પરમ સમીપે/અંતરની વાણી
આમ તો, પ્રાર્થના એ અંતરતમનો અંતર્યામી સાથેનો નીરવ સંવાદ છે; પણ ક્યારેક ભાવો અને લાગણીઓને પોતાની અભિવ્યક્તિ માટે શબ્દોનો આશ્રય લેવો પડે છે. એટલા માટે જ ઋષિઓ, સંતો, મહાન ભક્તો અને સામાન્ય જનો — સૌને કંઠેથી પરમાત્માને સીધી સંબોધતી વાણી ફૂટી છે. ઈશ્વર સાથે અંગત સંબંધ પર રચાયેલી આ પ્રાર્થનાઓમાં ભગવાન માટેનો પ્રેમ છે, એ પ્રેમનો આનંદ છે, હૃદયનું સમર્પણ છે, તો કપરી પળોમાં સહાયની માગણી અને અંધકારમાંથી પ્રકાશમાં જવાની અભીપ્સા પણ છે.
અમેરિકાનાં લેખિકા હેલન સ્ટીનર રાઇસનાં આવાં પ્રભુપ્રેમનાં કાવ્યોનું પુસ્તક એક વાર હાથમાં આવતાં, એના સહજ સરળ ઉદ્ગારોમાં રહેલા ઊંડા ભાવથી હૃદય ભીંજાયું, ત્યારે થયું, કે આપણે ત્યાં પ્રાર્થનાનો ભાવ વ્યક્ત કરતા શ્લોકો, સ્તોત્રો, સ્તુતિઓ, કાવ્ય-રચનાઓ છે, પણ રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોને બાદ કરતાં, ભગવાન સાથે સીધી વાત કરતી, આત્મ-નિવેદનાત્મક રચનાઓ ઓછી જોવા મળે છે. એ પ્રકારનો સંગ્રહ ગુજરાતીમાં તો કદાચ એક પણ નથી.
આ વિચાર પરથી આવું એક સંકલન તૈયાર કરવાની ઇચ્છા થઈ. પરિણામ : પરમ સમીપે.
આ સંકલનની પ્રાર્થનાઓ પાંચ વિભાગમાં વહેંચાયેલી છે. પહેલા વિભાગ(૧-૧૦)માં વૈદિક-પૌરાણિક પ્રાર્થનાઓ છે; બીજા વિભાગ(૧૧-૩૫)માં સંત જ્ઞાનેશ્વરથી ગુરુદયાળ મલ્લિક સુધીના પ્રસિદ્ધ સંતો-ભક્તોના ઉદ્ગારો છે; ત્રીજા વિભાગ(૩૬-૪૭)માં મુખ્યત્વે વિદેશી લેખકો-કવિઓનું ભાવ-નિવેદન છે. ચોથા વિભાગ(૪૮-૮૨)માં તથા પાંચમા વિભાગ(૮૩-૯૯)માં જે રચનાઓ છે તેમાં કેટલીક મેં સ્વતંત્રપણે રચેલી અને કેટલીક પ્રાર્થનાને લગતાં અનેક અંગ્રેજી પુસ્તકો વાંચ્યાં તેની છાયા હેઠળ રચાયેલી છે. પાંચમા વિભાગની રચનાઓ વિશેષ પરિસ્થિતિ, પ્રસંગ કે વ્યક્તિને અનુલક્ષીને છે. આ માટે જે પુસ્તકોની મને મદદ મળી તેમાં ધ પ્રેયર્સ આઈ લવ (સં. : ડેવિડ રેડિંગ); પ્રેયરફુલી (હેલન સ્ટીનર રાઇસ); ધ પ્લેઇન બુક ઑફ પ્રેયર્સ (વિલિયમ બાર્કલે), અ વુમન્સ બૂક ઑફ પ્રેયર્સ (રીટા સ્નોડન), પ્રેયર્સ ઑફ લાઇફ (મિચેલ ક્વોઇસ્ટ) વગેરે પુસ્તકોનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. આ ઉપરાંત યુનિવર્સલ પ્રેયર્સ (સ્વામી યતીશ્વરાનંદ), રુદ્રાષ્ટાધ્યાયી, ભાગવત, ભારત કે સંત મહાત્મા (રામલાલ), કલ્યાણ-વિશેષાંક, પ્રાર્થનાપ્રસાદ (પ્ર. શારદાગ્રામ), ગીતાંજલિ-નૈવેદ્ય (રવીન્દ્રનાથ ટાગોર), આશ્રમ-ભજનાવલિ તથા ‘નવનીત’ (ગુજરાતી ડાયજેસ્ટ)ના અઢાર વર્ષના અંકોમાંથી પણ રચનાઓની પસંદગી કરી છે; તે માટે તે-તે પુસ્તકોના સંપાદકો-પ્રકાશકોની આભારી છું. શ્રી અરવિંદ આશ્રમ (પૉન્ડિચેરી)એ માતાજીના ‘પ્રેયર્સ ઍન્ડ મેડિટેશન’ પુસ્તકની ત્રણ પ્રાર્થનાઓનો ‘દક્ષિણા’માં પ્રગટ થયેલો અનુવાદ લેવા માટે આપેલી મંજૂરી બદલ તેમનો પણ આભાર માનું છું. ઉપર ઉલ્લેખેલાં કેટલાંક પુસ્તકો સુલભ કરી આપવા માટે સુહૃદ શ્રી હમીર વિસનજી તથા અમુલખ અમીચંદ વિવિધલક્ષી વિદ્યાલયના શ્રી જગુભાઈ શેઠની પણ હું આભારી છું.
શ્રી જયવદનભાઈ તક્તાવાલાએ, કેવળ ઉત્તમ પુસ્તકો માટેની પ્રીતિથી, આ પુસ્તક મુંબઈના મૌજ પ્રિન્ટિંગ બ્યૂરો જેવા ઉત્તમ પ્રેસમાં છપાવવા છતાં, પ્રમાણમાં સસ્તી કિંમતે પ્રગટ કર્યું છે તે માટે તેમનો અને શ્રી ઇન્દ્રજિત મોગલે પોતાની વિશિષ્ટ ચીવટ વડે પ્રૂફવાચન કરવા ઉપરાંત પુસ્તક-નિર્માણની સંપૂર્ણ પ્રક્રિયા પર અંગત દેખરેખ રાખી છે તે માટે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.
પ્રાર્થના જીવનનું બળ છે. વિષમ પરિસ્થિતિમાં મુકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા, ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના, તેની સ્થિતિમાંથી ઉપર ઊંચકી લઈ એક મહત્ ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે. મને માત્ર શ્રદ્ધા જ નહિ, પ્રતીતિ છે કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે અને પોતાની રીતે તેનો જવાબ પણ વાળે છે. આ પુસ્તક વાંચતાં પ્રભુ પ્રત્યેની એવી અભિમુખતા જાગશે એવી આશા રાખું છું.
નંદિગ્રામ
ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ
(જિ. વલસાડ) ૩૯૬ ૦૦૭
કુન્દનિકા કાપડીઆ