પદ્મિની/‘પદ્મિની’ નાટ્યકૃતિ (ટૅક્સ્ટ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અર્પણ


આરાધનામાં સ્મરું રૂપ બાનું!
ને બા સ્મરીને પ્રભુ રૂપ પામું!


0


અંતે આજે : —

એક વર્ષ ઉપરાંત તો મુદ્રણાલયની અન્ય આપત્તિઓને અંગે અર્ધમુદ્રિત દશામાં પુસ્તકને પડ્યું રહેવું પડ્યું. અંતે આજે જ્યારે એ તૈયાર થાય છે ત્યારે એના પ્રકાશક સ્નેહી ભાઈ જયંતિલાલ દોષીને અનેકવિધ આપત્તિઓમાંથી સફળતા પૂર્વક માર્ગ કરવા બદલ અભિનંદન આપ્યા સિવાય કેમ રહેવાય? અને બીજા બે સ્નેહીઓનો પણ ઓછામાં ઓછો નામનિર્દેષ તો કરવાનો જ : જો વિશેષ લખું તો એમને નથી ગમવાનું, અને ન જ લખું તો મને નથી ગમવાનું એટલે મધ્યમ પ્રતિપદા’ને ન્યાયે : ભાઈ યશવંત પંડ્યા અને સોમાલાલ શાહનો હું કેટલો ઋણી છું તે સૌને કેમ સમજાવાય? મુદ્રણની અને ખાસ કરીને સંસ્કૃત તથા અંગ્રેજી જોડણીની અસહ્ય ભૂલો રહી જવા પામી છે તે સૌ કરતા વિશેષ મને સાલે છે એ ખાતરી આપ્યા પછી વાંચનાર નિભાવી લેશે એટલી આશા રાખું છું.

કૃષ્ણલાલ શ્રીધરાણી

21મી ફેબ્રુઆરી, 34 મુંબઈ


પડઘા ગીત

વગડાને વાટ કો’ લજામણીનો લુમખો : લીલુડી પાંદડીમાં જાંબલી ફૂલે ગૂંથ્યો : ‘અડશો-મન-ન-કોટ’ અધીર! મારો સાળુ ચોળાય! પ્રેમરાગ સ્પર્શથી અંગ અકળાય! ફૂલડાં સંગાથ એક શેવતીનો ઝૂમખો: નીલમના ઝુંડમાં પારસ ફૂલે લચ્યો : પડછાયો કોઈનો કુટિલ! મારું અંગ અભડાય! ભોગભૂખી આંખડીથી પાંખડી કપાય! એકલ ઉરો તણા અબોલ શબ્દ ઊપડ્યા : દરિયાના બેટમાં પડઘા થઈ પડ્યા : દિવાદાંડીનું થયું શરીર! એના ‘આવ’ સંભળાય! ભેખડની બાથ એ તો! પાસ ના જવાય! આભલાના બુરજમાં રૂપવેલ વીજળી : તેજ તણી કાર્યમાં પ્રતાપની શિખા ભળી. જોબનનાં તેજ ભર્યા ચીર! રૂપ એનાં દૂરથી પિવાય! અડીએ તો અડનારું ખાખ થઈ જાય! પદ્મિની પુષ્પમાં વસંત એક જોગણી : અનંગ સમી આંખમાં પવિત્રતા ધખે ધૂણી : અડશો ના! રોમ રોમ તીર! એના આશિષ લેવાય! સિંહણનાં દૂધ સિંહથી જ જીરવાય !

20, 7, 32,


(1) અરાવલી કોતર કંદરામાં, પ્રતાપના એકલ શબ્દ આથડે; ચિતોડના રાજ સિંહાસને અડે : રડી પડે નેત્ર વસુંધરાનાં.


એકાકી કો કાંચનઝંધ શો ઊભી, સમુદ્રના સૌ નીરખે તરંગો : સામ્રાજ્યના, ફ્રાન્સ તણાય ભંગો, ઉકેલતો; તારલીઓ જતી ડૂબી :


પૃથ્વી તણાં રાષ્ટ્ર સહુ ઉખેડી, ખંડી કરું; અંતરનો નિનાદ, હોલાંડમાં દેઈ અબોલ સાદ, આમંત્રતો સૌ શમણાં જતાં ઊડી;


પ્રતાપે ગજવી ખીણો, લેના બોનાપારટે; કૈસરે પદસૃષ્ટિનાં ગીતો હોલાન્ડમાં રટે; ખૂંચવી મહારાજ્યો, પાઠવ્યા સ્થળ નિર્જને! ખૂંચવી માતનો ખોળો, પદભ્રષ્ટ કીધો મને! પૃથ્વીએ સાંભળ્યા શબ્દો, પદભ્રષ્ટ પાદશાના!

કારમાં ગાન એથીયે, કરવા અંતર દાહના!


(2) અશોકનું ધર્મસિંહાસને નહિ; નહિ મહારાજ્ય સમુદ્રગુપ્તનું; કનિષ્કનુંયે ન વિસાતમાં કંઈ; પદ્માસને પ્રિય ન જીન મુક્તનું; બાવીશ તો પૂતળીયે મઢેલા, ન ભાવના વિક્રમના સિંહાસને મનુષ્યના મસ્તકથી ચણેલા, ઝંધીસને આસન કોડ ના મને; મળ્યું હતું એ સહુથી મહાન!

માતા તણા અંતરનું વિતાન!


(3) ખણી ખણી કોતરકાળજાના, આ દેહનું મંદિર તેં ચણી દીધું; કરી દઈ દાન બધી પ્રભાનાં, આ કોડિયું એક પ્રકાશનું કીધું; ચતુર્મુખે વિશ્વ સજાવતાં દીધી—

બધી પ્રભા તેં મુજને ધરી દીધી!


(4) આ વિશ્વની ભવ્ય વિરાટ વાડીએ પ્રવેશ તું, — કાંચનદ્વારથી કીધો; પાવિત્ર્યનો, ધર્મતણો, પ્રભાનો, સંદેશ તેં પ્રેમપીયૂષમાં દીધો; અજ્ઞાતના ભીષણ ગર્ભમાંથી

ખેંચી લઈ આતશ દેખતો કીધો!


(5) વર્ષો વીત્યાં આજ ઊડી ગાયને, ઊંચે; મૂકી એકલ બાળ, બાને; ન વીસરું નેત્ર કદી અમીનાં, અપત્ય પ્રીતિ પમરંત હીના : સંધ્યા ઉષા નીરખતા દિગન્તે. અશ્વે ચડું હું સ્મૃતિના ઉડન્તે : ને બીજમાં હું તુજ રૂપ ભાળું, માતૃત્વની ત્યાં કવિતા નિહાળું : નથી ગઈ બા નકી હું કહું છું; રૂપાન્તરો સર્વમહીં સ્મરું છું : આકાશમાં તારી અનંતતા છે : ને અગ્નિમાં તુંજ વિશુદ્ધતા છે; નિદ્રામહીંવત્સલ ભાવ બાના! ઉલ્લાસબાના સ્મરુ સોણલામાં; દયા ઝરે માતની ચંદ્રિકામાં :

વસુંધરામાં બલિદાન બાનાં :


(6) આરાધનામાં સ્મરું રૂપ બાનું! ને બા સ્મરીને પ્રભુરૂપ પામું ! 7, 3, 29,

23, 7, 32પદ્મિની


સમય ઈ.સ. 1290ની આસપાસનો

યવનોના એક પછી એક થતા આક્રમણોથી ઉત્તર આર્યાવર્ત ઉજ્જડ થતો જાય છે. ઐશ્વર્ય અને શક્તિવન્તાં સામ્રાજ્યો, તથા દેદીપ્યમાન અને સમૃદ્ધ શહેરો ધીમેધીમે પડતાં જાય છે. અસ્ત થતી સંધ્યા ઘેરો વિષાદ આખા આર્યાવર્ત ઉપર છવાઈ ગયો છે. ભૂતકાલની જાજ્વલ્યમાન સંસ્કૃતિના અવશેષ સમાં જીર્ણ નગરો વચ્ચે, હિન્દુપદ-પાદશાહીના જર્જરિત ધ્વજને મહામહેનતે ટેકવી રાખી, અરાવલીની ટેકરીઓ વચ્ચે ચિતોડગઢ ઉન્નત મસ્તકે ઊભો છે. વેરાન પહાડીઓ વચ્ચે આવેલા એ અજિત દુર્ગમાં આજ પહેલાં થયેલા હુમલાઓના સ્મૃત્યાવશેષ સમાં ભંગાણ પડ્યાં છે. ચિતોડ ઉપર મહારાણા લક્ષ્મણસિંહની આણ વર્તે છે. મહારાણાની સગીરાવસ્થામાં ચિતોડને ટકાવી રાખનાર રાણા ભીમસિંહના હાથમાં હજી પણ અધિકારબળે રાજ્યની લગામ છે. દક્ષિણમાં જીત મેળવીને યવનસમ્રાટ અલાઉદ્દીન ખીલજી ગિરિકૂટ ઉપર છાવણી નાખી ચિતોડને ઘેરો ઘાલી પડ્યો છે. તેના પહેલા હુમલાના ઘા રૂઝાયા નહોતા એવી સ્થિતિમાં આ બીજો હલ્લો ખમવાની ચિતોડમાં તાકાત રહી નથી. છતાં રાજપૂતો જીવની અણી પર આવી લઢે છે અને સ્વાધીનતાની લીલાભૂમિનું સંરક્ષણ કરે છે. દિવસે-દિવસે અલાઉદ્દીનનો મૃત્યુપંજો સખત થતો જાય છે. અને ચિતોડમાં ભૂખમરો ફેલાય છે. ઘનઘોર આકાશમાં વીજળીનો ચમકારો થઈ ઠરી જાય છે અને અંધકાર વિશેષ ઘોર બને તેમ ઇતિહાસમાં પણ બને.

— અને આથમતી જતી આર્યવિભૂતિનો એવો એક ચમકારો એ નાટકનો વિષય છે.

મુખ્ય પાત્રો ઈ. સ. 1290ના સમય વખતે ચિતોડના સિંહાસન ઉપર વિરાજમાન બાપ્પા રાવળના વંશજ મહારાણા લક્ષ્મણસિંહ મહારાણાના બાર પુત્રોમાં બીજા અને મહારાણાને અત્યંત પ્રિય કુમાર અજયસિંહજી મહારાણાના બાર પુત્રોમાંના એક કુમાર અચ્યુતસિંહ મેવાડના મંત્રીશ્વર કેદારનાથ મહારાણાના સગીરાવસ્થામાં ચિતોડને સાચવનાર, અને મહારાણાના રાજ્યારોહણ પછી પણ અધિકારબળે રાજ્યની ધુરા વહેનાર મહારાણાના કાકા ભીમસિંહ રૂપરાણી પદ્મિનીના વીર ભ્રાતા અને ચિતોડના દુર્ગપાળ બાદલ રૂપરાણી પદ્મિનીના કાકા અને ચિતોડના સેનાનાયક ગોરાદેવ ઈ. સ. 1290ના સમય વખતે દિલ્હીના સંહાિસનારૂઢ યવન સમ્રાટ અલાઉદ્દીન ખીલજી દિલ્હીશ્વરના સંધિવિગ્રહક અને કૂટનીતિને બળે શહેનશાહતમાં મોટો અધિકાર ધરાવનાર સરદાર કાજી ચારિત્ર્યમાં આર્યરમણીના આદર્શસમી અને રૂપમાં રતિ સમી રાણી ભીમસિંહની મહારાણી પદ્મિની.

અને બીજાં.

અંક પહેલો

(સ્થળકાળ : રૂપરાણી પદ્મિનીના પ્રતિબિમ્બનું દર્પણમાં પણ દર્શન કરવા દેવામાં આવે તો પોતાને સંતોષ થાય, અને પોતે ઘેરો ઉઠાવી ચાલતો થાય એવી યવન સમ્રાટ અલાઉદ્દીન ખીલજીની માગણીનો રાણા ભીમસિંહે સ્વીકાર કર્યો છે. સંધિ મુજબ અલાઉદ્દીન પ્રતિબિમ્બનું દર્શન કરી ચિતોડગઢમાંથી પાછો ફર્યો છે. રાણા ભીમસિંહ મિત્રભાવે એને સિંહપૌરી સુધી વળાવવા જાય છે. રાજમહાલયની ચંદ્રશાળામાં મહારાણા લક્ષ્મણસિંહ, રાજકુમાર અચ્યુતસિંહ, રાજકુમાર અજયસિંહ, મંત્રીશ્વર કેદારનાથ અને દુર્ગપાળ બાદલ કોઈની રાહ જોતા હોય તેમ દક્ષિણ તરફના કાંગરા પકડી દૂર દૂર નજર કરતા ઊભા છે. ચંદ્રશાળાની નીચે મોટો સભાચોક છે, અને તરત જ ચિતોડનો પડછંદ કિલ્લો શરૂ થાય છે. આઘેઆઘે ટેકરીઓ વચ્ચે લગભગ ક્ષિતિજમાં અલાઉદ્દીનની છાવણીની શિબિરો દેખાય છે. પાછળ ઉત્તર તરફ મહાલયનો ત્રીજો મજલો શરૂ થાય છે. એક બાજુ પર રણવાસ તરફ જવાનો લાંબો માર્ગે છે, અને બીજી બાજુ મહાલયના મોટામોટા પાષાણસ્તંભોની હારમાળા છે. પશ્ચિમ તરફ ચંદ્રશાળામાંથી નીચે ઊતરવાનાં પગથિયાં છે. ચંદ્રશાળાની મધ્યમાં ચિતાચોક છે, અને એનો કઠેડો ઝીણી કારીગરીથી આભૂષિત છે. વચ્ચેવચ્ચે ત્રિશૂળ અને સાથિયાની ભાત ચીતરેલી છે. થોડી વારે અચ્યુતસિંહ પશ્ચિમ તરફ ફરે છે, અને આછી થતી સંધ્યાના રંગોને આંખોથી પી હૃદયમાં ભરે છે. પછી પાછળ ફરી અજયસિંહ પાસે જાય છે.) અચ્યુત : (અજયસિંહને ખભે હાથ મૂકી) અજય! જો તો ખરો. સંધ્યા કેવી ખીલી છે! (બધા નજર ફેરવી કાંગરાને ટેકવાઈ પશ્ચિમાકાશમાં આંખો ઠેરવે છે.) અજય : (થોડી વારે) આખો દિવસ પુણ્યપ્રકોપ વર્ષાવી શક્તિ સતી થવા જાય છે. કેદારનાથ : ચાલમાં વિષાદ છે, છતાં અંગમાં આદ્યાનું ગૌરવનું છે. લક્ષ્મણસિંહ : શક્તિને મરતાં આવડે છે. (બધા મહારાણાની આકાશ તરફ તાકતી કડક આંખો તરફ જુએ છે. મહારાણા એક પળ માટે કેદારનાથની આંખોમાં આંખો પરોવે છે. પછી સહેજ ઓછું ખેદયુક્ત હસી, ઝંખાવાતી સંધ્યા સામે ફરી જોવું શરૂ કરે છે. રૂપરાણી પદ્મિની રણવાસની પગથાર ઊતરી ગૌરવભર્યા ડગલે ઉત્તર તરફના એક બાજુના કાંગરાઓ તરફ જાય છે; અને અરાવતી ટેકરીઓમાં કંઈક શોધવા મથે છે. ટેકરીઓ પણ એ કૃતાર્થકારી નમણી નજર પામવા પોતાની ડોકો ઊંચીનીચ કરતી ન હોય જાણે! વચ્ચે સીધી સેંથી પાડી મહીં સિન્દૂર પૂર્યો છે. પ્રભાવંતા કપાળ તળે આછીઆછી બીજકલા સમી ભ્રમરછટા, અને તેઓની નીચે પ્રેમસરવર શી મોટી આંખો, પાતળું પોપટિયુ નાક અને કમળદળ જેવા બિડાયેલા હોઠ, ચિતોડની રજપૂતાણીને છાજે એવો છતાં સાદો પહેરવેશ, અને પગમાં મોજડી કોની નજર જતી નથી. કાંગરા ઉપર કોણી ટેકવી, હથેળીમાં વદન કમળ ધરી, પાતળી કટિનો ભંગ કરી એ દૂર દૂર જોઈ રહે છે.) બાદલ : શક્તિને મરવાનું મન નથી. પણ સમજે છે કે જીવવામાં સાર નથી. અજય : જોયું અચ્યુત! શક્તિની પ્રભા વધે છે. લક્ષ્મણસિંહ : હંમેશ માટે હોલવાઈ જતાં પહેલાં એકવાર એને દિવ્ય ચમકારો કરી લેવો છે. અચ્યુત : અને એ ચમકારો અંધકારને વધારે મ્લાન બનાવવા માટે છે. અજય : કેમ કે એ જાણે છે કે એ ચમકારો કરે કે ન કરે, અંધકાર તો આવવાનો જ. (પદ્મિની આંખો ફેરવે છે, અને બેદરકારીથી વાતો સાંભળતી ઊભી રહે છે.) બાદલ : શક્તિ એ જાણે છે છતાં જીવન તરફ શા માટે પાછું ફરી એક નજર નાખી લેતી હશે? લક્ષ્મણસિંહ : પણ આપણે આ શું ગાંડપણ માંડ્યું છે? (મહારાણા લુખ્ખું હસે છે. પદ્મિની આગળ આવી બાદલ પાસે ઊભી રહે છે.) પદ્મિની : એ ગાંડપણ નથી, મહારાણા! બાદલીવર! હમણાં બોલ્યો તે ફરીથી બોલીશ! (બાદલને છાતીએ ચાંપે છે. પદ્મિનીને જોઈ બધા ચમકે છે, અને સ્વસ્થ થાય છે. મહારાણાના મોઢા ઉપર આછી શ્યામરેખા પથરાય છે.) લક્ષ્મણસિંહ : મહાદેવી! હજી એના એ જ વિચારો આવે છે? પદ્મિની : હું શું કરું, મહારાણા! આખો દિવસ આંસુમાં નાહી તોય થાય છે કે અંગને અભડાવનારો જે સૂક્ષ્મ પડછાયો અડી ગયો તે ભૂંસાતો જ નથી. લક્ષ્મણસિંહ : (કચવાતા) પણ તમે તો એને જોયો પણ નથી, અને તમારી ઉપર એ મ્લેચ્છની એઠી નજર પણ પડી નથી. વાત તો માત્ર દર્પણના પ્રતિબંબિની હતી, મહાદેવી! પદ્મિની : શક્તિને વિનાશનું જ્ઞાન છે; છતાંય પાછું ફરી જીવન તરફ શા માટે એક નજર નાખી લેતી હશે, મહારાણા?

(સહુ અસ્વસ્થ થાય છે.)

લક્ષ્મણસિંહ : (થોડી વારે) એવું શા માટે કહો છો, મહાદેવી? (પદ્મિની કંઈ જવાબ ન દેતાં વદન ફેરવી લે છે. ગૌરવભર્યાં ડગલાં ભરતી કાંગરા પાસે આવી પહોંચતી જેમ કાંગરા પર કોણી ટેકવી, હથેલીમાં વદનકમળ ધરી, અરાવલીની ટેકરીઓમાં કંઈક શોધવા મથે છે.) ધીમે ધીમે બધા કાંગરા પાસે જાય છે અને દૂર દેખાતા અલાઉદ્દીનના પડાવ તરફ નજર નાખે છે.) પદ્મિની : (ઊંઘમાંથી જાગતી હોયતેમ) હજી કેમ નહિ આવ્યા હોય? અજય : વખત તો બહુ વીતી ગયો. રાણા કહેતા હતા કે સુલ્તાનને સિંહપૌરી સુધી પહોંચાડી પોતે તરત જ પાછા ફરશે એટલે ગઢના દરવાજા બંધ ન કરવા. લક્ષ્મણસિંહ : પણ વેળા તો વીતી જવા આવી. કશું થયું તો... (એકદમ અચકાય છે) દુર્ગપાળ, કોટના દરવાજા બંધ કરાવો, અને દરવાનને કહી રાખો કે દરવાજા ઉપર એક સાથે સાત અને પછી એમ ટકોરા થાય એટલે બાજુ-બાર વિના વિલંબે ખોલી દે! બાદલ : જેવી આજ્ઞા મહારાણા! (મહારાણાને પ્રણામ કરી પશ્ચિમ તરફનાં પગથિયાં ઊતરી જાય છે.) કેદારનાથ : દૂર રસ્તા ઉપર ધૂળ ઊડે છે. કોઈ મારતે ઘોડે ઘર તરફ આવે છે. હું ધારતો જ હતો કે રાણાજી રસ્તા ઉપર હશે! (બધા ડોક લંબાવી ઉત્તરમાં નજર નાખે છે.) પદ્મિની : એ દેવનો ઘોડો ન હોય! દેવનો ઘોડો દોડે છે ત્યારે ધરતી ધણધણી ઊઠે છે. એ અશ્વિનીની ચાલ નહિ! અજય : ના. એ અશ્વિનીની ચાલ નહિ! કોઈ બીજું જ જણાય છે. પદ્મિનિ : આજ સવારથી મને માનશુકન થાય છે. હૃદયમાં પારેવું પેઠું છે. અજય : મને એ મ્લેચ્છ ઉપર વિશ્વાસ જ નથી. એ ક્યારે શું કરી બેસે તે કહેવાય નહિ! અને બાપુ એમ જ... (ઉગ્ર થઈ કંઈક બોલવા જાય છે પણ જાતને વારી લઈ મહારાણા તરફ જોઈ રહે છે.) લક્ષ્મણસિંહ : આજે તો સૌ મારી ઉપર તૂટી પડ્યાં છો. અજય, મારા પ્યારા બેટા, તારા મોઢામાં એ શબ્દો ભળતા નથી. આંગણે મિત્રદાવે આવેલા શત્રુને રાજપૂતોને છાજે એવું સન્માન આપવું જોઈએ. અને હવે તો મ્લેચ્છસમ્રાટ સેના ઉઠાવી ચાલ્યો જનાર છે. એવી સ્થિતિમાં... (મહારાણા આગળ બોલવા જાય છે ત્યાં પગથિયાં ચડી દ્વારપાળ આવે છે અને પ્રણામ કરી ઊભો રહે છે.) દ્વારપાળ : મહારાણા! રાણાજી સાથે ગયેલો એક સ્વાર મારતે ઘોડે પાછો આવ્યો છે. એના પેટનાં આંતરડાં તૂટી ગયાં છે. આપને એ સત્વર મળવા ચાહે છે.) લક્ષ્મણસિંહ : એમને જલદી લઈ આવો! પદ્મિની : ઓહ, ભગવાન! આ શું થવા બેઠું છે? મારી જમણી આંખ ફરકે છે. (પગથાર ઉપર બેસી જાય છે. અજયસિંહ અને અચ્યુતસિંહ પાસે જાય છે.) અચ્યુત : ગભરાઓ નહિ, મહાદેવી! બધું ઠીક થઈ રહેશે. અજય : અનેક પ્રહારો ઝીલ્યા છતાં ક્ષત્રિઓની નાડીઓમાં હજી લોહી વહે છે, અંબા! (સૈનિક દ્વારપાળને ખભે ટેકવાઈ ચડી આવે છે, અને પ્રણામ કરવા જાય છે. પેટમાં દુ:ખ થતાં ‘ઓહ!’ કહી પાછો સીધો થાય છે.) લક્ષ્મણસિંહ : બહાદુર સિપાહી! તને આ શું થયું? શા ખબર લાવ્યો છે? રાણાજી ક્યાં છે? સૈનિક : જે બનાવ બની ગયો તેના ખબર આપવા છટકીને હું મારતે ઘોડે અહીં આવ્યો. માર્ગમાં મારાં આંતરડાં તૂટી ગયાં, મહારાણા. લક્ષ્મણસિંહ : શું બની ગયું? સૈનિક : દિલ્હીપતિને સિંહપૌરી સુધી પહોંચાડી રાણાજી વિદાય લેવા ભેટતા હતા ત્યાં આસપાસની ઝાડીમાંથી યવન સૈનિકો તૂટી પડ્યા, અને રાણાજીને તથા તમામ રાજપૂતોને ગિરફતાર કરી લીધા અને... હું... અને મહારાણા! હવે હું વધારે બોલી શકું એમ નથી. પ્રણામ... લક્ષ્મણસિંહ : દ્વારપાળ, એને નીચેના બાજુના ખંડમાં લઈ જઈ સુવાડી દો. વૈદરાજને બોલાવી પૂરતા ઉપચાર કરો. (દ્વારપાળ સૈનિકને લઈને જાય છે. મહારાણા પદ્મિની તરફ એક નજર કરી, નજર ચૂકવી આકાશ સામે જોવા લાગે છે.) પદ્મિની : યવનસમ્રાટ ઘેરો ઉઠાવી ક્યારે ચાલ્યો જાય છે, મહારાણા? લક્ષ્મણસિંહ : મારી ઉપર આટલાં કઠોર કેમ થાવ છો, મહાદેવી? (પદ્મિની નજર ફેરવી ચિતાચોક તરફ જોવા લાગે છે.) કેદારનાથ : મહારાણા, હવે શોક કરવાનો સમય નથી. આપણે શાં પગલાં લેવા માગીએ છીએ તે સત્વર નક્કી થઈ જવું જોઈએ. અજય : મને લાગે છે કે.... (દ્વારપાળ પ્રવેશ કરે છે, અને પ્રણામ કરી ઊભો રહે છે.) દ્વારપાળ : મહારાજ, દિલ્હીશ્વરના કાજી પધાર્યા છે, અને આપને મળવા માગે છે. લક્ષ્મણસિંહ : એમને અહીં મોકલો (દ્વારપાળ જાય છે.) મહાદેવી! દિલ્હીશ્વરના કાજી આવે છે, તમે રણવાસમાં જશો? (મહારાણા ઉત્તરની રાહ જોતા ઊભા રહે છે. પદ્મિની કશો પણ ઉત્તર દીધા સિવાય રણવાસમાં ચાલી જાય છે. દ્વારપાળ : (આવીને પ્રણામ કરી) દિલ્હીશ્વરના કાજી પધારે છે. (પગથિયાં ચડી કાજી આવે છે. એમની શ્વેત દાઢી પાછળ ખૂંધી ગરદન સંતાઈ ગઈ છે. બે ભ્રમર વચ્ચેની કરચલીઓમાં ધર્મઝનૂન છે. એમણે લાંબો ઝભ્ભો પહેર્યો છે. દ્વારપાળ પ્રણામ કરી પગથિયાં ઊતરી પડે છે.) લક્ષ્મણસિંહ : પધારો જનાબ! આજે તો દિવસમાં બે વખત આપને આવવું થયું! કાજી : સ્વેચ્છાએ નથી આવ્યો, મહારાણા! આ ગરદન ઉઠાવવાની હવે હિમ્મત રહી નથી. સમ્રાટનો સંદેશો લઈને આવ્યો છું. અજયસિંહ : ત્યારે કહી નાખો, જનાબ! વિલંબ કર્યે શી વિશેષતા? (મહારાણા અજયસિંહ તરફ જુએ છે.) કાજી : હા, હું કહી જ નાખું. દિલ્હીશ્વર કહેવડાવે છે, કે રાણા ભીમસિંહને મુક્ત કરવાનો અને ચિતોડને ઉગારવાનો હવે એક જ ઉપાય છે. ગૌરવગુમાનની બાલિશ વૃત્તિ છોડી વિચાર કરો... તો... કેદારનાથ : અમારે શું કરવું તે અમે જાણીએ છીએ. આપ આપની ફરજ અદા કરો એટલે ઘણું, જનાબ! કાજી : આટલા ઉગ્ર કેમ બનો છો. મંત્રીશ્વર? વાત વાતમાં ખાંડાં ખખડાવવાથી રાજકારણના પ્રશ્નો ઉકલતા નથી એ તો તમે જાણતા જ હશો. લક્ષ્મણસિંહ : અંધારું થતું જાય છે, જનાબ! આવતી કાલની તૈયારી રૂપે આજની રાત ઉત્સવ કરવા હજી રજપૂતોને આદેશ આપવો પણ બાકી છે. કાજી : તો સાંભળો; આકળા ન થઈ જતા. સમ્રાટ બદલામાં મહારાણી પદ્મિની માગે છે. બધા : શું? કાજી : વીજળીનો આંચકો કેમ લાગે છે? લક્ષ્મણસિંહ : એવી માગણી કહી સંભળાવતાં તમારી જીભ તાળવે કેમ ચોંટી નથી જતી, કાજી? કેદાર : એવું માગતાં તમારું અંગ કંપી કેમ નથી ઊઠતું, જનાબ? અજય : રાજમહેલ માથે દેવી ચતુર્ભુજાનું અંગારા ઝરતું ત્રિશૂળ નથી જોઈ શકાતું, યવનદૂત? કાજી : ગૌરવના ઘેનમાં ઉશ્કેરાઈ ભાન ભૂલવાનો આ સમય નથી એવું સમજો, રાણા! વિચાર કરો! હજારો સ્ત્રીપુરુષોનો અને તમારા પ્યારા કાકાનો સવાલ એમાં સંડોવાયેલો છે. લક્ષ્મણસિંહ : કહેવાનું હતું તે કહી લીધું. કાજી? અજય : જો કહી લીધું હોય તો હવે સિધાવો, જનાબ! અને તમારા મ્લેચ્છમાલેકને કહો કે રજપૂતોએ હાથમાં કંકણ નથી પહેર્યાં. કાજી : તમને એમ કહેવાનો અધિકાર નથી. હજારોના જાનમાલ ઉપર હોડ બકવાનો કોઈને અધિકાર નથી. કેદાર : અને અમારા અધિકાર — અનધિકારનો વિચાર આપને કરવાનો નથી. કાજી : તમે પણ મંત્રીશ્વર ઊકળી ગયા? સ્વસ્થ ચિત્તે વિચાર કરો. એક બાજુ એક રૂપવતી છે અને બીજી બાજુ આખું ક્ષત્રિયકુળ છે. તમે જાણો તો છો જ કે આ માગણીનો અસ્વીકાર થતાં દિલ્હી સમ્રાટનો ખોફ ફાટી નીકળશે, અને ચિતોડગઢને ભસ્મીભૂત કરી મૂકશે. અનેક નિર્દોષ હિમ્મતવાન રજપૂતોનાં લોહી રેડાશે અને અસંખ્ય ક્ષત્રાણીઓ આક્રંદ કરી મૂકશે. પછી પશુ જેવા તુર્કો એમના પવિત્ર દેહને ચૂંથશે! એક શિયળ સાચવવા જતાં અસંખ્ય શિયળોનો ભ્રષ્ટાચાર થશે, એનો તમને વિચાર સરખો નથી આવતો? (થોડી વાર સૌ થંભી જાય છે.) કેદારનાથ : રજપૂતો શિયળને ત્રાજવામાં મૂકતાં શીખ્યા નથી, જનાબ! અમે જાણીએ છીએ કે હવે અમારો સૂર્ય આથમવા લાગ્યો છે. મહાદેવીનું શિયળ રક્ષવા જતાં અને ક્ષત્રાણીઓનાં શિયળ જોખમમાં છે એ પણ અમારા ખ્યાલ બહાર નથી. પણ ક્ષત્રાણીઓેને પોતાના શિયળનું રક્ષણ કરવાનું શિખવાડવું પડે એમ નથી. આપને એનો યથાસમયે અનુભવ થશે, અને એવું ન બને એમ માની લો! તોય શું? અનિચ્છાએ છતાં સંમતિથી રાજ્યલક્ષ્મીએ સ્વીકારેલો ભ્રષ્ટાચાર અમારા કુળધર્મનો વિનાશ કરે, અને અમારો નૈતિક અધ:પાત થાય. જગતની દૃષ્ટિએ અમે નાશ પામ્યા હશું. ઇતિહાસકારો લખશે કે બેવકૂફ રજપૂતો કુળગૌરવમાં ધૂળભેગા થઈ ગયા, અને એમની અનાથ અબળાઓ ઉપર અત્યાચારોના ડુંગર ઊગ્યા. છતાંય જગતની એ હાંસી વચ્ચે અમારું ચારિત્ર્ય અસ્પૃષ્ટ અને અલૌકિક રહેશે, અને ભયંકર વિનિપાત અને પ્રલયકારી આપત્તિઓમાં પણ અમારી પ્રજામાં એ ચારિત્ર્યબળ, તેજસ્વિતાનું એક એવું સુષુપ્ત અણુ મૂકી જશે કે કોઈ દિવસ, જ્યારે અમારો ફરી અરુણોદય થશે, ત્યારે સહસ્ત્ર સવિતાની જેમ એ ભભૂકી ઊઠશે અને જગતને અંજી દેશે. કાજી : મંત્રીશ્વર, રૂઢિએ ઊભી કરેલી ગૌરવની ઇંદ્રજાળમાં અને પૂર્વજોએ રટી રટીને રૂઢ કરેલી શબ્દોની મોહજાળમાં તમે પણ ફસાઈ પડશો એમ મેં નહોતું ધાર્યું. જગતની શાંતિ તલવારોની પટ્ટાબાજીઓથી નથી સ્થપાવાની. જૂના ગૌરવને સંભારી સંભારી આપણે ક્યાં સુધી એકબીજાનાં ગળાં કાપ્યા કરશું? એક સ્ત્રીથી અનેકના પ્રાણ ઊગરી જતા હોય તો એ સ્ત્રી વધારે કે પ્રજા વધારે? યુદ્ધથી નીતિનાશ કેટલો થાય છે એ મારે તમને સમજાવવાપણું ન હોય. લક્ષ્મણસિંહ : જનાબ, રજપૂતોની એ ભાવના આપ નહિ સમજી શકો. એમાં એક સ્ત્રીનો સવાલ નથી. એક સ્ત્રીના શિયળ પાછળ જીવનનું સનાતન શાશ્વત તત્ત્વ ઊભું છે. એ ગયું પછી જીવ્ય તોય શું અને જીવતા દટાયા તોય શું? કાજી : (હસે છે.) હા... હા... હા....! ભૂતના ઓળાને ભેટવાનાં તમારાં બાથોડિયાં જોઈ મને હસવું આવે છે, રજપૂતો! અજય : આપનો તુર્ક સમ્રાટ નિર્ભયપણે સિંહ જેવા રજપૂતોની વચ્ચે અમારી રાજલક્ષ્મીનું એકલો દર્શન કરવા આવવાની હિમ્મત કરે, અને આપ પણ આવે સમયે એકલા અમારા કિલ્લામાં પ્રવેશી શકો એ પણ અમારા એવા બાથોડિયાઓનો જ પ્રતાપ છે એ ન ભૂલતા જનાબ! કાજી : હા...! હા...! હા...! રજપૂતો! ઇતિહાસનાં પાનાંઓમાં તમારી ઉપર વિચારકોનાં હાસ્ય વેરાશે; તમારી રૂપવતીઓના નિસાસા ગાજશે, અને જીર્ણવિદીર્ણ ચિતોડગઢના પથરાઓ અનંતકાલ સુધી તમારા મૂર્ખાઈ ઉપર દાંતિયા કરી રહેશે! પણ મને નવાઈ નથી થતી. મેં એવું ધાર્યું જ હતું! કેદારનાથ : મને પણ એ જ પ્રશ્ન થતો હતો કે આપે અમારા જીવનમાં એવી કઈ નિર્બળતા જોઈ લીધી, કે જેને પરિણામે અમારા જવાબ વિશે આપને આશંકા ગઈ અને આપને અહીં સુધી આવવાની તકલીફ લેવી પડી? કાજી : (આછું આછું હસી) રજપૂતોની અક્કલમાં હજી થોડો વિશ્વાસ રહી ગયો હતો. હજી લાગતું હતું કે આકાશના ‘વાદળાંઓની’ જેવા અસ્પૃષ્ટ તરંગો ઉપરથી થોડી વારને માટે ઊતરી જીવનની ભીષણ યથાર્થતાનો વિચાર કરવા એકવાર તો હું રજપૂતોને લલચાવી શકીશ. પણ... પણ હવે ખાતરી થઈ ચૂકી. કેદારનાથ : પાથિર્વધર્મી! અમને પણ આપની દયા આવે છે. જેને આપ જીવનની ભીષણ યથાર્થતા કહો છો તેને અમે મૃગજળ, ભૂતના ભડકા, અને માયા કહીએ છીએ, અને જેને આપ આકાશનાં વાદળાંઓ જેવા અસ્પષ્ટ તરંગો કહો છો એને અમે બ્રહ્માંડનાં ત્રિકાલાબાધિત સનાતન સત્યો કહીએ છીએ. કાજી : પણ.... અજય : હવે પણ બણનો સમય નથી રહ્યો, જનાબ! અમારો નિશ્ચય થઈ ચૂક્યો છે, અને હવે અમે નિવૃત્તિ ચાહીએ છીએ. આપ સિધાવો, અને આપના તુર્કપતિને અમારો સંદેશો કહો કે આર્યાવર્તમાંથી હજુ ક્ષત્રિવટને દેશવટો નથી મળ્યો. કાજી : પરંતુ આખી પ્રજાના હિતાહિત ઉપર તમને હોડ બકવાનો શો અધિકાર? આ પ્રશ્ન તમારો નથી. આ પ્રશ્નનો નિર્ણય પ્રજાએ કરવાનો છે. મહારાણી પદ્મિની તમને પ્રાણથીય પ્યારી હશે, પરંતુ અંતે તો એ પ્રજાની મિલકત છે. હું નિર્ણય થતાં પહેલાં પ્રજાનો અવાજ સાંભળવા માંગું છું. લક્ષ્મણસિંહ : પ્રત્યેક હિન્દુ સ્ત્રી અને પુરુષ પ્રજાની મિલકત છે. એની શક્તિઓ, એની સમૃદ્ધિઓ અને એની સેવા પ્રજાને ચરણે છે. પરંતુ નીતિ અને ધર્મ ઉપર કોઈનો અધિકાર નથી. વ્યક્તિના અંતર્નાદ ઉપર એનો નિશ્ચય અવલંબે છે અને છતાં, જો આપને રજપૂતોના હૃદય વિષે શંકા હોય, રજપૂતોનું પારખું કરવું હોય તો... મંત્રીશ્વર દાંડી પીટવો કે મહારાણાને આંગણે આજ સવારની જેવા એક બીજા અતિથિ આવ્યા છે. તમારા હૃદય વિશે હજી એમને શંકા રહી ગઈ છે. તમારો છેલ્લો શબ્દ સાંભળવા માંગે છે. (કાજી તરફ ફરી) હિન્દુઓ સમાજને શરીર વેચે છે, પણ આત્માને મુક્ત રાખે છે, અને શિયળને શરીરના નહિ પણ આત્માના ગુણ તરીકે રજપૂતોએ કેળવ્યું છે. હજી આપને ખાતરી ન થઈ, જનાબ? કેદારનાથ : (પગથિયા પાસે જઈ, નીચે નજર કરી) દ્વારપાળ, દાંડી પીટાવો, સભાચોકમાં સૌએ એકઠા થવાનું છે. (પાછા ફરી સૌ સાથે જોડાય છે.) લક્ષ્મણસિંહ : (ઘૂંટણીએ પડી, હાથ જોડી, આંખો મીંચી, સ્વગત) ભગવાન અંકલંગિજી! મને ક્ષમા કરો. મારી બહુ કસોટી થઈ! મહાદેવી ઉપર કોઈ કુદૃષ્ટિ કરે તો એની આંખોમાં આગ લાગે એવું એમનું પાવિત્ર્યનું કવચ હતું. આજે ચિતોડ અને ક્ષાત્રકુળને બચાવવાના લોભે હું પડ્યો, અને તુર્કપતિને અમારી કુળલક્ષ્મીનો પડછાયો જોવા દીધો, ક્ષમા કરો! ક્ષમા કરો મારા અપરાધો, મહાદેવ! (નીચેથી નગારાનો અવાજ આવ્યા કરે છે. ધીમે ધીમે એકઠી થતી ચિતોડની પ્રજાનો કોલાહલ સંભળાય છે. મહારાણા ઊભા થઈ વિચારમગ્ન રહે છે. પછી) ચાલો તુર્કદૂત! રજપૂતોનું પારખું કરીએ. (સૌ કાંગરા પાસે જાય છે, અને નીચે નજર કરતા ગોઠવાય છે.) બાપા રાવળના વંશજો! યવનસમ્રાટે દૂત મોકલ્યો છે અને કહાવ્યું છે કે જો ચિતોડગઢને, એની વીર પ્રજાને અને રાણા ભીમસિંહને ઉગારવા હોય તો મહાદેવી પદ્મિનીને મારી અંકશાયિની કરો! (નીચે શું?, કોણ?, એને નીચે નાખો!, રજપૂતોની રાજ્યલક્ષ્મીને?, બાપ્પા રાવળના વંશજો શું મરી ખૂટ્યા? એવા એવા અનેક ઉચ્ચારોનો ઘોંઘાટ શરૂ થાય છે.) સાંભળ્યું, જનાબ? કાજી : (મહારાણાને) ઊભા રહો, મને પૂછવા દો! (વચમાં આવે છે અને અવાજ મોટો કરે છે.) રજપૂતો! ઉશ્કેરાઈ જવાનો આ વખત નથી. શાંતિથી વિચાર કરો અને પછી તમારો છેલ્લો શબ્દ ઉચ્ચારો! એક બાજુ એક સ્ત્રી છે, બીજી બાજુ અસંખ્ય નિર્દોષ રજપૂત જુવાનો છે! વિચાર કરો! (નીચેથી એક અવાજ : હિન્દુઓ શિયળને ત્રાજવામાં મૂકતાં શીખ્યા નથી) ધીરા પડો. અત્યારે તમારામાંથી મોટો ભાગ ભૂખથી પીડાય છે. અર્ધા તો મરી ખૂટ્ટા છે. આવતી કાલે શેષ રહેલાની દિલ્હીશ્વર કતલ કરશે. તમારી વિધૂર અબળાઓના શરીર પશુ જેવા તુર્કો ચૂંથશે. વિચાર કરો. (નીચેથી બીજો અવાજ : — અમારી રાજરાણીના શિયળથી ખરીદેલો રોટલો અમને ગોમાંસ બરાબર છે. અમારી કુળલક્ષ્મીના ચારિત્ર્યના બદલામાં આવેલું જીવદાન અમને ન ખપે, યવનદૂત! અમારી વિધવાઓની તારે દયા ખાવાની નથી! પોતાનું શિયળ કેમ રક્ષવું એ એમને શિખવાડવું પડે તેમ નથી.) અરે ઓ રજપૂતો! તમારી મૂર્ખાઈ ઉપર ઇતિહાસનાં પાનાંઓ અટ્ટહાસ કરશે. જરા વિચાર કરો! એક સ્ત્રીની ખાતર અજય દુર્ગ, અમૂલા પ્રાણ, અને આક્રંદતી રૂપવતીઓને તમે હોમવા બેઠા છો. તમારા ઉપર પ્રભુના શાપ વરસશે. (નીચેથી ત્રીજો અવાજ : — હા... હા... હા....! દૂત! અમને તારી ઉપર દયા આવે છે. અમારી ઉપર ઇતિહાસનાં પાનાંઓ અટ્ટહાસ કરશે, એમ? પણ કાજી! સ્વર્ગના કોઈ એવા ઉત્તુંગ શિખરે અમે બેઠા હશું કે ઊડીઊડીને આવતા એ અટ્ટહાસો અધવચથી જ શિથિલપક્ષ પક્ષીઓની માફક જમીન ઉપર પટકાઈ પડશે. અમારી ઉપર ઈશ્વરના શાપ ઊતરશે તો અમે એ શાપને પણ ધોળીને પી જશું. પણ એની અસર અમૃત સંજીવની જેવી થશે, એવી અમને શ્રદ્ધા છે. રજપૂતો! મને તમારી દયા આવે છે. (નીચેથી અનેક અવાજો : — શું કામ, ભાઈ? લક્ષ્મણસિંહ : કેમ, જનાબ! પ્રજાનો છેલ્લો બોલ સાંભળી લીધો? કાજી : હું જાઉં છું મહારાણા! અજય : હા, સિધાવો, જનાબ! અને તમારા અન્નદાતાને કહેજો કે હજી આર્યોના પુણ્ય પરવાર્યા નથી. કેદારનાથ : અને મારો સંદેશો પણ કહેજો કે શહેનશાહ, આર્યકુળની મહાદેવીને અડકનારની આંગળીમાં આગ લાગે છે. અચ્યુત : અને મહાદેવીને કામનારની સમરભૂમિમાં હોળી ખેલવા રાજકુમાર અચ્યુતસિંહ વાટ જુએ છે એ પણ કહેજો. લક્ષ્મણસિંહ : અને કહેજો કે રજપૂતોનો સૂર્ય સદાને માટે અસ્ત થાય એ પહેલાં તેઓ એક એવો ચમકારો કરી લેવા માગે છે કે જગતના અંત સુધી એનો પ્રકાશ આર્યોના હૃદયમાં આદર્શો કોરતો રહે! કાજી : મહારાજ! હું જાઉં છું મને માફ કરજો. (જવા જાય છે.) પદ્મિની : (વીજળીની ત્વરાથી ધસી આવી) ઊભા રહો, યવનદૂત! (એનું મોઢું સખત થઈ ગયું છે. આંખમાં ભયાનક અને આછો તિરસ્કાર છે. પહેરેગીરો આવીને કાંગરામાં મશાલો ખોડી જાય છે. એના લાલપીળા પ્રકાશ પદ્મિનીના ચહેરા ઉપર પડે છે, અને ખીલી ઊઠે છે. નીચેના ટોળામાં પેટાવેલી મશાલનો પ્રકાશ કાંગરામાંથી ડોકિયાં કરે છે અને વાતાવરણને ભયાનક કરી મૂકે છે.) ઊભા રહો, યનવદૂત! મારો સંદેશો પણ લેતા જાવ! દિલ્હીશ્વરને કહેજો કે પોતાના સ્વામીનાથને મુક્ત કરવા પદ્મિની પોતે જ હાજર થશે. (કાજીનાં મોઢા ઉપર હાસ્ય છવાય છે. બાકીના સૌ ઉગ્ર, અસ્વસ્થ અને કંપતા બની જાય છે.) અજય : અંબા! આપ અહીં કેમ આવ્યાં છો? અહીં પરાયા પણ હાજર છે. કેદારનાથ : મહાદેવી! અહીં રાજ્યપ્રકરણ રમાય છે. આપનાં અહીં કામ નહિ. લક્ષ્મણસિંહ : તમે કુળમર્યાદાનું ઉલ્લંઘન કરો છો; અને ક્ષત્રિયકુળને કપાળે કદી ન ભૂંસાય તેવી કાળી ટીલી કરવા તત્પર થયાં છો, મહાદેવી! પદ્મિની : એ બધું ચૌહાણપતિની પુત્રી બરાબર જાણે છે, મહારાણા! (નીચેથી અવાજો કોણ મહાદેવી?, યવનસમ્રાટને ત્યાં જવાનું કબૂલ કરે છે?, ઓ ભગવાન્! પૃથ્વી ઉપર કેમ વજ્રપાત નથી થતો?, દેવી ચતુર્ભુજાનું પુણ્ય આથમી ગયું?) યવનદૂત! આપ સિધાવો. હું એ સૌને સમજાવી લઈશ. (કાંગરા પાસે જાય છે.) ચિતોડનાં પ્રજાજનો! તમારે શું જોઈએ છે? (નીચેથી એક અવાજ આવે છે : ચિતોડનું ક્ષાત્રકુળ પોતાની કુળલક્ષ્મી પાસે જવાબ માગે છે. શું મહારાણા ભીમસિંહની ધર્મપત્ની એક તરકડાની કદમબોસી કરશે?) હા, એના સ્વામીનાથ ખાતર, એની વહાલી પ્રજા ખાતર, એની કકળતી અનેક કુળવધૂઓ ખાતર! (નીચેથી બીજો અવાજ : તો મહાદેવી! તમારી વચ્ચે અને યવનસમ્રાટની વચ્ચે રજપૂતોનાં શરીરોનો ગગનચુંબી પહાડ ખડો થશે. તમારે અમારા પેટનાં પગથિયાં કરવાં પડશે, મહાદેવી! તો હું તે ઉપરથી પણ જઈશ. (કાજી તરફ ફરી) યવનદૂત! તમે હવે સિધાવો. શહેનશાહને કહેજો કે પદ્મિની આઠ દિવસ પછી પોતાનું વચન પાળશે. કાજી : પ્રણામ, મહારાણા! પ્રણામ, મહાદેવી! હું પ્રસન્ન થયો છું; અને દિલ્હીશ્વર પણ પ્રસન્ન થશે અને પોતાનું વચન પાળશે એવી ખાતરી આપું છું. (કાજી જાય છે. પદ્મિની ગાંડાની માફક અટ્ટહાસ કરે છે. સૌ ચકિત થઈ તેની સામે જોઈ રહે છે. નીચેની પ્રજા પણ અવાક બની ગઈ છે. પદ્મિની આનંદમાં આવી જઈ આમતેમ ફરે છે. થોડી વારે.) મંત્રીશ્વર! કેદારનાથ : મહાદેવી! પદ્મિની : સેનાનાયક, ગોરાદેવને બોલાવશો? મારે એનું સત્વર કામ છે. કેદારનાથ : જેવી આજ્ઞા! (મસ્તક નમાવી જાય છે. પદ્મિની કાંગરા પાસે જાય છે. નીચેથી અવાજો આવે છે : કુળવિનાશિની!, ભ્રષ્ટા!, ક્ષત્રિય કુળમાં વેશ્યા પાકી!) પદ્મિની : ઘડીક પહેલાંની કુળલક્ષ્મી એક ક્ષણમાં કુળવિનાશિની થઈ ગઈ? રજપૂતો! હું તો એની એ જ છું. (નીચેથી એક અવાજ : હા, હા, હા! તમે નહિ, તમારું શરીર એનું એ છે. અમને અમારી મહાદેવીના વિશ્વવિખ્યાત શરીર સાથે કશી પડી નહોતી, અમને તો એમના ઉજ્જ્વલ ચારિત્ર્યનું ગૌરવ હતું, મહારાણી!) વહાલા બાંધવો, જુઓ! હું પાછી તમારી કુળલક્ષ્મી બની જાઉં છું. એ તો નાટક હતું! (થોડી વારે) અહા! તમારા મોઢા ઉપર કેવો સંતોષ કેવો આનંદ ફેલાય છે! તમને સુખી જોઈને મને પણ આનંદ થાય છે. આજે મને ઉન્માદ થયો હોય એમ લાગે છે. (પદ્મિની ઉન્માદમાં આમથી તેમ ફરતી કાંગરાઓ બદલાવે છે. નીચેથી બાપ્પા રાવળની જય!, જય એકલંગિજી!, મહાદેવીનો જય! એવા પોકારો ઊઠે છે. મશાલોના ચલિત પ્રકાશથી ટોળામાં હલચલ મચી છે એવું લાગે છે. લક્ષ્મણસિહ : હૃદયની રંગભૂમિ ઉપર નાટક કરવાનું ન હોય, કુળલક્ષ્મી! પદ્મિની : જગતે શિવનું તાંડવ સહ્યું, અને મહારાણા શક્તિનું લાસ્ય નહિ સહે? (સૌનાં મોઢાં આનંદથી પ્રકાશી ઊઠે છે. સેનાનાયક ગોરાદેવ સાથે મંત્રીશ્વર કેદારનાથ પ્રવેશ કરે છે. ગોરાદેવ મહારાણાને પ્રણામ કરી, મહાદેવી પાસે જાય છે અને નમન કરે છે.) ગોરાદેવ : મને કાંઈ યાદ કર્યો, ચૌહાણ-પુત્રી? પદ્મિની : હા, કાકા! જીવનભરમાં મેં તમારી પાસે કદી કશું માગ્યું નથી. આજે એક એવો પ્રસંગ આવ્યો છે કે મારે ખોળો પાથરવો પડે છે. કાકા, દીકરીની માગણી નહિ સ્વીકારો? ગોરાદેવ : તમે એવું કહીને મારું અપમાન કરો છો, બેટા! પદ્મિની : તો સાંભળો, યવનસમ્રાટને કહાવી દો કે આજથી એક અઠવાડિયા પછી પોતાની સાતસો સખીઓ સાથે પદ્મિની જહાંપનાહની કદમબોસી કરવા આવશે. એને માટે સાતસો પાલખીઓ તૈયાર કરાવો. દરેક પાલખીમાં બેસવા એક એક વીર યોદ્ધો ચૂંટી કાઢો, અને એક પાલખીને ઉપાડવા ચાર ચાર શસ્ત્રસજ્જિત સૈનિકોને ભોઈનો વેશ પહેરાવી તૈયાર કરો. અને... (અચકાય છે) અને મારી પાલખીમાં તમે બેસો. તંબૂમાં રાણાજીની મુલાકાત માગો. એમને ગમે તેમ કરી કોટ તરફ રવાના કરી દ્યો, અને તેઓ કોટમાં સહીસલામત પહોંચી ન જાય ત્યાં સુધી યવનસેનાને ખાળી રાખો... કાકા... (સૌ આશ્ચર્યથી સ્તબ્ધ બની સાંભળી રહ્યા છે.) ગોરાદેવ : (વચમાં) એમ જ થશે. (કાંઈ પણ વિલંબ કર્યા વિના ચાલ્યા જાય છે. પદ્મિની વીર કાકાની અદૃશ્ય થતી મૂતિર્ તરફ જોઈ રહે છે. પછી કાંગરા પાસે જાય છે, ને લોકોને સંબોધે છે.) પદ્મિની : રજપૂતો! વિજય કરો! તમારા રાણાને મુક્ત કરી લાવો. તમે એટલું કરી લાવો! બાકી ચૌહાણ-પુત્રી પદ્મિનીને, ક્ષત્રિયકુળની મહાદેવીને કુળનું ગૌરવ સાચવતાં, પોતાનું શિયળ અસ્પૃષ્ટ રાખતાં આવડે છે. જાવ! મારા આશિષ છે! ફત્તેહ કરો! આજની રાત ઉત્સવ કરો! (બધા કાંગરા પાસે જાય છે, અને ટોળા તરફ જોઈ રહે છે. નીચેથી જય એકલંગિજી!, જય મહાદેવીનો જય! એવા અવાજો આવે છે. લોકો હર્ષમાં નાચતાકૂદતા વીખરાય છે. મશાલના પ્રકાશ આછા થતા જાય છે. બધા એ દૂર જતા ટોળાને જોઈ રહે છે.

થોડી વારે મહારાણા અને પદ્મિની ફરે છે. એમની આંખો મળે. મહારાણા આંખો ઢાળી દે છે.)

અંક બીજો

(સ્થળકાળ : સાત દિવસ પછી અલાઉદ્દીનની છાવણીની લગભગ છેલ્લી શિબિરમાં આથમતા બપોર, ગિરિકૂટ ઉપર દિલ્હીશ્વર અલાઉદ્દીનની વિશાળ સેના ડેરા તાણીને પડી છે. શહેનશાહનો કિનખાબનો તંબૂ આખી છાવણીની મધ્યમાં ઊંચી ડોક કરી ઊભો છે. આસપાસ સેનાપતિઓની સુંદર શિબિરો છે. ત્યાર બાદ સૈનિકોના ડેરાઓની લાંબી હારમાળાઓ શરૂ થાય છે. છાવણીના અંતભાગમાં એક મોટો તંબૂ છે. શત્રુસેનાના સંધિ સંધિવિગ્રહકોને અહીં રાખવામાં આવે છે. તંબૂનું ઉત્તર તરફનું બારણું રંગીન સાદડીની ચતથી ઢાંકી દેવામાં આવ્યું છે. દક્ષિણના બારણાની બાજુમાં ઊંચે નાનાંનાનાં બે ચોરણ કાણાં છે. જેમાંથી નમતા બપોરના પ્રકાશમાં બહાર ઊભેલા બે સંત્રીઓના ભાલા ચમકતા દેખાય છે. વચ્ચે વચ્ચે સંત્રીઓ એ કાણાંઓમાંથી બધું સલામત છે કેમ એ જોઈ લે છે. તંબૂના મધ્યદંડની એક બાજુએ મોટી ગાદી પાથરી છે. અને દંડને અઢેલીને એક તકિયો મૂકવામાં આવ્યો છે. ઉપર સુંદર ભરતગૂંથણીની ચાદર બિછાવેલી છે. રાણા ભીમસિંહ એક હાથ તકિયા ઉપર ટેકવી, બીજો હાથ બે પગોના મરોડ વચ્ચે મૂકી, વ્યાકુળ મુખને ઉપલા હાથની કોણી ઉપર ટેકવી, આંખો નીચી ઢાળી બેઠા છે. ગાદી ઉપર પડખે એમની તલવાર પડી છે. એમના પડછંદ શરીર અને ગૌરવશાળી મુખ ઉપર ક્ષત્રિય તેજ ઝળખે છે.) ભીમસિંહ : (મોઢું ઊંચકી) પહેરેગીર! પહેરેગીર : (પશ્ચિમ તરફની ચક ઊંચકી, અંદર આવી, કુર્નિશ કરી) હજૂર! ભીમસિંહ : મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે? પહેરેગીર : હું કશું નથી જાણતો, હજૂર! કાજી સાહેબના હુકમથી આપને અહીં ખસેડવામાં આવ્યા છે. સાહેબે ફરમાવ્યું છે કે હજૂરને જે જોઈએ તે અમારે દેવું. દેશો હુકમ, જનાબ? (ભીમસિંહ પહેરેગીર તરફ એક તિરસ્કારભરી નજર નાખી, પાછા પહેલાંની જેમ નીચે જોઈ બેસી રહે છે. પહેરેગીર અસ્વસ્થ થતો, કશા હુકમની રાહ જોતો, ઊભો રહે છે. થોડી વારે) કશો હુકમ જનાબ? ભીમસિંહ : હા; મને એકલો રહેવા દે! (પહેરેગીર કુનિર્શ ચાલ્યો જાય છે.) કશું નથી સમજાતું! કાજીમાં આ શો અજબ પલટો? જો મને આવી રીતે રાખવો હતો તો ઓચિંતો છાપો મારી ગિરફતાર શા માટે કર્યો હશે? પહેલાં તો મેં એમ માનેલું કે કડુડભૂસ થતાં ચિતોડગઢનો છેલ્લો ભીષણ ધડાકો સાંભળવા હું જીવતો નહિ રહું! અને અંતરમાં ને અંતરમાં ભગવાન એકલંગિનો અહેશાન માનતો હતો! પણ અહીં તો... પહેરેગીર : (આવીને નમન કરીને) : જનાબ! (ભીમસિંહ જવાબમાં ઊંચે જુએ છે.) સરદાર કાજી પધાર્યા છે. આપને મળવા ચાહે છે. ભીમસિંહ : ભલે આવે. (પહેરેગીર પશ્ચિમ દ્વાર પાસે જાય છે અને ચક ઊંચકીને ઊભો રહે છે. કાજી પ્રવેશ કરે છે. એની આંખોમાં હંમેશનું મામિર્ક હાસ્ય તરવરે છે. પહેરેગીર બહાર જાય છે.) કાજી : કુશળ છો, રાણા? ભીમસિંહ : હા, જનાબ! કેમ પધારવું થયું? કાજી : (હસતો) એક ખુશ ખબર આપવા આવ્યો છું. (તંબૂના મધ્યદંડને અડકીને રાણા તરફ નીચી નજર કરી ઊભો રહે છે.) ભીમસિંહ : શૂળીની તૈયારી થઈ ચૂકી? કાજી : હા... હા.... હા... (હસે છે): રાણાજી, આવા ઉગ્ર શા માટે થાવ છો? તમને મુક્ત કરવા આવ્યો છું. ભીમસિંહ : મુક્ત કરવા? મને? તો દગાથી પકડ્યો શા માટે? કાજી, હું તમારો કેદી છું, તમને મારી મશ્કરી ઉડાવવાનો અધિકારી છે. કાજી : (હસે છે) હા... હા...હા...! રાણાજી! તમને હજી મશ્કરી લાગે છે? દિલ્હીપતિએ જીવનભરમાં કોઈ કાફીર કેદીને આવી રીતે સાચવ્યો નથી, રાણા. ભીમસિંહ : કસાઈઓ હલાલ કરવાના ઘેટાની ખાસ કાળજી લે છે. પણ જવા દો એ વાત, કાજી! કહો, મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે? કાજી : (આંખો ચમકાવી) કહું? કહું રાણા? ના, ના, હર્ષાવેશમાં તમે કદાચ ગાંડા થઈ જાવ! ભીમસિંહ : રજપૂતોને ટોળટપ્પામાં બહુ રસ નથી હોતો જનાબ! કાજી : નહિ હોય તો કેળવાશે. રાણા, વાત તો એવી મીઠી કરવા આવ્યો છું. કે હું તો શું, પેલો પહેરેગીર હોત તો તેને પણ તમે ભેટી પડત! (ભીમસિંહ કચવાય છે. એનું અંગ ધ્રૂજે છે. બીજી બાજુ ફરી મુખ ઢાળી દે છે. કાજી હસે છે.) એમ મારી સાથે રિસામણાં ન લો, નામદાર! રિસામણાં તો જે આવનાર છે તેની સાથે શોભશે. (ભીમસિંહ ફરે છે અને કાજી સામે નજર તાકે છે, એમનું મોઢું સખત થયું છે.) ભીમસિંહ : શું કહેવા માગો છો, સરદાર? સહેજ માણસ સમજી શકે એવી ભાષામાં બોલશો? કાજી : (આંખો ચમકાવી હસે છે. ગાલના ગોળા અરધી આંખ ઢાંકી દે છે.) હજી ન સમજ્યા, રાણા? કે નથી સમજ્યા એવો ડોળ કરવાનો આનંદ લો છો? રાણા! આજે તો તમારાં મહારાણી પદ્મિની પોતાના સ્વામીનાથને મુક્ત કરવા જાતે જ અહીં આવે છે. ભીમસિંહ : (એકદમ કૂદી ઊભા થઈ જાય છે, મોઢા ઉપર લોહી દોડી આવે છે.) પદ્મિની? અહીં આવે છે? શા માટે? કાજી : (સહેજ દૂર ખસી) એમ આકળા ન થાવ, ભીમસિંહ? એ તો તમને મુક્ત કરવા આવે છે. અહા, શું એમનું ગૌરવ! ચિતોડગઢના તમામ રજપૂતો ફિટકાર વર્ષાવી કહેતા હતા કે : તુર્કપતિની કદમબોસી કરવા જતાં પહેલાં, મહારાણી! તમારે હજારો રજપૂતોનાં પેટનાં પગથિયાં કરવાં પડશે. ત્યારે રાજમહાલયનાં કાંગરા પકડીને મહાદેવી જવાબ દેતાં હતાં : તો હું તે ઉપરથી પણ જઈશ. જગતમાં મને સૌ કરતાં સૌભાગ્ય વહાલું છે, રજપૂતો! અહા! કેવું રૂપ! કેવું ગૌરવ! રાણા, જગતમાં એક જ સ્ત્રી છે અને રાણા, જગતમાં એક જ બડભાગી છે! ભીમસિંહ : શું કહ્યું કાજી? (જાણે ખાતરી ન થતી હોય તેમ) પદ્મિની દિલ્હીપતિની કદમબોસી કરવા આવે છે એમ આપ બોલ્યા? કાજી : હા, રાણા! પોતાના સ્વામીને બચાવવા! પોતાના દેશને બચાવવા! હજારો રજપૂત બાળાઓનાં સૌભાગ્યકંકણ સાબૂત રાખવા! રાણાજી, ચિતોડગઢમાં મેં તો મૂર્ખાઓની વસ્તી જ દીઠી. એ બધાંની વચ્ચે બગલાઓનાં ટોળામાં ભૂલથી ભળી ગયેલી કોઈ હંસણી, જેવી એક જ પદ્મિની નીરક્ષીરનો વિવેક કરી શકતી હતી. મહારાણા અને ખુદ મંત્રીશ્વર પણ ટેક, શિયળ અને મરી ખૂટેલાઓના મિથ્યા ગૌરવમાં ભીંત ભૂલ્યા હતા; મને આવ્યા એવા પાછા જવાનું કહી સૌ ઉતાવળા થતા હતા. ત્યાં તો આકાશ ચીરીને જેમ અપ્સરા ઊતરે તેમ રણવાસમાંથી મહાદેવી ધસી આવ્યાં અને બોલ્યાં, થંભો, કાજી! દિલ્હીશ્વરને કહેજો કે રાણાજીને મુક્ત કરવા પદ્મિની પોતે પધારશે. ભીમસિંહ : (તંદ્રામાંથી જાગતા હોય તેમ) પદ્મિની? દિલ્હીશ્વરની કદમબોસી કરવા? ભૂલ્યા તમે કાજી! કોઈ બીજી સ્ત્રીની વાત કરતા હશો! સ્વપ્નુ આવ્યું હશે, સરદાર! કાજી : સ્વપ્નુ? સ્વપ્નું તો આપને આવવા લાગ્યું છે, રાણા! આજે કહેણ પણ આવી ગયું. સાતસો સખીઓ સાથે આજે નમતે પહોરે પદ્મિની શહેનશાહની તહેનાતમાં હાજર થશે. ભીમસિંહ : ઓહ! ઓહ! રજપૂતોનાં પુણ્ય પરવારી ગયાં! (આંખે અંધારા આવે છે. થાંભલો પકડી સ્વસ્થ થાય છે.) પદ્મિની, ચિતોડ તો પડવાનું જ હતું. પણ તેં તો રજપૂત કુળને પણ પાડ્યું! બાપ્પા રાવળના કીર્તિકળશ ઉપર હવે ભ્રષ્ટાચારના કાટ ચડશે. એ ધૂળ ભેગો થશે, અને ધૂળમાં મળી જશે. ઓ કાજી! તમે આ જીવલેણ ઘા કર્યો છે! તમે મને આવા ખબર શા માટે આપ્યા? મારી જાણ વિના એને દિલ્હી જાજ્વલ્યમાન જનાનખાનામાં પૂરી દેવી હતી! અને મારા, મહારાણાના, આખા ક્ષત્રિયકુળના હૃદયોની પથારી પાથરી એને યવનસમ્રાટ સાથે ક્રીડા કરવા દેવી હતી. પણ મને એનાથી અજ્ઞાત રાખ્યો હોત તો હું સુખેથી એનું સુંદર, સ્નેહાસક્ત મોઢું સ્મરતો સ્મરતો મરી શકત! કાજી : રંગ રે રજપૂત! વાહ રાણાજી! જે સ્ત્રીએ માત્ર તમારા પ્રાણ બચાવવા, કેવળ તમારા પ્રેમ ખાતર, પોતાના શરીરનું પોતાના આત્માનું બલિદાન આપવાની તત્પરતા દાખવી, તેને માટે આ શબ્દો? આ બદલો? મહારાણા તમે પુરુષ છો; — પદ્મિનીના માલેક છો એ તમે ભૂલી શકતા નથી પણ હવે હું જાઉં. દલીલો કરી કરીને થાક્યો છું. અને હવે તો સમય પણ થવા આવ્યો. શહેનશાહની બેગમ બનતાં પહેલાં રાણાની સાથે પદ્મિનીને ટૂંકી મુલાકાત માગી છે; અને શહેનશાહે મંજૂર કરવાની ઉદારતા બતાવી છે; જીવનના પરમ સુખની ઘડી વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખજો, રાણા! સલામ! (કાજી જવા જાય છે. રાણા એકદમ ધસે છે, અને કાજીનો હાથ જોરથી પકડી રાખે છે.) ભીમસિંહ : ઊભા રહો, કાજી! મારું એક કામ કરો. મારે એ કુલટાનું મોઢું નથી જોવું; તમે એને પાધરી ઉપાડી જજો. (કાજી રાણા સામે જોઈને હસે છે. થોડી વાર સુધી રાણા કાંઈ વિચારમાં પડી ગયા હોય તેમ નીચે જોઈ રહે છે. પછી ઓચિંતો કંઈ આંચકો આવ્યો હોય તેમ) ના, ના; એ ભલે આવે, ભલે આવે! (કાજીનો હાથ છોડી દઈ ગાદી પાસે જાય છે. તલવાર ઉપાડે છે. તલવારને હાથમાં ફેરવતાં ફેરવતાં ભાવપૂર્વક તેની સામે નીચે નજરે જોઈ રહે છે.) શક્તિ! બાપ્પા રાવળનું રાજ્ય સાચવવા આજ સુધી તારું સેવન કર્યું! આજે બાપ્પા રાવળની કીર્તિ સાચવવા તારો ઉપયોગ થશે. (મોઢા ઉપર હાસ્ય તરવરે છે. હાથ ધ્રૂજવા લાગે છે.) દેવી! ધ્રૂજે છે કાં! સ્ત્રીહત્યાના પાપનો તને ભય છે? અરે! એ પાપ મારે માથે! હું એ પાપનું વિષ ધોળીને પી જઈશ અને પછી સનાતન સોડ તાણીને સૂઈ જઈશ! (પાસે જાય છે. મોઢું કડક થાય છે.) કાજી : રાણા! શું વિચાર કરો છો? હિંદુ પતિઓ આટલી હદ સુધી જઈ શકે છે? (નજર ફેરવીને) પહેરેગીર! પહેરેગીર : (અંદર આવી કુનિર્શ બજાવી) હુકમ, સરદાર! કાજી : રાણાજીના હાથમાંથી તલવાર લઈ લો. (પહેરેગીર આગળ વધે છે.) રાણાજી, તમે અમારા કેદી છો. તમારાં હથિયાર સોંપી દેવાનો હું તમને હુકમ કરું છું. (રાણા તિરસ્કારથી તલવારને ફેંકી દે છે. પહેરેગીર તે ઉઠાવી લે છે.) અને પહેરેગીર! તંબૂમાં પાલખી આવ્યા પછી કશો ઘોંઘાટ થાય તો તમે કોઈના હુકમની રાહ જોયા સિવાય અંદર ધસી આવજો, અને રાણાજીને બાંધી લેજો. પહેરેગીર : જેવો હુકમ જનાબ! (કુર્નિશ બજાવીને ચાલતો થાય છે.) કાજી : રાણાજી, જીવનની છેલ્લી ધન્યક્ષણ વેડફી ન નાખતા; અને સાનને ઠેકાણે રાખજો. (કાજી જાય છે. રાણા બેફામની માફક આમતેમ આંટા મારે છે. બહારથી કોઈ મોટો કાફલો ચાલ્યો આવતો હોય એવો અવાજ આવે છે. થોડી વારે પાલખીની ઘંટડીઓનો અવાજ સ્પષ્ટ થાય છે.) ભીમસિંહ : આ અવાજ શાનો? પદ્મિનીનું સરઘસ તો આવી નથી પહોંચ્યું ને?(પૂર્વ તરફની ચક પાસે જાય છે અને તડમાંથી બહાર જુએ છે. ત્યાં જ ઊભા ઊભાહા, એ જ પાલખીઓની લાંબી હાર અરાવલીની ખીણોમાં થઈને ચાલી આવે છે. આગળ સુનેરી પાલખી છે અને મોભને બાંધેલી ઘંટડીઓ ગાજી રહી છે. અહા! કુળકીર્તિને કંલક લગાડવા તેઓ કેટલા ઉત્સાહભેર ચાલ્યા આવે છે. અરાવલી ટેકરીઓ આગળ ધસી આવી તેઓની ઉપર ફસડાઈ કેમ નહિ પડતી હોય? ધરતી ઊંડી ફાટ પાડી એમને ઓહિયાં કરી જઈ પાછી બિડાઈ કેમ નહિ જતી હોય? ખલાસ! ખલાસ! બધું ખલાસ! ભીમસિંહ, રજપૂતોનું પુણ્ય પરવારી બેઠું. (અસ્વસ્થ થઈ આંટા મારવા લાગે છે.) પદ્મિનીના રૂપમાં હું અંધ બન્યો હતો, અને અંદરની સર્વભક્ષી ડાકણને જોઈ શક્યો નહોતો. (પાછા આકળા થઈ કદમો ભરે છે.) અંગે અંગમાં આગ લાગી છે. (એક પછી એક સ્થળનિર્દેશ કરતા કરતા) અહીંયાં એ અડકી હતી! અહીં એણે આલંગિન આપ્યું હતું! અહીં એણે ગાલ ચાંપ્યો હતો. અહીં એણે પહેલી રાતે ચુંબન દીધું હતું! અરે બધે, બધે જ ભડકા બળે છે! જે વિષનું જીવનપર્યન્ત પાન કીધું તે આજે રોમેરોમે ફૂટી નીકળે છે. પાછા આમતેમ આંટા મારે છે. ઘંટડીઓનો અવાજ સ્પષ્ટ થતો જાય છે અને અંતે પાસે આવીને અટકે છે. આવી પહોંચી! એ અને એની નાશની ઘડી બન્ને સાથે જ આવી પહોંચ્યાં! આટલી વિપત્તિઓમાં જેની ખાતર જીવ્યો અને જેની ખાતર જીવન કુરબાન કરવા તૈયાર હતો, તેને આજે ધર્મની ખાતર, પિતૃઓની પ્રતિષ્ઠાની ખાતર, કુળની કીર્તિને ખાતર કુરબાન કરી દઉં! અને પછી હું પણ એની સાથે, એની પડખે, એની બાથમાં સૂઈ જાઉં. અને ફરી કદી જ આંખ ન ખોલું! કાજીએ પેદા કરેલું જગત ઇન્દ્રજાળ માની હું મારી પહેલાંની પદ્મિનીને લઈને સ્વર્ગે સંચરું. (પાલખીને ઉપાડીને આવતા ભોઈઓના પગોના અવાજ તંબૂની નજીક આવે છે. જાણે પોતાનો ભરોસો ન હોય તેમ રાણા થાંભલાને બે હાથમાં ઝાલી બાવરાની જેમ ઊભા રહે છે. પૂર્વ તરફની ચક ઊંચી થાય છે અને અંદર અડધી પાલખી આવે છે. ભોઈ લોકો પાલખીને નીચે મૂકી બહાર જઈ ઊભા રહે છે. પાલખીનો પડદો ઊંચકાય છે. રાણા ટગર ટગર તાકી રહે છે. અંદરથી ડોકું બહાર આવે છે.) પદ્મિની, કુળવિનાશિની; તને આ શું સૂઝ્યું? (રાણા ગાંડાની માફક કૂદે છે અને એને પકડી બહાર ખેંચે છે.) ઓ પદ્મિની, તેં એક સપાટે.... (પાલખીમાંથી ગોરા બહાર નીકળે છે, એની પડછંદ કાયાને જોઈને રાણા ચમકે છે.) ગોરાદેવ : (હસતો; નાકને આંગળી લગાડી ધીરે અવાજે બોલવાની સંજ્ઞા કરતો) રાણાજી! શું નાટક કરો છો? ચૌહાણપુત્રીનું આટલાં વર્ષો પડખું સેવ્યું તોય તમે એને ઓળખી નહિ? મને બહુ દુ:ખ થાય છે. રાણા! પણ અત્યારે એનો શોક કરવાનો સમય નથી. આપ આ પાલખીમાં બેસી જાવ. એ લોકો બારોબાર ઉપાડી જશે. સિંહપૌરી પાસે એક વાયુવેગી અશ્વ સાથે પ્રવિણસિંહને આપની રાહ જોતો ઊભો રાખ્યો છે. આપ કોટમાં સહીસલામત પહોંચી જાવ ત્યારે એક તોપ ફોડજો, અને રાજમહાલય ઉપર ધજા ફરકાવજો. ત્યાં સુધી અમે યવનસેનાને ખાળી રાખશું. એક એક પાલખીમાં એક એક શસ્ત્રસજ્જિત યોદ્ધો બેઠો છે અને ચાર રજપૂત વીરો ભોઈના વેશમાં પાલખીઓને ઉપાડી લાવ્યા છે. એટલે આપ અમારી ચંતાિ કરશો નહિ. ભીમસિંહ : આ બધું શા માટે, ગોરાદેવ? એકનો પ્રાણ બચાવવા હજારોની આહુતિ? મારે નથી જવું, સેનાનાયક! અને હવે હું પદ્મિનીને પણ શું મોઢું બતાવું? અરેરે... મેં એનામાં અવિશ્વાસ આણ્યો! જીવનપર્યંત સાથે રહ્યા છતાં મેં એને ઓળખી નહિ.... ગોરાદેવ : (વચમાં જ) બસ કરો રાણા! ચર્ચાનો સમય નથી. મહારાણાનો હુકમ છે અને એ પ્રમાણે તમારે વર્તવું પડશે. (થોડીવાર રાહ જુવે છે.) આપ અંદર બેસી જાવ છો કે મારે આપને પકડીને બેસાડવા પડશે? (પશ્ચિમની તરફની ચક ઉપર ટકોરા થાય છે. થોડી વારે બહારથી પહેરગીરનો અવાજ આવે છે : રાણાજી, શહેનશાહ ઉતાવળ કરે છે. આપ આજ્ઞા આપો તો જહાંપનાહ અંદર પધારે. ગોરાદેવ : (પશ્ચિમ તરફની ચક પાસે જાય છે અને અવાજ મૃદુન — મીઠો કરે છે.) ખુદાવંદિને કહો કે મહારાણી જહાંપનાહને અરજ ગુજારે છે, કે આટલાં વર્ષો ખમ્યા તેમ પાંચ પળ વધારે ખમી જાય. (બહારથી પહેરગીરનો અવાજ : જેવી આજ્ઞા. રાણાજી! (પાસે જાય છે) શું નિશ્ચય કર્યો? બે પળ વધારે અને બાજી આખી ધૂળમાં મળી જશે. મહારાણાનો હુકમ ઉથાપશો તો મહારાણાનો રોષ કદી નહિ ઊતરે. ભીમસિંહ : (શરણ થતાં) હું જાઉં છું. વીર ગોરાદેવ! પણ એકવાર તમને ભેટી લઉં. (રાણા દોડીને ગોરાદેવને ભેટી પડે છે. ગોરા એમને છાતી સાથે ચાંપે છે. પછી મુક્ત કરી મીઠું હસે છે.) ગોરાદેવ : રજપૂતાણીને કહેજો કે મહાદેવીના ચૂડલા કરતાં તારો ચૂડલો વધારે નહોતો! અને સ્વર્ગમાં તો મળવાનાં જ છીએ. (પછી એકદમ રાણાનો હાથ પકડી લે છે. બન્ને પાલખી પાસે જાય છે. રાણા અંદર બેસી જાય છે. ગોરા પડદો ઢાળી દે છે.) ભોઈ કિરણસિંહ! (ભોઈના વેશમાં કિરણસિંહ અને બીજો રજપૂત પ્રવેશ કરી, નમન કરી ઊભા રહે છે.) કિરણસિંહ : હુકમ, સેનાપતિ! ગોરાદેવ : રાણાજીને સહીસલામત ઉપાડી જાવ. (ભોઈ લોકો પાલખી ઉપાડી ચાલ્યા જાય છે. ગોરાદેવ સત્તાવાહી નજરે પૂર્વ તરફના ખુલ્લા પ્રવેશદ્વારમાંથી અરાવલીની ટેકરીઓમાં અદૃશ્ય થતી પાલખીને જોઈ રહે છે. દૂર દૂર ચિતોડનો કિલ્લો દેખાય છે. પૂર્વ તરફની ચક ઉપર ટકોરા થાય છે. ગોરાદેવ એ બાજુ ફરે છે. બહારથી પહેરેગીરનો અવાજ આવે છે : રાણાજી, શહેનશાહ કહેવડાવે છે કે હવે જો વિલંબ થશો તો ચક તોડીને અંદર આવવું પડશે. જવાબમાં ગોરાદેવ અટ્ટહાસ્ય કરે છે. થોડીવારે એક કડાકા સાથે ચક તૂટી પડે છે. ખુલ્લા દ્વારમાંથી દિલ્હીપતિ અલાઉદ્દીન, સરદાર કાજી અને સિપાહસાલાર મલિક કાફૂર પ્રવેશ કરે છે.) કાજી : આ શું? રાણા ક્યાં? પદ્મિની ક્યાં? અને તમે ક્યાંથી, ગોરાદેવ? આ શું થઈ ગયું? ગોરાદેવ : (ખડખડાટ હસે છે.) જનાબને હજી ખબર ન પડી? રાણાજીના અશ્વની, જુવો ટેકરીઓ વચ્ચે ધૂળ ઊડે છે, અને પદ્મિની ક્ષિતિજની ધાર ઉપર ઊભેલા અજયદુર્ગના કાંગરા પકડી જુઓ વાલમની વાટ જોતી દેખાય! અલાઉદ્દીન : દગો! દગો! ગોરાદેવ : હા... હા... હા... (હસે છે.) જહાંપનાહના મોઢામાં એ શબ્દો કેવા શોભે છે? યવનસમ્રાટ! પાશવી આનંદની કલ્પનાના ઉદ્રેકમાં તમે ભૂલી ગયા કે આર્યોની કુળદેવીને જીવન કરતાં શિયળ વધારે વહાલું હોય છે? અને સિસોદિયાઓને મહાદેવીના શિયળ આસપાસ શરીરનો ગઢ ચણતાં આવડે છે. નરાધમ, તને એટલું ન સૂઝ્યું કે સતીનો સ્પર્શ પણ સર્વભક્ષી હોય છે? અલાઉદ્દીન : કાજી, ગોરાદેવને કેદ કરો. સિપાહસાલાર, સેનાને સજ્જ કરી રાણાનો પીછો પકડો. (સિપાહસાલાર નમન કરી પશ્ચિમ દ્વારમાંથી જાય છે. કાજી ગોરા તરફ આગળ વધે છે. ગોરા તલવાર ખેંચી આડો ફરી વળે છે.) ગોરાદેવ : દૂર રહો, કાજી! જીવ જો વહાલો હોય તો રાણા કોટમાં ન પહોંચી જાય ત્યાં સુધી મને અડકશો નહિ. પછી હું મારી જાતે મારાં શસ્ત્રો ફગાવી દઈશ. પણ એ પહેલાં જો એક ડગલું પણ આગળ વધ્યા તો જોઈ છે આ તલવાર! (બૂમ પાડે છે) બાદલવીર! સાવધાન! રજપૂતો, જય એકલંગિજીનો! જય! (બહાર રજપૂતો તલવાર ખોલી કૂદી પડે છે. હર હર મહાદેવ, જય એકલંગિજી!, મહારાણાનો જય એવા ગગનભેદી અવાજો થાય છે. થોડીવારે અલ્લા હો અકબરની બૂમો સંભળાય છે. બે સેનાઓ વચ્ચે તૃમુલ યુદ્ધ જામે છે. મરતાઓની ચીસો અને વીરોના વિજયનાદ આવે છે.) અલાઉદ્દીન : દગો! દગો ! પકડો! પકડો કોઈ ગોરાને! (બહારથી બન્ને પહેરેગીરો ધસી આવે છે. અને ગોરા ઉપર તૂટી પડે છે. ગોરાદેવ ઘવાય છે અને નીચે પડે છે. એના પેટના આંતરડાં નીકળી પડ્યાં છે. પોતાના સાફાને પેટ ઉપર બાંધી એ ફરી ઊભો થાય છે, અને પૂર્વ તરફ ફરી ચિતોડ તરફ એક આતુર નજર નાખે છે.) ગોરાદેવ : મારા શરીરના ટુકડે ટુકડા કરી નાખશો તોય જ્યાં સુધી રાણા ચિતોડમાં સહીસલામત નહિ પહોંચી જાય ત્યાં સુધી એ ટુકડાઓ કૂદી રહેશે! (દૂરથી એક તોપનો ભડાકો સંભળાય છે. દૂર, ચિતોડના દુર્ગ ઉપર પતાકા ઊડતી દેખાય છે. ગોરાની આંખમાં આનંદના આંસુ ઉભરાય છે. ચકરી ખાઈ, એ નીચે ઢળી પડે છે. અલાઉદ્દીન અને કાજી એની પાસે જાય છે ગોરા ધીમેથી પોતાના પેટનો પાટો છોડે છે અને ફસડાઈ પડે છે.) સમ્રાટ, હવે મને સંતોષ. હવે હું સુખેથી મરીશ. મારા રાણાજી ચિતોડમાં સહીસલામત પહોંચી ગયા. અલાઉદ્દીન : દગાખોર! (એક લાત મારે છે.) હું આનો બદલો લઈશ. ચિતોડને બાળી ખાખ કરી મૂકીશ. તારી રજપૂતાણીને હું દિલ્હી ઢસડી જઈશ. પછી એને આખી સભા વચ્ચે નાગી નચાવીશ. દગાખોર! (એના હોઠ કમ્પે છે. એક બીજી લાત લગાવે છે.) ગોરાદેવ : (ખડખડ હસે છે.) હજી આંખ ન ઊઘડી, સમ્રાટ? (પૂર્વમાં આંગળી ચીંધી) ચિતોડના ગઢ ઉપર પેલી જો ચિતા સળગે! જોઈ? અને તેમાં જો આખા ગગનને પ્રજાળી દેવા મથતી પેલી સૌથી ઊંચી જ્વાલા ચંડીની જીભ જેવી આકાશને ચીરે! એ જ્લાવા મારી રજપૂતાણીની છે. હું જ્યારે ત્યાંથી નીકળવા તૈયાર થયો ત્યારે મને બખ્તર સજાવતી એ કહેતી હતી : રણશાયામાં સૂતા સૂતા ચિતોડના કાંગરા વચ્ચે બળતી ચિતા તરફ નજર કરજે, નાથ! અને એમાં સૌથી ઊંચે ચડતી જ્વાલાને તારી રજપૂતાણીની સમજી લેજે! પછી એનો પ્રભાદોર પકડી તુંય ઊંચે ચાલ્યો આવજે! શહેનશાહ! તને ત્યાં મારી રજપૂતાણી નહિ મળે! ત્યાં એની રાખ પડી હશે! તને ભાળીને એનો વંટોળ ચડશે! તારી આંખ ફોડી નાખશે; અને પછી તું પૃથ્વીના અંત સુધી પ્રકાશને ગોતવા ખાલી ફાંફાં મારતો, ઠેબાં ખાતો, અવનિ ઉપર ભટક્યા કરીશ; અને દિશાઓ તને હસી રહેશે.

(ગોરાદેવ આંખો મીંચી દે છે. અલાઉદ્દીન એ મૃત શરીરને ‘દગાખોર! દગાખોર! દગાખોર, એમ બોલતો ત્રણ લાત મારે છે.)

અંક ત્રીજો

(સ્થલકાળ : બાર દિવસ પછી ચિતોડગઢના રાજમહાલયની ચંદ્રશાળામાં નમતા બપોર. રોજ રોજ એક એક રાજકુમાર યુદ્ધે ચડે છે અને પડે છે. કોટની બહાર તુમુલ યુદ્ધ ચાલે છે. એક પછી એક ગઢ ઉપર હલ્લાઓ થાય છે. અને રજપૂતો ‘હરહર મહાદેવ!’, ‘જય એકલંગિજી!’, ‘જય દેવી ચતુર્ભુજનો જય!’ એવા નાદો કરી યવનનો સામનો કરે છે. ક્ષણ બે ક્ષણમાં તો ‘અલ્લા હો અકબર!’ના ગગનભેદી અવાજો ગાજી ઊઠે છે, અને તેમાં રજપૂતોના નાદો દટાઈ જાય છે. થોડી વાર શાંતિ છવાય છે. અને ઘવાયેલા સૈનિકોની ચીસો સ્પષ્ટ થાય છે. પાછો હલ્લો થાય છે, પાછી શાંતિ છવાય છે. અંકના અંત સુધી આ ચક્ર ચાલ્યા કરે છે. રણવાસ તરફ લઈ જતી પડસાળની પગથિયો ઉપર પદ્મિની બે હાથમાં માથું દબાવી બેઠી છે. રણવાસમાંથી એક દાસી આવે છે અને પદ્મિનીને આ દશામાં જોઈ મોઢું ગંભીર કરી ચાલી જાય છે. કોટ ભેદીને નવા હલ્લાનો અવાજ આવે છે. ‘જય એકલંગિજી!’ ‘દેવી ચતુર્ભુજની જય!’ એવા આછા અવાજો વચ્ચે ‘અલ્લા હો અકબર!’ નો દિશાવ્યાપ્ત વિજયનાદ ગાજી રહે છે, તલવારોની રમઝટના આછા વીંઝણા આવે છે. પદ્મિની ઊઠે છે અને કાંગરા પાસે જઈને ઊંચી ડોકે કોટ બહાર નજર નાખે છે. થોડી વારે એક નિસાસો મૂકી પોતાના હાથ, છાતી અને અંગપ્રત્યંગ ઉપર એક ખેદયુક્ત દૃષ્ટિ ફેરવે છે.) પદ્મિની : રૂપ! હા! (નિસાસો મૂકે છે.) ચિતોડના સર્વભક્ષી શાપ સમાં ઓ રૂપ! થાય છે કે શરીર ઉપરથી ઉખેડી તને ફગાવી દઉં! થાય છે કે અંગે તેજાબ છાંટી ચામડી ઉપર ચાઠાં પાડું!

(અસ્વસ્થ આંટા મારે છે.)

          અને ઓ વિશ્વવિખ્યાત સૌંદર્ય! તારી ઉપર તારા દેવને, તારા ભોક્તાને પણ વિશ્વાસ નહોતો. રખે તું કોઈ બીજાનું અંકશાયી થઈ જાય એવો એમને ભય હતો! પ્રભુ! પ્રભુ! આ શાપ તેં મારી ઉપર શેં વરસાવ્યો? આજે જાણે એમ લાગે છે કે પૃથ્વી ઉપર પ્રલય ફરી વળ્યો અને અનંત આકાશ અને અફાટ પૃથ્વી વચ્ચે હું એકલી, અટૂલી, કશાયે ધ્યેય વિનાની બળતી ચિતાની માફક આથડ્યા કરું છું! અને સાગર મારી દશા જોઈને ખડખડાટ હસે છે!

(ફરી વાર ડોક ઊંચી કરી કોટ બહાર નજર નાખે છે.)

          રજપૂતો મને કુળની સૌભાગ્યદેવી કહી શરમાવે છે. મેં તો કોઈ ત્રિકાળભૂખી ડાકણની માફક આખા કુળને ભરખી લીધું છે. ગોરાદેવ જેવા કાકા ગુમાવ્યા. મહારાણાના દસ પુત્રોની આહુતિ લીધી, હજારો ક્ષાત્રાણીઓને કંકણ વિહોણી કરી, ચિતોડના કાળમીંઢ પથ્થરોને અરાવલીની ખીણમાં ગબડાવી મૂક્યા, તોય આ રૂપયજ્ઞ પૂરો ન થયો. જેમજેમ આહુતિઓ અપાતી જાય છે, તેમ તેમ ચંડીની જીભ જેવી જ્વાલાઓ વધારે ને વધારે વ્યાકુળ બનતી જાય છે. (સભાખંડમાંથી રાણા ભીમસિંહ બહાર નીકળે છે, અને એક પાષણસ્તંભ પકડી ઊભા રહે છે. એમનું મોઢું કરમાઈ ગયેલું છે. એમણે કેસરિયા વાઘા ઉપર બખ્તર સજ્યું છે, અને કેડ ઉપર તલવાર લટકે છે.) અરાવલીની ઓ અસંખ્ય ટેકરીઓ! તમે ધસી આવો! મારી ઉપર ખડકાઈ ખડકાઈને એક એવો ડુંગર રચી દ્યો, કે પ્રલયનો પૂર પણ એને ખોદી મને બહાર ન કાઢી શકે! ભગવતી વસુન્ધરે! મોઢું ઉઘાડી મને કોઈ એવા ગર્ભમાં... ઓહ! ઓહ! આંખે અંધારા આવે છે, અને જાણે આખં કાળચક્ર ફરતું હોય... (ફસડાઈ પડે છે.) ભીમસિંહ : (એકદમ દોડે છે, અને પદ્મિનીનું માથું ખોળામાં લઈ પવન નાખે છે.) દેવી! પદ્મિની તમને આ શું થયું? મહારાણી! તમને આ શું થયું? ભગવાન એકલંગિજી! આ કસોટી શા માટે?

(પદ્મિની પડખું ફેરવે છે.)

          મહાદેવી! આંખો ઉઘાડશો? તમને હવે કેમ લાગે છે?           (પદ્મિની પડખું ફેરવી આંખો ઉઘાડે છે. શરીરમાં એક કમ્પ અનુભવે છે.) પદ્મિની : કોણ રાણા... રાણાજી? તમે અહીં ક્યાંથી? હું ક્યાં છું? ભીમસિંહ : દેવી! સ્વસ્થ થાવ! તમે રાજમહાલયની ચંદ્રશાળામાં રાણાજીના ખોળામાં સલામત છો! પદ્મિની, કોઈનો ભય નથી! પદ્મિની : ચૌહાણપુત્રીને કદી કોઈનો ભય હોતો નથી, રાણા! પણ... (બેઠી થાય છે. હોઠ ધ્રૂજી રહે છે.) પણ તમે અને હું અહીં ક્યાંથી, રાણાજી? (કાંઈ વિચાર કરે છે.) હા, સ્વપ્નું હશે! (ઊભી થાય છે, રાણા પણ ઊભા થાય છે.) રાણા! સર્જનના પ્રથમ પ્રકાશમાંથી નીકળી બે પંખીડાં પાંખમાં પાંખ મેળવી અનંત આકાશમાં ઊડતાં હતાં. બહુ ઊડ્યાં, બહુ ઊડ્યાં! અંતે જે પ્રદેશનાં સમણાં સેવ્યાં હતાં, તે પ્રદેશના સુવર્ણઘુમ્મટો કોઈ પરમ પ્રકાશમાં હસતા દેખાવા લાગ્યા! અને પંખીડાંઓના ઉરમાં ઉદ્રેક ચડ્યો. પ્રાણેશ્વરની પૂૂંઠે તો કોઈ નથીને એ જોવા પંખીણીએ પાછળ જોયું! પંખીને શંકા ગઈ; એની આંખમાં એક ઓળો આવ્યો, અને ક્ષણ બે ક્ષણમાં તો અલોપ થઈ ગયો! બન્ને પાછાં ઊડવા લાગ્યાં, પણ પંખીણીનો બધો ઉત્સાહ, બધો રંગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. એની પાંખો ઢીલી થઈ ગઈ. સ્વપ્નભોમના સુવર્ણકળશોનું તેને હવે આકર્ષણ નહોતું. એણે ભિન્ન માર્ગ લીધો. પંખીપંખીણી વારેવારે આંખો અથડાવતાં, અને દાઝ્યા હોય એમ આંચકો ખાઈ પાછું ઊડવા લાગતાં, નોખાં પડવું બન્નેને ગમતું નહોતું. પણ વિધિનું એ જ નિર્માણ હતું, રાણા!           (ધીમે ધીમે એ કાંગરાઓ પાસે જાય છે, અને અરાવલીની ટેકરીઓ સામે જોઈ રહે છે.) ભીમસિંહ : હવે બહુ થાય છે, મહાદેવી! મનુષ્યની સહનશક્તિનેય મર્યાદા હોય છે. મને માફ કરો, માફ કરો, મહારાણી! હવે નથી સહાતું? પદ્મિની : હા... હા... રાણા! (ફિક્કું હસે છે.) તમને મારા હૃદયભંગનો ખ્યાલ નથી, મહારાજ! માટે તો આવું બોલી શકો છો! સહન તો મારાથીયે નથી થતું. પણ સહન કર્યે જ છૂટકો, રાણા! ભીમસિંહ : આજે દશદશ દિવસથી તમે મને એક મીઠું વેણ પણ કહ્યું નથી, રાણી! મને ભાળો છો અને જાણે અભડાઈ ઊઠતાં હો તેમ કરમાઈ જાવ છો. મોઢું ફેરવીને રડવા લાગો છો. જગતના તમામ અપરાધોનું અંતે તો નિવારણ હોય છે મહાદેવી!

(આગળ વધે છે.)

પદ્મિની : (છેટી ખસેડતી) મને અડશો નહિ, રાણા! (અરાવલીની ટેકરીઓ સામે જોતાંજોતાં) હું શું કરું દેવ? મારા હૃદયની હું માલિક રહી નથી; અથવા તો મને હવે હૃદય રહ્યું છે કે નહિ તેની જ ખબર પડતી નથી. જાણે બધું જ બળી ગયું! સ્વર્ગના કોઈ શમણાની માફક બધું જ અલોપ થઈ ગયું! મને ભૂલી જાવ, રાણા! હુંય તમને ભૂલી જઈશ — ભૂલવાનો પ્રયત્ન કરીશ. કોઈ અકળ યોગ થયો અને આપણે ભેગાં થયાં. પ્રેમના આવેશમાં આપણે એકબીજાને પરસ્પરનાં પૂરક માની લીધાં. પણ કાંઈક ભૂલ થઈ, રાણા! — અને આજે કોઈ એવા જ અકળ યોગથી આપણે વિયોગ લઈએ છીએ, દેવ! ભીમસિંહ : દેવી! આ આપણી છેલ્લી મુલાકાત છે. રજપૂતોએ આજે કેસરિયાં કર્યા છે. મહારાણાના દસ કુમારો યુદ્ધમાં ખપી ગયા, અને આજે તમારો વીર રણે ચડ્યો છે. ન કરે નારાયણ અને એને કંઈ થાય તો આજે અચ્યુતકુમાર સાથે મારે યુદ્ધે ચડવું એવો મહારાણાનો આદેશ છે. પછી, — અને સદેહે આપણો ભેટો થવાનો નથી. તમારી ક્ષમા યાચી લેવા આવ્યો છું, મહાદેવી! એકવાર કહો, એકવાર એટલું કહો, ‘અપરાધી રાણા, તને પદ્મિની ક્ષમા કરે છે.’ અને પછી હું નિરાંતે યુદ્ધે ચડીશ. ક્ષમાના એ છેલ્લા શબ્દોનું રટણ કરતાં કરતાં હંમેશને માટે સોડ તાણીશ. પછી તમારે મારું કાળું મોઢું ફરી... પદ્મિની : (વચમાં જ, રડતાં) બહુ થયું, બહુ થયું, રાણા! રાણીની રાણાને ક્ષમા છે! અને ઈશ્વરના એ હૃદય ઉપર આશીર્વાદ ઊતરો! (પાલવથી આંખો ઢાંકી દે છે.) પણ... પણ... રાણા! હવે તો બહુ મોડું થયું... બહુ મોડું. ભીમસિંહ : બસ કરો, બસ કરો, પ્રિયતમા! (એનું મોઢું ચમકી ઊઠે છે.) આગળ નહિ બોલતાં, ચૌહાણપુત્રી! મારે વિશેષ નથી સાંભળવું. હવે મને કશાની પરવા નથી. હવે યવનોના સૈન્યમાં કાળની માફખ ફરી વળીશ અને ‘હર હર મહાદેવ!’ ને બદલે ‘અપરાધી આત્મા! તને પદ્મિનીએ ક્ષમા કરી છે!’ એવું રટતો રણશૈયા પર સોડ તાણીશ. દાસી : (સભાખંડમાં આવી, નમન કરી) મહારાણા પધારે છે, દેવી!           (બન્ને સભાખંડ તરફ ફરે છે, મહારાણા લક્ષ્મણસિંહ અને મંત્રીશ્વર કેદારનાથ પ્રવેશ કરે છે. બન્નેએ કેસરિયા વાઘા પહેર્યા છે અને બન્ને શસ્ત્રાસ્ત્રથી સજ્જ છે. રાણા અને પદ્મિની નમન કરે છે. મહારાણા માથું નમાવી પ્રત્યુત્તર વાળે છે.) લક્ષ્મણસિંહ : અચ્યુતસિંહની સાથે આપને ચડવાનું છે, રાણાજી! અને અજયને કેલવાડા પહોંચી જવા સહીસલામત વિદાય કર્યા પછી સૌની પાછળ ચિતોડ અને ચિતોડના સૌંદર્યને સળગાવી દઈને હું અને મંત્રીશ્વર યુદ્ધે ચઢશું. તૈયાર તો થઈ ગયાને, રાણા? ભીમસિંહ : હા, મહારાજ! આ ક્ષણે જ તૈયાર છું. આવા હિણપતના દારુણ સમયમાં પણ જે એક સંજીવની મને સજીવન રાખતી હતી તે સળગી ગઈ છે. હવે મને કશાની પરવા નથી.           (પદ્મિની કાંગરાઓ તરફ ફરી ટેકરીઓ તરફ જોવા લાગે છે. સૌ મહાદેવી તરફ એક કચવાતી નજર નાખી ડરતા હોય તેમ પાછી ખેંચી લે છે. કોટ બહાર કોલાહલ વધે છે અને કિલ્લો થથરી ઊઠે છે. ગગનમાં ‘અલ્લા હો અકબર’ની બૂમ પડે છે.) લક્ષ્મણસિંહ : ફરી હલ્લો થયો લાગે છે. આખો કિલ્લો જાણે કમ્પી ઊઠે છે! સ્વાતંત્ર્યની લીલાભૂમિને આવો કરુણ વિનાશ! પ્રભુ, પ્રભુ! કૃપા કર!          (પગથિયાં ચડી એક દૂત આવે છે. એનો શ્વાસ સમાતો નથી. નમન કરી ઊભો રહે છે.) દૂત : મહારાજ! શત્રુઓને સિંહની માફક સંહારતા બાદલદેવ પડ્યા. સૈન્યમાં ભંગાણ પડે એવો          સંભવ છે. દંડનાયક સંદેશો કહાવે છે કે રાજકુમાર અચ્યુતસંહેિ જલદી યુદ્ધે ચડવું જોઈએ.           (પદ્મિનીની આંખમાં આંસુ વહેવા લાગે છે. કાંગરા પકડી એ મોઢું ફેરવી ઊભી રહે છે.)           દૂત નમન કરી પગથિયાં ઊતરી જાય છે.           સભાગૃહમાંથી અચ્યુતસિંહ આવે છે. એણે કેસરિયા વાઘા સજ્યા છે. કપાળ ઉપર કંકુથી ત્રિપુંડ તાણ્યું છે; માથા ઉપર રાજમુકુટ ધારણ કર્યો છે.) અચ્યુતસિંહ : પિતાજી, મને રજા આપો. (નમન કરે છે.) લક્ષ્મણસિંહ : બેટા, જા ફતેહ કર. (આંખમાં આંસુ આવે છે.) દેવી ચતુર્ભુજાની ભૂખ હજી નથી ભાંગી. એનું ખપ્પર હજી અધૂરું છે. એક દિવસ સ્વપ્નામાં દર્શન દઈ એમણે આદેશ કર્યો : મહારાણા! અરાવલીની ખીણો તરસી થઈ છે. મારું ખપ્પર ખાલી થયું છે. બાર રાજબીજોનાં માથાં વધેરીશ ત્યારે મારી ક્ષુદા શમશે. બેટા, અગિયારમો તું, અને તારી પાછળ હું જાતે જ બારમો થઈ ચાલ્યો આવું છું. ક્ષમા કરજે, બેટા!           (અચ્યુતને બાથમાં ભીંસી દે છે. પિતાની આંખનાં આંસુ પુત્રની પાંપણે અડે છે.) અચ્યુતસિંહ : (પદ્મિનીને પ્રણામ કરી) આશીર્વાદ આપો, મહાદેવી! પદ્મિની : વિજય કરો, કુમાર! રામ તમારી રક્ષા કરો! (માથે હાથ મૂકે છે.) ભીમસિંહ : (નમન કરી) મહારાણા, જાઉં છું. પદ્મિની, પ્રભુને પ્રાર્થના કરજો કે ચિતોડનો કોટ પડે એ પહેલાં રજપૂતોનાં મદડાંઓનો કોટ ચણાઈ જાય. પદ્મિની : (આંખનાં આંસુ ખાળતી) રાણા, એક ક્ષણ થંભી જાવ. એક વાર, એક વાર મને આલંગિન આપો!

(રાણા માથું ધુણાવે છે.)

          રાણા! ઊભા રહો, હું તમને કંકુનો ચાંલ્લે કરું. ભીમસિંહ : હવે તો બહુ મોડું થયું, પદ્મિની! રજપૂતો અમારી રાહ જોતા હશે! તમે કંકાવટીમાં કંકુ ધોળી સ્વર્ગને આરે ઊભાં રહેજો. હું અનુતાપની આગમાં બળી કંચન બનવા જાઉં છું. જો બનું તો મને સત્કારજો; મારે કપાળે કંકુરેખા રાચજો, મને અપનાવી લેજો! અને છતાંય કાંચન ન બનું તો, રાણી! ભવોભવના જુહાર!           (એક દૃષ્ટિ પણ ફેંક્યા સિવાય રાણાજી કટકટ પગથિયાં ઊતરી જાય છે. પાછળ અચ્યુતસિંહ ઊતરે છે. સૌ સજળ નયને બંનેને જોઈ રહે છે. પદ્મિની કાંગરા પકડી લે છે. અને આંસુથી એક કાંગરાને પલાળી દે છે.) લક્ષ્મણસિંહ : દેવી ચતુર્ભુજા! ક્ષમા કર! ક્ષમા કર, માતા! પદ્મિની : મહારાણા, હું જાઉં છું. રજપૂતાણીઓને તૈયાર કરી હમણાં જ પાછી ફરું છું. આપ આ ચિતાચોકમાં ચિતા ખડકાવો. રજપૂતાણીઓના પ્રાણેશ્વરોએ અરાવલીની તૃષા છુપાવી; હવે જો ટેકરીઓને ટાઢ વાતી હશે, તો ચિતોડની વીરાંગનાઓ પોતાના સૌન્દર્યદેહોને સળગાવી તેઓને હૂંફ આપશે.           (પદ્મિની રણવાસની પગથી ચડી જાય છે.) કેદારનાથ : સાક્ષાત શક્તિનો અવતાર છે! લક્ષ્મણસિંહ : રજપૂતોના રણવાસમાં જ્યાં સુધી આવી દેવીઓ વસે છે, ત્યાં સુધી રજપૂતોને મન રણાટ રમત વાત છે! અને ત્યાં સુધી પાથિર્વ દૃષ્ટિએ ભલે રજપૂતોનો વિનાશ થાય, પણ બાપ્પા રાવળનું બીજ અમર રહેશે, અને વખત આવે વીજળીના ચમકારાની માફક ચારે દિશાને પ્રકાશથી ભરી દેશે. (સભાખંડમાંથી અજયકુમાર થોડા રજપૂતો સાથે ઊતરી આવે છે. સૌએ બખ્તરો પહેર્યાં છે, અને અંગ ઉપર પૂરતાં શસ્ત્રાસ્ત્રો સજ્યાં છે.)           આવ બેટા, બાપ્પા રાવળનું બીજ રાખવાનું કામ તારે શિરે છે. અજયસિંહ : પિતાજી, હજી પણ મન નથી માનતું. મારે નથી જવું. લક્ષ્મણસિંહ : અજય! આ શું? સાત દિવસથી તને સમજાવ્યા કરું છું; આજે તો કબૂલ પણ કરાવ્યું અને છેલ્લી ઘડીએ પાછો હઠે છે? એ કઠણ હૃદયનું લક્ષણ નથી. બેટા, યુદ્ધમાં મરી ખૂંટવું એનો અર્થ જવાબદારીમાંથી નિવૃત્તિ લેવી. તારે શિરે તો એથીય મહાન કાર્ય અવલંબે છે. ઇતિહાસના પાનાંઓ પરથી બાપ્પા રાવળનું નામ ભૂંસાઈ જતું અટકાવવું, એ કામ નાનુંસૂનું નથી. મરવું વીરતાભર્યું છે, પણ ધર્મનું પાલન કરવા જીવવું એ એનાથીયે કપરું છે.           (કોટ બહારથી નવા હલ્લાનો ઘોંઘાટ આવે છે.) અજયસિંહ : પણ.... લક્ષ્મણસિંહ : પણ-બણનો હવે સમય નથી. અજયસિંહ, મહારાણાનો આદેશ છે કે સો સૈનિકો લઈને શત્રુસેનાને ચીરી, તમારે સહીસલામત કેલવાડા પહોંચી જવું. એટલું ધ્યાનમાં રાખો કે રસ્તામાં તમારે વીરતા દાખવવાની નથી. અત્યારે તમારો ધર્મ પ્રાણ બચાવવાનો છે. ચાલો, જલદી કરો, બહારથી કારમા અવાજો આવે છે અને મારું ડાબું અંગ ફરકે છે. મને લાગે છે કે મારે હમણાં જ યુદ્ધમાં ઝંપલાવવું પડશે, અને એ પહેલાં ચિતોડને ઉજ્જડ સ્મશાનસમ કરતા જવું છે. ચિતોડના સૌંદર્યને સળગતું જોવા જવું છે, જેથી સમરાંગણમાં સૂતાં સૂતાં રજપૂતાણીઓનાં શિયળનો ફડકો ન રહે. (પગથિયાં ચડી ચડી રજપૂતો ચિતાચોકમાં ચંદન અને સુખડનાં લાકડાં ખડકવા લાગે છે. શો વિચાર કર્યો, અજયસિંહ? મહારાણાનો હુકમ ઉથાપવાની હિમંત છે? અજયસિંહ : પિતાજી, હું જાઉં છું; મને આશીર્વાદ આપો. (ચરણસ્પર્શ કરે છે.) લક્ષ્મણસિંહ : (વાંસો થાબડતાં) જા બેટા, ફત્તેહ કર! (અજયસિંહ મંત્રીશ્વરને નમન કરી પગથિયાં ઊતરી જાય છે. તેની પાછળ પાછળ રજપૂતો ઊતરી જાય છે. ચિતા પેટાવવામાં આવે છે. થોડી વાર મહારાણા અને મંત્રીશ્વર એકબીજા સામે જોઈ રહે છે. અગ્નિની જ્વાલાઓના પ્રકાશ એમનાં મોઢાઓ ઉપર પડે છે.) ખલાસ! બધું જ ખલાસ, મંત્રીશ્વર! રજપૂતોની માતૃભૂમિ હવે પરપદથી દલિત થશે. જ્યાં એક વખત બાપ્પા રાવળની હાક હતી હતી ત્યાં હવે યવનોના વિજયઘોષ ગાજશે. મંત્રીશ્વર! કેવા ગૌરવનો કેવો કરુણ અંત! કેદારનાથ : મહારાજ! શોક કરવો મિથ્યા છે. જગદ્નિયંતાએ જે ધાર્યું હશે તે જ થવાનું. આપને કર્મે તો વિરોચિતવૃત્તિએ જેને આપણે ધર્મ માન્યો છે, તેને માટે આ જીવન ઝૂઝવાનું છે! મહારાજ, રડતાં પણ જે વસ્તુ અટકવાની નથી, તેને હસતાં કેમ વધાવી ન લઈએ? લક્ષ્મણસિંહ : સાચું કહો છો, મંત્રીશ્વર! જે વસ્તુ રડતાં અટકવાની નથી, તેને હસતાં કેમ વધાવી ન લઈએ? અને મંત્રીશ્વર! મને કશી ચિંતા રહી નથી. બાપ્પા રાવળનું બીજ રાખવા અજય કેલવાડા પહોંચી જશે! એક દિવસ એ બીજમાંથી આર્યકુળનો માર્તન્ડ ઉદિત થશે, અને એના પ્રકાશમાં ધરણી ઊજળી થઈ ઊઠશે. ચાલો, મંત્રીશ્વર! હવે ચિતોડગઢમાં જે કાંઈ બાકી રહ્યું હોય તેમને લઈને યુદ્ધે ચડીએ. યવનોના ઢગલા કરી, એમનાં મુડદાંઓની સેજશૈયા પાથરી અનંત નિદ્રાને આધીન થઈએ, દ્વારપાળ! દ્વારપાળ : (પગથિયાં ચડી આવી, નમન કરી) આદેશ, મહારાજ! લક્ષ્મણસિંહ : જાવ, દાંડી પીટો, ચિતોડગઢમાં જે -જે પુરુષો જીવતા હોય તેણે નીચેના સભાચોકમાં હાજર થવું. દ્વારપાળ : જેવી આજ્ઞા, મહારાજ! (નમન કરી જાય છે. કોટ બહારથી મોટા ધસારાનો અવાજ આવે છે. યવનોના વિજયનાદ ગાજી રહે છે. રાજમહાલય ધ્રૂજી ઊઠે છે.) કેદારનાથ : યવનોએ ફરી આક્રમણ કર્યું લાગે છે. આપણી રજપૂત સેના ક્યાં સુધી ટક્કર ઝીલશે એ કહી ન શકાય, મહારાજ! આપણે રડ્યાખડ્યાએ હવે રણે ચડવું જોઈએ. લક્ષ્મણસિંહ : રજપૂતાણીઓના આવી પહોંચવાની હું રાહ જોઉં છું. ગમે તેમ કરી હજી યવનસેનાને ખાળી રાખવી પડશે, મંત્રીશ્વર!           (રણવાસની પગથી ઉપર પદ્મિની આવે છે. તેણે વાળ છૂટા મૂકી દીધા છે. છૂટા કાળા કેશ ગોઠણ સુધી લટકે છે. કપાળમાં કેસરઅર્ચન કર્યું છે. હથેળીએે અને પાનીએ અળતો આલેખ્યો છે. સફેદ વસ્ત્રો ઉપર કેસર, ગુલાબ અને કંકુના છાંટણાં છે. એની પાછળ એ જ સ્વાંગમાં સેંકડો રજપૂતાણીઓ આવે છે. તેઓ એકબીજા ઉપર ગુલાલ છાંટે છે, અને ‘દેવી ચતુર્ભુજાનો જય’ પોકારે છે. નીચે દાંડી પીટાવી શરૂ થાય છે. એક પછી એક એકઠા થતા જતા રજપૂતોનો ઉત્તરોત્તર અવાજ આવે છે.) ચિતોડનું સૌંદર્ય અને સતીત્વ અંતે આવી પહોંચ્યું! પધારો મહાદેવી! પ્રણામ! પ્રણામ સતીઓ! (નમન કરે છે.) પદ્મિની : મહારાણાનો જય થાઓ! રજપૂતાણીઓ : બાપ્પા રાવળના કુળદીપકનો વિજય થાઓ! લક્ષ્મણસિંહ : મંત્રીશ્વર! બ્રહ્માની આ મનમોહન કલાને, જીવતાજાગતા આ સ્વતંત્ર આત્માઓને ચિતામાં હોમતાં કાળજું કંપે છે. પદ્મિની : એનો વિચાર તમારે કરવાનો નથી, મહારાણા! આપ હવે સુખે રણમાં સિધાવો. રજપૂતો બાપદાદાની ભૂમિ રક્ષી જાણે છે, તો રજપૂતાણીઓ કુળની કીર્તિને નિષ્કલંક સાચવી જાણે છે. અને રજપૂતોને સ્વર્ગવાડીમાં પણ એકલું શું ગમે, મહારાણા? પ્રાણપતિઓ પહેલાં અમે સ્વર્ગને આરે પહોંચી જઈશું અને પારિજાતનાં પુષ્પોની વિજયમાળાઓ ગૂંથી તેઓની રાહ જોઈશું! લક્ષ્મણસિંહ : દેવીઓ! અમને આશીર્વાદ આપો કે અમારાં ધડ જાય પણ ધર્મ ન જાય. માથાં ધૂળમાં ખરડાય પણ કીર્તિ નિષ્કલંક રહે. અને અમારી રાખમાંથી રજપૂતોની પુન: પ્રતિષ્ઠાનો ગગચુંબી ગુંબજ ખડો થાય. (ફરી પ્રણિપાત કરે છે.) પદ્મિની : કલ્યાણ, મહારાણા! કેદારનાથ : મહારાજ, નીચે ચિતોડના બાકી રહેલા સર્વ રજપૂતો એકઠા થઈ ગયા છે. અને આપની આજ્ઞાની રાહ જુએ છે. લક્ષ્મણસિંહ : ચાલો, મંત્રીશ્વર           (બન્ને કાંગરા પાસે જાય છે. એક પછી એક રજપૂતાણીઓ મહાદેવને પ્રણિપાત કરી ચિતાચોકમાં ઝંપલાવે છે. પડતાં પડતાં ‘મહાદેવીનો જય!’, ‘દેવી ચતુર્ભુજનો જય!’ એવો જયનાદ કરે છે. બીજી બાજુ રજપૂતાણીઓ તેઓની ઉપર કેસરકંકુ ઉડાડે છે અને જયકાર ઝીલી લે છે. કિલ્લા ઉપર ધસારો થાય છે એના સ્પષ્ટ અવાજો આવે છે. યવનોના વિજયઘોષ ગગનમાં ગાજી રહે છે. મહાદેવી ધીમે ડગલે મહારાણા અને મંત્રીશ્વર વચ્ચે જઈ ઊભાં રહે છે.) કેસરભીના રજપૂતો! આજે આપણે કેસરિયાં કર્યાં છે. જીવ્યામર્યાના જુહાર કરી રજપૂતાણીઓએ વિદાય લીધી છે. ચિતોડમાં હવે એકે રજપૂત બાકી નથી રહ્યો. સ્વાતંત્ર્યની લીલાભૂમિને ભગવાન એકલંગિજીને સોંપી, કોટનાં દ્વાર ખુલ્લા કરી આપણે રણે ચડવાનું છે. જેટલા મરાય તેટલા યવનોને મારીને આપણે મૃત્યુને ભેટવાનું છે. ચિતોડમાં એક ચકલું પણ ફરકવું ન જોઈએ. આપણાં મુદડાંઓને કચરી કચરી યવનસમ્રાટ ચિતોડ લૂંટવા આવશે, ત્યારે ચિતોડનો આલેશાન દુર્ગ અને સ્મશાન સમાં ઘરો એની સામે દાંતિયા કરશે. દૂત : (એક શ્વાસે પગથિયાં ચડી આવી નમન કરી હાંફતો-હાંફતો) મહારાજ, રાજકુમાર અજયસિંહ નિવિર્ઘ્ને શત્રુસેનાને વટાવી ગયા છે એવા એંધાણ આવી ગયા છે અને... અને ... (એની જીભ તૂટે છે.) અને મહારાજ, રણમાં કેસરીસિંહની માફક ઘમસાણ મચાવીને રાજકુમાર અચ્યુતસિંહ સ્વર્ગે સંચર્યા છે. રાણાજી આપની અને રજપૂત સેનાની રાહ જોઈ રહ્યા છે. લક્ષ્મણસિંહ : કોઈના મૃત્યુના સમાચાર હવે મને કંપાવી શકતા નથી. જાવ દૂત, રાણાને કહો કે મહારાણા, ચિતોડમાંથી બાકી રહેલા તમામ રજપૂતો સાથે આવી પહોંચે છે. ચિતોડમાં હવે માત્ર પથ્થરાઓ જ બાકી રહેશે.

(દૂત નમન કરી જાય છે.)

         રજપૂતો! વિજય કરો! બાપ્પા રાવળનું બીજ રાખનાર સહીસલામત કેલવાડા પહોંચી ગયો છે.           નીચેથી ‘રાજકુમાર અજયસિંહનો જય!’ એવો નાદ ગાજી ઊઠે છે.)           રજપૂતો! હવે સમય ખોવાનો નથી. મહાદેવી! સૌને આશીર્વાદ આપો. પદ્મિની : ચિતોડની સતીઓના તમને આશીર્વાદ છે, રજપૂતો! ચિતોડની સતીઓ તમને સંદેશો કહેવડાવે છે કે અમે પાંપણનો એક પલકારો કર્યા સિવાય તમારી રાહ જોશું. તમે જલદી આવી પહોંચજો!           ‘(મહાદેવીનો જય!’ એવો નીચેથી મહાઘોષ આવે છે.) લક્ષ્મણસિંહ : વિજય કરો રજપૂતો!           (નીચેથી નાદ ગાજે છે. ‘જય, મહારાણાનો જય!’ કૂચકદમના પડઘા સંભળાય છે.)           મહાદેવી, જાઉં છું. ચિતોડનો કુળધર્મ તમને સોંપતો જાઉં છું. પદ્મિની : કુળધર્મની આપ ફિકર ન કરશો, મહારાણા! આપ નિશ્ચંતિ થઈને વિજયપ્રસ્થાન કરો.           (મહારાણા જવા જાય છે.)           એક ક્ષણ! એક વાત, મહારાજ! (એના લાલ લાલ ગાલ ઉપર વિશેષ રતાશ આવે છે, અને ચિતાના આછા પ્રકાશમાં આખું મોઢું હળહળી ઊઠે છે. પાલવની કોર સંકેલતાં-ઉઘાડતાં) લડતાં લડતાં જો રાણાજીનો ભેટો થાય તો મારા રાણાને એટલું કહેજો કે, તારી પદ્મિનીએ પ્રણિપાત કરીને તને માફ કર્યું છે. અનુતાપની આગમાં બળી જતાં પહેલાં તને અપનાવી લીધો છે, અને જલદી જલદી મારી ચિતાજ્વાલાની સીડી કરી ચડી આવવા આગ્રહ કર્યો છે. હવે એક ક્ષણનો વિજોગ પણ મારાથી નહિ સહાય! અબોલડા લેશે તો પૃથ્વીના અંત સુધી એ એકલી, અટૂલી આકાશમાં ફર્યા કરશે, અને તારું ગાન ગાઈ ગાઈ અવનિ રેલાવી દેશે.

(પાલવથી આંખો ઢાંકી મોઢું ફેરવી લે છે.

          ચિતોડના સિંહદ્વાર ઉપર એક મોટો કડાકો થાય છે. યવનોની ચિચિયારી સંભળાય છે. લક્ષ્મણસિંહ : આ શું? મહાદેવી! હું જાઉં છું; ગઢદ્વાર તૂટતાં લાગે છે!           (એક ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય મહારાણા પગથિયાં ઊતરી જાય છે. મંત્રીશ્વર પાછળ જાય છે.)           રજપૂતાણીઓ એક પછી એક ચિતાચોકમાં ઝંપલાવ્યે જાય છે. આખા વાતાવરણમાં ગુલાલ પ્રસરી ગયો છે. ચિતાની જ્વાલાઓ ખૂબ ઊંચે ચડી ગઈ છે.           ધીરે ધીરે પદ્મિની આંખો ખોલે છે. ચિતોડની ચારે દિશા તરફ શૂન્ય નજર ફેરવે છે.) પદ્મિની : સિસોદિયાઓની ઓ સ્મશાનભૂમિ! તારી હજી તૃષા છીપી નહિ? ઓ મા! ઓ દેવી ચતુર્ભુજા!! આટલો કોપ શા માટે? આ કયા સ્ખલનનું મહાન પ્રાયશ્ચિત્ત કરાવી રહી છે? હવે નથી ખમાતું, નથી ખમાતું.

(નીચે ઢળી પડે છે. એક રજપૂતાણી પાસે જઈ જાગૃત કરે છે.)

રજપૂતાણી : કોટનું સિંહદ્વાર તૂટતું જણાય છે, મહાદેવી! હવે આપણે વિલંબ ન કરવો જોઈએ.           (પદ્મિની બેઠી થાય છે. એની આંખો લાલ થઈ ગઈ છે. એના લાલ મોઢા ઉપર ચિતાનો પ્રકાશ પડે છે. બાકી રહેલી થોડી રજપૂતાણીઓ ઉપર નજર નાખી) પદ્મિની : કુળદેવીઓ! આપણા કંથડાઓએ જીવનનું સાર્થક્ય કર્યું. આપણે હવે મરણને પણ ઊજળું બનાવીએ.           (એક ભયાનક કડાકા સાથે કોટનું સિંહદ્વાર તૂટી પડે છે. ભૂખ્યા વરુઓ જેવા યવનો ચિચિયારી પાડતા અંદર ધસે છે. સૌના હાથમાં નાગી તલવારો છે.)           જલદી કરો, જલદી કરો, રજપૂતાણીઓ! બધું પૂરું થઈ ચૂક્યું છે.           (બાકીની રજપૂતાણીઓ ટપોટપ ઝંપલાવે છે. ચિતોડ તરફ એક શૂન્ય દૃષ્ટિ નાખતી પદ્મિની ક્ષણ વાર થંભે છે. રાજમહાલયમાં અને પગથી ઉપરનાં ત્વરિત પગલાંઓ સંભળાય છે.           પ્રણામ, માતા! રજપૂતોની લીલાભૂમિ, પ્રણામ!           (જય અંબેની બૂમ પાડી, પદ્મિની ચિતામાં ઝંપલાવે છે.           મહાલયની પગથી ઉપરથી અલાઉદ્દીન, ખિજરખાં, કાજી વગેરે ખુલ્લી તલવારે ધસી આવે છે. સભાગૃહ અને રણવાસ ફેંદી વળી યવનો ચંદ્રશાળા આવી પહોંેચે છે.) અલાઉદ્દીન : (હાંફળોફાંફળો) પદ્મિની! પદ્મિની! આ શો ગજબ! બેહિસ્તની હૂરની જેવા આ સૌંદર્ય ઉપર આ શી ક્રૂરતા? પદ્મિની, નીકળી આવ, નીકળી આવ! તને હું દિલ્હી લઈ જઈશ. મારી મહાબેગમ કરી સ્થાપીશ. પદ્મિની : (ચિતાની જ્વાલાઓ વચ્ચે એનું મોઢું દિવ્યજ્યોતિ જેવું ઝબકી રહે છે. એ અટ્ટહાસ્ય કરે છે.) હા... હા... હા....! શહેનશાહ! હજી મોહ ન ગયો? હજી આંખ ન ઊઘડી? એક સ્ત્રીના શિયળ ખાતર હજારો રજપૂતોએ પોતાનાં જીવન ન્યોછાવર કરી નાખ્યાં, અને બાપ્પા રાવળની ભૂમિને વેરાન વગડો કરી મૂકી; અને પદ્મિની તારી અધમ માગણીનો સ્વીકાર કરશે? રજપૂતાણીઓ યવન જનાનાની બીબીઓ ન હોય, શહેનશાહ! અલાઉદ્દીન : પણ એમાં શો લાભ, પદ્મિની? હવે હું ચિતોડ લૂંટીશ; બાળીને ખાખ કરી મૂકીશ. હાથ પડશે એટલા હિંદુઓની કતલ કરીશ, અને ચારે કોર કાળો કેર વર્તાવીશ. એક તારી ખાતર આવડો મોટો વિનાશ? પદ્મિની, વિચાર કર! પદ્મિની : (અવાજ ઉગ્ર બનતો જાય છે. નાડીઓ તૂટતી જાય છે. એનું ખેંચાણ એના મોઢાની રેખાઓ ઉપર દેખાય છે.) અને રાંકડી, ભોળી પ્રજાની અબળાઓ ઉપર તારી સેના અણછાજતા અત્યાચારો કરશે, શહેનશાહ! તારા કરતાં એ વિનાશ હું વિશેષ અને વિશિષ્ટ રૂપમાં જોઈ શકું છું. પશુ જેવા યવનો હિંદુ બાળાઓનાં શરીર ચૂંથશે; એમનાં શિયળ અભડાવશે. પણ શું કરું, સમ્રાટ? બન્ને કપરી વિનષ્ટિઓ હતી. એમાંથી મહતી વિનષ્ટિમાંથી બચી જવું રજપૂતોએ યોગ્ય ધાર્યું. આથી પ્રજાનાશ તે નીતિનાશ પણ થતો જણાશે. પણ એથીએ મહાનાશ તો મેં તારી હીણ માગણીનો સ્વીકાર કર્યો હોત તો થાત. આ નાશમાંથી તો કોઈ કાળે પણ ઉગરવા વારો છે, પણ આર્યકુળની સૌભાગ્ય દેવીએ ડંખતે હૃદયે છતાં સંમતિથી સ્વીકારેલા શિયળભંગની શિથિલતા પ્રજાને રુંવે રુંવે શીતળાની માફક ફૂટી નીકળત. પ્રજાનો તેજોવધ થાત; અને પૃથ્વીના પ્રલયકાળ સુધી એ શિથિલતા નીતિને નામે સૂક્ષ્મ સંહાર મચાવત. ભોગભૂખ્યા ઓ નરપિશાચ! રજપૂતોને ક્ષત્રાણીના શિયળથી ખરીદાયેલું જીવતદાન, અને ચારિત્રના બદલામાં આવેલો રોટલો ગોમાંસ બરાબર હોય છે! અલાઉદ્દીન : રજપૂતો તો મૂર્ખ હતા! પણ તને એકને મેં અપવાદ ગણી હતી; પદ્મિની! પદ્મિની : (તિરસ્કારથી હસતી) મને તો માનજ ને? અમે મરીએ છીએ, પણ આર્યાકુળની તેજસ્વિતાને અમર કરતાં જઈએ છીએ. કોઈએ ન કલ્પ્યા હોય એવા ચહુ દિશાથી વર્ષતા વિનષ્ટિના વરસાદ વચ્ચે પણ આર્ય રમણીનું શિયળ અસ્પૃષ્ટ રહેશે; અને એ અમારા સતીત્વનો-અમારા સતી થવાનો પ્રતાપ હશે! ઓ નરપશુ! આર્યોએ કદી શિયળને સાટામાં મૂક્યું નથી. પણ એ બધું તને આજે નહિ સમજાય, તરકડા! પણ તારી સંતતિને સમજાશે એક દા’! સતીનો શ્રાપ છે!           ‘(જય આદ્યા’ કહી પદ્મિની ઢળી પડે છે. જ્વાલાઓ એની આસપાસ ફરી વળે છે. ચિતાની ટોચ આકાશને અડે છે. યવનો આ બધું બાઘાની માફક જોઈ રહે છે.) અલાઉદ્દીન : (હાથ ઘસતાં, પગ પછાડતાં) ઓ પદ્મિની! ઓ બેવકૂફ રજપૂતો! બળો તમારા અહંકારમાં અને આભડછેટમાં! (ચિતાના ફડાકા અટ્ટહાસ્ય કરે છે. ચિતોડ શહેરમાંથી ભૂખ્યાં વરુઓ સમા યવન સૈનિકોની ચિચિયારી આવે છે. લૂંટાતી, કચડાતી, રાંકડી પ્રજાના આર્તઅવાજો આવે છે.

આકાશમાં અંધારું વ્યાપે છે અને વચ્ચે સ્વર્ગની સીડી સમી જ્વાળા ભભૂકી રહે છે.)