ઇતિહાસમૂલ્ય વધારી આપે છે. ચરિત્રકાર ન્હાનાલાલ સાહિત્યવિવેચક પણ છે. એમનાં ‘સાહિત્યમંથન’ (૧૯૨૪), તેના નવા અવતારરૂપ ‘આપણાં સાક્ષરરત્નો–ભા. ૧-૨’ (૧૯૩૪, ૧૯૩૫), ‘જગતકાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન’ (૧૯૩૩) એ પુસ્તકો તથા કેટલાંક પોતાનાં ને બીજાનાં પુસ્તકોનાં એમનાં પૃથક્કરણ, સમગ્રદર્શન અને રસ-રહસ્યોદ્ઘાટનથી મૂલવવાની સ્ટોફર્ડ બ્રૂક અને ડાઉડન જેવાની પદ્ધતિને ઇષ્ટ માનનાર આ કવિનું, પાંડિત્ય કરતાં રસિકતાના ત્રાજવે સાહિત્યકૃતિને તોળનારું, સંસ્કારગ્રાહી સાહિત્યવિવેચન વસ્તુત : એમના લેખન-મનનની ઉપસિદ્ધિ કહેવાય. કવિતા ને કવિધર્મ વિશેના એમના નિશ્ચિત અભિપ્રાયો અને ભાવનાઓનો તથા ‘ક્લાસિકલ’ અને ‘રોમૅન્ટિક’ કલાશૈલીઓ પરત્વે એમના વલણનો પરિચય એમાંથી મળી રહે છે. ગુજરાતનાં ઘણાં અને મુંબઈ-કરાંચી જેવાં બહારનાં શહેરોમાં કવિએ આપેલાં વ્યાખ્યાનોમાંનાં ઘણાં ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’ (૧૯૨૭), ‘ઉદ્બોધન’ (૧૯૨૭), ‘સંસારમંથન’ (૧૯૨૭), ‘સંબોધન’ (૧૯૩૦), ‘ગુરુદક્ષિણા’ (૧૯૩૫), ‘મણિમહોત્સવના સાહિત્યબોલ-૧-૨’ (૧૯૩૭) અને ‘મુંબઈમાંનો મહોત્સવ’ (૧૯૩૯)માં સંગહિત થયાં છે. એમાં એમનાં ઇતિહાસ-રસ, ગુણદર્શી સમન્વયદૃષ્ટિ, સતેજ ધાર્મિકતા, લોકહિતચિંતા, ભારતીય સંસ્કૃતિ અને ધર્મે પુરસ્કારેલાં ચિરંતન જીવનમૂલ્યો પરની આસ્થા, અભ્યાસશીલતા અને ભાવનાશીલતા છે. એમાંનું સાંભળવે મીઠું લાગતું ગદ્ય પણ એની એક વિશિષ્ટતા. અભ્યાસપૂર્ણ લેખો રૂપે પ્રથમ તૈયાર કરાઈ વંચાયેલાં આ વ્યાખ્યાનો ગૃહજીવન, શિક્ષણ, સમાજપ્રશ્નો, સાહિત્ય, ધર્મ, કલા – એમ જીવનનાં બધાં મુખ્ય ક્ષેત્રોને સ્પર્શી વળતાં હોઈ કવિને એક સ્વસ્થ અભ્યાસી વિચારક તરીકે રજૂ કરે છે. વ્યવહારુ ગુજરાતી તથા અંગ્રેજી વ્યાકરણો, ‘સાદી કસરતના દસ દાવ’ અને ‘ગુજરાતની ભૂગોળ’ જેવાં નાનાં શિક્ષણોપયોગી પુસ્તક પણ એક શિક્ષકની દૃષ્ટિ-વૃત્તિથી એમણે લખ્યાં હતાં, જેમાંનું છેલ્લું વિશિષ્ટ કહેવાય.