પરકીયા/સુન્દરતા સ્તવન
સુરેશ જોષી
સુન્દરતા, જન્મ તારો અગાધ શું નભે?
અતલ પાતાલથકી પામી તું ઉદય?
નેત્ર તારાં નારકી ને દૈવી વિતરે છે સાથે
શુભ ને અશુભ; તેથી તું છો મદતુલ્ય.
તારાં નેત્રોમહીં વસે સન્ધ્યા અને ઉષા,
ઝંઝામત્ત પ્રહર શી વિખેરે સૌરભ;
તારાં મુખતણો જામ ચુમ્બને ઢાળે ઔષધિનો રસ,
વીરનું પ્રકમ્પે તનુ, શિશુ ચહે કરવા સાહસ.
નારકી ગહ્વરે તારો વાસ કે તું અવતરી નક્ષત્રોથી?
મન્ત્રમુગ્ધ દેવ તને અનુસરે કો શ્વાનની જેમ,
સ્વેચ્છાએ તું વાવે બીજ આનન્દ ને વિનાશનાં,
નિમન્ત્રણ તારું બધે, કિન્તુ તું ના કોઈને આધીન.
હે સુન્દરી, મૃતને ચરણે ચાંપી ચાલી જાય કરી અવહેલા,
આતંક તો વક્ષે તારે કૌસ્તુભ શો ઝૂલતો દીસે છે સદા;
જિઘાંસા છે તને અતિ પ્રિય અલંકાર,
દર્પપૂર્ણ નાભિપરે કામુક એ કરે થૈથૈકાર.
ધસી જાય પતંગિયાં વારી જઈ, તને માની શમા,
બળી જાય ને છતાં ય અભિવાદે: ‘ધન્ય દીપશિખા!’
કમ્પમાન પ્રિયતમ પ્રસારતો અંગ જ્યારે પ્રિયતમા પરે
મુમૂર્ષુ કો આલંગિતો ચિતાને ના હોય જાણે!
હે સુન્દરી! જનમી હોય સ્વર્ગમાં કે નરકમાં ભલે,
વિરાટ ને ભયાવહ રાક્ષસી નૈપુણ્યવતી!
નયનો ને સ્મિત તવ, ને ચરણ તારાં
અજ્ઞાત કો અસીમનાં ખોલે દ્વાર, જેને ચાહું સદા.