પન્ના નાયકનો વાર્તાવૈભવ/નૉટ ગિલ્ટી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨. નૉટ ગિલ્ટી

એક શુક્રવારે બપોરે જિતેન્દ્ર પથારીમાં પડ્યો હતો. શરીર ખુલ્લું હતું. પગ પર અસ્તવ્યસ્ત ચાદર પડી હતી. એ ચિત્રાને જોતો હતો. ચિત્રા કપડાં પહેરતી હતી. લાગતું હતું કે ચિત્રા એના મનથી ક્યારની એપાર્ટમેન્ટની બહાર નીકળી ગઈ છે. ચિત્રાએ સલવાર-કુર્તું પહેરી લીધાં. જિતેન્દ્ર ઇચ્છતો હતો કે ચિત્રા રોકાઈ જાય. ‘તું ઘેર જાય ત્યારે તને ગિલ્ટી ફીલ થાય? અત્યારે મારી સાથે હોય ને થોડી વાર પછી નીલેશ, ઋતુ...’ ‘ના.’ ચિત્રાએ પર્સમાંથી બ્રશ કાઢી વાળ ઠીક કર્યા.

*

જિતેન્દ્રને ચિત્રાના પરિચયના દિવસો યાદ આવ્યા. યુનિવર્સિટીની જિંદગી એને સદી ગઈ હતી. ઇકૉનૉમિક્સ વિષય. યન્ગ સ્ટુડન્ટ્સ. બ્રિલિયન્ટ કલીગ્સ. મિટિંગ્સ. સેમિનાર્સ. પેપર પ્રેઝન્ટેશન. સમરના બે મહિના રિસર્ચ. એક મહિનો માને પૂના મળી આવવાનું. પોતાનો બૅચલર અપાર્ટમેન્ટ. બપોરે ફૅકલ્ટી ક્લબમાં જમવાનું. સાંજે ફ્રૂટ કે એકાદ વાનગી. અમેરિકા આવ્યો ત્યારથી આ એનું રૂટિન હતું. એક શુક્રવારે ફૅકલ્ટી ક્લબના કાફેટેરિયામાં બે અમેરિકન સ્ત્રીઓ સાથે બાજુના ટેબલ પર બેઠેલી ચિત્રાને જોઈ. ત્યારે નામ ખબર નહોતું. ચિત્રાએ રેશમી સાડી પહેરી હતી. બ્લાઉઝ કોણી સુધીનું હતું. વ્યવસ્થિત ઓળેલા ટૂંકા વાળ. આછો મેકઅપ. હસીને વાત કરતી હતી. અચાનક આંખો મળી. મોંમાં મૂકવા ઊંચકાયેલો કાંટો ઘડીભર હાથમાં થંભ્યો હતો. કશું જ ન બન્યું હોય એમ ચિત્રાએ કાંટા પરનો બટાકાનો કટકો મોંમાં મૂક્યો હતો. પાણી પીધું હતું. સાથેની સ્ત્રીઓ સાથે ફરી વાતે વળગી હતી. પછીના શુક્રવારે પણ ચિત્રા ફૅકલ્ટી ક્લબમાં જમવા આવી હતી. સોશિયૉલૉજીની પ્રોફેસર ડૉક્ટર ફ્રૅન્કલ સાથે હતી. એણે ને ચિત્રાએ એકમેકની હાજરી નોંધી હતી. એ બહાર નીકળતો હતો ત્યારે ડૉક્ટર ફ્રૅન્કલે ઓળખાણ કરાવી હતી. ‘ડૉક્ટર કાળે, આ ચિત્રા છે. “જેન્ડર ઍન્ડ આઇડેન્ટિટી”ના મારા શુક્રવારના ક્લાસમાં છે.’ ‘મળીને આનંદ થયો.’ જિતેન્દ્રે કહેલું. જિતેન્દ્રના જીવનમાં ચાળીસ વરસે વસંત પ્રવેશી. એક શુક્રવારે ચિત્રા ફૅકલ્ટી ક્લબમાં એકલી જમતી હતી. ‘હું બેસી શકું?’ જિતેન્દ્રે પૂછેલું. ‘હા.’ ‘આજે ડૉક્ટર ફ્રૅન્કલ નથી?’ ‘કેમ, મારી સાથે એકલા જમતાં ડર લાગે છે? ડૉક્ટર ફ્રૅન્કલ આવતાં જ હશે.’ ચિત્રા હસેલી. ચિત્રાએ પોતાનો પરિચય આપેલો. કુટુંબમાં પતિ નીલેશ અને દસ વરસની દીકરી ઋતુ. સુખી છે એમ કહેલું. નોકરી નથી કરતી. સ્ત્રીઓ માટે ‘સાહેલી’ નામની સંસ્થા ચલાવે છે. જરૂર હોય એવી સ્ત્રીઓને આર્થિક સહાય કરે છે અને પ્રોફેશનલ મદદ મેળવી આપે છે. જિતેન્દ્રે એનો પરિચય આપ્યો હતો. પ્રોફેસર છે. બૅચલર છે એમ કહ્યું ત્યારે ચિત્રાએ સહેજ પણ કુતૂહલ દર્શાવી પૂછ્યું નહોતું કે જિતેન્દ્રના જીવનમાં ક્યારેય કોઈ સ્ત્રી હતી ખરી? જિતેન્દ્રને એની સાથે ભણાવતી એની ઉંમરની અમેરિકન સ્ત્રીઓને અને એને અહોભાવથી જોતી અમેરિકન વિદ્યાર્થિનીઓનો પરિચય હતો, પણ એ કોઈથી આકર્ષાયો નહોતો. ચિત્રા માટેનું એનું આકર્ષણ વધતું જતું હતું. એ શુક્રવારની રાહ જોતો. એક શુક્રવારે એને જોતાવેંત ચિત્રા બોલેલી : ‘જિતેન્દ્ર, આજે ક્લાસ કૅન્સલ થયો.’ તો ક્લાસના સમયમાં ચિત્રા એને ઘેર આવી શકે? ચિત્રાએ હા પાડેલી. ઘેર આવીને બંને જણ રસોડામાં અને પછી બેડરૂમમાં ઊભાં રહ્યાં હતાં. જિતેન્દ્ર કોઈ સ્ત્રીની આટલી નજીક આવ્યો નહોતો. એ સતત સભાન હતો કે ચિત્રા ભારતીય છે. પરિણીત છે. ‘તમારો સૂટ કાઢવાનો છે કે નહીં? ચોળાઈ જશે.’ ચિત્રાએ કહેલું. એ પહેલો શુક્રવાર હતો. રાતના સૂતા પહેલાં જિતેન્દ્રે કૅલેન્ડરના એ શુક્રવાર પર ‘૧’ લખી દીધું હતું. પછીના શુક્રવારોએ જ્યારે જ્યારે શક્ય હતું ત્યારે ચિત્રા જિતેન્દ્રને મળતી. જિતેન્દ્રને કુતૂહલ થતું કે ઘેર જતાં મોડું થાય ત્યારે ચિત્રા નીલેશને શું કહેતી હશે? ક્લાસ લાંબો ચાલ્યો/મોટી અસાઇનમેન્ટ હતી એટલે લાઇબ્રેરીમાં જવું પડ્યું/ગાડીની તકલીફ થઈ/ બહેનપણીઓ સિનેમા જોવા ખેંચી ગઈ/‘સાહેલી’ના ગ્રૂપમાંથી કોઈકને મદદ કરવાની હતી. કયું બહાનું?કયું કારણ? એક વાર યુનિવર્સિટીના એક ફંક્શનમાં ચિત્રા નીલેશ અને ઋતુ સાથે આવી હતી. ચિત્રા ઘડીક વાર જમણી બાજુ બેઠેલા નીલેશ સાથે તો ઘડીક વાર ડાબી બાજુએ બેઠેલી ઋતુ સાથે વાત કરતી હતી.

*

‘મને થયું કે કદાચ તું ગિલ્ટી ફીલ કરતી હોઈશ.’ જિતેન્દ્ર ઇચ્છતો હતો કે ચિત્રા ગિલ્ટી ફીલ કરે. એને એમ હતું કે, ‘નીલેશ મને સમજી જ શકતો નથી. વી હૅવ નો કમ્યુનિકેશન-અમે ઋતુને કારણે સાથે રહેવાનું નક્કી કર્યું છે. તને મળું છું એ બરાબર કરું છું? આઇ ફીલ ગિલ્ટી...’ જેવાં ચવાયેલાં વાક્યો ચિત્રા ઉચ્ચારે. જો ચિત્રા ગિલ્ટી ફીલ કરતી હોય તો એ એને વાંસે સાન્ત્વનથી હાથ ફેરવી કહી શકે કે એ ચિત્રાની મૂંઝવણ સમજી શકે છે. ‘ના.’ ચિત્રાએ અરીસામાં જોઈ વાળ પર બ્રશ ફેરવવાનું ચાલુ કર્યું. ‘તું નીલેશને ચાહે છે?’ ચિત્રાએ અરીસામાંથી જિતેન્દ્રને જોયો. જિતેન્દ્રનું શરીર ખુલ્લું હતું. પગ પર અસ્તવ્યસ્ત ચાદર પડી હતી. બંનેની આંખો મળી. જિતેન્દ્રને થયું કે ચિત્રા કહેશે કે જિતેન્દ્રનો પ્રશ્ન અસ્થાને છે. ‘હા. તને આશ્ચર્ય થાય છે?’ ‘તું તો બહુ સવાલો પૂછે છે.’ ચિત્રા જિતેન્દ્રને વળગી પડી. જિતેન્દ્રની છાતી પર માથું મૂકી ચાદર ખેંચી. આંખો મીંચી. જિતેન્દ્ર જાગતો પડી રહ્યો. એને થયું કે ચિત્રાને જિતેન્દ્રને થતું કુતૂહલ નહીં, એના સવાલો નહીં, દલીલો કરતું એનું મન નહીં, માત્ર દર શુક્રવારે મળતો ભરપૂર ‘પ્રેમ’ જોઈએ છે. ચિત્રા જિતેન્દ્રની છાતી પર માથું મૂકી સૂતી હતી, પણ એ થોડી જ વારમાં જશે એ વિચારે જિતેન્દ્ર ખિન્ન થયો. એ બારી બહાર જોતો હતો. બહારથી છોકરાંઓનો રમવાનો અવાજ આવતો હતો. ચિત્રા જિતેન્દ્રની છાતી પર માથું મૂકી સૂતી છે અને જિતેન્દ્ર નીલેશને યાદ કરે છે એમ ચિત્રા નીલેશ સાથે સૂતી હશે ત્યારે જિતેન્દ્રને યાદ કરતી હશે? ત્યારે ચિત્રાને શું થતું હશે? ચિત્રાના મોં પરના ભાવ કેવા હશે? બહાર કોઈની બારી તૂટવાનો અવાજ આવ્યો. જિતેન્દ્રને થયું કે આવતા શુક્રવારે જમતી વખતે એ ચિત્રાને કહી દેશે કે એમનો પ્રેમ પૂરો થયો છે. જિતેન્દ્રે કૅલેન્ડર સામે જોયું. આજના શુક્રવાર પર ‘૩૬’ લખ્યું હતું. છત્રીસ શુક્રવાર. પછી એણે ઘડિયાળ સામે જોયું. બપોરના એક વાગ્યાની તૈયારી હતી. ચિત્રા આવવી જ જોઈએ.

*

ફાલ્ગુનીએ વાર્તા ક્રિએટીવ રાઇટિંગના પ્રોફેસર ડૉ. જોષીને વાંચવા આપી. ડૉ. જોષીએ એમનાં અડધિયાં ચશ્માં ચડાવી વાર્તા વાંચવા માંડી. ફાલ્ગુની એના દુપટ્ટાના છેડાની ઘડીક ગાંઠ વાળતી, ઘડીક છોડતી સામે બેઠી. ‘હં.’ પ્રોફેસર જોષીએ કહ્યું. ‘ગમી?’ ‘ઠીક છે. જુઓ, આ હજી વાર્તા નથી બનતી. માત્ર વિચાર જ રહે છે. એમાં સચ્ચાઈ ખૂટે છે. વાર્તા બનવા એમાં વળાંક આવવો જોઈએ.’ કઈ જાતનો વળાંક લાવે તો વાર્તા બને એની ગડમથલ ફાલ્ગુનીની આંખમાં હતી. ‘તમે સ્ત્રીની જગ્યાએ પુરુષપાત્રને મૂકી જુઓ. સ્ત્રી સિંગલ હોય અને પુરુષ પરિણીત...’ ફાલ્ગુની પરિણીત પુરુષના પ્રેમમાં છે એની ડૉ. જોષીને ખબર છે? ફાલ્ગુની ચમકી, ઊઠી, અને ટેબલ પર પડેલી વાર્તાનાં પાનાં ભેગાં કરવા માંડ્યાં.