પન્ના નાયકની કવિતા/પન્ના નાયકનો પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પન્ના નાયકનો પરિચ

– સંધ્યા ભટ્ટ

પન્ના નાયકનો જન્મ મુંબઈમાં ડિસેમ્બર ૨૮, ૧૯૩૩માં માતા રતનબહેન અને પિતા ધીરજલાલ મગનલાલ મોદીને ત્યાં થયો. પિતા મૂળ સુરતના અને દાદાએ સુરતની જાણીતી એમ. ટી. બી. આટ્‌ર્સ કૉલેજને શરૂ કરવા માટે તે સમયે બે લાખનું દાન આપેલું. ૧૯૫૬માં સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં ગુજરાતી અને સંસ્કૃત સાથે તેમણે બી.એ. અને એમ.એ. કર્યું. ઈ. સ. ૧૯૬૦માં નિકુલ નાયક સાથે લગ્ન કરીને તેઓ વિદેશ ગયાં.૧૯૬૩માં ડ્રેક્ષલ યુનિવર્સિટી, ફિલાડેલ્ફિયામાં લાયબ્રેરી સાયન્સમાં એમ.એ. કર્યા બાદ ૧૯૭૩માં યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનીયા, ફિલાડેલ્ફિયામાં સાઉથ એશિયન સ્ટડીઝમાં તેમણે એમ.એ. કર્યું. યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનીયામાં ૧૯૮૫થી ૨૦૦૨ તેઓ ગુજરાતી ભાષાના પ્રોફેસર રહ્યાં અને સાથે જ વેન પેલ્ટ લાયબ્રેરીમાં ૧૯૬૪થી ૨૦૦૩ ગ્રંથપાલ રહ્યાં. ‘પ્રવેશ’થી શરૂ કરી ‘અંતિમે’ સુધીની સાતત્યપૂર્ણ કાવ્યસર્જનયાત્રા દરમિયાન પન્ના નાયકના દસ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. કવિ સુરેશ દલાલે ‘કેટલાંક કાવ્યો’ શીર્ષકથી ૧૯૯૧માં તેમની કવિતાઓનું સંપાદન કર્યું છે જે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયું છે. તાજેતરમાં જ નવજીવન પ્રકાશન, અમદાવાદે ‘વિદેશિની’ અને ‘દ્વિદેશિની’માં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત કરી છે. તેમનો એક વાર્તાસંગ્રહ ‘ફ્લેમિન્ગો’ છે. આ સંગ્રહ તથા ત્યાર બાદ લખાયેલી વાર્તાઓમાંથી ચયન કરીને મણિલાલ હ. પટેલે ‘પન્ના નાયકનો વાર્તાલોક’ નામે સંપાદન કર્યું છે. તેમની કવિતા પન્ના ત્રિવેદીએ હિન્દીમાં અને દિલીપ ચિત્રેએ મરાઠીમાં અનૂદિત કરી છે. તેમનાં સર્જન વિશે અંગ્રેજી જર્નલમાં લેખો પ્રગટ થયા છે. તેમણે ભારતમાં અને વિદેશમાં અનેક સ્થળોએ કાવ્યપાઠ કર્યાં છે. ડાયસ્પોરા સર્જન માટે તેમને જુદી જુદી સંસ્થાઓ દ્વારા પારિતોષિકો મળ્યાં છે. એ ઉપરાંત પણ તેમના કાવ્યસંગ્રહો પુરસ્કૃત થયા છે. વિદેશમાં વસી ગયેલાં પન્ના નાયક અવારનવાર વતન આવે છે અને સર્જકો તથા ભાવકો સાથે સંપર્કમાં રહે છે.