પન્ના નાયકની કવિતા/મારું ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૩. મારું ઘર

અમેરિકાના
શરૂઆતના દિવસોમાં
બા-બાપાજી યાદ આવતાં,
ગુલમહોર આચ્છાદિત ઘર યાદ આવતું,
વરસોવાનો દરિયો યાદ આવતો,
ધોધમાર વરસાદની હેલીઓ યાદ આવતી,
અને એ યાદોને મમળાવતાં મમળાવતાં
ઘરનાં અનેક કામોને સમેટીને
ઘસઘસાટ ઊંઘી જતી.
હવે
બા-બાપાજી નથી.
હવે
એ ઘરની
કે
મુંબઈના વરસાદની
કે
વરસોવાના દરિયાની
કે
કોઈની પણ યાદ
મને કનડતી નથી.
હવે
ગુલમહોરની યાદથી
આંખો રાતી થતી નથી.
એકલી બેઠી હોઉં
ત્યારે પણ
આલબમના જૂના ફોટાઓને
ઉથલાવી ઉથલાવી જોવાનો
પ્રયાસ સરખોય કરતી નથી.

મુંબઈ રગેરગમાં વસેલું છે
તોય
હવે
ઘર એટલે
આ ફિલાડેલ્ફીઆનું જ ઘર.
કોઈ વળગણ વિનાનાં કુટુંબીજન બની ચૂકેલાં
અમેરિકનોની વચ્ચે રહેતાં રહેતાં
કોઠે પડેલી
અને
સહજ જ સ્ફુરતી
અંગ્રેજી ભાષામાં વિચારવાની સાથે સાથે
બને એટલી સાચવેલી
ને સચવાયેલી
ગુજરાતી ભાષામાં લખવાનું
અને
રહ્યાં વર્ષો તેમાં


શહેરમાં

ઘરમાં...