પન્ના નાયકનો વાર્તાવૈભવ/બા
‘કાલે સાંજે મારે ત્યાં આવીશ?’ સરલાએ મને પૂછ્યું. હું ના ન પાડી શકી. બપોરે પહોંચી ત્યારે સરલા ચા કરતી હતી. ‘બા, આ મારી બહેનપણી સોનલ.’ હું બા સાથે બેઠી. સરલાએ ત્રણ પ્યાલા રકાબીમાં ચા ગાળી. ટ્રેમાં મૂકી ફૅમિલીરૂમમાં લઈ આવી. એક કપ બાને આપ્યો ને એક મને. બાએ કપ-રકાબી હાથમાં લીધાં. જોયાં. હાથમાંનાં કપરકાબી લઈ ઊઠ્યાં. રસોડામાં ગયાં. ‘બા, શું થયું?’ સરલાએ પૂછ્યું. ‘કંઈ નહીં.’ ‘પેલો તડવાળો કપ તો નહોતો ને? રોજ ફેંકવાનો રહી જાય છે.’ બાએ સિન્ક પાસે પડેલા ડ્રેઇનરમાંથી મગ લીધો. કપની ચા એમાં ઠાલવી. મગ લઈને અમારી પાસે બેઠાં. બાને મેં પહેલી વાર જોયાં. પાંસઠની ઉંમર હશે. એકવડો બાંધો. સફેદ વાળ. મોં પર તેજ. ગૌર સ્નિગ્ધ ત્વચા. હમણાં જ પહેર્યો હોય એવો કડક સફેદ સાલ્લો. બંને હાથમાં સોનાની એક એક બંગડી. જોતાંની સાથે જ ગમી જાય એવું વ્યક્તિત્વ. સાંજે રમેશ આવ્યો પછી એ ને સરલા બહાર ગયાં. હું ને બા એકલાં પડ્યાં. ‘તારા વરનેય અહીં બોલાવી લે ને? શું નામ એનું?’ ‘અનુપમ. આજે એ ઑફિસથી મોડો આવવાનો છે.’ અમે જમવા બેઠાં. ‘તુંય મારી દીકરી જેવી છે. મને “બા” સાંભળવું નથી ગમતું. “મમ્મી” કહે તો?’ ‘જરૂર.’ ‘મને ખબર નથી મારે વિશે સરલાએ તને શું કહ્યું છે.’ ‘બહુ નહીં. તમે અહીં આવવા બહુ વરસથી વિચારતાં હતાં; પણ બાપુજીની મરજી નહોતી એટલે ન આવી શક્યાં. બાપુજી ગુજરી ગયા એટલે તમે આવી શક્યાં ને?’ ‘સોનલ, મારું ચાલતે તો તારી સરલા પરણીને આવી એની સાથે જ અમેરિકા આવી જતે.’ ‘પછી બાપુજીનું શું થાત?’ ‘બાપુજી? બાપુજીની તો વાત જ જવા દે. તને વખત હશે ને તારે સાંભળવી હશે તો કહીશ મારી વાત કોઈક દિવસ.’ મને થયું ક્યારેક બાને મારે ઘેર બોલાવીને વાત કરવી જોઈએ. એક દિવસ નક્કી કર્યો. સરલાનું ઘર પ્રિન્સટનમાં હતું. મારાથી પચ્ચીસ માઈલ દૂર. બાને લેવા ગઈ ત્યારે ઑક્ટોબર મહિનો હતો. પાનખર પુરબહારમાં ખીલી હતી. પ્રિન્સટન ઍવેન્યૂ પરનાં લાલ, પીળાં, કેસરી, લીલાં વૃક્ષો સુંદર લાગતાં હતાં. બાએ પણ આ વૃક્ષો જોયાં. ‘અદ̖ભુત સૌંદર્ય છે આ અમેરિકામાં.’ ‘મમ્મી, આપણે ઘેર જમીશું કે રેસ્ટોરંટમાં?’ ‘નદીકિનારે કોઈ રેસ્ટોરંટમાં.’ લેમ્બર્ટવીલમાં નદીકિનારે એક રેસ્ટોરંટમાં જઈ અમે સૅન્ડવિચ અને કોક મંગાવ્યાં. ‘પેલા નાનકડા હોડકામાં બે જણ હલેસાં મારતાં મારતાં જાય છે.’ ‘મમ્મી, તમને મન થાય બેસવાનું?’ ‘અરે, મને તો કેવું કેવું મન હતું !’ ‘પણ?’ ‘પણ મારા રસિકલાલ સાવ અરસિક. મને કેટલીય વાર થાય છે મારી આત્મકથા લખું.’ ‘મમ્મી, તમે લખો.’ વેઇટર આવ્યો. એ ધોળો હતો. પચ્ચીસછવ્વીસની આસપાસ. બા એને જોઈ રહ્યાં. બાએ સૅન્ડવિચ અને કોક શોખથી ખાધાં. વેઇટર બિલ લઈને આવ્યો. ‘કેટલી ટિપ આપવાની હોય અહીંયાં?’ બાએ પૂછ્યું. ‘દસથી પંદર ટકા.’ ‘આજે એક ડૉલર વધુ આપજે.’ બાને મારે ઘેર લઈ આવી. ‘હું ચા બનાવું.’ ‘ત્યાં સુધીમાં તારું ઘર જોઈ લઉં.’ બા થોડી વારમાં પાછાં આવ્યાં. ‘તારું ઘર તો નાનું છે. અમેરિકામાં કેમ લોકો મોટાં ઘર ખરીદતાં હશે?’ અમે ટેબલ પર ચા પીવા બેઠાં. એટલામાં ઘંટડી વાગી. મેં દીવાનખાનાની બારીમાંથી જોયું તો યુ.પી.એસ.ની વેન ડ્રાઇવ-વે પાસે ઊભી હતી. હું નીચે બારણું ખોલવા ગઈ. બા પણ મારી પાછળ આવ્યાં. મેં પાર્સલ લઈ રસીદ પર સહી કરી આપી. ત્યાં સુધી બા યુ.પી.એસ.ની વેનના ડ્રાઇવરને જોતાં હતાં. ‘આપણે ઘરમાં એકલાં હોઈએ ને આમ કોઈ આવી ચડે તો?’ ‘પણ ખાતરી કરીને જ બારણું ખોલીએ ને !’ બાને એમનો ઓરડો બતાવી દીધો. એ ઓરડો ઠાકોરજીની પૂજાનો અને પુસ્તકોનો હતો. ઓરડાના દીવાની સ્વિચ, હૉલના દીવાની સ્વિચ, બાજુના બાથરૂમ વગેરેથી બાને પરિચિત કરી હું મારા બેડરૂમમાં આવી. દસેક મિનિટ પછી બાએ બારણું ઠોક્યું. ‘તારી નાઇટી આપીશ?’ ‘લો, આ બે પંજાબી.’ બા સવારે નીચે આવ્યાં ત્યારે અનુપમ તો ચાલી ગયેલો. બાએ નાહીને પંજાબી પહેર્યો હતો. ઝીણો ચાંલ્લો પણ કર્યો હતો. ‘પૂછ તો ખરી કે કેમ ચાંલ્લો કર્યો છે.’ ‘બાપુજી તમારા હૃદયમાં હજી જીવંત છે એટલે.’ ‘ચાંલ્લો રસિકલાલ માટે નથી. ચાંલ્લો અમેરિકા આવવાના સૌભાગ્ય માટે છે.’ ‘તમને વિચારની સ્વતંત્રતા હોત તો તમે શું કરત?’ ‘રસિકલાલ સાથે મેં છૂટાછેડા લીધા હોત.’ ‘તો પિયર જઈને કેમ ન રહ્યાં?’ ‘રમેશને ઉછેરવાનો હતો ને !’ ‘ચાલો, એ એક સધિયારો હતો.’ ‘કોઈને કહ્યું નથી પણ રમેશ અમારો દીકરો નથી.’ ‘એમ?’ ‘રસિકલાલ નપુંસક હતા.’ ‘તો રમેશ દત્તક દીકરો?’ ‘રસિકલાલનો ભત્રીજો.’ ‘બાપુજી શું કરતા? એટલે કે, એમની નોકરી કે એમનો બિઝનેઝ?’ ‘સિંધિયા સ્ટીમ નેવિગેશનમાં મોટા હોદ્દા પર હતા. ટ્રાવેલિંગ ખૂબ રહે.’ ‘તમે પિસ્તાળીસ વરસ આમ કાઢ્યાં?’ ‘હા, એક વાત કહું?’ ‘કઈ વાત?’ ‘રસિકલાલ બહારગામ જતા. મને કેટલીય વાર થયેલું કે એમને લેવા ગયેલી ગાડી ખાલી પાછી આવે ને ડ્રાઇવર મને કહે કે બા, શેઠ તો પ્લેનક્રૅશમાં મરી ગયા.’ બા બીજા ચાર દિવસ રહ્યાં. મને કોઈ સલાહ આપી નહીં કે પૂછપરછ કરી નહીં. બાને સરલાને ઘેર મૂકી આવી. બેત્રણ દિવસે આંટો મારી જવાનો બાએ આગ્રહ કર્યો. અઠવાડિયા પછી મુંબઈથી ફોન આવ્યો કે મારાં મા માંદાં છે ને મને બોલાવે છે. હું મુંબઈ ગઈ. મા સાજાં થયાં ત્યાં સુધી છ મહિના મને આવવા ન દીધી. હું પાછી આવી ત્યારે મે મહિનો થઈ ગયો હતો. આવીને તરત મેં સરલાને ફોન કર્યો. બાના ખબર પૂછ્યા. બા મને ખૂબ મિસ કરે છે એમ સરલાએ કહ્યું. રવિવારે બધાંએ બીચ પર જવાનું નક્કી કર્યું. બે ગાડીમાં જઈશું ને ત્યાં જ સીધાં મળીશું એવી વાત થઈ. હું તો બાને મળવા ઉત્સુક હતી. ગાડી પાર્ક કરી નિયત ઠેકાણે હું ને અનુપમ પહોંચ્યાં ત્યારે દૂરથી મેં જોયું તો પંજાબી ડ્રેસમાં, કાળા ટૂંકા વાળમાં, બટકું ભરેલી પિટ્ઝાની એક સ્લાઇસવાળો હાથ લંબાવી બા મને ‘હાય’ કહેતાં હતાં.