પરકીયા/સદૈવ
Jump to navigation
Jump to search
સદૈવ
સુરેશ જોષી
તું મારી મોઢામોઢ ઊભી હોય છે
ત્યારે મને ઈર્ષ્યા થતી નથી.
ભલે ને તારી પાછળ કોઈ એકાદને લઈ આવ,
કે તારા કેશમાં સેંકડોને લઈને આવ,
કે તારાં સ્તન અને ચરણ વચ્ચે હજારોને લઈ આવ.,
ડૂબેલાં માણસોથી ભરેલી
નદીની જેમ આવ
જે ક્રુદ્ધ સમુદ્રને જઈને મળે–
અનન્ત ફીણ, ગાંડોતૂર પવન.
હું તારી પ્રતીક્ષા કરું છું ત્યાં
બધાંને લઈ આવ:
તો ય આપણે તો સદા એકલાં જ હોઈશું,
માત્ર આપણે બે જ હોઈશું – તું અને હું,
જીવનનો પ્રારમ્ભ કરવાને,
આ ધરતી પર, એકલાં આપણે બે.