પન્ના નાયકની કવિતા/કંકુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૭. કંકુ

Oh, mommy!
See
her forehead is bleeding!
અમેરિકન બાળકની

નિર્દોષ ટકોર સાંભળી
કપાળે હાથ મૂકી દઉં છું...
મારી ખુલ્લી હથેળીમાં
કંકુ જોઈ
મને મારું સૌભાગ્ય સ્પર્શી જાય છે...
હમણાં જ મળેલાં
મને પ્રેમથી ભેટેલાં
મધર ટેરેસા યાદ આવી જાય છે.
આશીર્વાદ આપવા
કે
પરમાર્થ કરવા અશક્તિમાન
મારા હાથને સંતાડી રાખવા
હું મુઠ્ઠી વાળી દઉં છું
અને
મારા જ ભિડાયેલા નહોરથી
હથેળીનું કંકુ
રક્ત થઈ
ટપકવા માંડે છે...!