પરમ સમીપે/૨૪
પ્રભુ,
તારા વિશે હું સતત સભાન રહેવા ઇચ્છું છું
અને મારા સ્વરૂપના નાનામાં નાના કોષોમાં
તને પ્રત્યક્ષ કરવા ઇચ્છું છું.
તને હું મારી જાત તરીકે ઓળખવા ઇચ્છું છું
અને સર્વ પદાર્થોમાં તને આવિર્ભાવ પામેલો જોવા ઇચ્છું છું.
તું જ અસ્તિત્વની એકમાત્ર વાસ્તવિકતા છે,
તું જ અસ્તિત્વનું એકમાત્ર કારણ
અને એકમાત્ર લક્ષ્ય છે.
તો મારી એ પ્રાર્થના છે કે,
મારો તારા પ્રત્યેનો પ્રેમ વિના અટક્યો વૃદ્ધિ પામતો રહે
અને હું એ રીતે સર્વ પ્રેમરૂપ બની રહું
તારા જ પ્રેમરૂપે બની રહું
અને તારી સાથે પૂર્ણરૂપે એક બની રહું.
આ પ્રેમ વધુ ને વધુ તીવ્ર બનતો રહે,
પૂર્ણ તેજોમય શક્તિમય બનતો રહે;
એ પ્રેમ તારા પ્રત્યે જવા માટે
એક અવિરોધ્ય આવેગ બની રહો
તને આવિર્ભાવ આપવા માટે એક અજેય સાધન બની રહો.
… … …
પ્રકાશિત બનો, રૂપાંતર પામેલું બનો.
પ્રાણની સર્વ શક્તિઓ તારા પ્રેમ વડે
સંપૂર્ણ રીતે આરપાર વીંધાઈ જાઓ,
ઘાટ પામેલી બનો.
… … …
આ મગજ તારા પ્રેમ દ્વારા પુન:રચના પામો,
છેવટે, તારો પ્રેમ
એનામાં જે શક્તિ, તેજ, મધુરતા અને શક્તિ રહેલાં છે
તે વડે સર્વ વસ્તુઓને છલકાવી દો,
રેલંછેલ કરી દો, આરપાર વીંધી જાઓ,
પુનર્જીવિત કરી દો, અનુપ્રાણિત કરી દો.
તારા પ્રેમમાં શાંતિ રહેલી છે, તારા પ્રેમમાં છે આનંદ,
તારા પ્રેમમાં રહેલું છે તારા સેવક માટે કામ કરવાનું
ચક્રવર્તી ઉચ્ચાલન.
તારો પ્રેમ વિશ્વ કરતાં પણ વધુ વિશાળ છે,
સર્વ યુગયુગાન્તરો કરતાં વધુ સ્થાયી છે,
એ અનંત છે, શાશ્વત છે, એ તું પોતે જ છે;
અને હું તારા રૂપે જ બની રહેવા ઇચ્છું છું
અને હું તારા રૂપે જ છું,
કારણકે તારો નિયમ એ રીતનો છે,
તારી ઇચ્છા એ રીતની છે.
માતાજી