પરકમ્મા/‘મારી એબ જોઈ!’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘મારી એબ જોઈ!

રતો, મેપો, જાદરો, દાનો ને ગીગો, એ હતા વાણીવિહોણા સંતો. સેવા તેમની મુંગી હતી. સૌપહેલી સંત-વાણી મારે કાને કોળી સંત રામૈયાની પડી, જાંબુડી ગામનો આ મોટો શિકારી કોળી, નામે રામ ઘાંઘા. પશુઓના સંહાર સિવાય અન્ય કોઈ ઉદ્યમ નહિ. એને મળ્યા સંત રૂખડિયા વેલો બાવો. એ પણ કોળી. એની ભાળ પણ મારા ચારણમિત્ર ગગુભાઈ પાસેથી મળી. મેં પૂછ્યું હતું, કે અમે એક ગરબો ગાઈએ છીએ— ‘રૂખડ બાવા તું હળવો હળવો હાલ્ય જો, ‘ગરવાને માથે રે રૂખડિયા ઝળુંબિયો એ રૂખડ બાવો કોણ, જાણો છો? એ કહે કે એ તો વેલો બાવો— ‘વેલા બાવા તું હળવો હળવો હાલ્ય જો, ‘ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.’ ‘એ તો કણબી કોળીઓનું પ્રિય ગીત છે. આજ ગિરનારની તળેટીમાં વેલાવડ છે, એ એના દાતણની ચીરથી રોપેલો. અને એ તો ‘ભૈરવનો રમનારો, ગુરુ મારો ભૈરવને રમનારો’ કહેવાય છે. ભૈરવજપની ભયંકર ટૂંક પર એનાં બેસણાં હતાં. સેંજળીઆ શાખના કણબીઓ વેલાને માને છે. કારણ કે મુળ જુવાનીમાં વેલો એક સેંજળીઆ કણબીને ઘેર સાથી રહી ખેતર ખેડતા, સાંઠીઓ સૂડતા. ટાંચણ બોલે છે એના પહેલા પરચાની કાવ્યમય વાત. ‘પોતે સાંઠીઓ સૂડવા જાય, પણ જઈને ખેતરે તો ઝાડવા હેઠે સૂઈ રહે છે એવી વાત સેંજળીઆ કણબીને કાને આવી. ગયો બપોરે ખેતરે જોવા. જુએ તો વેલો ઉંઘે છે, ને કોદાળી એકલી ખેતરમાં પોતાની જાણે સાંઠીઓ સૂડે છે!’ જગાડ્યો. પગે લાગ્યો. વેલો કહે કે ‘તેં મારી એબ જોઈ. હવે ન રહેવાય. લાવ મુસારો.’ પૈસા લઈને ચાલી નીકળ્યા, પૈસા છોકરાંને વહેંચતા ગયા. ‘મારી એબ જોઈ-હવે નહિ રહું’ લોકકથાઓનું આ પણ એક જાણીતું ‘મોટીફ’ છે; દેવપદમણી હોથલે પિયુ ઓઢા જામને વચને બાંધેલો, કે તારા ઘરમાંથી મને પ્રકટ કરીશ તે દી’ હું નહિ રહું. વચન લોપાયું, છતી કરી, ચાલી ગઈ. દેવાયત પંડિતને દેવપરી દેવલદેએ ચેતાવેલ – મારી એબ જોઈશ તે દી’ નહિ રહું. ઘરમાં બેઠી. લોકોમાં ચણભણાટ ચાલ્યો : ભગત, તમે ઘેર નથી હોતા ત્યારે ઘરમાં કોક પુરુષ આવે છે ને વાતું થાય છે. વ્હેમાયેલા પતિએ એક વાર એબ નિહાળી– ‘હાથમાં કળશ ને વયો જાય અસ્વાર, ‘મોલે સમાણાં દેવલંદ નાર.’ એમ જ ચાલ્યા ગયા સંત વેલો. જગતને પ્રબોધવા લાગ્યા. શિકારી રામડો આવીને કહે, ‘કડી બાંધો.’ ‘કે બાપ, તારાં પાપને ત્યાગ, પછી બાંધું.’ શિકારનો રસિયો મનને નિગ્રહવા મથ્યો. પણ ગામપાદરમાં જબરું એક રોઝ પ્રાણી આવ્યું. બાયડીએ ભોળવીને મોકલ્યો. નવ ગોળી મારી. ન મર્યું. ચાલ્યું ગયું. પરગામથી ગુરુનું તેડું આવ્યું. જઈને જુએ તો પથારીવશ વેલાને શરીરે નવ નવ ગોળીના જખમો નીતરે! બોલ્યા– ‘બાપ, મને આખો દી’ બંધૂકે દીધો!’ બંદૂક છીપર પર પછાડીને ભાંગી રામડો પગે પડ્યો. ગુરુ છરી લઈને છાતી પર ચડી બેઠા. હુલાવી નાખું. જવાબમાં રામડાને વાણી ફૂટી. ૩૫૦ ભજન ગાયાં.