આત્માની માતૃભાષા/10
રમણીક અગ્રાવત
જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી
ઝીણી પાતળી તેજપિચ્છ-કલગી, દૃષ્ટિ પડે ના પડે,
ઓચિંતો તહીં જાય ડૂબી તિમિરે; જેવું લીલા વિસ્તરી
સોણું નીંદરમાં ઠરી ક્ષણ, સરે, જોવા પછી ના જડે;
ને જેવી કવિતા અખંડ ઉરની આરાધના તર્પવા
એકાએક છતી થઈ હૃદયમાં કો કલ્પના ખેરવી
ઊડી જાય, ન દે સમો શબદની શ્રદ્ધાંજલિ અર્પવા —
ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર એ, ર્હે માત્ર હૈયે છવી.
એવું એક મીઠા પ્રભાત સમયે કો પંખી આવ્યું ઊડી,
જોયું ને અણદીઠ એક પળમાં તો ક્યાંક ચાલ્યું ડૂબી;
એને તારકતેજરેખ સરખું, કે સ્વપ્નલીલા સમું,
કે મોંઘી કવિતાકુમાશ ઝરતું ના ગીત ગાવું ગમ્યું.
કૈં અસ્પર્શ્ય ન એવી પાછળ સ્મૃતિ રાખી જવાને રૂડી
પીંછું ખેરવીને ગયું, ઊડી ગયું.
ના ગીત મૂકી ગયું:
પોતે ના કંઈ ગાયું, કિંતુ મુજને ગાતો કરીને ગયું.
બામણા, ૪-૧-૧૯૩૩
એક ટહુકારથી આખું આકાશ ભરાઈ જાય. એક પીંછું ખરે ત્યાં આખું આકાશ ખાલી થઈ જાય. એક ઉડ્ડયનથી મેઘધનુષ રચાઈ જાય આકાશમાં. એક વિલયથી સન્નાટો ચિતરાઈ જાય આકાશમાં. ચૂપચાપ કેટકેટલું બને છે આકાશમાં! આકાશમાંથી જ અવિરત પ્રકાશ આવે છે, આકાશમાંથી જ ઝરે છે અંધાર. આકાશમાંથી વરસે અમૃતવર્ષા. કેટકેટલી ઊર્જા સંઘરી બેઠેલું આકાશ પોતાનું હેત ઠાલવતું જ રહે છે. પંખીઓનાં રમ્ય ઉડ્ડયનોથી સમૃદ્ધ હોય છે આકાશ. વાદળોનાં નમણાં શિલ્પો વચ્ચે ખંખોળિયા ખાતો પવન આકાશની મોકળાશમાં જ મહાલે છે. ભલે સાવ સરળતાથી એમ કહીએ કે પવન આકાશની મોકળાશમાં મહાલે છે, પણ આકાશની મોકળાશમાં સાક્ષાત્ મહાલતાં દેખાય છે તો પંખીઓ જ. પંખીઓ આકાશ અને ધરતીને જોડતી કડી છે. ધરતી પરથી ઉડાન ભરીને આકાશે જતાં પંખીઓ માણસની કદી ન થાકતી આશાના હરતાંફરતાં જીવંત પ્રતીકો છે. કવિ ઉમાશંકર જોશીએ શબ્દોને પંખીઓ જેવા ટપકતા પ્રકાશના ટુકડા કહ્યા છે. ભાવના આકાશમાં પંખીઓની જેમ ઊડાઊડ કરતા શબ્દોને આનાથી ચડિયાતી બીજી કઈ ઉપમા હોય? આ કવિને હાથે જ ૧૯૮૧માં પંખીલોક રચાવાનો હતો. નિહાળો તેની એક ઉડાન:
પ્રભાતના પર્ણેપર્ણ લચી રહે કલરવે, પૃથ્વીનાં મીચેલાં જડ પડળોનો
સંચિત સ્વરપુંજ જાણે પાંદડે પાંદડે નાચતો
આખા આકાશને ચોમેર ભરતો ફુવારા-શો ઊડી રહે.
પૃથ્વીના ભીતરી મૌનનો ભાસ્વત ઉત્સવ જાણે સ્તોત્રછોળે
પ્રત્યેક પરોઢે પંખીલોકમાં અંતરિક્ષે ઊજવાય.
પંખીલોકની નાંદી રૂપે છેક ૧૯૩૩માં પીંછું નામનું આ નમણું કાવ્ય જાણે રચાય છે. કવિએ સ્થળસંકેત (અને સમયસંકેત પણ) કર્યો છે. ભલે એ કોઈ પંખી બામણાની ભૂમિ પર ઊતર્યું હોય અને પોતાનું પીંછું ખેરવી કાળપ્રવાહમાં વહી ગયું હોય, ગુજરાતી કવિતાની ભાવભૂમિમાં એની છાપ અમીટપણે અંકિત થઈ ચૂકી છે એ નક્કી. કોઈ શુભ મુહૂર્તમાં આવી ચડ્યું છે આ પંખી. પંખીના આવવાની ક્રિયાને શાર્દુલવિક્રીડિતની પ્રલંભ પદાવલિમાં પહોળે પટે ઘૂંટી ઘૂંટીને ઉપસાવવામાં આવી છે. જેમ કોઈ તારક ઝીણી પાતળી તેજપિચ્છ કલગી પાથરી દૃષ્ટિ પડે ન પડે ત્યાં ઓચિંતો અંધારામાં ડૂબી જાય, જેમ ઘડીભર અવનવી લીલા વિસ્તારી કોઈ સ્વપ્ન ક્ષણેક ઠરી, સરી જાય ને પછી જોવા જ ન મળે, જેમ હૃદયની કોઈ રૂપ પામવા મથતી ઊર્મિને જરીક છતી કરી ઘાટ મળે ન મળે ત્યાં કવિતા ઊડી જાય, ભલે હૃદયમાં તેની સ્પષ્ટ છબી હોય પણ એક શબ્દ ન પાડી શકીએ, એવા કોઈ ભાવ જેવું — જાણે નર્યું ભાવરૂપ — પંખી એક મીઠા પ્રભાત સમયે આવ્યું. લગ્નમંગલને વધાવતો છંદ અહીં એક પંખીના મંગલ આગમનની વધાઈ લઈ આવ્યો છે. કાવ્યની પ્રથમ આઠ પંક્તિઓ આ શુભ આગમનની વધામણી ગાઈ રહે ન રહે ત્યાં તો આ પંખી આવ્યું એવું ગયું. હજી એને જોઈએ ન જોઈએ ત્યાં એક પળમાં તો ક્યાંક ચાલ્યું ગયું. જાણે ડૂબી ગયું વિસ્મૃતિમાં! પંખી તો ઊડી જાય, પણ અહીં એ ડૂબી ગયું છે! સંવેદનોનાં અંતરિક્ષમાં ઊંચું કે નીચું કંઈ નથી. ત્યાં તો બધું સમધારણ છે. ત્યાં ઊડવું અને ડૂબવું એક! પંખી સ્મૃતિજળમાં ક્યાંય અલોપ થયું! એ પંખીને પોતાની દીપ્તિથી સ્મૃતિમાં ઝળહળતું કોઈ ગીત ગાવું ગમ્યું નથી, કે સ્વપ્નલીલામાં ગરકાવ કરતો કોઈ રણઝણતો લય એ મૂકી ગયું નથી, કે કશીક કવિતા-કુમાશથી ઝરતું કોઈ ગાન પાછળ છોડી ગયું નથી. પરંતુ જેને સ્પર્શી શકાય, હાથથી જેને અડકીને પામી શકાય એવું એક નર્યું પીંછું પાછળ મૂકી ગયું છે પંખી. પીંછું આમ તો સાવ નગણ્ય, નાચીજ; છતાં એ એક હૃદયને અવશ્ય ગાતું કરી શકે. પંખીએ કંઈયે નહીં ગાઈને, એક અમસ્તો ટહુકાર પણ રમતો નહીં મૂકીને, સાવ અબોલ રહીને કશીક અનાયાસ પમરતી કોઈ સુગંધ જેવું તરલ ગાન વહેતું કરી દીધું છે! આ કાવ્યમાં આટલે સુધી જો આવ્યા જ હો તો એને સસ્વર જરા મોટેથી ગાઈ જુઓ. કાવ્યની ૧૪મી પંક્તિએ આવતાં ‘પીંછું ખેરવીને ગયું’ પછી ‘ઊડી ગયું’ ગાશો ત્યાં ખરેખર ઊડી જતું પંખી સાક્ષાત્ થશે. પંખીને શબ્દોની હારમાળામાં પંક્તિબદ્ધ બેસાડીને વળી પાછું શબ્દ રૂપે કવિ જ ઉડાડી શકે! ‘કિંતુ મુજને ગાતો કરી ગયું’ પછી કાવ્ય એક દીર્ઘ વિરામ લે છે, તે જાણે પછીથી મચી રહેતી ગાનપ્રચુરતાને તાદૃશ્ય કરે છે. તમે કદી આકાશમાંથી પીંછું પડતાં જોયું છે? કોઈક રસ્તે જતાં અચાનક પીંછું પડેલું દેખાય કે તેને ઝડપી લેવા તમારો હાથ સળવળીને ક્યારેક રહી ગયો છે? એ પીંછાને સાફસૂથરું કરી ગમતા પુસ્તકમાં કે ટેબલ પર કે ક્યાંય ફરકાવવાનું મન થયું છે? આવું થયું હોય કે થતાં થતાં રહી ગયું હોય તો તો આ પીંછું તમને અવશ્ય ગમશે. પીંછું કોને ન ગમે? આ જ પીંછું કદીક મુકુટે પણ શોભ્યું છે ને? કવિે પણ ‘તેજપિચ્છકલગી'માં તેનો ઇશારો તો કર્યો જ છે. મન પંચમીને અવસરે ચન્દ્ર જ્યારે જ્યારે રમ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યારે કોઈ ને કોઈ પંખી પીંછું મૂકીને ઊડી જાય છે, કોઈક નજર એને ઝાલી પણ લે છે!