પરકમ્મા/ખાંભીઓ જુહારું છું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ખાંભીઓ જુહારું છું

આ ટાંચણ-પોથીમાંથી આવાં મારાં સ્વજનોની સમાધોને ખોળતો ખોળતો તેમની ખાંભીઓને જુહારતો જાઉં છું. પોતાનાં મૃતપિતૃઓ પ્રિય જનની કબર પર સંજવારી કાઢવાના ચીનીજનો પવિત્ર પ્રિય કાર્ય જેવું જ આજે કરી રહ્યો છું. કબરો વાળું છું. વાળતાં વાળતાં જે કાંઈ સાહિત્યસામગ્રી હાથ આવે છે, તે આજ પર્યંત અપ્રકટ રહેલી સાહિત્યસંપત્તિ છે. અપ્રકટ છે તેને પહેલી જ વાર પ્રકટ કરું છું. બીજી કોઈ રીતે વાપરી નથી શક્યો, સંકલનામાં મૂકી નથી શક્યો, મૂકી હોત તો વાંચકોને રસ ન પડત. આજે રસ પડે છે કારણ કે વાચકના મનોજગતમાં હું આટલાં વર્ષોથી ભૂમિકા બાંધતો આવું છું. આજે એ ખેડાયેલ, ભીની બનેલ ભોંય પર આ બીયાં પડે છે. એટલે જ ઉગાવો થાય છે, નહિ તો શો રસ પડત આ ભેંસના ચારણી કાવ્ય-વર્ણનમાં?—