પરકીયા/તારું હાસ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તારું હાસ્ય

સુરેશ જોષી

મારો અન્નનો કોળિયો લઈ લેવો હોય તો લઈ લે,
હવા સુધ્ધાં લઈ લે, પણ
તારું હાસ્ય મારી પાસેથી ઝૂંટવી લઈશ નહીં.
એ ગુલાબ ઝૂંટવી લઈશ નહીં,
તારું ચૂંટેલું અણિયાળું ફૂલ,
એકાએક તારા આનન્દમાં
છલકાઈ ઊઠતું જળ,
તારામાં જન્મેલું
એકાએક ઊછળતું
એ રૂપેરી મોજું.
મારો સંઘર્ષ કપરો છે,
થાકેલી આંખે હું એમાંથી પાછો વળું છું
કેટલીક વાર,
આ નહીં બદલાતી હઠીલી
ધરતીને જોઈને,
પણ તારું હાસ્ય, પ્રવેશતાંની સાથે જ –
મને શોધતું આકાશને આંબે,
અને મારે માટે
એ જીવનનાં સર્વ દ્વાર ખોલી નાંખે.
પ્રિયે, કાજળકાળી ક્ષણોમાં
તારું હાસ્ય ખીલી રહો,
ને જો તને એકાએક
શેરીના પથ્થરો મારા રક્તથી છંટાતા દેખાય
તો ય તું હસજે,
કારણ કે તારું હાસ્ય મારા હાથમાં
તાતી તલવાર બની રહેશે.
પાનખરમાં, દરિયાની પડખે
હું જોઈશ તારા હાસ્યનો ફેનિલ પ્રપાત,
અને વસન્તમાં પ્રિયે,
હું જે ફૂલની પ્રતીક્ષા કરતો હતો
તે ફૂલ તારું હાસ્ય બની રહેશે –
ભૂરું ફૂલ, મારા પડઘાતા દેશનું
ગુલાબ.

આ રાતને હસજે
આ દિવસને હસજે
આ ચન્દ્રને હસજે
આ દ્વીપની અવળચંડી
શેરીઓને હસજે
આ તને ચાહનારા
અણઘડ છોકરડાને હસજે,
પણ જ્યારે હું મારી આંખો ઉઘાડું
ને બીડું,
જ્યારે મારાં ચરણ દૂર સરે
ને નજીક આવે
ત્યારે જોઈએ તો અન્નનો કોળિયો લઈ લેજે,
હવા સુધ્ધાં લઈ લેજે,
પણ તારું હાસ્ય કદી ઝૂંટવી લઈશ નહીં
કારણ કે તો હું નહીં જીવું.