પન્ના નાયકની કવિતા/તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૫. તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું

તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું,
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું.

મારા સઘળાં દુવારને કરી દીધાં બંધ,
ને આમ તમે આંખોને કરી દીધી અંધ.
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ,
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.

હું તો વહેણમાં તણાઈ મને કાંઠો નથી,
ને આપણા સંબંધની કોઈ ગાંઠો નથી.
અછાંદસ જેવો છે આપણો આ પંથ,
ને એનું તે નામ તમે છંદ રાખ્યું.