ન તત્ર સૂર્યો ભાતિ/ભય
સુરેશ જોષી
યોષિતા નથી બોલતી, નથી હસતી. કેવળ નિષ્પલક નેત્રે જોઈ રહે છે. એ કશું જોતી નથી, માટે સદા જોયા કરે છે. સમય પોતે યોષિતાની આંખોમાં પોતાનું પ્રતિબિમ્બ જોવા ચાહે તો જોઈ શકે નહિ. એ આંખો પારદર્શી છે. એ હવે કશું સાચવતી નથી, ના, એક આંસુ પણ નહિ. એ આંખોમાં આછી ભૂરાશ છે – દૂર દૂરના પર્વતો પર દેખાય છે તેવી.
યોષિતા પહેલાં આવી નહોતી. ભારે નટખટ હતી. ચંચલ આંખો, એક પછી એક સ્મિતની પાંખડીઓ ખૂલતી જ જાય. ઉમંગના આવેગમાં શબ્દો પણ પૂરા ઉચ્ચારે નહિ. રમતિયાળ બાળક અર્ધો કોળિયો ભરે ને વળી રમત તરફ વળી જાય તેમ એ શબ્દો અર્ધા ઉચ્ચારીને જ છોડી દેતી છતાં એ શબ્દોમાં કાચા ફળની તુરાશભરી ખટાશનો સ્વાદ હતો. એ ચાલે નહીં પણ સરી જાય; પવનની આંગળી ઝાલીને દોડે. આપણું હૈયું વ્યાકુળ બનીને એના ધબકારાનો તાલ ચૂકી જાય. ત્યારેય, એના આ તોફાની પ્રવાહની નીચે, દટાઈને સ્થિર થઈ ગયેલા પથ્થરની જેમ, રહી હશે આ આજની નિસ્તબ્ધતા?
હવે એ તોફાન નથી, છે નિસ્તરંગ પ્રવાહ. એના ઊંડાણમાં કશો ઉત્પાત મચે તો એના પડઘા ઊંડાણમાં જ શમી જાય છે, બહાર એક તરંગ સરખો દેખાતો નથી. કાંઠાંનાં ઘેઘૂર વૃક્ષોની ઘટા ઘુંટાય છે એના જળમાં.
તમે કાન દઈને સાંભળો તો નિરવધિ સંભળાયા કરે સ્થિર જળનો ઊંડે ઊંડેથી આવતો અવાજ – એવો જ ધ્વનિ કદાચ હશે નક્ષત્રો નક્ષત્રો વચ્ચેના શૂન્ય અવકાશમાં.
યોષિતા પહેલાં આવી નહોતી. બધાં કહે છે કે મેં જ એને આવી કરી મૂકી છે. જાણે પતંગિયું ઊડતું ઊડતું કાંટાની વાડ વચ્ચે ભરાઈ ગયું! એનાથી જાણી કરીને દૂર રહેવામાં મને શું વીત્યું હશે તે હું જ જાણું. એની ચંચળ લીલા જોનારા ઘણાએ હતા. એ થાકી જતી તોય જાણે કોઈ એને છોડતું નહિ. ખડકો વચ્ચે પછડાટ ખાતી નદી ધોળાં ફીણનાં મોતી વેરે તેમ જ એ કરી રહી હતી. મોતી વીણી લેનારા ઘણા હતા. એનેય એના વહ્યે જવાના આવેગમાં આ પછડાટની વેદના ઓળખવાની ધીરજ નહોતી. ને એ વેદનાનો સ્વભાવ જ એવો હોય છે: ધીમે ધીમે આઘાતોનાં ચિહ્ન આંક્યે જાય, ને પછી એકાએક આપણી દૃષ્ટિ એ સાંકેતિક લિપિને ઓળખી લે, પછી…. આ સાંકેતિક લિપિ એની દૃષ્ટિએ પડી તે જ ક્ષણે મારી દૃષ્ટિ સાથે એની દૃષ્ટિ મળી. એ પહેલાં તો હું એની નજરે જ નહોતો પડ્યો. એનો કશો વાંક નથી. એક ઊંચા મોજાના શિખર પર હતી એ. એ છલકાઈને કોને ભીંજવી ગઈ તેનો કાંઈ હિસાબ રાખી શકાય? ઊંડે ઊંડેનો કશોક વિક્ષોભ શું એને આમ ઉછાળતો હશે? કેટલાય એને વિજયપતાકાની જેમ ઊંચે ધરીને ચાલતા હતા. એનો ફરકવાનો અવાજ જ કેવળ હું દૂરથી સાંભળતો હતો.
મને એણે એક વાર કહ્યું હતું: ‘તારા શબ્દો ભારે છેતરામણા હોય છે – કઠણ ઠળિયો જ મોટો, ને ઉપર માત્ર આછો ગર. મોઢામાં મૂકીએ ને છેતરાઈ જઈએ.’ હું જવાબ આપતો નહિ. નહિ તો કહ્યું હોત: મૃદુ કઠોરના આધારે જ ટકી રહે. કઠોર ગુપ્ત રહે ને પ્રકટ કરે મૃદુને, બધી મધુરતા પણ એ મૃદુને જ દઈ દે.’ મારી આ કવિતાઈ એણે પૂરી કાન ધરીને સાંભળી પણ ન હોત!
પણ પછી શું થયું? પવનમાં ધ્વજા ચિરાઈ ગઈ, કોઈ ખડક જોડે પછડાઈને મોજું વેરાઈ ગયું – ન રહ્યું મોતી, ન રહી છાલ, સમુદ્રનો ઘુઘવાટ દૂર સરી ગયો. ઘરની ચાર દીવાલ, તુલસીનું કૂંડું, ઘીનો દીવો, એક પુરુષના નામનું રક્ષણ – ને પછી દીર્ઘ પથ, ને એને અન્તે મરણનો ખોળો.
આંખો ખોલીને એણે મને જોયો. મેં દોડી જઈને એને ઊંચકી લીધી નહિ. એવું કર્યું હોત તો પાછળથી એણે મને ખૂબ ધિક્કાર્યો હોત. પ્રેમ ઉગારતો નથી, સાથે ડૂબી જાણે છે; ને સાથે ડૂબવા જેટલો તો હું નિકટ નહોતો. આથી એ આંખોને હું જોઈ રહ્યો. દૂરના પર્વતો પર જે ભૂરું આવેષ્ટન હોય છે, એવું ભૂરું આવેષ્ટન ઢાંકતું હતું એ આંખોને, એ આવરણની બીજી બાજુએ રહીને મેં એને જોઈ – પામવાના લોભથી નહીં, આધાર આપવાની આશાથી નહિ.
મેં કહ્યું, ‘યોષિતા.’
એ ચમકી ઊઠી. કશાક ભયની ધ્રૂજારી એના શરીરમાં દોડી ગઈ.
મેં એને પૂછ્યું: ‘શું થાય છે તને?’
એણે સહેજ પણ વિચારવા થોભ્યા વિના જવાબ આપ્યો, ‘આનન્દ.’
એ જવાબને જૂઠો ઠરાવવાનો હઠાગ્રહ કરવાનો ઉદ્યમ મને નિરર્થક લાગ્યો. બાળકની ઊંઘમાં શિથિલ થયેલી આંગળીની પકડ વચ્ચેથી રમકડું સરી પડે તેમ એ એક શબ્દ એના મુખમાંથી સરી પડ્યો હતો. એને ઢંઢોળીને, જગાડીને એનો અર્થ પૂછવાનો ઉદ્યમ શા માટે?
શાખાપ્રશાખાવાળું વૃક્ષ હોય. એના પર કળી બેસે, ફૂલ આવે, ફૂલ ખરે, ફળ આવે, ડાળ ફળના ભારથી લચી પડે. ફળ પાકે, ફળ ઉતારી લેવાય, પછી માત્ર રહે બીજ. વળી એ નાના શા બીજથી પ્રારમ્ભ. પણ બીજથી ફળ સુધી જતાં વચમાં કેટલા ઝંઝાવાત, કેવો બાળી નાખે એવો તાપ! હું જોતો હતો. યોષિતા હવે નાના શા અરક્ષિત બીજ જેવી હતી. એની ફળ સુધીની યાત્રા મારે ધીરજથી જોવી રહી. હું પોતે જ ઝંઝાવાત બનીને કે પ્રખર તાપ બનીને એના નાશનું કારણ તો નહીં બનું ને? આથી જ તો કદાચ દૂરતાના પટને એકદમ ખસેડી નાખવાનું દુસ્સાહસ કરતાં મેં મને વાર્યો હતો. પણ…
એક દિવસ યોષિતાએ કહ્યું: ‘મને ભય લાગે છે.’ એ બીજું કશુંક બોલશે એની અપેક્ષામાં હું કશું બોલ્યો નહિ. પણ એ તો શૂન્યમનસ્ક બનીને બેસી રહી. મેં જોયું તો એના હોઠ થરકતા હતા. શેનો ભય હશે એને? મેં એ જ પ્રશ્ન એને પૂછ્યો:
‘શેનો ભય?’
એ મારી પાસે સરી આવી. એના મુખ પર આમ તો સ્વસ્થતા હતી, પણ એનું પડ ભેદીને કશુંક બહાર આવવા મથી રહ્યું હતું. એનો એમાં અણસાર હતો. ઘડીભર એ મારી સામે જોઈ રહી. પણ તે દિવસે એ કશું વિશેષ બોલી નહિ શકી. આપણા ચિત્તમાં શું નથી હોતું? આદિ કાળની એ ગુફા શું હજી આપણા ચિત્તમાં નથી? આગલા કોઈ યુગમાં થયેલા પ્રલયના પડછંદા હજી પણ શું આપણી નાડીમાં ગાજતા નથી?
હું યોષિતાની સાથે નીકળી પડ્યો, અમે ખૂબખૂબ રખડ્યાં. જાણે કોઈ અમારી પાછળ પડ્યું હોય એમ અમે ભાગતાં હતાં. કેટલાંય શહેર, કેટલાય નદીપર્વત – બધે ઘૂમી વળ્યાં. દોડતી ગાડીમાં યોષિતા મારી સામે બેઠી હોય, બહારની સૃષ્ટિને એની આંખમાંથી પસાર થતી હું જોઈ રહું. શહેરના ભીડવાળા રસ્તા પર અમે ફરતાં હોઈએ – મૂંગા મંૂગા, નિલિર્પ્ત, ઝબકતા દીવાઓ, રંગરાગ, વેદનાથી કણસતા માનવસમૂહો, જાહેરખબરનાં ઊભરાતાં કીડિયારાં – આ બધાં વચ્ચે એકાકી. પાતળા થઈ ગયેલા બરફના પડ પર અમે ચાલતાં હતાં. એ તૂટી જાય તો?
આખરે એક દિવસ મેં યોષિતાને પૂછ્યું: ‘હવે ક્યાં જઈશું?’
એણે કહ્યું: ‘મને નથી ગમતો દરિયો, નથી ગમતા પહાડ. મને ગમે છે નદી. કોઈ અજાણી નદી, જેને કાંઠે શહેર નહિ. માત્ર હોય અબોટ્યું એકાન્ત…
બસ દોડતી હતી. રસ્તો સારો નહોતો. આંચકા લાગતા હતા. યોષિતા મારે ખભે માથું ઢાળીને બેઠી હતી – ઉઘાડી નિષ્પલક આંખે. બહારની સૃષ્ટિની નાની શી રેખા પણ એના ચિત્તમાં અંકાતી નહોતી. તાપ, ધૂળ, બસમાં બેઠેલા લોકોની વાતચીતનો ઘોંઘાટ – હું બે શબ્દ બોલવા મથતો હતો. પણ આ તાપ, ધૂળ અને ઘોંઘાટના વમળમાં ચકરાવો ભમીને બધું ઊંડે ઊંડે ચાલી જતું હતું. ત્યાં એકાએક ઠંડી પવનની લહર આવી, યોષિતા ચોંકી ઊઠી ને બોલી: ‘નદી’, એ સાંભળીને મેં સમ્મતિસૂચક અસ્પષ્ટ કશુંક કહ્યું. બારીમાંથી બહાર નજર નાખી. યોષિતાની ઊડતી લટ વચ્ચેથી, કાંઠાની વૃક્ષઘટા વચ્ચેથી, બળબળતી હવાના મૃગજળ વચ્ચેથી દેખાઈ જળરેખા – ને એ જળપ્રવાહની જેમ આજ સુધી રૂંધી રાખેલી મારી વાણીનો પ્રવાહ વહી જશે કે શું એવી મને દહેશત લાગી. યોષિતાની દૃષ્ટિ નદી તરફ હતી. સાથે છતાં બે નક્ષત્રો જેટલાં દૂર અમે પોતપોતાના ભ્રમણપથે ભમી રહ્યાં હતાં. વચ્ચે હતો અન્ધકાર – કશાના સહેજસરખા અણસાર વિનાનો નર્યો શુદ્ધ અન્ધકાર.
દરમાંથી એક પછી એક કીડી ચાલી જાય તેમ મારી ઉન્નિદ્ર આંખોમાં ચટકા ભરીને રાતી કીડીના જેવી ક્ષણોની હાર ચાલી જતી હતી. દૂરથી સંભળાતો હતો નદીના જળનો અવાજ. કેવો બિહામણો હોય છે એ અવાજ! ધીમે ધીમે ચોરપગલે એ સર્યે જાય છે, ખબર ન પડે એમ એ આપણને ઘેરી વળે છે. એ અવાજનું એકસૂરીલાપણું આપણને ઘેનમાં નાખી દે છે, એ ઘેનથી પરવશ થઈને એના ઊંડાણમાં સરી જઈએ છીએ – ઉપર રહી જાય છે એકબે ભંગુર પરપોટા માત્ર!
મારી પાસે જ હતી યોષિતા – અન્ધકારમાં દેખાતી જળરેખાના જેવી, એની કાયામાં છે નિદ્રાને કારણે થતું આછું હલન. બાકી તો છે નર્યું નિ:શબ્દ ઊંડાણ. એને કદી ભેદી શકાતું નથી; ને છતાં એ ઊંડાણ મને સદા આકર્ષ્યા કરે છે ને છતાં એમાં ડૂબીને હું લય પામી જતો નથી, ઉપર જ તર્યા કરું છું.
પાછલા પહોરે યોષિતાએ એના હોઠ છેક મારા કાન પાસે લાવીને પૂછ્યું: ‘ક્યાં છે તું?’
મેં એની આંખની પાંપણ પર આંગળી મૂકતાં કહ્યું: ‘આ રહ્યો હું.’ પણ મારો ઉત્તર સાંભળ્યા વિના જ એણે પડખું ફેરવી દીધું. કદાચ સ્વપ્નમાં એ કોઈકને આ પ્રશ્ન પૂછી રહી હશે. એની દૃષ્ટિસીમામાં રહેવા છતાં, એમાંથી જ હદપારી ભોગવીને જીવ્યે જવાનું!
બહારની નીરવતામાં વહેતાં પાણીનો અવાજ ધીમે ધીમે વધુ ને વધુ મારા તરફ ધસી રહ્યો હતો. હવામાં કશાકના ભણકારા વાગતા હતા. એકાએક પવનની ઝાપટથી બારીઓ ખખડી ઊઠી. બહાર કશું દેખાતું નહોતું, છતાં કાનમાં ભણકારા ગાજતા હતા. મેં આંખો બંધ કરી દીધી. ઘૂમરી ખાતાં જળ મને ઘેરી વળ્યાં. એમાં હું ઊંડે ને ઊંડે ઊતરતો ચાલ્યો. મારી કાયાના કણ છૂટાં થઈને વેરાઈ ગયા, રહી ગઈ મારી અશરીરી ચેતના. એના બધા જ વ્રણ તાજા હતા, એની એકેય સ્મૃતિ ઝાંખી નહોતી થઈ ગઈ. વિખેરાઈ ગયેલા મારા કણને શોધતી મારી ચેતના કેવળ એક વેદનાનો થડકાર માત્ર બની રહી….
સવારે જાગીને જોયું તો યોષિતા નહોતી. હું બધા ઓરડામાં શોધી વળ્યો. કોણ જાણે શું ઇંગિત પામીને હું નદી તરફ વળ્યો. જોયું તો યોષિતા નદીના જળમાં પગ પખાળતી બેઠી હતી. એણે મારા આવ્યાની કશી નોંધ લીધી નહિ. હું કશું બોલ્યા વિના એની પાસે બેઠો. કેટલીય ક્ષણ એમ ને એમ વીતી ગઈ. આ જાણે અનન્ત કાળ સુધી ચાલ્યા કરશે એવું મને લાગ્યું. કદાચ હું સાચેસાચ જળને તળિયે લય પામી ગયો હતો, ને યોષિતા પણ…
હું યોષિતાને ખભે હાથ મૂકીને એનું ધ્યાન ખેંચવા ગયો. હાથને જાણે કશાનો સ્પર્શ જ થયો નહીં, જાણે જળ જળને અડ્યું, જળમાં શમી ગયું.