પરકમ્મા/ટેકરાનાં મારવાડાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ટેકરાનાં મારવાડાં

એક તો આ ભાવનગર-વાસ વેળાની જ વાત છે. હું રહેતો તેની સામેજ નરોત્તમ ભાણજીનો બંગલો. આજે જ્યાં કબૂતરખાનાં જેવા કૂડીબંધ બ્લોક ખદબદી રહેલ છે ત્યાં ઊંચો ટેકરો હતો. ટેકરા પર થોડીક ઓરડીઓ હતી. ત્યાં રહેતાં હતાં મારવાડાં. ‘મારવાડાં’ એવા તિરસ્કારદર્શી શબ્દે ઓળખાવતાં એ હતાં પાલનપુરની ય પેલી મેરનાં વતનદાર રાજસ્થાની મજૂર લોકો. મોટે ભાગે દાણા બજારમાં અનાજ-થપ્પીઓની ભરેલ રેંકડીઓ ખેંચનારાં એ ‘મારવાડાં’ બૈરાંના ગગને આરોહતા સ્વરો રાતવેળા સંભળાતા ને ઊંઘ ઊડી જતી. સ્વરોની એ સીડી પર ચડી જતું મન જાણે કે તારાનાં ઝૂમખાં તોડવા સુધી પહોંચી જતું. સ્વરોમાં લહેરાઉં પણ શબ્દો પકડી શકું નહિ. હતાં તો પાડોશી, પણ પહોંચું શી રીતે? એ જ ટીંબા પરની સામી ઓરડીઓમાં રહેતાં હતાં દક્ષિણામૂર્તિ ભવનનાં થોડાં શિક્ષક શિક્ષિકાઓ. તેમાંના એક હતાં કમળાબહેન. (જેણે ’૩૨ કે ’૩૩માં બોળતળાવમાં જળસમાધિ લીધી. કરણામૂર્તિ યાદ આવે છે. ચિત્ત ભ્રમિત થયેલું. મને સ્વહસ્તે રસોઈ કરી જમાડેલો એવી ચિત્તાવસ્થામાં, ને અરવિંદ ઘોષના ઉપર આરોપ કરતી વિશૃંખલિત વાતો કર્યા કરી હતી.) આ બહેનને પૂછ્યું કે આ મારવાડાંનાં ગીતો મેળવવામાં મદદ કરશો? પણ તે કાળે તો તદ્દન અજાણ્યાં. એટલે એમણે કંઈ રસ લીધો નહિ. પછી બીતો બીતો એ બાઈઓને ઉંબરે ગયો. એના મરદોનો વિશ્વાસ મેળવ્યો. સ્ત્રીઓ ને પુરુષો બધાં મળીને કહે કે ‘હા, આવજો તમતમારે સાંભળવા; મંડાવશું. એમાં શું વાંધો છે! ના, અમને કાંઈ પણ સંકોચ નથી. ખુશીથી આવો.’ પછી એમણે જે ઋતુગીતો, લગ્ન-ગીતો કે આણાં વળાવવાનાં ગીતો ગાઈ ગાઈ, શબ્દોથી પરિચત બનાવી અને કાગળ પર ઉતારવા દીધાં, તેણે મારી સામે ગુજરાત મહાગુજરાતને બદલે તો સમસ્ત રાજસ્થાન (પશ્ચિમ હિંદ) ની સાંસ્કૃતિક એકરૂપતાનાં આજે થઈ ગયેલ પૂર્ણ દર્શનની તે કાળે ઝાંખી કરાવી હતી. આજે પણ એના એક લગ્નગીતને હિંડોળે મન ખૂલી રહ્યું છે— પગે પગે વાવડલી ખોદાવું હો રૂપાળી લાડી! પગે પગે વાવડલી ખોદાવું હો લાખેણી લાડી! લઈ ચાલાં મારે દેશ! નિર્જળી મરુભોમનો વાસી વરરાજ એ પાણીવિહોણા પ્રદેશથી ભય પામતી વધૂને લાલચ આપે છે-તારે પગલે પગલે કૂવા ગળાવીશ.’