પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સર્જક-પરિચય

ડૉ. પ્રમોદકુમાર પટેલ (જન્મ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૩૩) ગુજરાતી સાહિત્યના એક સંનિષ્ઠ અભ્યાસી વિવેચક છે. તેમણે પોતાની તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી પૂરી કર્યા બાદ પાર્લે કૉલેજ, મુંબઈ, આટર્‌સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, બારડોલી અને અનુસ્નાતક વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. ૧૯૯૩માં યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા છે. એમના વિવેચનગ્રંથોમાં ‘વિભાવના’ (૧૯૭૭), ‘શબ્દલોક’ (૧૯૭૮), ‘રસસિદ્ધાન્ત - એક પરિચય’ (૧૯૮૦), ‘સંકેતવિસ્તાર’ (૧૯૮૦), ‘કથાવિવેચન પ્રતિ’ (૧૯૮૨), ‘અનુભાવન’ (૧૯૮૪), ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ (૧૯૮૫), ‘વિવેચનની ભૂમિકા’ (૧૯૯૦). ‘પ્રતીતિ’ (૧૯૯૧), ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ’ (૧૯૯૩), ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’ ભાગ-૧ (૧૯૯૫)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે અનુવાદો, સંપાદનો પણ કર્યાં છે. તેમનાં પુસ્તકોને ગુજરાત સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો મળેલાં છે. આઠમા દાયકાના એક સત્ત્વશીલ અને તેજસ્વી વિવેચક તરીકે ડૉ. પ્રમોદકુમાર પટેલે સૌ સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમના સ્વાધ્યાય-મનનના સુફળ રૂપે આથી પણ માતબર કૃતિઓ તેમની પાસેથી મળશે. આ લઘુગ્રંથમાં તેમણે આપેલું પન્નાલાલનું સર્વાંગી અને વિશ્લેષણાત્મક અધ્યયન જેટલું શાસ્ત્રીય છે તેટલું જ સહૃદયતાભર્યું છે. આશા છે કે એની આ સુધારાવધારા સાથેની આવૃત્તિ પન્નાલાલના સૌ અભ્યાસીઓને વિશેષ ઉપયોગી નીવડશે. તેમનું હાલનું સરનામું : ડૉ. પ્રમોદકુમાર પટેલ, બી/૨૬ અક્ષરધામ સોસાયટી, પ્રોડક્ટિવીટી રોડ, અકોટા ગાર્ડન પાસે, વડોદરા-૩૮૦૦૨૦