પરમ સમીપે/૨૯
તારી પતાકા તું જેને આપે છે, તેને વહન કરવાની શક્તિ પણ
આપે છે. તારી સેવાનો મહત્ પ્રયાસ સહેવાની ભક્તિ પણ
આપે છે. તેથી જ તો હું પ્રાણ ભરીને માગું છું દુઃખની
સાથે દુઃખનું નિવારણ કરવાની શક્તિ.
તારા હાથનું વેદનાનું દાન ઉવેખીને હું કાંઈ મુક્તિ
માગતો નથી. દુઃખની સાથે તું ભક્તિ આપે, તો દુઃખ તો
મારા માથાનો મણિ બની જાય.
જો તું તને ભૂલવા ન દે,
અને મારા અંતરને જાળજંજાળમાં ફસાવા ન દે,
તો પછી તારે આપવાં હોય એટલાં કામ આપજે.
તારી ઇચ્છા હોય એટલા દોરડાથી મને બાંધજે
પણ તારા ભણી મને મુક્ત રાખજે,
તારી ચરણરજથી પવિત્ર કરીને
ભલે મને ધૂળમાં રાખજે,
ભૂલવીને મને સંસારને તળિયે રાખજે
પણ તને ન ભૂલવા દઈશ.
જે માર્ગે તેં મને ભમવાનું સોંપ્યું છે,
તે માર્ગે હું ભમીશ.
પણ છેવટ તો હું તારે જ ચરણે જાઉં
મારી બધી મહેનત મને, મારો થાક ઉતારી નાખનાર પાસે —
તારી પાસે લઈ જાય,
માર્ગ દુર્ગમ છે, સંસાર ગહન છે,
કેટલા ત્યાગ, શોક, વિરહ, સંતાપ તેમાં રહેલા છે!
જીવનમાં મૃત્યુને વહન કરીને
હું મૃત્યુમાં જીવન પામું,
સન્ધ્યાવેળાએ સહુને આશ્રય આપતાં તારાં ચરણે
મને માળો પ્રાપ્ત થાય,
એવું કરજે.
રવીન્દ્રનાથ ટાગોર