પન્ના ત્રિવેદીની વાર્તાઓ/પન્ના ત્રિવેદીની વાર્તાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પન્ના ત્રિવેદીની વાર્તાઓ

યુવાવયમાં જ સર્જનની શરૂઆત કરનાર પન્ના ત્રિવેદી તેમની બાવીસની ઉંમરે દસ વાર્તાઓનો સંગ્રહ ‘આકાશની એક ચીસ’ (૨૦૦૨) આપે છે. વાર્તાના વિષય અને રચનારીતિની પાયાની સભાનતા અહીં જોઈ શકાય છે. ‘દૃષ્ટિ’ એ આ સંગ્રહની ઉત્તમ વાર્તા છે. ૨૦૦૯માં ‘રંગ વિનાનો રંગ’ ઓગણીસ વાર્તાઓ સાથે પ્રગટ થાય છે. આ સંગ્રહની અને સમગ્રપણે કહીએ તો પછીની પણ મોટાભાગની વાર્તાઓના કેન્દ્રમાં સ્ત્રી છે. પિયરમાં ભારે હોંશથી રહેવા આવતી સ્ત્રીનું ભ્રમનિરસન (નિકેતને માલૂમ થાય કે), આપઘાત કરવા જતી સ્ત્રીને બીજી સ્ત્રીની સ્થિતિ જોયા પછી લાધેલી સમાજ (ઉત્સવ), શહીદની પત્નીનું મનોગત (શહીદીનું સુખ), અવૈધ સંબંધ ધરાવતી માનો દીકરી પર ચોકીપહેરો (બળાપો), ‘પતિતા’ કહેવાતી સ્ત્રી અને સજ્જન પુરુષ વચ્ચેનો નામ વગરનો મમતાળુ સંબંધ (કજરીનો બાબુ) – વાર્તાકારની વાર્તા કહેવાની કલા ભાવકને પાત્રોની રસમય સૃષ્ટિનો આનંદ આપે છે. અહીં ચયન કરેલી ‘એક અ-શીર્ષક વાર્તા’ના કેન્દ્રમાં પુરુષપાત્ર છે. રચનારીતિ અને કથયિતવ્યની દૃષ્ટિએ આ વાર્તા જુદી તરી આવે છે. લગ્નેતર સંબંધ વિષે પત્નીને ખબર પડી ગયા પછી પત્નીનો પત્ર વાંચવાની હિંમત ન કરી શકનારોે પતિ પત્ર ગજવામાં લઈને ટ્રેનમાં બેઠો છે. દ્વિધાગ્રસ્ત નાયકની મનોદશા ટ્રેનના ડબ્બામાં ચાલતી ગતિવિધિની સમાંતરે આલેખાય છે. નાયકને આ લોકાલમાં મૂકીને વાર્તાકારે કલાત્મકતા સિદ્ધ કરી છે. વાર્તાને અંતે ‘રિઝર્વેશન’ શબ્દનો લક્ષ્યાર્થ પણ આનંદ આપી રહે છે. ૨૦૧૪માં પ્રકાશિત ‘સફેદ અંધારું’ની પ્રસ્તાવનામાં તેઓ લખે છે, ‘માનવને નિતનવા રૂપે જોઉં છું અને મારો વિસ્મયલોક વિસ્તરતો જ રહે છે... સમયે સમયે ચિત્તતંત્રને ડહોળી નાખે તેવું પ્રશ્નવૃક્ષ પાંગરતું રહે છે રાતદિન... ઉત્તરને શોધતી હું એક એક પર્ણ વાર્તારૂપે કહું છું પણ કહેવાનું તો બાકી જ રહી જાય છે.’ (પૃ. ૫) અહીં પણ બહુલતા તો સ્ત્રીપાત્રોની જ છે. એસિડએટેકનો ભોગ બનેલી યુવતી સાથે સમાજનું ક્રૂર વર્તન દર્શાવતા વાર્તાકારનું સમસંવેદન સ્પર્શી જાય છે. લખાયું છે, ‘ધાનીને થયું કે અબઘડી તેજાબ નાખનારના ચહેરા પર રેડીને એને કહે કે ચહેરો ન હોવાની પીડા કોને કહેવાય? કચરો જોઈને લોકો થૂંકી પણ નાખે. આ તો થૂંકવાને લાયક પણ ન કહેવાય? બળતરાના અંધકારનો રંગ કાળા રંગથી યે બદતર! (‘સફેદ અંધારું’, પૃ. ૧૫) ‘ન્યૂઝ રૂમ’ એ ન્યૂઝરીડર માધવી સક્સેનાની વાર્તા છે. પતિ સુકેતુ દ્વારા ગુજારાતા શારીરિક અને માનસિક ત્રાસને અત્યાર સુધી બનાવટી હાસ્ય ચીપકાવીને મેક-અપથી છુપાવતી આવેલી માધવી એક સમાચારમાંથી પ્રેરણા(?) લઈને સુકેતુનું ખૂન કરી નાખે છે અને પોતાની સાથીદાર માટે ન્યૂઝ ક્રિએટ કરતી જાય છે. આસપાસ બનતી ઘટનાઓને વાર્તારૂપે આલેખવાની મથામણ પન્ના ત્રિવેદીની વાર્તાઓમાં જોઈ શકાય છે. નિમ્ન-મધ્યમ વર્ગનાં નાનાં સુખ અને મોટાં દુઃખ, તેમના દારુણ જીવનસંઘર્ષ, તેમના આડા સંબંધો અને તરડાયેલા દિવસ-રાતને વાર્તા દ્વારા અધોરેખિત કરવાનું તેમનું વલણ રહ્યું છે. ચાલીઓમાં બોલાતા ને ઝૂંપડપટ્ટીમાં ફંગોળાતા સંવાદો અને ચેષ્ટાઓને તેઓ તાદૃશ કરી શકે છે. માજો, રજ્જો, સંતી, નિમ્મો, કપૂરી, બાજી, ધાની, સનૂ કે પછી હરિયો, તુકારામ, ચરણસિંહ, બરકતઅલી જેવા અભાવોની આગમાં શેકાતા માનવીઓ સાથેનું સમસંવેદન વાર્તાઓમાં અસર ઊભી કરે છે. તેમની મોટાભાગની વાર્તાઓમાં પ્રયોજાયેલું સર્વજ્ઞ કથનકેન્દ્ર ઉપકારક બન્યું છે. જેમ કે ‘અમોલી’માં તરુણ બાળકી પોતાના સહજ અરમાનોને પૂરા કરવા જતાં પરંપરાગત રિવાજોને કારણે સપડાઈ જાય છે. મેળાનો પરિવેશ અને ટોળાનો ગણગણાટ સર્વજ્ઞ કથક બરાબર ઉપસાવે છે. અંતે અમલી કરૂણને પામે છે. સંયત રહીને આલેખાયેલો અંત વાર્તાને મેલોડ્રામેટીક બનતી અટકાવે છે. ‘બેલ્લી’માં લગભગ એકસરખી પરિસ્થિતિનો સામનો કરતી સામસામા છેડાના વર્ગની બે સ્ત્રીઓ છે. ‘પમ્મી-ભપ્પીની વાર્તા’ પતિ-પત્નીની એકમેક પ્રત્યેની ફરિયાદની કાંઈક હળવા સૂરમાં લખાયેલી વાર્તા છે. અહીં કૌંસનો ઉપયોગ સરોજ પાઠકની વાર્તાપ્રયુક્તિનું સ્મરણ કરાવે છે. વ્યંગ દ્વારા ધાર્યું નિશાન તાકી શકાયુંં છે, ‘નથ્થુનું મોત’માં. ‘હું દીનાપુરથી બોલું છું...’માં તંત્રની નિષ્ક્રિયતાની સામે ગજોધર જેવા ભેખધારીના ગામની પ્રગતિ માટેના અણથક પ્રયત્નો છે. લેખિકા આવા કટાક્ષ પણ કરી જાણે છે – ‘મારું હાળું આ ડબલું ય હવે તો રૂપિયો ગળતું થઈ ગયું લે!’ (‘સાતમો દિવસ’, ૫ૃ. ૩૬), ‘ચપટી’માં વર્ણભેદ અને નોકરી કરતી સ્ત્રીનું જાતીય શોષણ – આ બંને સમસ્યાઓનું સંકુલ મિશ્રણ છે. બાળગીત ‘બા મને ચપટી વગાડતાં આવડી ગઈ’નો સર્જનાત્મક વિનિયોગ ધારદાર છે. કુલ છ સંગ્રહોમાં ૮૯ વાર્તા આપતાં પન્નાબહેને ‘ફૂલબજાર’ શીર્ષકથી એક આખો સંગ્રહ સ્ત્રીપાત્રોને લઈને કર્યો છે જે અંતર્ગત ‘હોળી’માં સ્ત્રી કે પુરુષ – છેવટે તો સમાજની રુઢિઓમાં હોમાઈ જ જાય છે એ વાત સ્ફુટ થઈ રહે છે. કોઈ પણ વાદમાં ન બંધાતાં પન્ના ત્રિવેદી ‘બરફના માણસો’માં નોટબંધી (૧૯૯ ઓન્લી) અને સરકારી યોજનામાં ચાલતા ભ્રષ્ટાચાર (ટ્રેનીંગ) જેવા સાંપ્રત પ્રશ્નોની વાર્તા પણ આપે છે. ‘વાર્તા બનતી નથી’, ‘આંખ’ અને ‘કાગસભા’ જેવી પ્રયોગશીલ વાર્તાઓ તેમની વિકસી રહેલી વાર્તાકલાનો પરિચય આપે છે. ૮ જુલાઈ, ૨૦૨૧ – સંધ્યા ભટ્ટ