પરમ સમીપે/૪૦
ભગવાન,
હું પોતે જાણું છું છતાં તેના કરતાં તું વધારે સારી રીતે જાણે છે કે
હું વધુ ને વધુ ઉંમરવાન થતી જાઉં છું અને એક દિવસ
હું બુઢ્ઢી થઈ જઈશ.
દરેક પ્રસંગે અને દરેક વિષય પર
મારે કંઈક કહેવું જ જોઈએ.
એવું માનવાની ભયંકર આદતમાંથી મને બચાવ.
બધાંનાં કોકડાં હું ઉકેલી આપું
એવા ધખારામાંથી મને છૂટી કર.
મને ચિંતનશીલ બનાવ પણ ધૂની નહિ;
મદદગાર બનાવ, પણ દમ છાંટનાર નહિ;
મારો આટલો મોટો ડહાપણનો ભંડાર,
એ બધાનો ઉપયોગ ન કરવો, એ તે કેવી કરુણતા!
પણ તું જાણે છે ભગવાન, કે છેલ્લા દિવસોમાં
મારે થોડા મિત્રો હોય એવું જોઈએ છે.
ઝીણીઝીણી વિગતોને વાગોળવામાંથી મારા મનને મુક્ત કર.
મને પાંખો આપ કે મુદ્દાની વાત પર હું ઝટ પહોંચી શકું.
મારાં દુઃખો અને દર્દો પર મારા હોઠ સીવી લે,
એ તો વધતાં જ જાય છે.
અને જેમ સમય વીતતો જાય છે, તેમ તેમને ફરી ફરી કહી
સંભળાવવાનો આનંદ મીઠો બનતો જવાનો.
બીજાઓની રામકહાણી હું માણી શકું, એવી
કૃપા હું તારી પાસેથી માગતી નથી;
પણ એમને ધૈર્યથી સહી લેવામાં તું મને મદદ કરજે.
મારી સ્મરણશક્તિ સુધાર, એવું માગવાની મારી હિંમત નથી,
પણ મારી સ્મરણશક્તિ અને બીજાઓની સ્મરણશક્તિ
પરસ્પર બાખડી પડે ત્યારે,
મારામાં નમ્રતા વધારજે અને ‘મારી જ વાત ખરી’
એવી અચૂકતા ઓછી કરજે.
કોઈ કોઈ વાર મારી પણ ભૂલ થઈ શકે
એ ભવ્ય બોધપાઠ મને શીખવજે,
એટલું હું માગું છું.
મારે સંત નથી થવું. એમાંના ઘણા સાથે રહેવાનું એટલું તો
મુશ્કેલ હોય છે!
પણ પ્રમાણમાં મને મધુર રાખજે,
રોદણાં રડતું ઘરડું માણસ તો શેતાનનું એક સૌથી યશસ્વી
સર્જન છે.
ન કલ્પ્યાં હોય એવાં સ્થાને સારી બાબતો જોવાની,
ન કલ્પ્યાં હોય એવા લોકોમાં પ્રતિભા જોવાની
મને શક્તિ આપજે.
અને તેમને હું એ જણાવું પણ ખરી,
એટલી હે ભગવાન, મને ઉદારતા આપજે.
૧૭મી સદીની એક ખ્રિસ્તી સાધ્વી