પરકમ્મા/માનવતા સ્પર્શતી હતી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
માનવતા સ્પર્શતી હતી

આ છેલ્લા પ્રસંગમાંથી બે મુદ્દા નોંધપાત્ર બને છે. એક તો ખરે ટાણે સોરઠી ઓરત મરદાઈ દાખવવા કુદી પડે : ને બીજું, કાઠિયાવાડના કાંટીઆ લોકોને બંદુકો પ્રત્યે નફરત : છેલ્લી વેળાનો મામલો મચે છે અને મરવું એ જ્યારે નિશ્ચિત લાગે છે, ત્યારે પણ ‘આવો તરવારે!’ એવો વીર–પડકાર સંભળાય છે. આખરી ટાણે ગભરાટ કે શૌર્યનો સન્નિપાત નથી. પણ શાંતિભેર અને ગૌરવભેર હાથોહાથની સમશેરબાજી બતાવીને પછી ખતમ થવાય તેની ખ્વાયેશ છે. બંદૂકો જ્યારે આ પ્રાંતે પહેલવહેલી આવી ત્યારે બહાદુરો બહુ રંજ પામ્યા હતા, અરે રોયા પણ હતા એમ કહેવાતું હું ઠેર ઠેર સાંભળું છું. ​કારણ કે તેમનો પોરસ હમેશાં હાથોહાથની લડાઈમાં મરદાઈનું પાણી બતાવવામાં હતો. વાત સાચી પણ છે. સામસામા આવીને જે મુકાબલો થતો હતો તેમાંથી પ્રેમના કેટલાક ઉચ્ચ અંશો પ્રકટ થતા. બંદૂકોએ એ અંશો ઓછો કર્યા. લડાઈ જેમ જેમ વધુ યાંત્રિક બનતી ગઈ તેમ તેમ વ્યકિતગત ખાનદાનીનું પ્રાકટ્ય કમતી થયું. ઠંડે કલેજે માઈલોના માઈલો દૂર રહીને અગર તો આકાશમાં ચડીને ગોળા વરસાવનારાઓને માટે મુખોમુખ માનવતાનું દર્શન અને જેના પોતે ભોગ લઈ રહેલ હોય છે તેના પ્રત્યેનું ઊર્મિસંવેદન અશક્ય છે. મારનાર મરનારને જોતો નથી. મૂળુ માણેકની પાસે મશીનગન હોત તો, એની મોટી સંખ્યા સામે એક બંદૂકવિહોણો સિપાહી ફક્ત છરીભર લડી રહેલ છે અને એક આણાત અબળા તરવાર લઈને ઊતરી પડેલ છે એથી એને હૈયે અહોભાવ અંકિત જે માર્દવ પ્રકટ્યું તે પ્રકટત નહિ અને ઘરેણાં લીધા વગર એ પાછો ફરી જાત નહિ. વાતડાહ્યાઓ વિદાય લે છે પાને પાને ઘટનાઓ ટંકાતી આવી છે. ઈતિહાસ જેની ખેવના જરીકે ન કરે તેવી નાની નાની, ગામટીંબાની, કુટુંબની, ઘરઘરની ઘટનાઓ લોકજિહ્‌વાએ લખી રાખી. કારણું કે એને તો લોકોને ઉંબરે ઉંબરે જઈને સંસ્કાર સચવાવવા હતા. માનવી માનવી વચ્ચેનો આચારવ્યવહાર ઊજળો રખાવવો હતો. મારાં ટાંચણનું નવું પાનું એવી એક જ ગામટીંબાની વાત સાચવી રહ્યું છે— ‘બગસરા ગામનો કાઠી દરબાર હરસુરવાળો. એની સામે માત્રો અને ઓઘડ [બાપ ને બેટો] નામના ભાયાત બહારવટે, બાપ ને બેટો કેવા?— પત્યા પડકારા કરે, પૂતર કે’ ધન્ય બાપ! ઓઘડ માત્રો ઉગારીએં તો ઉગરીએં આપ. (પિતા અને પુત્ર ધિંગાણામાં સામસામા પડકા કરી શૌર્ય ચડાવે.) એ બહારવટું પાર પડાવવા બીજા બે કાઠી પિતા-પુત્રે માંગા ધાધલે અને જાંતરૂ ધાધલે જવાબદારી લીધી. હરસુરવાળાનો કોલ મેળવીને બહારવટિયાને બોલાવવા ગયા. બહારવટિયા કહે કે ‘મામા! જેમ બોકડાને કાપી નાખે તેમ કાપી નખાવવા હોય તો વચમાં પડશો મા.’ કે ‘ના બાપ! કુવામાં ઉતારીને વરત વાઢવી નથી. સવા શેર લોઢાનો ખીલો તો સૌ વાપરે છે. [અર્થાત્ બરછી હશે!] પણ ખૂટલનો ખૂટે ને લોટણનો લોટે. બગાસરે બાબુજી તેં સજડે કાઢ્યું સૂડ, હે ખૂટલ હરસૂર! માર્યો ધાધલ માંગડો. હરસુરવાળાએ ખૂટામણ કરીને શરણે આવનાર બહારવટિયાઓનું કાસળ કાઢવા માટે જમાન બનેલા માંગા ધાંધલને ઠાર કર્યો. માંગાના પુત્ર જાંતરૂએ બહારવટિયાને બચાવવા તલવાર ચલાવી. બીજાઓને માર્યાં, પણ જ્યારે હરસુરવાળાને ઠાર કરવાની તક આવી ત્યારે જાંતરૂ પારોઠ કરીને ઊભો રહ્યો. (પારોઠ કરવી એટલે પીઠ દેવી. બસ, પાપીના પરિત્યાગ અને તિરસ્કારનું આ માનભર્યું સૂચન હતું : ‘પોરોઠ દઈને ઊભો રહ્યો.’) ને કહ્યું– ‘હરસુરવાળા, તને ન મારૂં. ‘તું પાળક કહેવા. પણ હવે તારા બગસરાનું પાણી નહિ પીઉં.’ જખ્મી બાપ માંગો મરવાની આખરી પળે દીકરાને કહે કે ‘જાંતરા, મને પાણી મેલ્ય.’ જાંતરૂ કહે કે ‘બાપુ, આંહીનું પાણી ન પીવાય. હવે તો પ્રાચીને પીપળે પિવાડીશ.’ (મુઆ પછી પ્રાચીને પીપળે પિતૃને પાણી નખાય છે.)