પરકીયા/સ્તોત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્તોત્ર

સુરેશ જોષી

પ્રિયતમા, ચરમ સુન્દરતમા!
દ્યુતિથકી પરિપૂર્ણ કરતી હૃદય,
પ્રતિમા અમૃતમયી, અયિ દિવ્યા;
તને અમરાને કરું નમસ્કાર.

વ્યાપી જાય જીવને તું બાલે,
સાગરની લહર લવણભરી જાણે,
ક્ષુધાર્ત આ પ્રાણે મારે
ઢાળી દિયે શાશ્વતીની ધારા.

અક્ષય સૌરભતણો સંચય તું,
સુવાસિત કરી દિયે મારું પ્રિય સ્થાન;
ભુલાયેલી ધૂપસળી સમી પ્રિયે!
ગુપ્ત રહી ગન્ધવતી કરે રાત.

અનિન્દ્યા અવચનીયા પ્રિયતમા,
શી ભાષાએ વર્ણવું હું તને?
કસ્તુરીના કણસમી લુપ્ત તું તો
શાશ્વતના મર્મસ્થાને મમ.

શુભતમા ચરમ સુન્દરતમા,
આનન્દ ને સ્વાસ્થ્યતણી દાત્રી;
પ્રતિમા અમૃતમયી, અયિ દિવ્યા,
તને અમરાને કરું, નમસ્કાર.