પરકમ્મા/બાપના પાપનું પ્રાયશ્ચિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બાપના પાપનું પ્રાયશ્ચિત

એ બહારવટામાં પોતે સુરા મોરી નામના રજપૂતના છ દીકરા મારેલા. એક દિવસ લાખણસીભાઈ સણોસરા પાસે સાંઢીડા મહાદેવ નજીક સૂતેલા ત્યાં રાજની વાર ચડી પણ સુરો મોરી, કે જેના છ દીકરાનો લાખણસી કવિના બહારવટાએ ભોગ લીધેલો તેણે પોતે જ ચારણની હત્યા લાગશે એવી લાગણી થઈ આવવાથી પોતાની ઘોડી મોખરે કરી, જઈને લાખણસીભાઈને જગાડ્યા, ‘ભાગો, આ મારી ઘેાડી.’ લાખણશીભાઈ :— તારા દીકરાનાં મોતનાં નેવળ મારા પગમાં પડી ગયાં. હું લાખણશી હવે ન ભાગું. પોતાનો ભાણેજ હતો સાથે, એને કહે કે તું ભાગી છૂટ. ભાણેજ કહે, ન ભાગું. મામો ભાણેજ વારની સામે તરવાર ખેંચી ઊભા રહ્યા. વચ્ચે ઊભો સુરો મોરી, વારને કહ્યું, ‘પહેલા મને મારો, પછી ચારણને.’ વારમાંથી બંદૂક છૂટી. સુરાના પગમાં ગોળી વાગી. લાખણશીભાઈ પણ મરાણા. એના બે દીકરાને સુરા મોરીએ પાળ્યા ને ભણાવ્યા. (પોતાના છ દીકરાનો પ્રાણ લેનારના બે દીકરાને આવું રક્ષણ આપનાર રાજપૂતી સોરઠના પ્રાણબોલ સંભળાવે છે.) એ બે ચારણો, વજો ગઢવી અને ભાયો ગઢવી ગારીઆધાર છોડી સંવત પંદરમાં ઉમરાળે ઠાકોર વીસાજી ગોહિલ પાસે આવી રહ્યા. એક દિવસ વીસાજી ઠાકોર ઘેરે નહિ. કાઠીઓએ ધણ વાળ્યું. વજોભાઈ દોડ્યા, હાક મારી કે ‘કાઠી, મેલી દે માલને.’ કે ‘તારાં ચારણનાં બે હોય ઈ લઈ લે.’ કે ‘ના, ના, તમામ પાછાં વાળ. મારો ધણી ઘેરે નથી.’ ‘નહિ મળે.’ એટલે વજાભાઈ ચારણે ત્રાગા રૂપે ગળે તીર નાખ્યું. કાઠી લૂંટારો હસીને કહે કે 'ફિકર નહિ, એટલું વીંધ તો ચારણના ગળામાં હોય!’ જવાબમાં ચારણે ગળામાં બરછી પરોવી. પછી પેટ તરવાર નાખી. દેહ પાડી નાખ્યો. એ ખાંભી સ્વ. પીંગળશી પાતાભાઈની. પૂંછ ન મેલાય જૂના સાવર ગામના ખુમાણ દરબારને ઘેર બગસરાનો દેશો વાળો બરોબર બપોરે મહેમાન થયો છે. રોટલા ખાય છે. દરબારને દૂધની ટેવ છે. પણ બપોરવેળાએ દૂધ ક્યાંથી હોય? દેસોવાળો કહે છે : ‘આ ભેસું બેઠી. દોઈ લ્યોને!’ ‘બાપુ! કટાણે કાંઈ ભેસું મળે?’ ‘તો પૂંછ મેલીને દોઈ લ્યો.’ ‘પૂંછ મેલીને’ એટલે કે ભેંસના પૂછડાનો છેડો ભેંસના યોનિભાગમાં મૂકીને. ભેંસને દૂધનો પ્રાસવો મુકાવવાની એ એક જુક્તિ છે. ખુમાણોએ ખેદ દર્શાવ્યોઃ ‘બાપ! કાઠીનો દીકરો, હિંદુનો દીકરો પૂછ મેલીને દોયેલું દૂધ ખાય?’ ‘દોઈ લ્યો આપણા જણમાંથી કોક.’ એવી સૂચના દેસાવાળાએ પોતાના જોરના મદમાં પોતાનાં માણસોને આપી, એટલે ઠંડે કલેજે ખુમાણોએ સંભળાવ્યું: ‘ન દેવાય.’ ‘કેમ?’ ‘કાંડા હેઠાં પડે!’ ‘ઠીક તો જોજો, જૂના સાવરમાં હરણાં બેસારીશ.’ ‘હરણાં બેસારીશ’ એટલે ઉજ્જડ વેરાન બનાવીશ. ‘ખુશીથી.’ ‘દેસાનું તો દાટણ' એવું મુલકમાં ઓછું દેવાતું. એટલે કે દેસો વાળો જ્યાં ત્રાટકે ત્યાં દાટ જ વાળી દે. એક દિવસ ઓચીંતો દેસોવાળો ચડ્યો દોઢ હજારનું કટક લઈ. એમાં ત્રણ આરબોની બેરખ હતી. મીર બોલ્યો : ‘બાપ, સાવરને માથે ન જવાય. ઈ પાણી નોખું છે.’ ન માન્યા. ચાલ્યા. બાવળની ગીચ કાંટ્ય વચ્ચે આવી. એમાં રસ્તો ભૂલ્યા. કાંટ્યમાં વાઘરી ને વાઘરણ કજીઓ કરે. વાઘરણે કટકવાળાંને પૂછ્યું : ‘કોને માથે જાય છે બાપુ?’ કે ‘જૂના સાવરને માથે. ચાલ, કેડો બતાવ.’ વાઘરી-વાઘરણે કટકને ખોટો રસ્તો ચિંધાડ્યો. વાઘરણ ચોંકી ઊઠી. ધણીને કહે કે ‘પીટ્યા, જૂનું સાવર તો મારું પિયર; ઈનો આ દાટ વાળી દેશે, ધ્રોડ, હડી કાઢ ઝટ.’ અને વાઘરી કજીઓ મૂકી, મૂઠીઓ વાળીને દોડતો સાવર પહોંચ્યો. કટક આવે છે એવી જાણ કરી. હવે શું કરવું? ગામમાંથી જુવાન મરદો ગેરહાજર હતા. એક આપો : બુઢ્ઢો એવો : આવ્યો. જુક્તિ બતાવી. એક મોટો બાવળ કપાવીને એક ઝાંપે આડો ભીડી દીધો. બીજે ઝાંપે ગાડાંની હેડ ગોઠવી દીધી. બુઢ્ઢા કાઠીઓ ગામમાં હતા તેમાંથી એક્કેક જણ એક એક ગાડા નીચે બેસી ગયાં. દુકાનો ઉપર બબે બુઢ્ઢા લપાઈ ગયા : અને એ બધું બતાવનાર મુખ્ય બુઢ્ઢાઓ કટકની સામે જઈ, રાતવેળા આવતા કટકમાં આરબની બેરખની મશાલ ઓલવી નાખી. અંધારામાં જે ધીંગાણું થયું તેમાં દેસોવાળો ભૂંડો દેખાઈને પાછો ફરી ગયો. જીવવું મીઠું લાગતું ભેંસને પૂંછ મેલીને દોવાની સાદી બાબત પણ જે સમાજમાં સદાચારની વિઘાતક ગણાતી હતી તે સમાજની નીતિરક્ષાનો આ પ્રશ્ન લ્યો; ધણીની ગેરહાજરીમાં એનું ધણ ચોરાય તે ટાણે આશરાવાસી ચારણને મરી મટવાનું સૂઝે એ સ્વધર્મનો પ્રશ્ન નિહાળો, કોઈ પણ એક કિસ્સો ઉપાડો. એકજ મહાપ્રશ્નનાં એ પાસાં હતાં. માનવી તો તે સમયનો પણ, જીવનને મીઠું ગણતો. શોખને ખાતર એ કંઈ ઓછો જ કટકા થઈ જવા નીકળતો! ધર્માંધતા અગર રૂઢ સામાજિક માન્યતા પર એ હારાકીરી નહોતો કરતો. પણ જીવનની મીઠપને બેસ્વાદ બનાવી મૂકે તેવું કંઈ થતું ત્યારે પછી મૃત્યુથી ચાતરીને લૂખા ફિક્કા જીવનને વળગવું એને નિરર્થક લાગતું. જીવનની પાસેથી તો એ માનવી પણ ચારે હાથે મોજ ને મીઠાશ માગતો. જિજીવિષાના એ પિયુષને ઝીલતું આ ટાંચણપોથીનું છેલ્લું પાનું, એક રાજવણ કાઠીઆણી પાસેથી મળેલા શૃંગાર-ગીતને જીર્ણાવસ્થામાં ય જાળવી બેઠું છે. એ પીરસીને બીજી ટાંચણપોથીને વિદાય દઉં છું ને એક પરકમ્મા પુરી કરું છું પોપટડી રે’ તોરલો કંથ કાં રે પોપટ દૂબળો? દિ’વારે રે વનફળ વેડવાં જાય રાતે પોપટ પાંજરે હાથણલી રે! તોરલો કંથ કાં રે હાથી દુબળો દિ’વારે રે દરબાર ઝૂલવા જાય રાતે હાથી સાંકળે. નાની વહુ રે! તોરલો કંથ કાં રે ...ભાઈ દૂબળો? દિ’વારે ઘોડલાં ખેલવવા જાય રાતે રમે સોગઠે.