પન્ના નાયકની કવિતા/સમૃદ્ધિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૬. સમૃદ્ધિ

ઘરને
ખૂણેખાંચરેથી
ને
બગીચામાંથીય
ભેગા થયેલા કચરાને
ગાર્બેજ બૅગમાં ભરી
દોરી બાંધી
રાતે બહાર મૂક્યો હતો
સવારે આવતી
ગાર્બેજ ટ્રક માટે.
ત્યાંની ત્યાં જ પડેલી
બૅગોને
સવારે ફંફોસતો હતો
એ નહોતો
આંખો ચુકાવતો ઉંદર
કે
શેરીનો કોઈ રખડતો કૂતરો—
એ તો હતો
કશુંક બબડતો જતો
કોઈ ચીંથરેહાલ માણસ
મારી જેમ જ વસતો
અહીં
સમૃદ્ધ અમેરિકામાં...