પન્ના નાયકનો વાર્તાવૈભવ/પન્ના નાયકની મુલાકાત
પન્ના નાયક, આપણી ભાષાના જાણીતાં વાર્તાકાર, કવયિત્રી, વર્ષોથી અમેરિકા જઈને વસ્યાં પણ વર્ષો સુધી ઈમેજ પ્રકાશનના કાર્યક્રમોમાં હું એમને જોતી રહી. એમની વાર્તાઓ સાચા અર્થમાં ડાયસ્પોરિક લિટરેચરનો નમુનો છે. એમની કવિતાઓ પરથી, એમના થોડાંક લખાણો પરથી મને સતત લાગતું હતું કે આ સર્જક લખે છે એનાથી વધારે મનમાં ધરબીને, ભંડારીને જીવે છે. એટલે મેં પ્રશ્નો પૂછતાં પહેલાં એમને કહેલું કે પન્નાબેન, તમારી વાર્તા-કવિતા વાંચનારાઓને પણ તમારી અંગત જિંદગી વિશે બહુ ઓછી જ ખબર હશે. એટલે થોડાક અંગત પ્રશ્નો પણ હું પૂછીશ. મેં પ્રશ્નો પૂછ્યા, એમણે નિખાલસપણે જવાબો પણ આપ્યા. જવાબોમાંથી મને થોડાક બીજા પ્રશ્નો જાગ્યા. એમણે એના જવાબો પણ આપ્યા. એમની નિખાલસતા અને ધીરજ બેઉનો આભાર માનવો રહ્યો.
શ. વી. : પન્નાબેન, તમારો જન્મ ક્યાં અને ક્યારે?
પ. ના. : 28-12-1933ના રોજ મુંબઈમાં મારો જન્મ.
શ. વી. : આપનાં માતા-પિતા વિશે, ઘરનાં માહોલ વિશે કંઈ કહેશો?
પ. ના. : મારી માતાનું નામ રતનબેન, પિતા ધીરજલાલ છગનલાલ મોદી. અમારું મોટું, સંયુક્ત કુટુંબ, પાંચ ભાઈ-ભાભીઓ, એમનાં સંતાનો, ચાર બહેનો અને બા-બાપજી, રસોઈયો, નોકરો વગેરે. એ ઉપરાંત કોઈ ને કોઈ મહેમાન તો રોજ ને રોજ હોય જ. વધુમાં આવતા જતા સ્થાનિક મુલાકાતીઓ. અમારું કુટુમ્બ સુખી, સંપન્ન અને સંસ્કારી. ઘણા કવિ લેખકો સુરતમાં દાદાજીને મળવા આવતા. બાપાજીએ પણ એ પ્રણાલી મુંબઈમાં ચાલુ રાખી. આવતા જતા અગત્યના લોકો સાથે મારી ઓળખાણ કરાવે. ગાંધીજી જયારે જુહૂ પર રહેતા ત્યારે મને હંમેશા એમની પ્રાર્થનાસભામાં પણ લઈ ગયેલા. ઘૂંટણ વાળીને ટટ્ટાર બેઠેલા ગાંધીજીનું દૃશ્ય હજી મારા મનમાં તાજું છે. ઘર વહેલી સવારથી ધમધમતું હોય. વહેલી સવારના અમને ભાઈ બહેનોને કસરત કરાવવા વસંતભાઈ દૂરના ઘાટકોપર પરામાંથી આવે. ઘરમાં વહુ બહેનોનો વ્યક્તિગત વિકાસ રૂંધાતો જોઈ મને હસતા ઘણી વાર કહે, “ફોઈ, તમે આ ઘરમાંથી નીકળી જાવ. અહીંથી નીકળશો તો જ તમારો ઉદ્ધાર થશે, પરદેશ પહોંચી જાવ, અમેરિકા જાવ.” ત્યારથી જ મને અમેરિકાનું ઘેલું લાગેલું. ઘરની આ બધી ધમાલમાં મને મારાં બા-બાપજીનું પ્રસન્ન દામ્પત્ય જોવા મળ્યું. દરરોજ સવારે બન્ને ચા પીતાંપીતાં પગને ઠેકે હળુ હળુ હીંચકો ચલાવતાં જાય અને અલકમલકની વાતો કરતાં જાય. એ જોઈને મને રોજ થતું કે આ સુખી જીવડાઓ રોજ શું વાતો કરતાં હશે ! એમના જેવું અન્યોઅન્યમાં પરોવાયેલું પ્રસન્ન દામ્પત્ય મેં મનોમન ઈચ્છેલું.
શ. વી. : આ મોદીને અમારી માનીતી એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજ સાથે કોઈ સંબંધ ખરો? કારણ મને અંદેશો છે કે આ નામ મેં કશેક સાંભળ્યું છે.
પ. ના. : હા, 1920માં મારા દાદાજીએ અને એમના ભાઈ મગનલાલ દાદાજીએ એ કૉલેજ સ્થાપેલી.
શ. વી. : કદાચ તમે મારા જન્મ પહેલાં અમેરિકા જતાં રહ્યાં છો. તમારે અમેરિકા જવું હતું કે પછી લગ્નને કારણે ગયાં કે પછી એ આવી પડેલો અનાયાસ યોગ હતો?
પ. ના. : મેં આગળ જણાવ્યા મુજબ નાનપણથી જ મને અમેરિકા જવાનું ઘેલું હતું. કૉલેજમાં ભણતી મારી ઘણી બહેનપણીઓની પણ એવી ઈચ્છા. ટીવી ઉપર 24 કલાક ચાલતી અમેરિકન કેબલ ચેનલ સીએનએન વગરના એ જમાનામાં અમેરિકા તો દૂર વસેલો સ્વપ્નોનો દેશ હતો. બધાંને એનું આકર્ષણ. પરદેશથી, ખાસ કરીને અમેરિકાથી, મુરતિયાઓ દેશમાં પરણવા આવે. એમની પાસે બે-ત્રણ અઠવાડિયા માંડ હોય, છાપામાં ફોટાઓ આવે. લખ્યું હોય, ભાઈ થોડા સમય માટે દેશમાં આવ્યા છે, એમબીએ કે એવી બીજી કોઈ ડિગ્રી ધરાવે છે, આઇબીએમ જેવી મોટી કંપનીમાં નોકરી કરે છે, ધૂમ પૈસા કમાય છે અને નીચે મુંબઈમાં એમનો ક્યાં સંપર્ક કરવો એ પણ જણાવ્યું હોય. અમને બધી સખીઓને થતું કે આવો કોઈ છોકરો આવે ને અમને આ દેશમાંથી ઉપાડીને અમેરિકા લઈ જાય તો કેવું સારું! અમે પોતે અમારી મેળે અમેરિકા ભણવા જઈએ એવું બહુ શક્ય નહોતું. એક સંબંધી મારફત આવી રીતે અમેરિકાથી આવેલા મારા પતિની સાથે મારે ઓળખાણ થઈ. જે ઈચ્છાવરની મેં કલ્પના કરી હતી તેવા તો એ ન હતા, ઘરના લોકોએ પણ એમને માટે બહુ ઉત્સાહ ન બતાવ્યો. બાપજીની તો સખત ના હતી. કહે કે છોકરો ઓછું ભણેલો છે અને નોકરીના કશા ઠેકાણા નથી. એ તારી શું સંભાળ લેશે? આવી ચેતવણી છતાં મારી અમેરિકા જવાની ધૂન એવી જબરી હતી કે કુટુંબીજનોની વિરુદ્ધ જઈને હું તો ઝટપટ લગ્ન કરી બેઠી અને અમેરિકા જવા તૈયાર થઈ ગઈ. આમ લગ્નને કારણે જ હું અમેરિકા ગઈ. મારો અમેરિકા આવવા માટે એ જ એક રસ્તો હતો.
શ. વી. : અહીંથી શું ભણીને ગયાં હતાં? ત્યાં જઈને શું ભણ્યાં?
પ. ના. : મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ કર્યું હતું. અમેરિકા આવીને ફિલાડેલ્ફિયાની ડ્રેસક્લ યુનિવર્સિટીમાંથી લાઈબ્રેરી સાયન્સમાં એમ.એ અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી સાઉથ એશિયન સ્ટડીઝમાં ત્રીજી માસ્ટર્સની ડિગ્રી લીધી.
શ. વી. : અમેરિકા ગયાં પછી દેશ માટે હિજરાયાં હો એવું યાદ છે ખરું?
પ. ના. : મારું અમેરિકાનું પહેલું વર્ષ, ખાસ કરીને પહેલા છ મહિના, એટલા ખરાબ ગયા કે મને થયું કે હું મોટી ભૂલ કરી બેઠી. દેશની, બા બાપજીની બહુ યાદ આવતી. મને થયું કે આવું ભર્યુંભાદર્યું ઘર, સગાંવહાલાંઓ, બહેનપણીઓ, બધાંને છોડીને હું અહીં ક્યાં આવી ગઈ? મારા પતિએ મારા આવવા માટેની કોઈ પૂર્વ તૈયારી કરી નહોતી. એમની પાસે સિટિઝનશીપ નહોતી એટલે કામચલાઉ નોકરી, બહુ જ ઓછો પગાર. ઘરનું કશું ઠેકાણું નહીં. પૈસાના વાંધા. ઘર ચલાવવા માટે મિત્રો પાસેથી ઉધાર લેવા પડ્યા, આખરે સ્વમાન જતું કરી દેશમાંથી પણ પૈસા મંગાવ્યા. હજી કાંઈ બાકી રહ્યું હોય તો આવ્યાના બે જ મહિના પછી મારા પતિને મોટો અકસ્માત થયો. એ છ મહિના ઘરે બેઠા. મેં નોકરીની શોધ શરૂ કરી. આવી પરિસ્થિતિમાં સહજ જ વારંવાર ઘર યાદ આવ્યા કરે. મનમાં અને મનમાં રડીને બેસી રહું.
શ. વી. : અમેરિકા ગયાં પછી ગૃહિણી રહ્યાં કે કામ કર્યું? કેવા પ્રકારનું કામ કર્યું? નોકરી કરવી એ પોતાનો નિર્ણય હતો કે જરૂરિયાત હતી? આમ તો ઉપરના જવાબ પરથી લાગે છે કે નોકરી તમારી જરૂરિયાત જ હશે.
પ. ના. : આગળ જણાવ્યું તેમ આર્થિક સંજોગોને કારણે તુરત જ નોકરી શરૂ કરવી પડી. મારે સદ̖ભાગ્યે મને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની લાયબ્રેરીમાં તરત મનગમતું કામ મળી ગયું.
શ. વી. : તમે બા-બાપુજી જેવું પ્રસન્ન દાંપત્ય ઈચ્છેલું ને લગ્ન પછીની વાસ્તવિકતા સાવ જૂદી જ હતી. સપનાં તૂટવા બાબતે પ્રતિક્રિયા માત્ર રડવાની રહી કે લડવાની? એ લડાઈ પતિ સાથે હતી કે સંજોગો સામે?
પ. ના. : હા, લગ્નજીવનની વાસ્તવિકતા સાવ જુદી જ નીવડી. બા-બાપાજી જેવું પ્રસન્ન દામ્પત્ય પામતા મને બીજાં ચાળીસ વરસ નીકળી ગયાં અને તે પણ જુદા પતિ સાથે. પણ લગ્ન પછી તુરત જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તેની સામે લડવાને બદલે હું મુખ્યત્વે મનમાં ને મનમાં સમસમીને બેસી રહી. જે પરિસ્થિતિ હતી તેને સ્વીકારી લીધી. આ પ્રતિક્રિયાને હું લડાઈ નહીં કહી શકું. લડવાની ત્રેવડ જ નહોતી.
શ. વી. : તમે પરિસ્થિતિ સામેની લડાઈ સ્વીકારી. પણ પતિ સાથે લડવાનું માંડી વાળ્યું. આ તમારી પ્રકૃતિ હતી કે પછી પલાયનવાદ? મોટાભાગે આપણા દેશમાં પણ હવે ભણેલ-ગણેલ કમાતી સ્ત્રી પતિનો ત્રાસ નથી વેઠતી. તમે અમેરિકામાં રહી, વર્ષો સુધી વિષમ દાંપત્ય વેંઢાર્યું. એવું કેમ? સ્વભાવથી તમે ભીરુ હતાં કે લોકો શું કહેશે ના ભારતીય સંસ્કાર નડ્યા?
પ. ના. : આ પ્રશ્ન મેં મારી જાતને હજાર વાર પૂછ્યો છે. જે સમાજમાં, જે કુટુંબમાં મારો ઉછેર થયો છે તેમાં સ્ત્રીને જે પતિ સાથે લગ્ન થયા હોય તેને નભાવવો એ સહજ હતું. એનો અર્થ એ નહીં કે મને મારા પતિને છોડવાનો વિચાર નહોતો આવ્યો. ઘણી વાર વિચારેલું કે આ લગ્નમાંથી ક્યારે છૂટું? વધુમાં અમારે સંતાન ન હતું ને આર્થિક દૃષ્ટિએ હું સ્વતંત્ર પણ હતી. એટલે એ બાબતમાં પણ કોઈ વાંધો નહોતો. હું તો પાછી અમેરિકામાં હતી. અહીં તો આવું કપરું લગ્ન કોઈ સ્ત્રી એક વરસ પણ ન ચલાવે. આ બધી વાત સાવ સાચી, છતાં એ આખરી નિર્ણય હું ન જ લઈ શકી. મૂળમાં અમે બંને એકબીજાથી એવા તો જુદાં હતાં કે અમારું દામ્પત્ય પ્રસન્ન થઈ જ ન શક્યું. એમાં હું એમના એકલાનો દોષ નથી જોતી. અમે બન્નેએ એકબીજાને પરણવાની ભૂલ કરી હતી. દેશના સામાજિક સંસ્કારો, રૂઢિગત માન્યતાઓ, અમારી ભીરુતા—જે ગણવું હોય તે ગણો, પણ અમે છૂટાછેડા ન લીધા ને સંસારનું ગાડું ગબડાવ્યાં કર્યું. વધુમાં અમે ભલે દુનિયાની દૃષ્ટિએ પતિપત્ની હતાં, એક જ ઘરમાં જ અને ભલે એક જ છત નીચે અમે રહેતાં હતાં, અને મિત્રો, સગાવહાલાંને હળતાંમળતાં હતાં પણ અમે એકબીજાથી નોખી જિંદગી જીવતાં હતાં. કહો કે અમારું અસ્તિત્વ એકબીજાથી સાવ જુદું હતું. મારે પક્ષે જે છે તેને નભાવો એવી મનોવૃત્તિ પણ રહેલી. આખરે આ પતિને પરણવાની ભૂલની જવાબદારી મારી પોતાની જ હતી, તો તે ભૂલ મારે ભોગવવી જ રહી. જો કે મનમાં ઊંડે એવી શ્રદ્ધા હતી કે આમાંથી મારો છુટકારો થશે જ અને મને મારો ઇચ્છાવર મળશે જ! તાર્કિક રીતે જોતા આ વાત શેખચલ્લીના વિચાર જેવી વાહિયાત હતી, પણ મારે મન એ જ એક હૈયાધારણ હતી. એ આશાને તાંતણે આટલું વિષમ દાંપત્ય સહ્યું અને હું જીવ્યે ગઈ.
શ. વી. : નહીં કમાતા પતિ, અમેરિકામાં રહેવા છતાં Typical Male હતા?
પ. ના. : મારા પતિ નહોતા કમાતા એવું નહોતું. શરૂઆતમાં એમની પાસે અમેરિકાની સિટિઝનશીપ નહોતી. એ કારણે સારી નોકરી મળવી લગભગ અશક્ય હતી. એમની પાસે કૉલેજની ડિગ્રી પણ નહોતી. આ બધી મુસીબતોને લીધે એમને સામાન્ય નોકરી કરવી પડી.એમને જેવી સિટિઝનશીપ મળી કે તરત ફિલાડેલ્ફિઆના પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફિન્ગર પ્રિન્ટ એક્સપર્ટ તરીકેની નોકરી મળી. એમાં નાઈટ શિફ્ટ આવે એવી કપરી વાત હતી છતાં પણ એમણે એ નોકરી જાળવી રાખી. ભારતીય પુરુષ અમેરિકામાં આવે એટલે એ બદલાઈ જાય એવી અપેક્ષા રાખવી બરાબર નથી. વધુમાં એ પુરુષ કમાતો હોય કે નહીં એ વાતથી પણ કોઈ ફેર નથી પડતો.
શ. વી. : ’80ની ઉંમરે ગમતા પુરુષ સાથે રહેવાનો નિર્ણય કરવો એ ઘણી હિંમત માંગી લેતું કામ છે. તમે આ હિંમત કરી એના માટે અભિનંદન. પણ આમાં તમારી હિંમતને ટકાવી રાખનાર નટવર ગાંધીનો પણ ફાળો હશેને?
પ. ના. : નટવર ગાંધીની સાથે બાકીની જિંદગી કાઢવાનો નિર્ણય એ હિંમતભર્યો જરૂર હતો, પણ એ એટલો જ સહજ અને સહેલો હતો. જે ઇચ્છાવરની મેં આખી જિંદગી કલ્પના કરી હતી, જેની ઝંખના કરી હતી, તે મને એમનામાં મળ્યો--ખમતીધર, પાંચમા પૂછાય, અત્યન્ત મહાત્વાકાંક્ષી પુરુષ. અનેક સિદ્ધિઓથી ઊભરાતું એમનું રેઝૂમે છતાં એ ક્યારે ય “પોતે વાઘ માર્યો છે” તેવી બડાશ ન કરે. ઉલટાનું પોતે જ પોતાની જાત ઉપર હસે. સૂક્ષ્મ રમૂજ વૃત્તિ. સુરેશ દલાલ કહેતા, ગાંધી ખડખડાટ હસે ત્યારે આખો ઓરડો ભરાઈ જાય! એમની સાથે કલાકો સુધી વાત કરો તો ય થાકો નહીં એવા એ conversationalist. મને જો ગાંધી વધુ ગમતા હોય તો એમની રસિકતા(દર વેલન્ટાઈન ડે અને જન્મદિવસ નિમિત્તે મારા માટેનું નિર્વ્યાજ પ્રેમ નીતરતું નવું સોનેટ અને ડઝન રાતા ગુલાબ અવશ્ય હોય), એમની સાહિત્યપ્રીતિ(માત્ર ગુજરાતી જ નહીં, વિશ્વસાહિત્ય) અને એમની તેજસ્વી બુદ્ધિને કારણે. એમની આ લાક્ષણિકતાઓએ મને જીતી લીધી. એમની સિદ્ધિઓ આપકમાઈની છે, અનેક મુસીબતોનો સામનો કરીને આપબળે ઊભા થયેલા એ સ્વમાની માણસ છે. મુંબઈની મુળજી જેઠા માર્કેટમાં ઘાટી ગુમાસ્તાનું કામ કરીને એમણે કારકિર્દી શરૂ કરી ને ઠેઠ અમેરિકાની રાજધાની વૉશિન્ગટનના પાવરફુલ ચીફ ફાઇનાન્શિઅલ ઓફિસર થઈને નાણાંપ્રધાનના પદ સુધી એ પહોંચ્યા. એમની આત્મશ્રદ્ધા તો એવી સધ્ધર છે કે મેં એમને ઉમાશંકર જોશી કે દર્શક જેવા દિગ્ગજ સાહિત્યકારો કે મોરારજી દેસાઈ જેવા રાજકર્તાઓ સાથે ખુમારીથી ચર્ચા કરતા જોયા છે, તો સદોબા પાટીલ, ઇન્દિરા ગાંધી કે હેન્રી કિસિન્જર સાથે પણ એ સહજ જ રાજકારણની વાતો કરી શકે છે. પણ આ બધું તો એકડા પછીના મીંડા જેવું છે. સૌથી મોટી વાત, એકડો તો અમારો એક બીજા માટેનો પ્રેમ, અન્યોન્યની મમતા અને આત્મીયતા એવા તો અઢળક છે કે એમની સાથે સહજીવનનો લ્હાવો લેવાનું પગલું મારે માટે સહેલું અને સહજ હતું.
શ. વી. : આ પ્રેમ લગ્નજીવન શરૂ થયા પછી પાંગર્યો કે દોસ્તી રૂપે તો એ હતો જ?
પ. ના. : અમારી મૈત્રી પ્રથમ પ્રેમમાં અને પછી લગ્નમાં પરિણમી. અમારા લગ્નજીવનની શરૂઆત જે પ્રેમથી થઈ તે લગ્ન પછી પાંગર્યો, પણ જુદા સ્વરૂપે. અમારા દસેક વર્ષનાં લગ્ન પછી હું એમ જરૂર કહી શકું કે આ સહજીવન પછી અમે એકબીજાને વધુ સમજતાં થયાં છીએ. અમારી એકબીજાના સહવાસની અપેક્ષા વધુ તીવ્ર થઈ છે. અત્યારે તો અમારું જીવન એકબીજામાં એવું તો વણાઈ ગયું છે કે હવે જુદા રહેવાની કલ્પના જ નથી થઈ શકતી. સાચું કહું? ન્હાનાલાલના ‘‘પરમ પ્રેમ પરબ્રહ્મ’’, ગીતમાં જે પ્રેમની વાત થઈ છે તે પ્રકારનો પ્રેમ હું હવે સતત અનુભવું છું ! વિરાજ અમરની અદ̖ભુત ગાયકીમાં જ્યારે જ્યારે એ ગીત સાંભળું છું ત્યારે ભાવ વિભોર બની જાઉં છું જીવનના સંધ્યાસમયે. પણ મને આ પ્રેમની અનુભૂતિ થઈ એમ મારું પરમ સદ̖ભાગ્ય છે.
શ. વી. : આપણો સમાજ જેટલો પુરુષ પ્રત્યે ઉદાર છે એટલો સ્ત્રી માટે કાલે પણ નહોતો અને આજે પણ નથી. એટલે તમારાં આ ઉંમરે થયેલાં લગ્નને અહીંના લોકો કેવી રીતે જોત એ તો હું કલ્પી શકું છું. પણ અમેરિકન સમાજે કેવી રીતે જોયાં એ જાણવામાં રસ ખરો.
પ. ના. : અમેરિકામાં આમ મોટી ઉંમરે સ્ત્રી-પુરુષનું સાથે રહેવાનું સહજ છે. એમાં કોઈ આશ્ચર્ય નથી. ઉપરાંત અમેરિકનો તો ખુશી થઈને અભિનંદન આપે. કહે કે તમારા આ પગલાંથી વૃદ્ધત્વનાં વર્ષો જીવનસભર થશે અને તમે બન્ને એકબીજાનાં સહયોગી બનશો. મને કહે, “go girl!”
શ. વી. : અમેરિકા જઈને કેવા પ્રકારના સંઘર્ષ કરવાના થયેલા? વર્ષો વીતવા સાથે હવે અમેરિકા કેવું લાગે છે?
પ. ના. : શરૂઆતના દિવસો ખુબ આકરા હતા. પહેલા છ મહિનાની હાડમારી સહન કરીને હું એવી તો રીઢી બની ગઈ કે ત્યાર પછી થયું કે કોઈ પણ ઠેકાણે, કોઈ પણ વિકટ પરિસ્થિતિનો હું સામનો કરી શકું. આજે સાંઠેક વરસના અમેરિકન વસવાટ પછી અમેરિકા મને ઘર જેવું સહજ લાગે છે. એટલું જ નહીં હવે થાય છે કે હું બીજે ક્યાંય રહી ન શકું. દેશમાં ગઈ હોઉં તો ય બે ત્રણ અઠવાડિયાં પછી થાય કે ચાલો ઘર ભેગા થઈ જઈએ. ઘરઝુરાપો થાય, પણ એ અમરિકાનો! અમેરિકાએ મને નવી જિંદગી આપી, નવી જીવનદૃષ્ટિ આપી, એટલું જ નહીં પણ મને કલમ આપી, કવિતા આપી. મનસુખલાલ ઝવેરી જેવા ગુજરાતીના ઉત્તમ પ્રોફેસરના હાથ નીચે મુંબઈમાં ગુજરાતી સાહિત્ય ભણી, છતાં દેશમાં મેં કવિતાનો ક ન ઘૂંટ્યો તે ક મને અમેરિકાએ આપ્યો. અમેરિકાએ મને લખતી કરી.
શ. વી. : તમારાં અગિયાર કાવ્યસંગ્રહ અને એક વાર્તાસંગ્રહ છે. પણ આ બધું તમે અમેરિકા જઈને જ લખ્યું. અહીં કશું નહોતું લખાયું. આનું કંઈ કારણ ખરું?
પ. ના. : આ બાબતનું મને જ આશ્ચર્ય છે. કદાચ લગ્નજીવનના પ્રારંભના વિષમ વર્ષોમાં હું જીવનનો તાગ પામવા મથતી હતી. એ મને કવિતા દ્વારા મળ્યો. અમેરિકન કવિ એન સેક્સટનને અકસ્માત જ મળવાનું, સાંભળવાનું થયું. એની આત્મકથનાત્મક કવિતાઓ, ખાસ કરીને એનો કાવ્યસંગ્રહ “Live or Die” વાંચતા મને ધક્કો લાગ્યો. લગ્નની વિષમતાઓને એણે જે રીતે સર્જનશક્તિમાં ફેરવી એ મારા માટે એક દીવાદાંડી સમી વાત બની ગઈ અને મેં કલમ ઉપાડી. જે લખવાનું શરૂ કર્યું તે હજી પણ ચાલુ છે. આમ કવિતાએ મને બચાવી. એ મારી એક ઉદ્ધારક અને પ્રેરકબળ બની ગઈ.
શ. વી. : એક સમય હતો જ્યારે ઈમેજ પ્રકાશનનાં લગભગ તમામ કાર્યક્રમોમાં તમે જોવા મળતાં. સુરેશ દલાલ એક મિત્ર તરીકે યાદ આવે? લખવામાં કશે એમની પ્રેરણા કે ધક્કાનો ફાળો ખરો?
પ. ના. : મારા કાવ્યસર્જન અને જીવનમાં સુરેશ દલાલ અનન્ય છે. તે પ્રેરક બળ હતા અને સતત રહ્યા હતા. એમણે જ મને પ્રોત્સાહન આપ્યું. ગુજરાતી સાહિત્યમાં હું જે કાંઈ છું એ સુરેશને કારણે જ છું. જ્યારે કેટલાક ગુજરાતી (મુખ્યત્વે પુરુષ) સાહિત્યકારોએ ઊંચું ટેરવું રાખીને મારી ઉપેક્ષા કરી હતી ત્યારે સુરેશનો ટેકો એ મારા માટે સાહિત્યની જીવાદોરી હતી. એની નિર્વ્યાજ મૈત્રીમાં મને જીવન જીવવાનું બળ મળ્યું છે. એ જીગરજાન દોસ્તની ખોટ ખૂબ સાલે છે. મારા પહેલા કાવ્યસંગ્રહ, “પ્રવેશ” થી માંડીને છેલ્લા કાવ્યસંગ્રહ “અંતિમે” સુધીની મારી બધી જ કાવ્યપ્રવૃત્તિમાં સુરેશનો મને સહકાર મળ્યો છે. ‘અંતિમે’ની અર્પણ પંક્તિમાં મેં એમના પ્રત્યેનું ઋણ અદા કર્યું છે:
‘પ્રવેશે’ કૈં હોંશે પગલી ભરી તારા જ થકી મેં,
હવે આ ‘અંતિમે’ સ્વજન તુજને યાદ કરતી.
શ. વી. : તમારી કવિતામાં નારીવાદી સૂર ચોક્કસ જ સંભળાય છે. તમે જે ઘરમાં મોટાં થયાં ત્યાં તો આવા ભેદભાવ કે શોષણ નહીં જ હોય. તમને આવા અનુભવ લગ્ન પછી થયા? અમેરિકા જઈને થયા?
પ. ના. : આપણા સમાજમાં સ્ત્રીઓની જે રૂઢિગત અવગણના થતી રહી છે અને હજી પણ થાય છે તેમાં અમારું કુટુમ્બ બાકાત નહોતું. ભાઈઓ માટે ભાભીઓ સહધર્મચારિણીઓ નહોતી. આખું કુટુંબ, ખાસ કરીને ભાભીઓ ભાઈઓની સંભાળ લેવામાં દિવસ રાત રોકાયેલું રહેતું. બિચારી ભાભીઓનું જાણે કે કોઈ સ્વતંત્ર જીવન હોય જ નહીં એમ એમની આશા અભિલાષાઓ, એમના ગમા અણગમાનો ભાગ્યે જ વિચાર થતો, તો પછી એમની પોતાની જુદી કારકિર્દીની વાત ક્યાં કરવી? અમારા લગ્નની વિષમતાનું મુખ્ય કારણ આ જ હતું. મારા પતિમાં પણ દેશી પુરુષોની આ ગ્રંથિ હતી, બલ્કે વધુ હતી. એમણે ભાગ્યે જ મારી મનોસૃષ્ટિનો વિચાર કર્યો હતો. એમની દૃષ્ટિએ મારા પ્રત્યેનું એમનું વર્તન સર્વથા યોગ્ય હતું. મારે શું જોઈએ છે એ એમને સમજાવવાના મારા પ્રયત્ન વ્યર્થ જ નીવડયા હતા. ઠેઠ અવસાન સુધી એમણે પોતાનો કક્કો ખરો કર્યો હતો. એ રીતે અમારું કજોડું હતું એ તો સ્પષ્ટ છે. કદાચ હું એમને લાયક પત્ની નહોતી. પણ આ બાબતમાં બીજા દેશી પતિ-પત્નીથી અમે કંઈ બહુ જુદાં ન હતાં.
શ. વી. : ડાયસ્પોરાના નામે ઘણી લીલા ચાલે છે. જે વાત ‘ફ્લેમિંગો’ની વાર્તાઓમાં છે તે એકાદ-બે અપવાદને બાદ કરતાં અન્યની વાર્તાઓમાં નથી. તમને ડાયસ્પોરાના આમ ફાલવા વિશે કશું કહેવાનું મન થાય? (મને બહુ થાય એટલે પૂછું છું.)
પ. ના. : તમે ડાયસ્પોરાને લગતા “સાહિત્ય” માટે જે શબ્દ--લીલા--વાપર્યો છે તે સર્વથા યોગ્ય છે. હું તો આગળ વધીને કહું કે એ બધું ધતીંગ છે! મોટા ભાગના આ લખનારાઓ જો દેશમાં હજી હોત તો આવું જ કાંઈ લખતા હોત. તફાવત માત્ર એટલો જ છે કે ત્યાંના લેખકો, પ્રકાશકો, તંત્રીઓ, સંચાલકો અમેરિકા આવવાના લોભે અહીંના લખનારાઓનું લખાણ પબ્લિશ કરી એમને ઝટઝટ સાહિત્યકાર બનાવી દે છે. આ સાહિત્યના વેપારીઓએ દેશમાં અને અમેરિકામાં ડાયસ્પોરા સાહિત્યનું મોટું તૂત--કહો કે ભૂત--ઊભું કર્યું છે. અહીંના લેખકો માટે ત્યાં કાર્યક્રમો, મેળાવડાઓ અને ઇનામો કે પુરસ્કારની વ્યવસ્થા ઉત્સાહથી થાય અને એના બદલામાં દેશના એ સાહિત્યકારોને અમેરિકામાં મફત આવવાનું અને રહેવા કરવાનું મળે. આમ દેશમાં અને અહીંયા પરસ્પરના લાભાર્થે સાહિત્યનો આ ધંધો ધમધોકાર ચાલે છે અને ચાલશે. દેશમાં વીસ ત્રીસ ચાલીસ વરસ પહેલાં જે સાહિત્યના ચોકીદારો હતા--તંત્રીઓ, વિવેચકો, વગેરે-- તે હવે નથી. વધુમાં સોશિયલ મીડિયાને કારણે જે કાંઈ અહીંયા કે ત્યાં લખાય છે તે તાબડતોબ હજારો અને લાખો લોકોની સામે મૂકી શકાય તો સામયિકોની શી જરૂર છે? આવા વાહિયાત અને કહેવાતા સાહિત્યની બાબતમાં એટલું કહી શકાય કે કાળની ચાળણી આ બધું ચાળી નાખશે.
શ. વી. : સુરેશ દલાલ વગેરે પણ દર વર્ષે પરદેશ આવતા. ત્યાંના સાહિત્યરસિકો સાથે ગોઠડી માંડતા. પછીથી આવનારાઓ બદલાયા પણ એ મેળાવડા તો હજુએ થાય જ છે. તમારી દૃષ્ટિએ આગળના 30 વર્ષ અને પછીના 20 વર્ષમાં મહત્ત્વના કયા બદલાવ આવ્યા?
પ. ના. : 1960ના દાયકામાં ઉમાશંકર જોશી, ચુનીલાલ મડિયા જેવા સાહિત્યકારો અમેરિકાના સાહિત્ય પ્રવાસે આવતા. 1980ના દાયકામાં અમારી અકાદમીના આશ્રયે ઉમાશકંર, મનુભાઈ પંચોળી, નિરંજન ભગત, ભોળાભાઈ પટેલ જેવા અગ્રગણ્ય સાહિત્યકારો આવતા. સાહિત્યના ઉચ્ચ કક્ષાના કાર્યક્રમો થતા. પણ જ્યારથી પ્રમાણમાં સસ્તા જેટ ટ્રાવેલની વ્યવસ્થા થઈ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસની સગવડો વધી ત્યારથી તેનો લાભ દેશના સાહિત્યકારો લેવા લાગ્યા. આગળ જણાવ્યું તેમ ડાયસ્પોરા સાહિત્યના ધીકતા ધંધાને લીધે ઘણા ધુતારા સાહિત્યકારો મોટી સંખ્યામાં અહીં આવવા માંડ્યા. અહીંના સાધનસંપન્ન ગુજરાતીઓને એમના યજમાન થવાનું ગમે છે. આ વેપાર હજી વધતો જ જશે એવી મને ભીતિ છે. પરંતુ અહીં યોજાતા આ કાર્યક્રમોમાં સાહિત્યને નામે મુખ્યત્વે મનોરંજન (એટલે cheap jokes, mostly misogynic, particularly degrading wives) પીરસાય છે, સાહિત્ય નહીં. જો કે આવવાની બાબતમાં ત્યાંના સાધુ સન્તો, સ્વામીઓએ પહેલ કરી છે. અહીં ઠંડીની સીઝન પતે કે તરત જ આ બધા “ફેરિયાઓ” (આ શબ્દ મેં ઉછીનો લીધો છે)ની લંગાર આવીને ઊભી જ હોય.
શ. વી. : અહીંથી અમેરિકા જનારા પાછા આવે છે ત્યારે અમને લોકોને એવું લાગે છે કે એ લોકો જે ભારતને છોડીને ગયા હતા એમાં જ હજી વસે છે, જ્યારે અમારો દેશ તો ઘણો આગળ નીકળી ગયો છે. આવું કેમ થાય છે? તમે વારેવારે ભારત આવો છો, અહીં થયેલ બદલાવ જુઓ છો એટલે આ પ્રશ્ન પૂછ્યો છે.
પ. ના. : તમારી વાત સાવ સાચી છે. અહીં વસતા મોટા ભાગના NRI ગુજરાતીઓની મનોદશા જે દાયકામાં એમણે દેશ છોડ્યો હતો તે સમયની જ છે. છેલ્લા ત્રીસેક વર્ષોમાં ભારતમાં જે ભવ્ય ફેરફાર થયા છે તે વિષે તેઓ મુખ્યત્વે અજાણ છે. નટવર ગાંધીએ ચાલીસ વર્ષ પહેલા આ NRIઓની મનોદશા વિષે એક પરિચય પુસ્તિકામાં લખ્યું હતું કે : “જે દેશ છોડીને અહીં રોટલો રળવા આવ્યા તે દેશની યાદ જરૂર આવે પરંતુ એ દેશની પરિસ્થિતિને સમજવા ભાગ્યે જ પ્રયત્ન થાય છે. પાર્ટીઓમાં ભારત વિશે અચૂક વાતો થાય પણ તેમાં મુખ્યત્વે સ્વાનુભવની, અધકચરા વિચારો અને અડધીપડધી સમજવાળી વાતો હોય. દેશની ગંદકી, લાંચરુશવત, રાજકારણનો સડો, આગળ વધવા માટે જરૂરી લાગવગ અને દેશની ફિલ્મી દુનિયા વગેરે વિશેની ઉપરછલ્લી વાતોમાં જ એમની ગોષ્ઠિ સમાઈ જાય છે. દેશ વિદેશનું એમનું નિદાન સામાન્ય રીતે આકરું જ હોય છે, પણ જો દેશની ટીકા કરતા લેખ સ્થાનિક છાપાંઓમાં આવે છે, તો તે તેમને માટે અસહ્ય બની જાય છે. તમામ અમેરિકન મીડિયા (લોકસંપર્કનાં સાધનો) ભારતવિરોધી છે એવો તત્કાલ આક્ષેપ કરે છે. અને પછી અમેરિકન રાજનીતિ, સ્વચ્છંદ જીવન, બાળઉછેર માટે અમેરિકા કેવો ખરાબ દેશ છે વગેરે વિશે સખત પ્રહાર કરવા લાગી જાય છે. ખાસ કરીને અમેરિકાની શિથિલ કુટુંબવ્યવસ્થા માટે તેમની ટીકા ઉગ્ર હોય છે. જન્મભૂમિ ભારત તેમ જ કર્મભૂમિ અમેરિકા માટે આ ભારતીયોનું વલણ આવું ઉગ્ર અને ટીકાપૂર્ણ કેમ હોય છે તે માનસશાસ્ત્રીઓ માટે વિચારણીય પ્રશ્ન બની રહે તેટલું નોંધપાત્ર છે.” હું જ્યારે જયારે દેશમાં આવું છું અને જે કાંઈ જોઉં છું તેનાથી આભી બની જાઉં છે. ભૌતિક અને આંખને વળગે એવા ફેરફાર તો છે જ--જેવા કે શોપિંગ મૉલ, આભે પહોંચતા ઊંચાં મકાનો, ફેન્સી ગાડીઓ, સુપર હાઇવેઝ, મલ્ટીપ્લેક્સ થીયેટર્સ, વગેરે--પરંતુ 60, 70ના દાયકાઓનો જે ગભરુ, અચકાતો, ખચકાતો અને સ્થગિત દેશ અમે છોડ્યો હતો ત્યાં આજે હું એક આત્મશ્રદ્ધાથી ઊભરાતો, પ્રગતિશીલ, પરિવર્તનશીલ દેશ જોઉં છું. ખાસ કરીને દેશની યુવાન પ્રજામાં હું જે ખુમારી, આત્મવિશ્વાસ જોઉં છું તેમાં મને દેશનું જ્વલંત ભવિષ્ય દેખાય છે. વધુમાં દેશમાં આવું છું ત્યારે ખાસ કરીને યુવતીઓનો આત્મવિશ્વાસ અને ‘મિજાજ’ જોઈને મારું હૃદય હરખાય છે. આ યુવતીઓની સરખામણીમાં અમારા જમાનાની કેટલીક બહેનો તો બાઘી અને ગભરુ લાગે!
શ. વી. : તમે વર્ષોથી અમેરિકા જઈને વસ્યાં છો પણ વારે વારે ભારત આવો છો એટલે બદલાયેલા ભારતને પણ નજીકથી ઓળખો છો. આ બેઉ દેશને બાજુ બાજુમાં મૂકો ત્યારે પૂરા તાટસ્થ્યથી બંને વિશે શું કહેવાનું થાય?
પ. ના. : વર્તમાન અમેરિકા અને આપણા દેશની સરખામણી કરવી એ અયોગ્ય છે. પણ એટલું કહી શકાય કે સ્વતંત્રતા મળ્યા પછી આપણા દેશની પ્રગતિ અત્યન્ત નોંધપાત્ર છે. છેલ્લા સાત દાયકાઓમાં આપણે ત્રણ જુદી ક્રાંતિઓ એક સાથે કરી છે --રાજકીય, સામાજિક અને આર્થિક. આ ત્રણેય દિશામાં આટલા ઓછા સમયમાં ભાગ્યે જ કોઈ આવડી મોટી પ્રજાએ આટલી બધી પ્રગતિ કરી હોય. ચીનની આર્થિક પ્રગતિ આપણા કરતાં વધુ છે તેની ના નહીં, પરંતુ એ લોકશાહીના, માનવીય ગૌરવ અને વ્યક્તિસ્વાતંત્ર્યના ભોગે થઈ છે. એક અત્યન્ત સમૃદ્ધ દેશ તરીકે અમેરિકાના પ્રશ્નો સાવ જુદા જ પ્રકારના છે. એટલે આપણી અને એની સરખામણી શક્ય નથી.
શ. વી. : આપણે ત્યાં વાર્તા-નવલકથા વંચાય પણ કવિતા બહુ ઓછી વંચાય. એમાંય તમે તો પાછાં પરદેશ. એટલે અહીંના વાટકી-વહેવારથી પણ ઘણાં આઘાં. આ સંજોગોમાં ‘કોઈ નથી વાંચતું’ એવી ફરિયાદ ઉઠે છે ખરી મનમાંથી?
પ. ના. : તમારી વાત સાચી છે. પશ્ચિમના દેશોમાં પણ એ જ દશા છે. અદ્યતન ટેક્નોલોજીને કારણે અહીં પણ વાંચવાનું ઓછું થઈ ગયું છે. છાપાં, સામયિકો, પત્રિકાઓ એક પછી એક બંધ થવા લાગ્યાં છે. જે કોઈ માહિતી જોઈતી હોય છે, તે લોકો, ખાસ કરીને યુવાન પ્રજા, ડિજિટલ મીડિયામાંથી મેળવે છે. જો કે કવિતા તો હંમેશ ઓછી જ વંચાઈ છે. આ બાબતમાં હું ભાગ્યશાળી છું. મારો એક વફાદાર વાચક વર્ગ છે અને તે છે બહેનોનો. મારી જ પરિસ્થિતિમાં મૂકાયેલી એ બહેનોને મારી કવિતા શાતા અને સાંત્વના આપે છે. નાની મોટી ઉંમરની અનેક બહેનોના પત્રો, ટેલિફોન ક્યાંના ક્યાંથી આવે છે. દેશમાં આવું છું ત્યારે સભા સમારંભો અને કવિતાવાચનના કાર્યક્રમોમાં આ બધી બહેનો મને ઘેરી વળે છે અને હું હર્ષવિભોર બની જાઉં છું.
શ. વી. : તમે વધારે અછાંદસ કવિતાઓ લખી પણ થોડાંક સૉનેટ અને ગીતો પણ લખ્યાં છે – આ છંદ વગેરે ભણ્યાં કે અનાયાસ, સહજ આવ્યા?
પ. ના. : હું છંદ તો ભણી જ નથી. જે ગીતો અને સૉનેટ લખાયાં તે સુરેશ દલાલ (ગીતો માટે) અને નટવર ગાંધી (સૉનેટ માટે) ના આગ્રહથી જ લખાયાં છે. તેમનું કહેવું હતું કે અછાંદસ લખવું પ્રમાણમાં સહેલું છે, ગીતો લખો કે છંદબદ્ધ સૉનેટ લખો તો ખબર પડે કે કેટલે વીસે સો થાય! એમની આ ચેલેન્જ સ્વીકારીને એ પ્રયત્નો કરેલા. મારા વિષયવસ્તુ માટે મને અછાંદસ વધારે યોગ્ય લાગે છે.
શ. વી. : રોજેરોજની બોલાતી ભાષાના જીવંત સ્પર્શનો તમને અભાવ લાગે? હજી આટલાં વર્ષ પછીય તમને ગુજરાતીમાં સપનાં આવે છે ખરાં?
પ. ના. : અહીં આજુબાજુ સ્વાભાવિક રીતે જ ગુજરાતી ભાષાનો ઉપયોગ નહિવત્ હોય. જીવન્ત ગુજરાતી ભાષાનો અભાવ કઠે છે. જે કાંઈ ગુજરાતી લખું વાંચું છું તે તો બધું જૂની મૂડીએ થાય છે. ના, આજે અમેરિકાના સાંઠેક વરસના વસવાટ પછી ગુજરાતીમાં સપનાઓ નથી આવતા! હવે તો અમેરિકા અને અમેરિકન ઇંગ્લિશ અમને કોઠે પડી ગયા છે. એમાં જ અમે રમમાણ રહીએ છીએ --સૂતા કે જાગતા!
શ. વી. : આપને મળેલાં મહત્ત્વના પુરસ્કારો કયા? ‘out of sight is out of mind’ એવી ફરિયાદ રહી છે ક્યારેય?
પ. ના. : મને કવિ તરીકે જે માન સન્માન મળ્યાં છે, મારી જે ગણના થઈ છે તેવી બીજા કેટલા કવિઓની થઈ છે? કોઈ પણ સર્જક માટે વાચકોની પ્રીતિ એ જ સાચો પુરસ્કાર છે. અને એ મને દેશ પરદેશમાંથી ખરેખર બહુ મળ્યો છે. એટલે એ બાબતમાં મને કોઈ ફરિયાદ કે અફસોસ નથી. મને મળેલા અવોર્ડઝની યાદી નીચે પ્રમાણે છે:
ગ્રિડ્સ ડાયસ્પોરા રાઈટિંગ અવોર્ડ 2014
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ (‘રંગઝરૂખે’ કાવ્યસંગ્રહ માટે) 2008
ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક (અમેરિકામાં વસતા સર્જકને) 2002
ગુજરાતી સાહિત્ય પરિષદ (‘પ્રવેશ’ કાવ્યસંગ્રહ માટે) 1978
કૃષ્ણલાલ ઝવેરી પારિતોષિક ( ગુજરાતીમાં ઊંચા ગુણાંક માટે) 1954
મોહનલાલ સૂચક પારિતોષિક (ગુજરાતીમાં ઊંચા ગુણાંક માટે) 1952
છેલ્લે એટલું જરૂર કહીશ કે કેટલા બધા પડાવ મારી જિંદગીમાં આવ્યા. કેટલાક સારા. જીવનને હર્યુંભર્યું કરી મૂકે એવા માનવસંબંધો. કલ્પના પણ નહોતી કરી એવો અઢળક પ્રેમ. કેટલાક નરસા. જેને યાદ નથી કરવા. પણ આ પડાવ પર હવે નથી કોઈ રંજ કે અસંતોષ. કડવાશ તો નથી જ નથી. કવિ નર્મદની પંક્તિઓ મને જરૂર લાગુ પડે છે:
‘નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક. યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી.’