પરકીયા/શાહેદી રજૂ કરો
સુરેશ જોષી
…પણ માણસને વિશે જ સવાલ ઊભો થયો છે! તો એ માણસનો પોતાનો પ્રશ્ન ક્યારે બનશે? – આ દુનિયામાં કોઈક તો પોતાના અવાજને બુલંદ બનાવશે?
કારણ કે માણસને વિશે જ શંકા ઊભી થઈ છે, એની માનવીય ઉપસ્થિતિમાં; અને એની અંદરના ગર્વીલા વિશાળ સાગરો પરના એના દૃષ્ટિના પ્રસારમાં.
ત્વરા કરો! ત્વરા કરો! માણસને માટે શાહેદી રજૂ કરો!
અને કવિ પોતે એનાં હજાર વર્ષોના મહાલયમાંથી બહાર આવે છે.
માટી ખોદતી ભમરી અને રાત્રિના રહસ્યમય અતિથિ સાથે એના અનુચરો અને અનુયાયીઓનાં ટોળાં સાથે; કૂવા ખોદનાર, અને જ્યોતિષી, કઠિયારો અને મીઠું પકવનાર, મોચી, શરાફ, ‘મરકીથી માંદું પ્રાણી.’
‘ચંડોળ અને એનું બચ્ચું અને ખેતરનો માલિક’ અને ‘આસક્ત સિંહ’, અને ‘વાનર, જાદુઈ ફાનસનો ખેલ બતાવનાર.’
…ધીરજ ધરનારા બધા માણસો સાથે, બધાં સ્મિત ધારણ કરનારાઓ સાથે,
સમુદ્રના ગર્ભમાંનાં પ્રાણીને ઉછેરનારાઓ અને ભૂમિના ઉદરના જળને ખેડનારાઓ,
ગુફાઓમાં મૂતિર્ઓનો સંચય કરનારાઓ અને ભોંયરામાં ગુહ્યાંગોનું શિલ્પ કંડારનારાઓ.
મીઠું અને કોલસાઓના મહાન દ્રષ્ટાઓ, ખાણને તળિયે આકાંક્ષા અને ઉષાથી મદમત્ત; બંદૂકની સંગીનના ખડકલા વચ્ચે ને યુદ્ધની છાવણીમાં વાજું વગાડનારાઓ;
ભવિષ્યકથન કરનારાઓના અડ્ડામાંના ભૂરકી નાખનારાઓ અને હવે પછી આવનારાં ટોળાંને દોરનારા ગુપ્ત નેતાઓ, કાતરિયામાં ક્રાન્તિના ખરીતા પર દસ્તખત કરનારાઓ,
અને કોઈનામાં સંશય જગાડ્યા વિના યુવાનોમાં સ્ફૂતિર્ પ્રેરનારાઓ, નવાં લખાણને ઉશ્કેરનારાઓ અને દૂર રહીને ઉત્તેજક દર્શનને ઉછેરનારાઓ… નમ્રતાવાળા બધા માણસો સાથે, વિષાદના માર્ગ પર સ્મિત કરનારા બધા માણસો સાથે,
હદપાર થયેલી રાણીઓને છૂંદણાં છૂંદનારા, મોટી હોટેલોના ભંડારિયામાં મરવા પડેલા વાનરોનું પારણું ઝુલાવનાર, લગ્નસુખની સેજની કિનારે સીસાંનો ટોપો માથે ચઢાવીને બેઠેલા રેડિયોલોજીસ્ટ અને લીલાંછમ પાણીમાં વાદળી પકડનારા માછીમારો, આરસકન્યાઓ અને રોમની કાંસાની મૂતિર્ઓ સાથે પડખાં ઘસનારાઓ;
વનમાં બિલાડીના ટોપ અને કમળકાકડીને વાર્તા કહેનારા, યુદ્ધની સામગ્રી તૈયાર કરનારાં ગુપ્ત કારખાનાંઓ અને પ્રયોગશાળામાં સીટી બજાવનારાઓ,
અને ધ્રુવપ્રદેશની છાવણીમાંના કોઠાર સાચવનારા, બીવરના ચામડાની મોજડી પહેરનારા, શિયાળાના દીવાના સંરક્ષક અને મધ્યરાત્રિના સૂર્યના તેજમાં ગેઝેટ વાંચનારાઓ,
નમ્રતા ધારણ કરનારા બધા માણસો સાથે, ભૂલોનાં કારખાનામાં કામ કરનારા ધીરજવાળા બધા માણસો સાથે,
તોપના ગોળા છોડનારાં યંત્રો બનાવનાર ઇજનેરો, ખડકના પેટાળને ભેદી નાખે એવી તોપનાં મોઢાંવાળી જંગી ઇમારતો સાથે,
સુંદર સંગેમરમરનાં ટેબલો પર અટપટી ચાંપ અને કળ દાબનારા, જુદાં જુદાં રાસાયણિક સ્ફોટક દ્રવ્યોને પારખનારા અને ઊડવાનો માર્ગ બતાવનાર નક્શાને સુધારનારા,
દર્પણોથી ખચેલી પરસાળને છેડે સમસ્યાને શોધનાર ગણિતજ્ઞ, કપાળમાં કરચલી પડેલા ચહેરાવાળો બીજગણિતશાસ્ત્રી; દૈવી અનિષ્ટોને સુધારનારા, ભોંયરામાંના ચશ્મા બનાવનારા ને ફિલસૂફો, ચશ્માના કાચ ઘસનારા,
ઊંડા ગહ્વરોમાંના ને ખુલ્લા અવકાશમાંના બધા માણસો, મોટાં વાદિત્રોના આંધળા વગાડનારા ને ઊંચેના અવકાશમાં વિમાન હાંકનારા, પ્રકાશનાં ફોતરાંમાં કાંટાળા મોટા સંન્યાસીઓ,
અને રાત્રિએ ધ્યાન ધરનારા, તન્તુને અંતે સોજાથી ફૂલી ગયેલા કરોળિયા જેવા,
…એના અનુચરોનાં ટોળાં સાથે, એના અનુયાયીઓનાં ટોળાં સાથે ને એનાં પવનમાં ફરફરતા ચીંથરા સાથે,
હે સ્મિત, હે નમ્રતા,
કવિ પોતે જ આવીને ઊભો છે શતાબ્દીના ત્રિભેટા પર:
– માણસોના ધોરી માર્ગ પર એનું સ્વાગત હો, એનાથી સો વાર છેટે પવન નવાં ફૂટેલાં તૃણાંકુરને નમાવે છે.
કારણ કે માણસને વિશે જ સવાલ ઊભો થયો છે, એને ફરીથી અખણ્ડ કરવાનો.
દુનિયામાંથી કોઈ એનો અવાજ નહિ ઉઠાવે? માણસને માટેની શાહેદી… કવિને બોલવા દો, અને એની દોરવણી હેઠળ ચુકાદો આવવા દો.
‘(Winds’ના ત્રીજા ખણ્ડનો ચોથો સર્ગ)